ગદ્ય-અમૃતા પ્રિતમ/સહાદત હસન મન્ટો

અમદાવાદ શાખા

૧) સ્વાતિ સુચક શાહ

શીર્ષક-અમૃતા પ્રીતમ

શબ્દસંખ્યા-૨૬૫

હાલ પાકિસ્તાનના તાબા હેઠળના પંજાબમાં જન્મી અને ભાગલા વખતે ભારતમાં આવીને સ્થાયી થનાર એક સ્ત્રી. આવું કહીએ તો કેટલીયે સ્ત્રીઓ વિશેની વાત લાગે. પણ ના, આ કોઈ સામાન્ય સ્ત્રીની વાત નથી. આ તો અમૃતા પ્રીતમ નામની દિગ્ગજ હસ્તીની વાત છે.

  ઈ.સ. ૧૯૧૯માં જન્મીને ૨૦૦૫માં મૃત્યુ પામનાર આ અદભુત સ્ત્રીએ પોતાના દમ પર પોતાનું નામ એવું બનાવ્યું કે આવનારો સમય સદીઓ સુધી યાદ રાખશે.

   પિતા સાહિત્ય સાથે સંકળાયેલા હોવાને કારણે શબ્દ સાધના એમને વારસામાં મળી હતી. માતાના અવસાન બાદ એકલતાને એમને શબ્દોમાં ઢાળી અને એ કવિ બની ગયા. પ્રીતમ સાથે લગ્ન કરીને એ અમૃતા પ્રીતમ બન્યા.

        ભાગલાનાં દર્દને સહીને, કત્લેઆમ જોઈને વ્યથિત એમની કલમે મોટાભાગે પીડાને આલેખી છે. પોતાના વતન પંજાબની દશા જોઇને થયેલા દુઃખમાં એમણે એ જ પ્રદેશના મૂર્ધન્ય પણ મૃત કવિ વારિસ શાહને સંબોધીને જે કાવ્ય લખ્યું એ અમૃતને ચિરંજીવી કરી ગયું.

     એમની અંગત જિંદગી ઘણી ઊથલપાથલથી ભરેલી રહી. એ વેદનાએ જ કદાચ એમના શબ્દોને વેગ આપ્યો હશે. એમની ઘણી રચનાઓ-ગદ્ય અને પદ્ય-લગ્નજીવનના દુઃખદ અનુભવો પર આધારિત હતી.

     એમની કૃતિઓ- વાર્તાઓ એટલી દમદાર છે કે એના પરથી ફિલ્મો પણ બની છે. દાખલા તરીકે “ધરતી, સાગર તે સિપીયાં”પરથી  “કદંબર”, “ઉનાહ દી કહાની” પરથી “ડાકૂ”, “કંકાલ” પરથી “પિંજર”.

      બીજાની જીવનકથાઓ લખનાર પોતાની આત્મકથા ન લખે એવું બને? પંજાબીમાં “રસીદી ટિકિટ”, જે “રેવન્યુ સ્ટેમ્પ”નાં નામે અનુવાદિત થઈ અને “બ્લેક રોઝ” એમની આત્મકથાઓ છે.

     આટલું યાદગાર સાહિત્ય પીરસનારને સન્માન/પુરસ્કાર ન મળે તો જ નવાઈ. સાહિત્ય અકાદમી પુરસ્કાર, પંજાબ રતન એવોર્ડ, જ્ઞાનપીઠ એવોર્ડ, સાહિત્ય માટે પદ્મશ્રી, સાહિત્ય અને શિક્ષણમાં પદ્મવિભૂષણ, વગેરે જેવા અનેક સન્માન એમનાં નામે બોલે છે.

    અઠ્યાવીસ નવલકથાઓ, અઢાર કાવ્યસંગ્રહો,પાંચ ટૂંકી વાર્તાઓ અને સોળ વિવિધ પ્રકારનાં ગદ્યો લખનાર અમૃતા પ્રીતમની ચેતનાને સલામ!

__________________________________

૨) લતા સોની કાનુગા

શીર્ષક : મન્ટો

શબ્દ સંખ્યા (ગદ્ય) ૩૫૮

મન્ટો…  પૂરું નામ સઆદત હસન મન્ટો. ૧૯૧૨ ના મે મહિનાની ૧૨ મી તારીખે જન્મ. ૪૩ વર્ષે તો મૃત્યને શરણ થયા. કહો ને.. પોતે પોતાની જાતને મૃત્યુ તરફ ધકેલતા હોય એવી યાતનાભરી જિંદગી અંતે રહી. ૨૨ વરસની ઉંમરથી તેઓ વાર્તાઓ.. લેખો.. જીવનચરિત્ર લખતા થયા. પણ લોકો વધારે તેમને તેમની સટીક.. આપણને વાંચતા હૈયા સોંસરવી ઉતરી જાય એવા લખાણોવાળી વાર્તાઓથી  ઓળખે છે. એમની વાર્તાઓમાં મુખ્ય વિષય સામાજિક, જાતિયજીવન અને વેશ્યાજીવન.. રહ્યા. એથી જ અમુક લોકોને કણાની જેમ ખૂંચતા પણ રહ્યા.

જન્મે ભારતીય પણ વિધિની વિચિત્રતાએ એમની મરજી વિરુદ્ધ ભાગલાં પછી ૧૯૪૮ માં પાકિસ્તાન જવું પડ્યું. શરીર ભલે પાકિસ્તાનમાં હતું પણ હૃદયથી તેઓ ક્યારેય ભારત.. મુંબઈને ભૂલી નહોતા શક્યા. 

એટલી ઓછી જિંદગીમાં એમણે ખૂબ યાતનાઓ સહન કરી. પોતાના બાળકનું મૃત્યુ.. ટી.બી.ની બીમારી.. લોકોની બેરહેમી.. એ બધાંના પરિપાક રૂપે જ એમની વાર્તાઓમાં નરી વાસ્તવિકતાના દર્શન થાય.. અમુક વાર્તાઓ તો નગ્ન સત્યથી ભરેલી, વાંચીને રૂંવાટા ઉભા થઇ જાય. ભાગલા પહેલાંના રાજકીય કાવાદાવાથી ઉબકાઈ ગયા ત્યારે લખેલી વાર્તાઓ ‘બૂ’ ‘કાલી સલવાર’ ‘ઘુંઆં’ પર તો ભાગલા પહેલાની અંગ્રેજી સરકારે કેસ કર્યો હતો..ને એમને જેલ થઈ પણ નિર્દોષ છૂટ્યા. ભાગલા વખતે લોકોની દયનિય હાલત જોઈ ઉકળી ઉઠતા. કત્લેઆમ જોઈ એમની વાર્તાઓમાં હિન્દૂ કે મુસ્લિમવાદ નહિ પણ માનવવાદ ઉભરી આવતો. છેવટે ન છૂટકે એમને પાકિસ્તાન જવું પડ્યું. ત્યાંનું ગંદુ રાજકારણ જોઈ લખાયેલી વાર્તા ‘ઠંડા ગોસ્ત’ અને એક બીજી વાર્તા પર ત્યાં પ્રતિબંધ કરી એમને જેલ થઈ.. એ પછી સુન.. અર્ધ પાગલ અવસ્થામાં જ એમની જિંદગી વહી.. 

ભાગલા પછીનો એમના મનનો ઉકળાટ ‘મિલાવટ’ ‘બે ખાડા’ જેવી વાર્તાઓમાં તરી આવે છે. ભલે એ વખતે અમુક લોકો એમને સાહિત્યકાર નહોતા માનતા કેમ કે જે હોય એ નગ્ન સત્ય લખતા એ ઘણાને ખૂંચતુ. કહેવાતા સમાજવાદીઓ જે વાત પર પડદો પાડી રાખવામાં માનતા એ જ વાત મન્ટો વાર્તામાં વણી લેતા ને એ રીતે દંભી સમાજના ચીંથરા ઉડાડતા. તેઓ નખશીખ સાહિત્યને સમર્પિત હતા ને એથી જ લખવા ખાતર ન લખતા પણ જે અનુભવાય એ જ બહાર લાવવાનો પ્રયત્ન કરતા. એટલે તો એમના પર અહીં કે પાકિસ્તાનમાં કેસ ચાલ્યા પણ એમને પોતાની વાત પાછી નહોતી લીધી.

તેઓ જન્મે ભારતીય હતા ને મુંબઈમાં .. પજાબમાં..રહ્યા હતા એથી એમની વાર્તાઓમાં ઉર્દુ ઉપરાંત હિન્દી.. પંજાબી લઢણ પણ જોવા મળે છે. મન્ટો એક જ હતા ને એક જ રહેશે.. એવા લેખક બીજા થવા મુશ્કેલ.

__________________________________

૩) સ્વાતિ શાહ

શિર્ષક: અમૃતા પ્રીતમ

શબ્દ : 333.

અમૃતા પ્રિતમ નામ આવે એટલે પંજાબની ભવ્ય જાજરમાન સ્ત્રીનું વ્યક્તિત્વ  ઉપસી આવે!

હાલના પાકિસ્તાનના ગુજરાનવાલા ના ગુજરાતી માતા રાજબીબી ને પંજાબી પિતા

 કરતાર સિંહની પુત્રી એટલે અમૃતા.

તેમનો જન્મ ૩૧/૮/૧૯૧૯ માં થયો અને દેહમૃત્યુ ૩૧/૧૦/૨૦૦૫. 

પિતા ખુબ ધાર્મિક. કવિતા લખવાનો વારસો પિતા પાસેથી મેળવ્યો. અગિયાર વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થતાં પિતા જાણે જીવનનો રસ ગુમાવી બેઠા હોય તેવી અનુભૂતિ થવા લાગી. અમૃતા મુંઝવણ માં આવતા કે તે હવે પિતાને બંધનકર્તા છે કે શું! 

કાફિયા રદીફનો હિસાબ પિતાએ સમજાવ્યો એટલે તેમણે પિતાની નજરમાં વ્હાલા બનવા રચનાઓ લખવા લાગ્યા. પિતા દ્વારા અક્ષરની અદબ કેમ જાળવવી તે બાળપણથી શીખવાડવામા આવી હતી. 

પોતાના ઘરમાં દાદી હિંદુ અને મુસ્લિમ નો ભેદ રાખતા તેનો વિરોધ અમૃતા એજ કરી અને નાબુદ કરાવ્યો હતો. 

ગુરુગ્રંથનો એક પાઠ રોજ બોલીને રાત્રે સુવાનો એમના ઘરમાં નિયમ હતો. પરંતુ માતાનું મૃત્યુ પોતાની સામે ભગવાનને અનેકવાર વિનંતી કરવા છતાં થયું. આ કારણે અમૃતાને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ડગી ગઇ. 

હિંદુસ્તાના ભાગલા પડાવનારને હાથે બરબાદ થવા છતાં બન્ને ધર્મના જુલ્મ વિશે કોઇ પણ ઓછાપણુ કે ભિન્નતા લાવ્યા વગર એમણે ‘ પિંજર’ નવલકથા માં સુંદર રીતે વણ્યુ છે. 

1857 માં એમના કાવ્ય સંગ્રહ ‘ સંદેશા’ ને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો. પછીથી બીજા ઘણાં જેવાકે પંજાબી  રત્ન, પદ્મશ્રી! પદ્મ વિભુષણ, સન્માનથી નવાજાયેલા અમૃતાની જીવનશૈલી સામાન્ય સ્ત્રીઓ કરતાં અલગ બગાવતી કહેવા માં આવતી હતી. 

તેમના જીવનમાં ઘણાં પુરુષો આવ્યા. પતિ, કોઈ પ્રેમીના રુપે તો કોઈ મિત્ર રુપે. પરંતુ બધાં સાથે સંબંધ નિભાવી જાણતા હતા. 

તેમણે સાહિત્ય જગતને ઘણાં પુસ્તકો આપ્યા. 

પિંજર, એક થી અનિતા, દિલ્હી કઈ ગલિયાં, આખિરી ખત, યાત્રી વગેરે.. 

એકવાર તેઓ ખુશવંતસિંહ સાથે સહજ રીતે વાતો કરતાં કહ્યું કે તેમણે વાર્તા, કવિતા, નવલકથા બધું લખ્યું તો હવે થોડુંક પોતાના વિશે લખે તો કેવું! ખુશવંતસિંહ જવાબ આપ્યો કે, “તારી જિંદગીમાં શું હોઈ શકે. એકાદ બે પ્રસંગો લખવા માટે તો રેવન્યુ સ્ટેમ્પની પાછળની બાજુ પૂરતી થાય.” 

અમૃતા પ્રીતમની આત્મકથા ‘રસીદી ટિકટ’ લખાઈ. જેનો ગુજરાતી અનુવાદ જ્યા મહેતા દ્વારા બહુ સુંદર રીતે રેવન્યુ સ્ટેમ્પના નામે કરવામાં આવ્યો છે. 

ચોપડીના નિવેદન માં શ્રી. જ્યા મહેતા એ લખ્યું છે કે આ આત્મકથા માત્ર આત્મકથા નથી. પણ કંઈક અંશે પંજાબીની સાહિત્યકથા પણ છે.

_________________________________

૪)  પ્રફુલ્લા”પ્રસન્ના

શીર્ષક — અમૃતા પ્રીતમ

શબ્દો — ૨૧૬

      અમૃતા પ્રીતમનો જન્મ એકત્રીસ ઓગષ્ટ ઓગણીસના દિવસે થયો હતો.રાજબીબી અને કરતારસિંગનું એ એક માત્ર સંતાન હતી.

        અમૃતા પ્રીતમ લેખનના વિશ્વમાં ધ્રુવ તારા સમાન છે.એ એક અલગારી પ્રતિષ્ઠિત લેખિકા હતાં. સાહિત્ય અકાદમી એવોર્ડ,પંજાબ રત્ન, પદ્મશ્રી અને પદ્મવિભૂષણથી સન્માનિત એક ભવ્ય વ્યક્તિત્વ હતું અમૃતા પ્રીતમ.તેમની રશીદી ટીકીટ, જલિયાંવાલા,કોરા કાગજ,અને પિંજર વિશ્વ પ્રસિદ્ધ  છે.પોતાના વતન પાકિસ્તાન પ્રત્યે એમને વિશેષ લગાવ હતો.એમણે અંગ્રેજી, હિન્દી, પંજાબી અને ઉર્દુ ભાષામાં પણ સાહિત્ય લખ્યું છે.

          આજના સમયમાં એમના ક્રાંતિકારી વલણને, એમના એકથી વધારે પ્રેમ સંબંધને લોકો સકારાત્મક જુએ છે. સાહિર સાથે પ્રેમમાં પડ્યા પછી એ એમના પતિ પ્રીતમસિંગથી જુદા પડ્યા. સાહિર પ્રત્યે એમની લાગણી ધોધ જેવી હતી પણ સાહિર અલગારી જીવ હતાં. વાત આગળ ના વધી ને એ  ઈમરોઝ સાથે જીવનના ચાલીસ વર્ષ જીવ્યાં.ઈમરોઝ જાણતા હતાં કે અમૃતાના જીવનમાં જે સૌથી ઊંડી તડપ છે એ પોતાના માટે નથી એ સ્વીકારીને એ અમૃતા સાથે જીવ્યા.અમૃતાએ પોતાનું એક પુસ્તક સાહિરને અર્પણ કર્યું હતું જે ઈમરોઝ જાતે સાહિરને આપવા ગયા હતાં. અમૃતા, ઈમરોઝ, સાહિર કોઈ વ્યક્તિ નહોતા, કંઈક વિશેષ હતું એમનામાં જે સામાન્ય વ્યક્તિથી એમને અલગ પાડતા હતાં. પણ માણસ તરીકે કેટલીક વાતો સહન કરવી સહેલી નથી.

અમૃતાએ લખ્યું છે કે,”જહાં ભી આઝાદ રુહકી ઝલક પડે, સમજ લેના,વહીં મેરા ઘર હૈ.”

આ ઘર બનાવવા અને ટકાવી રાખવા ઈમરોઝે બહુ તકલીફો ઝીલી હશે.

     એકત્રીસ ઓક્ટોબર બેહજાર પાંચના રોજ તેઓ મૃત્યુ પામ્યાં.

__________________________________

૫) દર્શના વ્યાસ ‘દર્શ’

વિષય: અમૃતા પ્રિતમ

યહ જો એક ઘડી હમને,

મૌત સે ઉધાર લી હૈં,

ગીતો સે ઇસકા દામ ચુકા દેગે.

અમૃતા પ્રિતમની કલમની સક્ષમતાં જ આ તેમની પંક્તિ કહી જાય છે. દુનિયાભરની દોલત એક શ્વાસ ખરીદવા સક્ષમ નથી ત્યાં અહીં ગીતોથી જિંદગીની કિંમત ભરપાઈ કરવાની ખુમારી કવિયત્રી ધરાવે છે.

અમૃતા પ્રિતમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૧૯માં પંજાબના ગુજરાનવાલા ગામમાં અમૃતાજીનો જન્મ થયો.માતા રાજબીબી અને પિતા કરતારસિંઘને ત્યાં થયો હતો.પિતા  કવિ હોવા ઉપરાંત તત્વજ્ઞાનના અભ્યાસુ પણ ખરા.માતા-પિતા બન્ને શિક્ષક હતા. અમૃતાનાં પિતા પિયુષના ઉપનામથી કવિતાઓ લખતાં એટલે તેણે દીકરીનું નામ અમૃતા રાખ્યું હતું. બાર વર્ષની ઉંમરે બે ભાઈ અને માતા ખોઈ બેઠેલી અમૃતા વૈરાગ્ય તરફ વળતાં પિતાને રોકવા અને રાજી રાખવા કવિતાઓ લખવાનું શરૂ કર્યું. આ કલમ યાત્રા પહેલું પુસ્તક બની બહાર આવે તે પહેલાં સોળ વર્ષની કાચી ઉંમરે તેના પિતાને પણ કાળે છીનવી લીધા.માત્ર ચાર વર્ષની વયે થયેલી સગાઈ સોળ વર્ષે પ્રીતમસિંગ સાથે લગ્નમાં પરિણમી રૂઢીચુસ્ત ઘર,કુરિવાજો, સામાજિક બંધનો વચ્ચે અમૃતાનો જો કોઈ સાથી હોય તો ઘરમાં રહેલા અનેક પુસ્તકો જે અમૃતાની દુનિયા બની ગઈ અને સામાજિક આક્રોશ તેની કલમમાંથી ધારદાર રીતે ટપકવા લાગ્યો.પતિને તે ચાહી શકે તેમ નથી તેવું લાગતાં બે સંતાનની માતા બન્યાં પછી પતિ સાથે સમજદારી સાથે અલગ થયાં વીસ વર્ષની ઉંમરે તેના સપનાં અને કલ્પનામાં તે એક પુરુષને જોતી તેણે પોતાની કલ્પનાનાં પુરુષને રાજન નામ આપ્યું.આ કલ્પનાં તેમનાં માનસ પર એટલી હદે હાવી હતી કે તેના પુત્ર નવરોઝ જ્યારે જન્મ્યો ત્યારે અદલ તે તેની કલ્પનાનાં પુરુષ જેવો દેખાતો.જ્યારે તે સાહિર લુધિયાનવીને મળી ત્યારે તેને લાગ્યું  તેની કલ્પનાનાં રાજનતો સાહિર જ છે. બંને ખુબ સારા મિત્રો બન્યા. નવરોઝ જ્યારે મોટો થયો ત્યારે સાહિર જેવાં દેખાવથી અમૃતાને પુછતો’ મા હું સાહિરનો દીકરો છું?’ ત્યારે અમૃતા કહેતી, ‘ જો એવું હોત તો મને આનંદ હોત અને તેનો મેં ખુશીથી સ્વીકાર કર્યો હોત પણ તારા જન્મ પહેલાં હું સાહિરને નોહતી મળી.’ આમ અમૃતા ઋજુ હૃદય અને પ્રેમમાં કલ્પનાને હકીકત તરીકે જન્મ આપનાર તો સાથે તેના સ્વીકારની હિંમત રાખતી અમૃતા જ્યારે પોતાનું સર્વસ્વ સાહિરને માનવા લાગી તે સમયે સાહિરના લગ્ન સુધા મલ્હોત્રા સાથે થયાં. અમૃતાને ખુબ આઘાત લાગ્યો તે મનથી ખુબ તૂટી ચુક્યા હતાં ત્યારે ઇમોરોઝનો તેને ખુબ સાથ મળ્યો તે ઇમોરોઝ સાથે રહેતાં હતાં અમૃતા સાહિરને ચાહે છે તે જાણવા છતાં તે અમૃતાને ખુબ પ્રેમ કરતાં હતાં. અમૃતાની સાહિરની એઠી સિગરેટ કે શરાબ પીતાં ત્યારે અમૃતાની વ્યથા તે જોઈ નાં શકતાં તેમને અમૃતાને સધિયારો આપ્યો જેને લઈ અમૃતા આદ્યાત્મિક લેખન તરફ વળ્યાં.અમૃતાની સાહિત્યની યાત્રા પણ જીવનના ઉતાર ચઢાવની સમાંતર ચાલતી રહી.

છ દાયકાથી વધારે લાંબી કારકીર્દિમાં તેમણે 28 નવલકથાઓ, 18 ગદ્યસંગ્રહો, પાંચ ટૂંકી વાર્તાઓ અને 16 વિવિધ ગદ્ય આવૃત્તિઓ લખ્યા હતા.”રશીદી ટીકીટ”તેમની આત્મકથા લેખન છે.

૧૮મી સદીના કવિ વારિસની યાદમાં લખેયાલા શોકગીત “વારિસ શાહને ઊર્મિકાવ્ય”માં ભારતના ભાગલા વખતે થયેલા કત્લેઆમ અંગે તેણીએ પોતાના સંતાપની અભિવ્યક્તિને રજૂ કરી હતી.

નવલકથાકાર તરીકે તેમની ખ્યાતનામ કૃતિ પીંજર (કંકાલ) (૧૯૫૦) છે, જેમાં તેમણે પોતાનું યાદગાર પાત્ર પુરો રચ્યુ હતુ, જે મહિલાઓ સામેની હિંસાનો સંક્ષેપ, માનવતાનું હનન અને અસ્તિત્વના ભાગ્ય સામે ઘુંટણિયા ટેકવી દેવાની વાત છે; આ નવલકથા પરથી 2003માં પીંજર નામની પુરસ્કાર વિજેતા ફિલ્મ બની હતી. સુનેહે,કાગજ તે કેનવાસ  માટે ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. પદ્મ શ્રી અને વર્ષ 2004માં ભારતનું બીજુ સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ તેમજ ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકદામી ફેલોશિપ અપાયા હતા. તેમને ઘણી યુનિવર્સિટી દ્વારા ડી.લીટ.ની માનદ પદવી આપવામાં આવી હતી, જેમાં દિલ્હી યુનિવર્સિટી, જબલપુર યુનિવર્સિટી  અને વિશ્વ ભારતી નો પણ સમાવેશ થાયછે.તેમને બલ્ગેરિયાના ગણતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય વેપ્તસારોવ પુરસ્કાર અને ફ્રાન્સ સરકાર દ્વારા માં ઓફિસર ડેન્સની પદવી, ઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટર્સ આપવામાં આવી હતી.તેમને 1986-92 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરાયા હતા. જીવનના અંતિમ દિવસોમાં તેમને પાકિસ્તાનની પંજાબી એકાદમી દ્વારા પુરસ્કાર અપાયો હતો.આ ઉપરાંત પહેલાં કોઈ ભારતીય કવિયત્રી રહ્યાં જેમનું ગુગલે પણ ડુડલ બનાવેલું.

પ્રેમ અમૃત માટે તરસતા

અમૃતા ખરા અર્થમાં સાહિત્યનું અમૃત અને અમર પાત્ર રહ્યાં.૮૬ વર્ષની વયે  ૩૧ સપ્ટેમ્બર ૨૦૦૫ ના રોજ અમૃતાએ જીવન સંકોર્યું . પણ આજે જ્યારે સત્ય,અત્યાચાર, દૂષણો કે પછી પ્રેમ અને ભારોભાર સંવેદના સભર તેમજ સ્પષ્ટ બેબાક કલમની વાત આવે તો એક જ નામ હોઠે આવે અમૃતા પ્રિતમ.

__________________________________

૬) કુસુમ કુંડારિયા.

શીર્ષક : અમૃતા પ્રિતમનું જીવન.

શબ્દ : ૪૩૫.

     અમૃતા પ્રિતમના નામથી સાહિત્ય જગત અજાણ હોય એવું શક્યજ નથી. સાહિત્ય રસિક હોય એણે અમૃતા પ્રિતમના સાહિત્યને ન વાંચ્યું હોય તો તેનું રસિકપણું અધુરું ગણાય. અમૃતા પ્રિતમનો જન્મ આમ તો આઝાદી પહેલાનાં બ્રિટિશ ઇન્ડિયા એટલે કે હાલના પાકિસ્તાનના બહાઉદીન શહેરમાં 31 ઑગષ્ટ 1919નાં રોજ થયો હતો. ભાગલા બાદ તેઓ પંજાબનાં ગુજરાનવાલામાં  રહ્યાં હતાં. અમૃતા પ્રિતમે બંને દેશોને બરાબર ચાહ્યાં હતાં. કારણ કે એક તરફ શૈશવકાળ અને બીજી તરફ સ્વદેશની ભીની માટીની સુગંધ તેમના શબ્દોમાં સતત દેખાતી રહેતી. અમૃતાનું બાળપણ લાહોરમાં વિત્યું હતુ અને તેમણે ત્યાં જ શિક્ષણ લીધું હતુ. તેમને બાળપણથી લખવાનો શોખ હતો. કહેવાય છે કે તેઓ પંજાબી ભાષાનાં પ્રથમ કવિયત્રી હતા. તેમના વિચારો હંમેશા  સમયથી આગળનાં રહેતાં. આથીજ અમૃતા પ્રિતમે સમાજ માટે ક્યારેય પોતાને બદલ્યા નહોતા.

      અમૃતા પ્રિતમનું મૂળ નામ અમ્રિત કૌર છે. ‘ગરમ હવા’ એ એમનું સર્જન છે. કવિ અને ગીતકાર સાહિર લુધિયાનવી સાથેનાં તેમના પ્રેમની ચર્ચાઓ આજે પણ છે અને તેમણે આ વાતને ક્યારેય છુપાવી પણ નહોતી. તેમના લગ્ન પ્રિતમસિંગ સાથે થયા હતાં. જીવનના આંતરિક સંઘર્ષની સાથે અમૃતાએ સાહિત્યને ક્યારેય છોડ્યું નહોતું. તેઓ લાગલગાટ સર્જન કરતા રહ્યાં. તેમની જીવન જીવવાની આ જ ફિલોસોફી હતી! નાસીપાસ થયા વિના તેઓ પોતાના કાર્યને આગળ ધપાવતા રહ્યાં. ભીતરની સ્ત્રી પ્રત્યે તેનો સંઘર્ષ સતત ચાલુ રહેતો. તેમણે સાંપ્રત સ્થિતિ પર પોતાની કલમ એવી ચલાવી હતી કે તેમની લખેલી વાતને  આજે પણ કોઈ સાબિતિની જરૂરિયાત રહેતી નથી. કારણ કે દરેક શબ્દની સાથે તેનો વ્યંગ પણ છતો થઈ જાય છે. તેમની આ રચના જોઇએ,

મૈંને જિંદગી સે ઇશ્ક કીયા થા

પર જિંદગી એક વેશ્યા કી તરહ

મેરે ઇશ્ક પર હસતી રહી

ઔર મૈં ઉદાસ એક નામુરાદ આશિક 

સોચોં મેં ઘૂલતા રહા

પર જબ ઐક વેશ્યા કી હંસી

મૈં ને કાગઝ પર ઉતારી

તો હર લફ્જ કે ગલે સે એક ચીંખ નીકલી

ઔર ખુદા કા તખ્ત બહોત દેર તક હિલતા રહા

   જિંદગી એક વેશ્યાની જેમ ક્યારેય કોઇની થઈ નથી.! રોજેરોજ નવા કારસ્તાનો કરતી રહે છે. જિંદગીની કટુતા વિશે જ્યારે તેનુ મન કડવાશ નિચોવે છે. ત્યારે કવયિત્રિનું મન ચગડોળે ચઢે છે. હાસ્યને શબ્દ વેદના મળે છે ત્યારે ચિત્કાર નીકળે છે.અને અમર્યાદિત રીતે હસતું રહે છે અખિલ બ્રહ્માંડ. અમૃત પ્રિતમનું અંગત જીવન તેમના શબ્દોમાં પડઘાય છે. તેઓ પોતાની દરેક કવિતાને સ્વાનુભવમાંથી જ સ્ફુરિત કરતા રહે છે.

     અમૃતાએ 31 ઓકટોબર 2005માં 86 વર્ષની ઉંમરે આ જગતને અલવિદા કહ્યું. અમૃતા પ્રિતમે લગભગ 100 કરતા વધુ પુસ્તકો લખ્યા. જેમાં કવિતા, નિબંધ અને નવલકથાઓનો સમાવેશ થાય છે. પંજાબી ભાષામાં સાહિત્યક્ષેત્રે તેઓનું પ્રદાન અનન્ય છે. તેઓ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનારા પ્રથમ લેખિકા હતા. 1969માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા. તેઓએ રેવન્યુ સ્ટેમ્પ નામે પોતાની આત્મકથા પણ લખી છે. ગુગલે પણ ડૂડલ બનાવીને આ આ મુઠી ઉંચેરા કવિયત્રી અમૃતા પ્રિતમને તેમના જન્મ દિવસ યાદ કર્યા છે. 

_________________________________

૭)  અંજલિ દેસાઈ વોરા

શબ્દસંખ્યા : 306

            સાહિત્ય સાગરનુ એક અમૂલ્ય મોતી એટલે અમૃતા પ્રીતમ જેઓ એક ઉમદા કવિયત્રી, નવલકથાકાર અને નિબંધકાર હતા. પંજાબી, હિંદી, ઉદુૅ અને અંગ્રેજી જેવી ભાષાઓમાં રચાયેલ તેઓનું લખાણ વિશ્વપ્રસિધ્ધ છે. 

                  31 ઓગસ્ટ 1919માં પંજાબી કુટુંબમાં જન્મેલા આ પ્રતિભાશાળી કવિયત્રીની  જન્મભૂમિ પાકિસ્તાન અને કમૅભૂમિ ભારત રહી છે. 1947 માં લાહોરથી ભારત આવીને વસેલાં અમૃતાજીને બન્ને દેશોની પ્રજાએ બેહદ ચાહ્યાં છે. છ-છ દાયકાઓ સુધી લોકોના દિલો પર રાજ કરનારા અમૃતાજીએ સો જેટલી કવિતાઓ, લેખ, આત્મકથાઓ, નિબંધો અને પંજાબી લોકગીતોની રચના કરી છે. આ બધી જ રચનાઓને અનેક ભારતીય તથા વિદેશી ભાષાઓમાં રૂપાંતરીત કરવામાં આવી છે. 

                 ફક્ત 11 વષૅની કુમળી ઉંમરમાં માઁ ગુમાવનારાં અમૃતાજીએ જીવનમાં ધણી તડકી-છાંયડી જોઈ છે. માઁ વગરના જીવનની એકલતા, ભારત-પાકિસ્તાન ભાગલા દરમ્યાનની દારુણ કરુણતાં, લગ્નજીવનની નિષ્ફળતાં, પ્રેમમાં મળેલી પછડાટ અને અનેક કડવા અનુભવો દ્વારા મળેલ  પીડા, દદૅ, એકલતા એમની રચનાોમાં ભારોભાર છલકાય છે.

               અમૃતાજીની ધારદાર કલમે રચેલી ઉત્કૃષ્ટ રચનાઓ જેવી કે રસીદી ટીકિટ, કાગઝ તે કેનવાસ, આજ આખાં વારિસશાહનું, પિંજર, જલતે-બૂઝતે લોગ, મેરી પ્યારી કહાનીયાં …..આવી અમર, બેનમૂન સાહિત્ય રચનાઓને અનેક માન-અકરામ મળ્યાં છે. સાહિત્ય અકાદમી એવોડૅ, ભારતીય જ્ઞાનપીઠ એવોડૅ, પદ્મશ્રી, પદ્મવિભૂષણ જેવા અનેક ખિતાબોના સ્વામીની અમૃતાજીએ 31 ઓક્ટોબર 2005માં આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી. 

                      પંજાબના પ્રથમ કવિયત્રી ,અનેક નારીઓની વેદના-સંવેદનાને વાચા આપનાર આ બાહોશ લેખિકા અંગતજીવનમાં સદાય પ્રેમને પામવા તડપતાં રહ્યાં. પતિ પ્રીતમસિંગ સાથે મનમેળ ન થતાં બે બાળકોના જન્મ બાદ તેમનાથી છૂટાં પડી ગયા. મશહૂર ગીતકાર સાહિર લુધ્યાનવી સાથે પ્રેમમાં પાગલ અમૃતાજી આ સંબંધમાં ક્યારેય સંતોષ ન મેળવી શક્યાં. અમૃતાજીની જીવનસંધ્યાએ ઈમરોઝનું એમના જીવનમાં આગમન થયું. ઈમરોઝ અમૃતાજીના પરમ મિત્ર અને સાચાં જીવનસાથી બની રહ્યાં. 

            આજે જ્યારે આપણે અમૃતાજીની જન્મશતાબ્દી ઉજવી રહ્યાં છીએ ત્યારે હજી પણ એમની અમર સાહિત્ય રચનાઓ આપણા મન પર એક  અમીટ છાપ છોડી જાય છે. અમૃતાજી જેવી મહાન લેખિકા એમની કાવ્યપંક્તિઓ દ્વારા, એમની,છટાદાર કલમ થકી આપણી યાદોમાં આપણા હ્રદયમાં સદાય જીવંત  રહેશે…….

“મૈં તુજે ફિર મિલૂંગી,

કહાઁ, કૈસે પતા નહી,

શાયદ તેરે કલ્પનાઓ 

કી પ્રેરણા બન

તેરે કેનવાસ પર……….” 

                  ~ અમૃતા પ્રિતમ

_________________________________

૮)  ચેતના ગણાત્રા “ચેતુ” 

શીર્ષક:  અહર્નિશ અહેસાસ   

શબ્દ સંખ્યા-  ૧૭૦

અહર્નિશ અહેસાસનો અનુભવ, અદ્વિતીય અણમોલ અભિવ્યક્તિના અસ્તિત્વનું આલેખન એટલે “અમૃતાજી” નું અવતરણ…

સ્નેહ, હિંમત, ખેલદિલી, પારદર્શકતા, સમજદારી, સ્વીકારભાવ, ગહનતાનો સમન્વય સંયોજય ત્યારે સર્જન થાય “અમૃતા પ્રીતમ” જેવા સાહિત્ય સમર્પિત વ્યક્તિત્વનું. 

પંજાબી પરિવારમાં માતાશ્રી રાજબીબીની કુખે કન્યારત્ન અમૃતાજીનો જન્મ થયો. પિતાશ્રી કરતારસિંગનો કવિતાપ્રેમનો વારસો વિકાસવીને અમૃતાજીએ વિશ્વને ઉચ્ચતમ સાહિત્યની ભેટ આપી. 

સાહિત્યના પ્રત્યેક પ્રકારમાં લખનાર કલમના કસબીને સલામી. અઢળક એવોર્ડથી સન્માનિત વ્યક્તિત્વનું વર્ણન કરવું એટલે સૂરજ સામે દીવો ધરવો. વાર્તા પરથી ફિલ્મો, ટી.વી. સિરિયલ બની, નિબંધ કૃતિઓના વિશ્વની ૩૪ ભાષામાં અનુવાદ થયા, એ શબ્દલેખનની ચમત્કૃતિ કેવી? 

સ્વૈરવિહારી પંખી જેવા મુક્ત વિચારો ધરાવનાર નારીને તો 

લગન હતી પડછાયાની અને પ્રીત હતી પગરવ સાથે.. ભાવજગતની લિપી હતી સ્નેહની. 

દર્દ પીને સિગરેટ પરથી રાખ ખંખેરવાની અદા અપનાવીને ગીત રચી શકે એવા શ્રેષ્ઠ કોટિના લેખિકાની ઈચ્છા કેવી અદભુત.. “હું તારી કલ્પનાનો વિચાર બનીશ. કદાચ મારી જાતને તારા કેનવાસ પર એક રહસ્યમય રેખા બનીને ફેલાવીશ. હું સતત તારી સામે તાકી રહીશ.” 

તેમનો મહાન સંદેશ..  “તમે પોતે સ્વયંનું નિર્માણ કરો. પોતાની અસર બનો.  તમારી માટેની સંપૂર્ણ જવાબદારી તમારી જ છે.”

__________________________________

૯)  અલ્પા વસા

શીર્ષક-વિલક્ષણ વ્યક્તિત્વ 

શબ્દ સંખ્યા-૧૬૦

એક દર્દ હતું – 

જે સિગરેટની જેમ

મેં ચૂપચાપ પીધું છે

ફક્ત કેટલાક ગીત છે- 

જે સિગરેટ પરથી મેં 

રાખની જેમ ખંખેર્યા છે ! 

ઓળખ્યા આના રચયિતાને? આ છે અમૃતા પ્રિતમ. પંજાબી અને હિન્દીભાષાના પ્રસિદ્ધ કવયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકારા. હજી ગયા વર્ષે ૨૦૧૯માં તેમની સો (૧૦૦) મી જન્મજયંતિ ઉજવાઈ હતી. અને ખૂબ ગર્વની વાત એ છેકે, ત્યારે ગુગલે તેમનું સુંદર ડુડલ બનાવી જગતને અર્પણ કર્યું હતું. 

બાળપણથી જ તેઓ લખતા હતા, અને સોળમે વર્ષે તેમનું પ્રથમ સંકલન પ્રકાશિત થયું હતું. ઓગણીસસો સુડતાલીસમાં વિભાજનના સમયે એમણે દર્દને ખૂબ નિકટથી અનુભવ્યું હતું, અને સહન કર્યું હતું. તેમની વાર્તા અને કવિતાઓમાં એ વેદનાની ઝલક ખૂબ દેખાય છે. આ ખૂબ નિડરતાથી જીવનાર કવયિત્રી ઓશોથી ખૂબ પ્રભાવિત હતા. 

અંદાજે સો જેટલા પુસ્તકો લખનાર, અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર, અનેક ભાષામાં એમની કૃતિઓનો અનુવાદ થયો છે એવા અમૃતાજી એક વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા લેખિકા હતા. 

જીવનના અનેક સારા ખરાબ અનુભવોમાંથી હમેશાં પસાર થતાં એમણે જે સર્જન કર્યું છે તે હમેશાં યાદ રહેશે, અને એમના લાખો ચાહકોમાં હ્દયસ્થ રહેશે. 

__________________________________

૧૦) અલ્પા પંડયા દેસાઈ

શીર્ષક:-અમૃતા પ્રીતમ…..એક અનુભવ…

શબ્દ સંખ્યા:–100 થી વધુ.

અમૃતા પ્રીતમ.

એક ઐતિહાસિક નામ, એક અમર પાત્ર.આ પંજાબી છોકરીએ વિશ્વ આખાને તેની કવિતાનું, તેની સંવેદનાનું ,તેનાં વિચારોનું ઘેલું લગાડ્યું.

અમૃતાજી આજે પણ આપણાં સૌનાં દિલોમાં  એક રાણીની જેમ રાજ કરે છે. તેઓ તેમના શબ્દો થકી આરામ કરે છે.તેઓ તેની યાદો થકી કાયમી નિવાસ કરે છે.

ક્યારેક એવું પણ લાગે કે આપણે તેમની સાથે જ જન્મ્યાં હોત તો?

તેમની સાથે રહ્યાં હોત તો?

પણ બસ આ બધા સ્વપ્ન તેમના અધૂરા કાર્યો પૂર્ણ કરીને આપણાં સ્વપ્ન પુરા કરી જ શકીએ.એક અખંડ રાષ્ટ્ર બનાવીને  તેમની જીદને આપણી બનાવી જ શકીએ..

અમૃતાજીનો જન્મ તારીખ 31 ઓગસ્ટ 1919ના રોજ પંજાબના  ગુજરાવાળા(હાલ પાકિસ્તાન) તાબેનાં મંડીમાં થયો હતો.

તેમનાં માતાજી રાજબીબી એક ગુજરાતી સ્ત્રી હતા જ્યારે પિતાજી કરતારસિંગ એક પંજાબી શીખ…

કરતારજીને સંત પુરુષ ગણી શકીએ. તેમના લગ્ન બાદ દસ વર્ષના સમયબાદ અમૃતાકૌંરનો જન્મ થયો..બહુ પ્રભુ ભક્તિ, બાધા, માનતા અને સાદું જીવન જીવતા આ દંપતિને એક બાળક 

અવતર્યું હતું.

સમય વહેવા લાગ્યો..ઘરમાં પ્રભુભક્તિ, ગુરુબાની, એક ૐકાર મંત્રથી પરિસર ગુંજતું..

લંગર અને શબદ કિર્તન ચાલુ જ રહેતાં. આવા ધાર્મિક વાતાવરણમાં અમૃતકૌરનો ઉછેર થયો.

પિતાજીને ભજન રચતાં જોઈ બાળા અમૃતાને પણ ગીતોના શબ્દ સ્ફુરવા લાગ્યા. પિતાજીને આ ભજન રચવા તેમણે પણ મદદ કરી અને તેમનો શોખનો પાયો નંખાયો.

સમય વહેવા લાગ્યો.માતા રાજબીબીની નાદુરસ્ત તબિયતની ચિંતા પિતા સાથે તેમને પણ રહેવા લાગી.નિર્દોષ બાળાને સખીની શીખે ભગવાનને સતત પ્રાર્થના કરવા માટે કહેવામાં આવ્યું, “અમૃતા! તું વાહૅ ગુરુજીને પ્રાર્થના કરેને તો તેઓ તારી વાત માનશે. નાના બાળકની વાત ભગવાન જલ્દી માને છે.”

પણ બહુ પ્રાર્થના કરવા છતાં માતાનું સાંનિધ્ય વધુ ન મળી શક્યું અને રાજબીબીનું મૃત્યું થયું.

આ આઘાતમાંથી અમૃતા અને તેમના પિતાને બહાર આવતાં સમય લાગ્યો.સંન્યાસની વાટ ન પકડતાં પિતાએ અમૃતાને માટે જીવવું તેવું નક્કી કર્યું.

નાનીજીની છત્રછાયામાં ઉછરેલ જિદ્દી અમૃતા હવે પંદર સોળ વર્ષનાં મુગ્ધાવસ્થામાં પ્રવેશ્યા.

નાનીજી તરફથી કરવામાં આવતો જ્ઞાતિભેદ તેમનાંથી સહન ન થયો અને બળવો પોકારી ઊઠ્યાં.

પિતાજીએ એકવાર પૈસા તેમનાં ખિસ્સામાં મુકતા હાથમાં એક ચબબરખી આવી કે જેમાં મનનાં રાજકુમાર સમાન “રાજન “

માટે પ્રેમનાં પરવાના સમાન કાવ્ય મળી આવ્યું.

આ જોઈ એક સામાન્ય પિતાની જેમ જ તેઓ પણ ઉકળી ઉઠ્યા અને દીકરી સાથે, તેમનાં ભાવ સાથે, તેમની આશા સાથે ઘર્ષણ કરી બેઠાં. આ ઘર્ષણ રોજ જ  થવા લાગ્યું. પણ આ તો કાલ્પનિક નાયક! તેમણે સપનાઓમાં કરેલ સ્નેહ! અને આ સાચો પ્રેમ અને સ્નેહ જ્યારે તેમનાં લગ્ન પ્રીતમ સિંગ સાથે કરવામાં આવ્યા ત્યારે પક્વ બન્યો.

અનહદ લાગણી અને સ્નેહનાં સદા ભૂખ્યાં એવા અમૃતાને બે બાળકો પણ થયા. પણ સ્વતંત્ર વિચારસરણી અને વધારે પડતું સામાજીક બંધન ફગવતા તેઓ પ્રિતમ સાથે સદૈવ અલગ પડ્યા..પણ આ નામ સાથે તેઓ જીવન પર્યન્ત રહ્યા.આવો જિદ્દી તેમનો મિજાજ.

1936માં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો.

 1948માં આ સાથે જ ભારત પાકિસ્તાનનાં ભાગલા પડ્યા.  હાલના પાકિસ્તાન માંનું પંજાબના શીખ,મુસ્લિમ, હિન્દૂ, ખત્રી વગેરે જાતોને બહુ કારમાં ઘા સહન કરવા પડયાં.. કોઈનાં ઘર, બાર,જમીન,મિલ્કત લૂંટાયા તો કોઈની બહેનો દીકરીની આબરૂ!

શીખ અને હિન્દુ પરિવાર પોતાની યુવાન દીકરીઓ કોઈ મુસ્લિમનાં હાથમાં ન આવી જાય તે માટે તેમની હત્યા કરતાં પણ અચકાતા નહિ.અને ભારે હૃદયે પોતાનું સર્વસ્વ છોડી અને બીજે સ્થાયી થતા હતા. બંન્ને બાજુથી મુસાફરી અને શરણાર્થીઓ ભરેલી ટ્રેન લૂંટી અને લોકોનું કત્લેઆમ કરવામાં  આવતું હતું.બન્ને બાજુ લોહીની નદીઓ વહેતી હતી, માનવ અંગો રઝળતા હતાં. લુંટફાટ ચાલી રહી હતી, જીવતાં લોકોને સળગાવી દેવામાં આવતા હતા.

કેટલું દારુણ, ભયાનક,ખૂંખાર ચિત્ર! જે વિચારીને આજે પણ કંપી ઉઠાય છે. આ બધા ભયાનક ચિત્ર અમૃતાની યાદોમાં એક સળગતા લાવાની જ્વાળાની જેમ ઉઠી રહ્યા હતા. તેઓ તેમાં નિરંતર સળગતા પણ હતા… તેઓ એ આ વ્યથાને તેમની પંજાબી કવિતા “આજ અખ્ખાનું વારીશ”માં રજૂ કરી છે. 

હિરરાંઝાની અમર પ્રેમ કથા લખનાર વારીશ સાહેબને સંબોધીને તેમને તેમની કબરમાંથી ઉઠી અને પંજાબી દીકરીઓને  બચાવવા વિનંતી વ્યક્ત કરી છે. ચીનાબ નદીના નીરને રક્તનું નીર બનતાં અટકાવવા માટે કળકળતી વેદના વ્યક્ત કરી છે.

આ કવિતા દરેક પાકિસ્તાનનાં નાગરીક પાસે એક પાક કલમાં બનીને ફરી રહી હતી. ત્યાં પણ અહીંની જેમ તરછોડાયેલા પરિવારને વેદનાઓને વાચા આપતી આ કવિતા અજરા અમર બની ગઈ છે.

લાહોરથી તેઓ સૌ સખી સહેલી, ગામ, ઘર, બાર બધું છોડીને ઉત્તરાખંડના દહેરાદૂન આવ્યા અને ત્યાં આ અમર કવિતા રસ્તામાં રચાઈ અને ઇતિહાસ બની.

ત્યારબાદ તેઓ દિલ્હી આવ્યા અને આકાશવાણી દિલ્હી પર સંવાદદાતા તરીકે નોકરી કરવા લાગ્યા. લાહોરમાં મુશાયરામાં પહેલીવાર યુવાન અને પતિથી વિખુંટા પડેલ અમૃતાની નજર પ્રખ્યાત શાયર મઝરૂહ સુલ્તાન પુરીજી પર મત્લા, શેર વાંચતા પડી.તેઓ તેમને ચાહવા લાગ્યા.અનહદ ચાહત એટલી બળવત્તર બની કે 

તેમની મનોમન સાહિરજીને કરેલી પાક મુહોબ્બત ક્યારેય ઇઝહાર બનીને સામે ન આવી.તેઓ સાહિરનાં ઇઝહાર એ મુહોબ્બત માટે તડપી રહ્યા.મનોમન સળગી રહ્યા.

સાહિરજીની ગોરી અને મરોડદાર આંગળીઓ ફરતે સદાય વીંટળાઈ ને પકડેલી સિગારેટના ઠૂંઠા પણ તેમના ગયા બાદ તેઓ પોતાની સાથે લઈને જતા હતા. તેમની આ મુહોબ્બતની પરાકાષ્ઠા તો ત્યારે આવી કહેવાય કે જયારે તે એ ઠૂંઠાને ફૂંકતાં! આ દીવાનગી મીરા, રાધાના પ્રેમના સમકક્ષ ગણી શકાય.

સાહિરજી તેમને મળવા દિલ્હીમાં થતાં મુશાયરામાં જતા.અને ત્યાં અમૃતાનું જવું એ સાહીરને માટે જ. બીજું કશું જ નહતું.

સાહિર  તેમને થોડાં સમયની હાજરી એક કાયમી યાદ બનાવી અને મુંબઈ પરત ફરતા.

બંન્ને એક બીજાને પત્રો લખતાં.

પામવા કરતાં ચાહવામાં માનનાર સાહિર ક્યારેય અમૃતાને તેમના સાથી ન બનાવી શક્યાં.

પણ યાદગાર નઝમ આપી “તાજ મહલ”ની જેમ મરણોપરાંત તેના સ્વપનોમાં જ રહ્યા.

દિલ્હી આકાશવાણીમાં નોકરી કરવી, સવાસો રૂપિયા જેટલું ઓછું વેતન મેળવી અમૃતાજી તેમના બાળકોને કસરમાં ઉછેરી રહ્યા હતા. 

સાહિરજીનાં ઇશ્કની એક યાદ લઈને જીવતા અમૃતાજીના જીવનમાં અનહદ પ્રેમ, અખૂટ લાગણી નિતરતું કોઈ વાટ જોઈ રહ્યું હતું .. 

એ હતા”ઇન્દ્રજીત” કે જે તેમને પંજાબથી ચાહતા હતાં. તેમની નાની ઉંમર, સાવકી માતાનો ત્રાસ તેમને આખો દીવસ ભટકતું જીવન ગાળવા મજબૂર કરતું. સમય કાઢવા તેઓ તેમના ગામની નદી કિનારે, ખેતરોમાં બેસી પંજાબનાં ભાતીગળ ચિત્રો દોરતા. અને યુવાન વયે તેઓ મુંબઈ આવી ગયા હતાં. ત્યાં તેમની કળાની કદર થવા લાગી. ફિલ્મોમાં પોસ્ટર દોરવા માટે આમંત્રણ અને કામ મળવા લાગ્યું.વ્હી.શાંતારામજીનાં બેનર હેઠળ ઘણું કામ મળવા લાગ્યું.તેમને પંદરસો રૂપિયાથી વધુ મહેનતાણું  પણ મળવા લાગ્યું. અમૃતાજી દિલ્હીમાં છે તે જાણતાં તેઓ દિલ્હી આવ્યા.ત્યાં 

રોજ આકાશવાણી દિલ્હી પાસે આવેલાં એક બસ સ્ટોપ પર તેઓ અમૃતાજીની રાહ જોતા ઉભા રહેતાં અને તેમનું એક સ્મિત મળી રહે તે માટે તલપાપડ રહેતાં.

એક દિવસ વાહેંગુરુજીની મહેરથી તેઓ અમૃતાની સાથે વાત કરવા સફળ થયા.

અમૃતાજીનાં વાર્તા સંગ્રહ, નવલકથા, કાવ્ય સંગ્રહના મુખ પૃષ્ઠ પરનું ચિત્ર તેઓ બનાવતાં.

આમ તેમનો પ્રેમ અને લાગણી બન્ને જીતી તેઓ તેમનાં ફ્લેટમાં રહેવા લાગ્યા.

બંન્નેનો ખંડ સામસામે હતો.

તેઓ અમૃતાજીના ચિત્રો બનાવતાં, તેમના બાળકોને શાળાએ લેવા મુકવા જતા, રસોઈ માં મદદ કરતાં ફક્ત અમૃતાજીના 

સ્નેહ માટે, પ્રેમ માટે જ. 

ક્યારેય તેમને પામવાની ઈચ્છા તેમણે કરી ન હતી.

ઇન્દ્રજીતમાંથી ઇમરોઝ બનેલ આ નખશીખ સજ્જન; પોતાનાં પ્રેમ કરતા નાની ઉંમરના તેઓ છેલ્લે સુધી અમૃતાજીની સાથે જ રહ્યા.અને તેમની કવિતા

“મેં તેનું ફિર મિલુંગી” માં મર્યા બાદ પણ તેની યાદમાં , તેના શ્વાસમાં, તેના ધબકારમાં, તેના પાંપણના પલકારમાં, વરસતી વર્ષાના એક એક ટીપામાં, ન બોલી શકાતી વાચામાં  સાથે રહેવાની કબૂલાત આપતા ગયા!!.

અમૃતાજીની કથાઓ

જેવીકે ” ડૉ. દેવ, કોરાંકાગઝ,રંગ દા પટ્ટા, ઊંચા દિન, રશીદી ટીકીટ,યાત્રા, જલિયાંવાલા(1968) વગેરે વિશ્વ વિખ્યાત છે.

“પિંજર” નામની કથાનું જુદી જુદી ભાષાઓમાં રૂપાંતર થયું છે. પિંજર નવલકથાને શ્રેષ્ઠ નવલકથાનું રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલ છે.

તેઓ ઉર્દુ, હિન્દી, અંગ્રેજી, પંજાબી ભાષામાં લખી શકતાં હતા.

પાકિસ્તાન, ફ્રાંસ,હંગેરી જેવા દેશે તેમને સન્માનિત કર્યા છે. તેઓ જ્યારે આ સન્માન સ્વીકારવા પાકિસ્તાન ગયા ત્યારે બોલ્યાં,

“હું મારે માવતર પાછી આવી છું”

આવો લગાવ તેમને તેમનાં માદરે વતન પ્રત્યે હતો.

તેઓએ પંજાબ રત્ન, ભારતીય સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ પુરસ્કાર,

ભારતનો સર્વોચ્ચ પદ્મશ્રીનો ખિતાબ પણ મેળવેલ છે.

તેઓ રાજ્યસભામાં મેમ્બર પણ રહી ચૂક્યા છે.

31,ઓક્ટોબર 2005ના રોજ દિલ્હી મુકામે તેઓએ આ ફાની દુનિયા છોડી તેના સાહિરની પાસે સ્વાર્ગારોહણ કર્યું.

આપણી વચ્ચે એક તાજા ખીલેલાં પુષ્પની જેમ જીવી તેની સુવાસ મુકતા ગયા.

_________________________________

૧૧) નીના દેસાઈ

શિર્ષક: અમૃતા પ્રિતમ

શબ્દ સંખ્યા:237

      અમૃતા પ્રિતમ નામ આવે એટલે પંજાબની એક અલગારી, ભવ્ય જાજરમાન છતાં પણ વિવાદીત લેખિકા ની છબી ઉપસી આવે!

   હાલના પાકિસ્તાનના ગુજરાનવાલા ના, ગુજરાતી માતા રાજબીબી ને પંજાબી પિતા

 કરતાર સીંગની પુત્રી અમૃતા.

        જન્મ ૩૧/૮/૧૯૧૯

        મૃત્યુ ૩૧/૧૦/૨૦૦૫

      ભારત પાકિસ્તાનના ભાગલા વખતે બંને દેશોની પ્રજાને જે ખુવારી વેઠવી પડી, કત્લેઆમ,  ખુનામરકી, મા બહેનોના બળાત્કાર, આબાલ-વૃદ્ધની કતલને એ ભયાનક માહોલની વેદના થી દ્રવિત અમૃતાના કકળતા આત્માએ શબ્દોમાં ઉતારી એ પુસ્તક ‘આજ અખ્ખાનું

 વારિશ’ ખુબ પ્રખ્યાત છે.

      સાહિત્ય અકાદમી એવોર્ડ,

પંજાબી  રત્ન, પદ્મશ્રી! પદ્મ વિભુષણ, જેવા સન્માનથી નવાજાયેલા અમૃતા ની જીવનશૈલી સામાનય સ્ત્રીઓ કરતાં અલગ બગાવતી, ને આઝાદ વિચારો વાળી હતી, ઉપરાંત એમની નીજી જીંદગી પ્રેમ અને લગ્ન માં અટવાઈ રહી.

     પતિ પ્રિતમસીંગથી એમને બે બાળકો હતા. પ્રેમી સાહિર જેને એ જીવનભર પામી ના શક્યા.

એક તરફી પ્રેમી ઇન્દ્રજીત ઉર્ફે ઈમરોઝ જેમની સાથે જીવનભર રહ્યા.

    એમની જાણતી કૃતિઓ

‘ પિંજરા’, રશીદી ટિકીટ, જલિયાવાલા બાગ, રંગ દા દુપટ્ટા, કોરાકાગજ, ડો દેવ જે ખુબ પ્રસિદ્ધ છે.

    એમનું જીવન પ્રેમની પરિભાષાને સાકાર કરતું રહ્યું, પતિ પ્રિતમ સીંગ, પ્રેમ, સાહિર જે

સામાજીક સ્વરૂપ ના લઈ શક્યો ને  ઈમરોઝનો અમૃતા તરફનો એકતરફી પ્રેમ, જે પ્રેમનું ઉદ્દાત ઉદાહરણ રહ્યું જ્યારે અમૃતા એ સાહિર ને સમર્પિત કરેલું પુસ્તક ખુદ ઈમરોઝ પોતાના હાથે સાહિર ને આપવા ગયા.

   આમ અમૃતા નું વ્યક્તિત્વ ખુબ

ભવ્ય, આઝાદ ખયાલો વાળું પ્રભાવશાળી છતાં જીવનભર વિવાદોથી ઘેરાયેલું રહ્યું. એક ઉમદા અને પ્રખર વિદ્વતાની મિસાલ રહ્યા અમૃતા!

     આજે પણ અમૃતા,

“જહાં ભી આઝાદ રૂહકી ઝલક 

 પડે, સમજ લેના વહાં મેરા ઘર વહાં હૈ”. આસપાસ મહેસુસ થાય છે.   __________________________________

૧૨) ઉર્વશી શાહ

શબ્દ સંખ્યા: ૫૨૫

સઆદત હસન મન્ટો એક ઉર્દૂ લેખક હતા. તેઓ વાર્તાકાર ઉપરાંત રેડિયોમાં નાટકો, ફિલ્મ પટકથા પણ લખતા. તેમજ પત્રકાર પણ હતા. તેમણે લઘુ કથાઓ, નિબંધો, વ્યક્તિગત રેખાચિત્ર લખ્યા છે. 

મન્ટોનો જન્મ ૧૧ મે ૧૯૧૨ માં પંજાબના સમરાલા તાલુકાના એક નાના ગામમાં થયો હતો. તેમની જિંદગી ખૂબ ટૂંકી રહી હતી. તેમનું મૃત્યુ ૧૮ જાન્યુઆરી ૧૯૫૫ માં લાહોરમાં થયું. ટૂંકી જિંદગીમાં પણ તેમણે ખૂબ નામના મેળવી હતી. અગ્રેજ રાજ હતું એટલે અંગ્રેજ શાસનની બર્બરતા જ મુખ્ય કારણ એમના લખવા પાછળનું  બન્યું. બસ પછી લખતાં જ ગયા. મન્ટો ખૂબ આકરી ભાષામાં સમાજ ને કહેતા,”જો તમને મારી વાર્તા ગંદી લાગે છે તો જે સમાજમાં તમે રહો છો તે પણ અશ્લીલ અને ગંદો છે. મારી વાર્તાઓ સત્ય બતાવે છે. “તેમના પર અશ્લીલતાનો આરોપ લાગ્યો ત્યારે તેમણે કહ્યું “જેને સમાજ બંધ દરવાજાની અંદર સંતાડીને રાખે છે તે જ સત્ય હું બતાવું છું.” તેઓ ઉર્દૂના એકમાત્ર એવા લેખક હતાં જેમની વાર્તાઓ જેટલી પંસદ કરવામાં આવતી એટલી જ નાપંસદ પણ કરવામાં આવતી. તેમની વાર્તાઓમાં વેશ્યાઓ, ગરીબ, બેકાર,  ગલિકુચીની બદનામી વિશે લખ્યું. એટલે તેમના પર અશ્લીલતાનો કેસ થયો હતો. એ પણ છ વાર. પણ એક પણ વાર પુરવાર થયો ન હતો. તેમણે ખૂબ નિર્ભયતાથી લખ્યું છે. તે કોઈનાથી ડરતા ન હતા. વાર્તા વાંચનારને સમાજનો અસલી ચેહરો બતાવતા. એ ઉપરાંત વાર્તા કેહવાની તેમની શૈલી અને ઉર્દુ ભાષા પર ભારે પ્રભુત્વએ તેમને વાર્તાના બેતાજ બાદશાહ બનાવી દીધા હતા.

એમના ૪૩ વર્ષના જીવનમાં તેઓ અમૃતસર, મુંબઈ અને લોહોરમાં રહ્યાં. શરૂઆતના વર્ષો અમૃતસર પછી  મુંબઈ અને છેલ્લે લાહોરમાં વિતાવ્યા. અમૃતસર તો તેમની વાર્તાનું જીવતું જાગતું ચરિત્ર હતું. એ શહેરના ઘોડાગાડીવાળાઓ,  ત્યાંની ગલીઓ, વેશ્યાબજાર, સ્વતંત્ર સગ્રામ લડી રહેલા સામાન્ય લોકો મન્ટોની વાર્તાઓમાં રંગ ભરી દેતા. જેના કારણે ભારત અને પાકિસ્તાન એમ બંને દેશના તેમના ગણવામાં આવતા. 

૨૨ વર્ષે તેઓ આગળ વધવાની ઈચ્છાને કારણે ૧૯૩૪ માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમા એડમિશન લીધું. ત્યાં તેમની મુલાકાત અલી સરદાર જાફરી સાથે  થઈ. તેમના કેહવાથી મન્ટો વાર્તા લખતા થયા. પેહલી વાર્તા “તમાશા” લખી. પારસ નામના છાપામાં લખવાનું શરૂ કર્યું. ૧૯૩૬ માં ઉર્દૂમાં મૌલિક વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો. તેમણે અલગ અલગ સાપ્તાહિકમા પણ કામ કર્યું. તેઓ અલીગઢ બહુ રહ્યાં નહીં. ત્યાંથી તે પાછા અમૃતસર અને પછી લાહોર જતા રહ્યા.

૧૯૪૧ માં દિલ્લી આવી ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ ચાલુ કર્યું.  તેઓ ૧૭ મહિના ત્યાં રહ્યા. આ એમના સાહિત્યનો સુવર્ણકાળ ગણાયો.  ૧૯૪૨ માં લાહોરની વિદાય કરી મુંબઇ જતા રહ્યા. ૧૯૪૭ સુધી ત્યાં રહ્યા અને પત્રિકાઓનું સંપાદન કર્યું અને ફિલ્મ માટે પટકથા લખવાનું કામ કરી પાછા લાહોર જતા રહ્યા. ત્યાં બુદ્ધિજીવીઓ સાથે જોડાયા. ફેઝ અહેમદ ફેઝ સાથે જોડાયા.  ભારત-પાકિસ્તાન વિભાજનની પૃષ્ઠ ભૂમિ પર લખાયેલી “ટોપા ટેકસિંહ” વાર્તાને સૌથી વધારે પ્રસિદ્ધિ મળી. સમાજવાદી અને વામપંથી વિચારધારાથી તેઓ પ્રભાવિત હતા. દેશના ભાગલા એ એમને ખૂબ ઊંડો ઘાવ આપ્યો. જેની ઝલક એમની અનેક વાર્તાઓમાં મળે છે. એ સમયની ક્રૂરતા, લોકોનું પાગલપણું તેમની વાર્તાઓમાં જોવા મળે છે.  ૧૯૪૭ પછી તેઓ પાકિસ્તાન જતા રહ્યા. ત્યાં એમને મુંબઈ જેવા બૌદ્ધિક મિત્રો અને વાતાવરણ મળ્યા નહિ. તેના કારણે તેઓ એકલતામાં અને દારૂના નશામાં ડૂબવા લાગ્યા. ૧૮ જાન્યુઆરી ૧૯૫૫ માં કિડનીની ગંભીર બીમારીમાં એમનું મૃત્યુ થયું. 

એમના કેટલાંક વાક્યો જે સમાજના લોકોને સત્ય બતાવે છે તે નીચે મુજબ છે:

(૧) મજહબ જબ દિલો સે નિકલકર દિમાગ પર ચઢ જાય તો જહર બન જાતા હૈ. 

(૨) ના કહો એવું હજારો હિન્દુ માર્યા ગયા અથવા હજારો મુસલમાનો માર્યા ગયા પણ એમ કહો કે હજારો માણસો માર્યા ગયા.

(૩) વેશ્યાકા મકાન ખુદ એક જનાઝા હે જો સમાજ અપને કંધો પર ઉઠાયે હુએ હે.

_________________________________

૧૩) રેખા પટેલ

શીર્ષક-દાસ્તાં આધી અધુરી

શબ્દ સંખ્યા- તેરસો 

એક સ્ત્રી એટલે જીવતી જાગતી ધબકતી લાગણીઓનું મિશ્રણ, જે મૃદુ સંવેદનાઓને જન્મ આપતું હ્રદય ધરાવે છે. બાળપણમાં ઉછળતા ઝરણા જેવા જીવનને સ્વેચ્છાએ યુવાની સુધીમાં નદી જેવું ધીર ગંભીર સ્વરૂપ આપી દે છે. જે આગળ જતા દરિયાની જેમ વિશાળતા ધારણ કરી સંસારનાં બધા સુખદુઃખ અંતરમાં દફનાવી દેતી હોય છે. આવી સ્ત્રી જ્યારે સઘળી ઈચ્છા, ઉમંગો, વેદનાને શબ્દોથી કંડારવા લાગે છે ત્યારે અદભુત રચનાઓ સમાજને મળી આવે છે.

આવીજ એક સ્ત્રીની જીવનગાથા છે નામ છે અમૃતા પ્રીતમ. જેમનો જન્મ ૧૯૧૯,  ૩૧ ઓગસ્ટના રોજ ગુજરાવાલા પંજાબમાં થયો હતો. જે આજે પાકિસ્તાનનું એક શહેર છે.

તેમના માતા ગુજરાતી અને પિતા પંજાબી હતા. માતાપિતા બંને ઘાર્મિક અને શાંત સ્વભાવના હતા. તેમનું એક માત્ર સંતાન તે અમૃતાજી. ઘાર્મિક વાતાવરણમાં ઉછેર થયો હતો, નાનપણથી લખવાનો શોખ હતો આથી શરૂવાતમાં પિતા સાથે ભક્તિગીતો રચતા હતા.

અમૃતાજી કિશોરાવસ્થામાં બાલસખાને કલ્પનામાં લાવીને કવિતાઓ કંડારતા હતા, ત્યારબાદ પંજાબીમાં કવિતા, સાથે વાર્તા અને નિબંધ લખતા થયા. ૧૧ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું અને નાની ઉંમરમાં જ માતાના પ્રેમથી વંચિત થયા, ઘરની જવાબદારીઓ આવી છતાં તેમનો લખવાનો શોખ બરાબર રહ્યો. જીવનમાં આવતા ચઢાવ ઉતારને કારણે તેમની કવિતાઓમાં રચનાઓમાં જીવંતતા રહી છે.

જીવનમાં લાગણીઓની સતત ભૂખ ઉંમરના દરેક પડાવે રહી એ અનુભૂતિ તેમની રચનાઓમાં જોઈ શકાય છે. ૧૯૪૭માં દેશમાં પડેલા ભાગલાની વ્યથાઓ તકલીફ પણ તેમની અનેક રચનામાં વ્યક્ત થયેલી છે. જે આજે પણ ખુબ પ્રચલિત રહી છે.

સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ “અમ્રૂત લહરેં” પ્રગટ થયો તે પછી તેમની ૮૭ વર્ષનાં જીવન સફર દરમિયાન તેમણે અઠ્ઠાવીસ જેટલી નવલકથાઓ, અઢાર કાવ્ય સંકલન, કેટલીયે લઘુકથાઓ, આત્મકથા અને જીવન સંસ્મરણો લખ્યાં. 

સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન લાહોરના પ્રતિષ્ઠિત પરિવારના યુવક પ્રીતમસિંધ સાથે થયા. પ્રીતમસિંધ સ્વભાવે સાલસ અને શાંત હતા જ્યારે અમૃતાજી અગ્રેસીવ અને શોખીન મિજાજના હતા. બંનેનાં સ્વભાવની વિમુખતાને કારણે લગ્ન પછી થોડાજ સમયમાં તેમની વચ્ચે એક દીવાલ બંધાઈ ગઈ હતી. છતાં પતિના સ્વભાવની સરળતા પણ તેમને છેવટ સુધી સ્પર્શતી રહી

૧૯૪૪ લાહોરના એક મુશાયરામાં સાહિર લુધિયાનવી અને અમૃતાજીની પહેલી મુલાકાત થઇ. વરસાદી રાત્રે થયેલી પ્રથમ મુલાકાત બંનેના જીવનને ભીંજવી ગઈ હતી. પ્રથમ મુલાકાતમાં અમૃતા સાહિરથી ખુબ પ્રભાવિત થઇ ગયા. કોઈ અદમ્ય આકર્ષણથી તેઓ પરસ્પર બંધાઈ ગયા.

‘જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત….’

સાહિર સાહેબનું લખેલું આ ગીત કલ્પનામાત્ર નહોતું  પણ અમૃતાજી સાથેની તેમની પ્રથમ મુલાકાતનું યાદગાર કાવ્યમય વર્ણન હતું. 

આ સમયને યાદ કરતા અમૃતાજીએ પણ નોધ્યું હતું કે

‘જબ જબ મૈં ઉસ રાત કે બારે મૈં સોચતી હૂં, તો મુઝે લગતા હૈ કિ તકદીર ને મેરે દિલ મૈં મોહબ્બત કે બીજ બો દીએ થે, જિનમેં બારિશ કે કારન કોંપલ નિકલ આઈ થી…!’

તેમનો પ્રેમ સામાજિક બંધનથી પરે અલગ પ્રકારનો હતો. વર્ષો સુધી એકબીજાને ના મળવા છતાં, અનેક ચઢાવ ઉતારો વચ્ચે પણ તેમના પ્રેમની ધારા અવિરતપણે વહેતી રહી છે.

ભારત પાકિસ્તાનના ભાગલા પછી સાહિર લાહોરમાં અને અમૃતા દિલ્હીમાં સ્થાઈ થયા. આ દરમિયાન તેમની વચ્ચે પત્ર વ્યવહાર રહ્યા હતા. સમય જતા સાહિર મુંબઈમાં આવી વસ્યા.

બંનેના લખાણોની ભાષા અલગ હતી સાહિર ઉર્દુમાં લખતા હતા અને અમૃતા પંજાબીમાં છતાં પ્રેમની એકજ ભાષા હતી. છેવટે અમૃતા હિન્દીમાં લખતા શીખી ગયા. અમૃતાએ સાહિરને સંબોધી ઘણી રચનાઓ વાર્તાઓ લખી છે. તેમાં અઢળક લાગણીઓને વ્યક્ત કરી છે. 

શબ્દોના સહારે આ લેખિકાએ જીવનની દરેક પળોને ભરપુર માણી છે. જે પ્રેમની ઉત્કટતા અમૃતાને સાહિર પાસેથી હતી તે સો ટકા પૂરી થઈ શકી નહોતી છતાં તેનો તેમને કોઈ અફસોસ નહોતો. બંને વચ્ચે ખામોશીઓનો પ્રેમ હતો. પડછાયાની પ્રીત હતી. મોરપિચ્છ અને વાંસળી જેવું કોઈ બંધન હતું.

છતાં સળગતા સિગારેટના ઠુંઠાની જેમ તેમનો પ્રેમ અંત સુધી સળગતો રહ્યો અથવા તો સમયની છાજલીમાં પડી રહ્યો. બંને ખુબ ઓછું મળતા પરંતુ જ્યારે મુલાકાત થતી ત્યારે શબ્દો થીજી જતા. 

પ્રેમની પીડામાં સર્જકો વધારે નીખરી ઉઠે છે તેવુજ અમૃતાજી સાથે બન્યું.

કભી તો કોઈ ઇન દીવારો સે પૂછે કી કૈસે મુહબ્બત ગુનાહ બન ગઈ હૈ.

દેખા ઉન્હેં તો જો ઉનકી નઝર થી વહી તો ખુદા કી નિગાહ બન ગઈ હૈ.

બે બાળકોના જન્મ પછી પણ પતિ સાથે સ્વભાવની, આદતોની વિરુધ્ધતા તેમને માનસિક સંતોષ આપવામાં અસફળ રહી. ભારત પાકિસ્તાનના ભાગલા પછી તેઓ પરિવાર સાથે દિલ્હીમાં આવી વસ્યા.

આ સમય દરમિયાન સ્વતંત્ર વિચારો ધરાવતા અમૃતાએ સાહિર સાથેના સબંધોને છુપાવવાની ક્યારેય કોશીશ નહોતી કરી. પ્રીતમસિંધ પણ તેમની આ લાગણીઓથી પરિચિત હતા. હાલક ડોલક જીવન નૈયામાં વિચારોની અસમાનતાને કારણે પતિએ છુટાછેડાની માગણી કરી જે અમૃતાજીએ સ્વીકારી લીધી. છેવટે ૧૯૬૦માં તેમના તલાક થઈ ગયા. 

સાહિર સાથેના સબંધો પણ બરફની માફક ક્યારેક જામી જતા ક્યારેક પીગળી જતા છતાં મુઠ્ઠીમાં ભરાઈ શકતા નહોતા. બંને વચ્ચે અતુટ પ્રેમ હોવા છતાં દુર થઇ ગયા. આ વાતનું બંનેને સરખું દુઃખ હતું. સાહિરના જીવનમાં બીજી એક સ્ત્રીનો પ્રવેશ થયો એ પછી અમૃતાજી તૂટી ગયા હતા છતાં તેમની લાગણીઓમાં કોઈ ખાસ ફર્ક નહોતો આવ્યો.

તું જીંદગી જૈસી ભી હૈ વૈસી મુજે મંજુર હૈ,

જો ખુદી સે દુર હૈ, વાહ ખુદા સે દુર હૈ.

એક સમાચાર મુજબ અમૃતાજીને જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ત્યારે કોઈ પત્રકારે તેમનો ફોટો માગ્યો હતો. તેમણે એ ફોટા ઉપર પોતાના નામ ને બદલે સાહિર એમ લખ્યું. આ એક નામ તેમના લોહીનાં કણેકણમાં ભરાઈ ગયું હતું તેને સમય જુદા કરી શક્યો નહોતો.. સાહિર તો જીવન પથ ઉપર સાથી તરીકે મળ્યા નહિ. પરંતુ આનાથી તદ્દન વિરુદ્ધ બીજું એક પાત્ર ઈમરોઝ તેમના જીવનમાં મીઠી વીરડી સમું આવ્યું.

દિલ્હીમાં અમૃતાજીની મુલાકાત પોતાના કરતા નાની ઉંમરના ઇન્દ્રજીત એટલે કે ઈમરોઝ સાથે થઇ. જેમને એ ભાગલા પહેલા પંજાબમાં હતા ત્યારથી જાણતા હતા. ઈમરોઝ અમ્ર્રુતાજીની કવિતાઓ લખાણના દીવાના હતા. પોતે એક સારા ચિત્રકાર હતા. કલાકારો આમ પણ ધૂની કહેવાય છે. તેમની ધૂનમાં તે અમૃતાજીને ચાહતા હતા.

પ્રીતમસિંધ સાથેના ડિવોર્સ પછી અમૃતજી બંને બાળકોને લઇ ઈમરોઝનાં ઘરે રહેવા ચાલી ગયા. તેમને પહેલી વાર પ્રેમ કરતા પણ મજબુર સંબંધ મળ્યો. ઇમરોઝે અમૃતાજી અને તેમના બંને બાળકોને છેવટ સુધી સાચવ્યા હતા. ઉંમરના છેલ્લા પડાવે જ્યારે પ્રીતમસિંધ બિમાર પડ્યા ત્યારે અમૃતાજી ભૂતપૂર્વ પતિને અહી લઇ આવ્યા અને છેલ્લી ઘડી સુધી તેમની ચાકરી કરી. આ કાર્યમાં ઇમરોઝે પણ સાથ આપ્યો હતો.

“દરેક સબંધને જીવતા શીખવું જોઈએ. જીવન એ લાગણીનું ખીચોખીચ ભરેલું વન છે. તેમાંથી બહાર નીકળવાનો રસ્તો આગવી સમજ દ્વારા શોધી શકાય છે.”

અમૃતાજીએ લાગણીઓને અલગ અલગ ખાનાઓમાં જગ્યા આપી હતી. પ્રેમ દોસ્તી સાથી પતિ દરેકને પોતાની અલગ જગ્યા હતી. જીવનમાં ઘણું મેળવ્યું છતાં તેમના હ્રદયનો એક ખૂણો ખાલી રહ્યો કદાચ સાહિર લુધિયાનવી નામનું ખાનું પૂરેપૂરું ભરાયું નહોતું.

સાહિરની અડધી પીધેલી સિગારેટના ઠુંઠા, ચાયનો ખાલી કપ, બીમારીમાં સાહિરની છાતી ઉપર લગાવેલી વિક્સની મહેક, સાહિરના હસ્તાક્ષર આ બધું અડધું અધૂરું જીવનને ક્યારેક ઉણપ વધારતું, ક્યારેક ખાલીપાને ભરી દેતું. આ બધા સમયની વચ્ચે અવનવી કવિતાઓ વાર્તાઓ રચાતી રહી.

પોતાની કૃતિઓ માટે જ્યાં એક તરફ અમૃતાજીએ ખૂબ નામના મેળવી ત્યાં કેટલીક કવિતાઓ અને રચનાઓ માટે તેમને વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. છતાં તેમની કલમની તાકાત અને મજબુત મનોબળને કારણે તેઓ ટક્કર ઝીલતા. અમૃતાજીની ભીતર અતિ  સંવેદનશીલ સ્ત્રી જીવતી હતી જેના કારણે સમાજના દરેક પાસાને, સ્ત્રીની મનોભાવનાને કલમને સહારે હ્ર્દયસ્પર્શી આલેખી શકતા હતા.

તેમણે ભારત પાકિસ્તાનના ભાગલાને આલેખીને એ વખતના નરસંહારને દર્શાવતી ઘણી સંવેદના ભરી રચનાઓ અને લેખ લખ્યા હતા.

આજ મૈને અપને ઘર કા નંબર મિટાયા હૈ.

ઔર ગલીકે માથે પર લગા, ગલીકા નામ હટાયા હૈ…

આઝાદ રૂહ કી ઝલક પડે, સમઝના વહી મેરા ઘર હૈ.

અમૃતા પ્રીતમએ અંદાજે ૧૦૦ જેટલા પુસ્તકો લખ્યા છે. તેમની અનેક કૃતિઓનો અનુવાદ વિવિધ ભાષામાં વિશ્વની કુલ ૩૪ ભાષાઓમાં થયો છે.  તેમની કેટલીય વાર્તાઓને આધારે ફિલ્મો અને ટીવી સિરીયલો બની ચુકી છે. પ્રેમ ઉપરની કવિતાઓ ભગ્ન હ્રદયની ભાવનાઓ માટે પ્રેમીઓના દિલમાં સદાને માટે કોતરાઈ ચુક્યા છે.

અમૃતાજીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાંઆવ્યા છે. જેમાં પ્રમુખ છે ૧૯૫૬ નો સાહિત્ય અકાદમી પુરસ્કાર, જે મેળવનાર પ્રથમ મહિલા હતા. ૧૯૮૨ માં ભારતના સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કારજ્ઞાનપીઠ, ૧૯૮૮માં બલ્ગરિયા વૈરોવ પુરસ્કાર સાથે તે પહેલી પંજાબી મહિલા હતા જેને ૧૯૬૯માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાંઆવ્યા હતા. ૧૯૮૨માં ‘કાગઝ કે કૈનવસ’ માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. છેલ્લે ૨૦૦૪માં પદ્મ વિભૂષણનો પુરસ્કાર મળ્યો. સાથે ઘણા એવોર્ડથી તેમની કલમને નવાજવામાં આવી છે.

અમૃતા પ્રીતમ ઓગણીસમી અને વીસમી સદીના પ્રસિદ્ધકવયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકાર હતા.  પંજાબી ભાષાના સર્વશ્રેષ્ઠ કવયિત્રી તરીકે માન આપતા તેમની ૧૦૦ મી જયંતી પર ગૂગલએ ખાસ લેખિકાના અંદાજમાં ડૂડલ બનાવી તેમને સમર્પિત કર્યું હતું.

છેવટે ૩૧ ઓકટોબર ૨૦૦૫મા અમૃતાજીનું નિધન થયું. છતાં કવિતાપ્રેમીઓ નાં દિલમાં તે હયાત રહ્યા છે.

મહોબ્બત કી કચ્ચી દીવાર લીપી હુઈ, પુતિ હુઈ

ફિર ભી ઇસકે પહેલું સે રાત એક ટુકડા ટુટ ગિરા

બિલકુલ જૈસે એક સુરાખ હો ગયા,

દીવાર પર દાગ પડ ગયા….

__________________________________

૧૪) આરતીસોની

વિષય :  અમૃતા પ્રિતમ

સાહિત્યમાં અમર થઈ ગયેલા અમૃતા પ્રિતમનું મૂળ નામ અમ્રિત કૌર છે.. છ્યાસી વર્ષની વયે અવસાન પામેલા ભારતીય લેખિકા અને કવયિત્રી પંજાબી ભાષાના વીસમી સદીના અગ્રણી કવયિત્રીઓમાં તેમની ગણના થાય છે. પંજાબના પ્રથમ અગ્રણી મહિલા કવયિત્રી, નવલકથાકાર અને નિબંધકાર તરીકે ઓળખાયેલા અમૃતા પ્રિતમે ભારત અને પાકિસ્તાન બંને તરફથી સમાન પ્રેમ મેળવ્યો છે.. પંજાબી લોકગીતના અસંખ્ય સંગ્રહો અને આત્મકથાઓના એકસોથી વધુ પુસ્તકો છે, જેનું ઘણીબધી ભારતીય ભાષાઓમાં અને વિદેશી ભાષાઓમાં પણ અનુવાદ થયું છે.. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો..અને સાહિત્ય અકદામીનો પુરસ્કાર મેળવનારા અમૃતા પ્રિતમ પ્રથમ લેખિકા હતાં..

 એક તરફ શૈશવકાળ અને બીજી તરફ સ્વદેશની ભીની માટીની સુગંધ તેમના શબ્દોમાં સતત પ્રતિબિંબિત થાય છે.. લગ્ન વિચ્છેદ, બાળકોની જવાબદારી અને લેખિકાની ભીતરની સ્ત્રી વચ્ચે સંઘર્ષ પણ થતો રહ્યો છતાંયે લાગલગાટ સર્જન એ જ જીવન જીવવાની તેમની ફિલોસોફી હતી..

મૈં ને જિંદગી સે ઈશ્ક કીયા થા.

પર જિંદગી એક વેશ્યા કી તરહ,

મેરે ઈશ્ક પર હંસતી રહી.

ઔર મૈં ઉદાસ એક નામુરાદ આશિક,

સોચોં મેં ઘૂલતા રહા,

પર જબ એક વેશ્યા કી હંસી,

મૈં ને કાગઝ પર ઉતારી,

તો હર લફ્ઝ કે ગલે સે એક ચીંખ નીકલી.

ઔર ખુદા કા તખ્ત બહોત દેર તક હિલતા રહા.

જિંદગીની કટુતા ને મનની કડવાશ નિચોવીને રચાયેલી એમની આ રચના, મન ચગડોળે ચઢે એવી બિરદાવવા લાયક છે.. એમણે આ રચના સ્વાનુભવમાંથી જ સ્ફુરિત કરી છે.. અમૃતા પ્રિતમની કવિતાઓમાં સામાજિક જીવનની અનેક ઝલક રિફલેક્ટ થાય છે

________________________________

૧૫) કિરણ પિયુષ શાહ

શીર્ષક- મન્ટો મારી દ્રષ્ટિએ

શબ્દ સંખ્યા  :- ૩૫૦

સહાદત હસન મન્ટોનો જન્મ અગિયારમીમેને ઓગણીસોબારના દિવસે થયેલ.  લુધિયાણાના એક બેરિસ્ટર પરિવારમાં તેભનો જન્મ હતો.

મન્ટો કાશ્મીરી વંશના હતાં અને આ વાતનો તેમને ખૂબ  ગર્વ હતો.

મન્ટો માટે એવું કહેવાય કે તે તેના સમયથુ પહેલાં આવ્યા હતાં. તેમનું બેબાકપણું, નગ્ન સત્ય બોલવું કે પછી તેની વારતાઓ, તેમના બાગી સ્વભાવની ચાડી ખાતાં. મંટોએ હંમેશા નગ્ન સત્યનું જ આલેખન કર્યુ. એ માટે તેમને એ સમયનો સમાજ કયારેય સ્વીકારી નથી શક્તો. તેમણે ઉર્દૂ સાહિત્યમાં વારતા, નાટક અને અનુવાદો પર કામ કરેલ.

મન્ટોએ અંગ્રેજી, રશિયન અને ફ્રેચ કૃતિઓના અનુવાદ કરેલા. આને લીધે તેમનું ખાસું નામ થયું હતું.  છતાં તેમને પ્રસિદ્ધિ તેમની ટૂંકી વારતાઓએ અપાવેલ.

મન્ટોની અનેક વારતાઓ સમાજનું વરવું પાસું દર્શાવતી.

‘ખોલ દો,  ટોબા ટેકસીંહ, કાલી સલવાર, ઠંડા ગોશ્ત, બુ, ઉપર નીચે, દરમીયાં, ધુઆ’ વગેરે ખૂબ પ્રખ્યાત વાર્તાઓમાંની ગણાય. આ વાર્તાઓનો  વર્તમાન સમયમાં પણ અભ્યાસ કરવામાં આવે, એ સન્માનની વાત ગણાય. તેમની ઘણી વાર્તાઓ પર લાંબા કોર્ટ કેસ ચાલ્યા હતાં.

મન્ટો પર અનેક લેખકો એ પુસ્તકો લખ્યાં. અનેકવાર લેખનો વિષય રહ્યા. આજ પણ સતત ચર્ચાતું નામ એટલે મન્ટો. હાલમાં તેના જવન પર એક ફિલ્મ પણ બની.

મન્ટોના સમયના જ ઉર્દૂ લેખિકા ઈસમત ચુગતાઈ અને મન્ટોની મૈત્રી સારી એવી ચર્ચામાં રહેતી. ઈસમત પણ મન્ટો જેવી જ ભાષા માટે પ્રખ્યાત કહો કે બદનામ  હતાં.

મન્ટો અને ઈસમત ચુગતાઈની મૈત્રી વિરલ હતી. બંને પર અશ્લીલતા આલેખવાના કેસ થતાં બંને કોર્ટમાં જતાં અને છૂટી પણ જતાં. અજબ મૈત્રીની અજબ સામ્યતા. 

મન્ટોની કલમ મરદાને પણ બેઠાં કરી દે તેવી તાકાતવર હતી. મન્ટોને તેમનું બેબાકપણું જ તેમને માત્ર બેતાલીસ વરસની નાની વયે ભરખી ગયું. ઉર્દૂ સાહિત્યને તેનાં પનોતા પુત્રની કાયમી ખોટ પડી. 

મન્ટોને જીવનમાં એકવાર વાંચવા સર્વ માટે ફરજીયાત કરવું જોઈએ.. તો કદાચ મન્ટોના શબ્દો પાછળની પીડા અને વ્યથાને સમજી શકાય. કદાચ મન્ટોને સાચી શબ્દાંજલી આપી શકીએ.

મન્ટો મરણ પામી શકે તેનો દેહ માટીમાં ભળી શકે, પણ લેખક કયારેય મરતો નથી. એ તેનાં શબ્દો વડે ચિરંજીવી સ્થાન ભોગવે છે. એમ જ મન્ટો આજ પણ તેનાં શબ્દોથી જીવે છે.. સદીઓ સુધી તેનાં ચાહકો ને વાચકોના વિચારમાં જીવંત રહેશે. 

_________________________________

૧૬) રશ્મિ જાગીરદાર

શીર્ષક-અમૃતા પ્રિતમ

શબ્દો-138

‘જહાં ભી આઝાદ રૂહ કી ઝલક પડે સમઝના વો મેરા ઘર હૈ.’ આવી અત્યાધુનિક વિચારધારા એ જેમની ઓળખ હતી એવાં અમૃતા પ્રીતમ સ્વતંત્ર મિજાજનાં સ્વામીની હતાં. તેઓ 20મી સદીના પંજાબી ભાષાનાં પ્રથમ મહિલા લેખીકા તરીકે જાણીતા છે. તેમનાં કાવ્યો ભારત તેમજ પાકિસ્તાન બન્ને દેશોમાં જાણીતાં હતાં. પિંજર તેમની ખૂબ જાણીતી નવલકથા છે. તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. 

તેમનો જન્મ 31 ઓગષ્ટ 1919માં ગુજરાનવાલામાં થયો હતો. આ ભાગ અત્યારે પાકિસ્તાનમાં છે. તેમનો અભ્યાસ વિશ્વભારતી યુનિવર્સિટીમાં થયો હતો. તેમના લગ્ન પ્રિતમસિંગ સાથે થયાં હતાં જે 1960માં મૃત્યુ પામ્યા હતા. તેમને બે બાળકો હતાં. 

કહેવાય છે કે, તેઓ સાહિર લુધિયાનવીને પ્રેમ કરતાં હતાં. ઈમરોઝ સાથે તેમની ગાઢ મૈત્રી હતી. ઈમરોઝ તેમને પ્રેમ કરતા હતા. આમ તેમની જીંદગી તાણાવાણાની જેમ વણાયેલી હતી. 

__________________________________

 ૧૭) ભગવતી પંચમતીયા. ‘રોશની’

શબ્દ સંખ્યા : ૩૦૬ 

હસન મંટો એવાં સાહિત્યકાર છે જેને ભારત, પાકિસ્તાન સહિત પૂરી દુનિયાનાં લોકો માન આપે છે. તેમનો જન્મ પંજાબનાં સમરાલા જિલ્લામાં આવેલાં પપરાલા નામનાં ગામમાં અગિયાર મેનાં રોજ, ઓગણીસસો બારની સાલમાં થયો હતો. તેમનાં પિતાજી બેરિસ્ટર સેશન જજ હતાં. હસન બાળપણમાં થોડાં આળસુ અને તોફાની પણ હતાં. તેમને થીયેટરમાં ખૂબ રસ હતો. એટલે તેમણે દોસ્તો સાથે મળીને એક ડ્રામા ક્લબ શરુ કરી. પરંતુ, હસનનાં પિતાજી આ બધાંની સાવ વિરુદ્ધમાં હતાં. એટલે હસનને ડ્રામા ક્લબ બંધ કરવી પડી. 

તેમણે પોતાનું એન્ટ્રન્સ સુધીનું ભણતર અમૃતસરમાં પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી ઓગણીસસો એકત્રીસમાં હિન્દુસભા કોલેજમાં એડમીશન લીધું. એ સમયે અમૃતસરમાં ક્રાંતિકારી ગતિવિધી પૂરજોશમાં ચાલુ હતી. ઓગણીસસો બત્રીસમા તેમનાં પિતાજી મૃત્યુ પામ્યાં પછી તેમનો ક્રાંતિ તરફનો ઝોક વધ્યો હતો. સાથે જ તેમની સાહિત્યિક યાત્રા પણ શરૂ થઈ. તેમની પ્રથમ વાર્તા ‘તમાશા’ ખૂબ પ્રખ્યાત છે. ૧૯૩૬માં તેમનું પહેલું પુસ્તક ‘આતિશ પારે’ પ્રકાશિત થયું. તેમણે કેટલાંયે મેગેઝીન અને સમાચારપત્રો માટે કામ કર્યું. ૧૯૪૧માં ઓલ ઇન્ડિયા રેડીયોમાં કામ કરતી વખતે તેમણે ઘણી ટૂંકી વાર્તાઓ અને નિબંધો લખ્યાં. આ સમય તેમની સાહિત્યિક રચનાઓ માટે સર્વ શ્રેષ્ઠ સાબિત થયો. ૧૯૪૭માં બનેલી ઘટનાઓની ઊંડી અસર તેમની વાર્તાઓમાં જોવા મળે છે. ૧૯૪૮માં પત્ની અને ૩ પુત્રીઓ સાથે તેઓ પાકિસ્તાન ચાલ્યાં ગયાં અને જીવ્યાં ત્યાં સુધી ત્યાં લાહોરમાં જ વસવાટ કર્યો. 

તેમણે પોતાની ૪૨ વર્ષની વયમાં અનેક વાર્તાઓ અને રેડિયો નાટકો લખ્યાં. તેમાં તેમની પર કેસ પણ થયાં. તેમની વાર્તાઓમાં અશ્લીલતાને લીધે આ કેસો ચાલ્યા. તેઓ વેશ્યા પર લખે છે અને તેમની વાર્તામાં અપશબ્દો પણ હોય છે તેવો આરોપ તેમનાં પર મૂકાતો હતો. કાલી સલવાર, ધુઆ, ઠંડા ગોશ્ત….વગેરે વાર્તાઓ પર કેસ ચાલ્યાં હતા. મંટો બચાવમાં કહેતાં કે પોતે જે લખે છે તે સમાજનો આયનો છે. મારી વાર્તાઓ પર સવાલ ઉઠાવવો એટલે સમાજ વ્યવસ્થા પર સવાલ કરવો. કોર્ટમાં તો તેઓ ટક્કર આપી શક્યાં પરંતુ, લીવરની બીમારી સામે ન ટકી શક્યા. અને ૧૮ જાન્યુઆરી ૧૯૫૫માં તેમનું નિધન થયું. તેમની વાર્તાઓ આજે ૫૦ વર્ષ પછી પણ એટલી જ પ્રસ્તુત છે.

_________________________________

૧૮) સરલા સુતરિય

શીર્ષકઃ મંટો

શબ્દ સંખ્યાઃ ૭૬૮

સઆદત હસન મંટોનો જન્મ ૧૧ મે ૧૯૧૨ના રોજ પ્રખ્યાત બેરિસ્ટર અને સેશન્સ જજ ગુલામ હસન અને સરદાર બેગમને ત્યાં લુધિયાણા રાજ્યના સમરાલામાં થયો હતો. 

મંટો ભણવામાં હોંશિયાર પણ ઉર્દુમાં કમજોર હોવાને લીધે નાપાસ થતા હતા એટલે એમના પિતાએ અમૃતસરની મુસ્લિમ સ્કૂલમાં દાખલ કરી દીધા. જ્યાં એમણે મિત્રો સાથે મળીને નાટકમંડળી બનાવી અને આગા હસન કાશ્મિરીના એક નાટકને ભજવવાની તૈયારી શરૂ કરી દીધી જે એમના પિતાને પસંદ ના આવ્યું. મંટોના પિતાને નાટક ચેટક પસંદ ન હતા એટલે ફરી મંટોને હિંદુ મહાસભા કોલેજમાં ભરતી કરી દીધા. આજ સમયે મંટોની જલિયાવાલાં બાગ હત્યાકાંડ પર આધારિત પહેલી વાર્તા ‘તમાશા’ પ્રકાશિત થઈ જેમાં સાત વરસના બાળકની નજરે જોવાતા પ્રસંગને આલેખવામાં આવેલો. એ પણ એમના પિતાને ન ગમ્યું એટલે ૧૯૩૧માં એમને અલીગઢ યુનિવર્સિટીમાં મોકલી દીધા. જ્યાં એમની મુલાકાત અલી સરદાર જાફરી સાથે થઈ. એમની પ્રેરણાથી મંટોના સાહિત્ય પરત્વેના પ્રેમમાં ઉછાળ આવ્યો ને એક પછી એક વાર્તાઓ લખાતી ગઈ, છપાતી ગઈ અને સાહિત્ય જગતમાં એમની લોકપ્રિયતા વધતી ગઈ. એમની ઘણી વાર્તાઓમાં ક્રાન્તિકારી પ્રવૃતિનો પડછાયો અનુભવી શકાય છે. એમની વાર્તા લેખનની શૈલી લાગણીઓની આળપંપાળની નહોતી. સીધા જ એક ઘા ને બે કટકા જેવી એમની કલમ કપડાંનું નહીં પણ સીધું જ શરીરનું વર્ણન કરતી. એમની વાર્તા પર અશ્લિલતાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.

તેઓ ઉગ્ર સ્વભાવના છતાં સંવેદનશીલ હતા. સ્વાભિમાની લેખક હતા. કોઈપણ આવરણ વગરનું સીધે સીધું એમનું લખાણ હ્રદયને ચીરીને આરપાર ઉતરી જતું એટલે એમના દુશ્મનો પણ ઘણા હતા.

૧૯૩૫માં તેઓ લાહોર ગયા પણ ત્યાં ફાવ્યું નહીં તેથી તેઓ ફરી પાછા મુંબઈ આવ્યા, ને પછી પહેલી રંગીન ફિલ્મ ‘કિસાન કન્યા’ લખી. થોડા વખતમાં જ મુંબઈમાં તકલીફ વધતા તેઓ દિલ્હી ચાલ્યા ગયા. ત્યાં દોઢેક વરસ રહીને આકાશવાણીમાં કામ કર્યું. ત્યાં ઘણાંય નાટકો લખ્યા. મુંબઈ આવીને એમણે ‘અપની નગરીયા, શીખ બેગમ અને મિર્ઝા ગાલિબ’ જેવી ફિલ્મો પણ લખી. ૧૯૩૬માં મંટોનો પ્રથમ ઉર્દુ વાર્તાઓનો સંગ્રહ પ્રકાશિત થયો જેનું શીર્ષક હતું ‘અતીશપારે.’ 

 ૧૯૪૮ પછી મંટો પાકિસ્તાન ચાલ્યા ગયા અને લાહોરમાં વસી ગયા હતા. 

એમના મનમાં સમાજ સુધારણાનો વિચાર એટલો પ્રબળ હતો કે ઘરની, પત્નીની ને દીકરીઓની જરુરિયાતોનો ખ્યાલ જ નહોતો રહેતો. ત્રણ દીકરીઓ અને માતાની જવાબદારી તથા મંટોની વિચિત્રતાઓ અને ઉદ્દામવાદી વિચારો સાથે જિંદગી દુશ્વાર લાગતાં એમની પત્નીએ એમને પાગલખાનામાં ભરતી કરાવી દીધેલા, જ્યાં તેઓ પાગલોને ભેગા કરી પોતાની વાર્તાઓ સંભળાવતા. જેલર અને ઉપરી અધિકારીઓને મંટો આંખના કણાની જેમ ખૂંચતા અને એમને હેરાન કરવાની એકપણ તક જતી ન કરતા. તેઓ પોતાના ઉદ્દામ વિચારો પાગલ દર્દીઓમાં ન ફેલાવે એટલે એમને સતત ઘેનના ઈન્જેક્શન આપવામાં આવતા. તે છતાંય એમના વિચારોમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું. જેલરને ભય હતો કે મંટો ક્યાંક એમની આ જોરજુલમીને વાર્તામાં વણીને લોકો સમક્ષ ન મૂકી દે. અંતે વકીલની સલાહથી એમને મુક્ત કરી દેવામાં આવ્યા. ઘરે આવ્યા ત્યારે પત્નીએ જ એમનું હુંફાળું સ્વાગત કરેલું અને જીવનભર સાથ નિભાવેલો.

મન્ટોએ પોતાનું મોટા ભાગનું સર્જન અખંડ હિન્દુસ્તાનમાં જ સર્જ્યું. પોતાના જીવનકાળ દરમિયાન મંટોએ ૨૩૦ વાર્તાઓ, ૬૭ રેડીયો નાટક અને ૭૦ લેખો લખ્યા હતા. પાકિસ્તાનમાં વસી ગયા પછી એમની વાર્તાઓના ૧૪ સંગ્રહ પ્રકાશિત થયા હતા, જેમાં ૧૬૧ વાર્તાઓનો સમાવેશ છે.

ખોલ દો, ટેટવાલ કા કુત્તા, ટોબાટેક સિંઘ, મમ્મી, નંગી આવાજે, લાઈસેન્સ, ઠંડા ગોસ્ત, કાલી સલવાર, ગુંજ, ગંજે ફરિસ્તે વગેરે એમની સૌથી વધુ વંચાતી વાર્તાઓ છે જેમાં માનવીની કાળી બાજુનો નગ્ન ચિતાર છે. એમની વાર્તાઓમાં વિભાજન વખતની વેદના અત્યંત તીવ્રતાથી વ્યક્ત થઈ છે. ઊંઘમાં પણ એમને વાર્તાના વિષયો ઝકઝોરતા રહેતા. એમની ઘણી વાર્તાઓ પર મુકદ્દમા પણ દાખલ કરવામાં આવ્યા હતા. મંટોએ કદી સસ્તી બજારુ વાર્તા નથી લખી. એમની વાર્તામાં સમાજનું નગ્ન સ્વરૂપ ઝિલાતું ને એ વાંચી સંભ્રાત સમાજ એમની પર માછલા ધોતો.

ભારતના ભાગલા સમયે જે હિજરત કે કત્લેઆમ થઈ તેનું તટસ્થ આલેખન જે સર્જકોએ કર્યું એમાં મન્ટો મુખ્ય છે. એમણે નિર્ભયતાથી, કોઈ પણ પ્રકારના રાજનૈતિક પુર્વગ્રહ વગર માત્ર માનવીય અભિગમથી જે કંઈ લખ્યું એ કોઈપણ સંવેદનશીલ માનવીને આરપાર વીંધી નાખે એવું છે.

મંટો કહેતા કે, “મેં જે વાર્તાઓ લખી છે એમાં કંઈ અશ્લિલતા નથી. જેવું જેનું મન એવા એના ભાવાર્થ અને જોવાની દ્રષ્ટિ. કોઈને અગર મારી વાર્તામાં અશ્લિલતા જડે છે તો એ એની દ્રષ્ટિનો વાંક છે, મારી વાર્તાનો નહીં, મેં તો જેવો સમાજ છે એવા જ દ્રશ્યો આલેખ્યા છે અને એક વ્યક્તિનું સત્ય, હંમેશા સમૂહ માટે સત્ય ના પણ હોય!”

તેમણે અંગ્રેજી, રશિયન અને ફ્રેંચ ભાષાની ઉત્તમ કૃતિઓનો અનુવાદ પણ કર્યો અને અનુવાદક તરીકે ખૂબ નામના મેળવી હતી. 

એમના સ્વભાવની ઉગ્રતાના મૂળમાં કદાચ પ્રિય સંતાનનું મૃત્યુ, પાકિસ્તાનમાં ચાલ્યા ગયા પછી ત્યાંની વ્યવસ્થામાં ગોઠવાઈ ન શક્યાનું દુઃખ, અખંડ ભારતની યાદ, એમની વાર્તાઓ પર ચાલેલા અદાલતી મુકદ્દમાઓ, ભાગીદારની રૂક્ષતા વગેરે જીવનની કઠણાઈઓ હોઈ શકે. એમણે જિંદગીમાં એટલી બધી તકલીફોનો સામનો કરેલો કે કાચોપોચો માણસ તો જીવી જ ન શકે. 

૧૮ જાન્યુઆરી ૧૯૫૫માં મંટોએ આખરી શ્વાસ લીધા. એક જડમૂળથી પ્રમાણિક અને સંવેદનશીલ વ્યક્તિત્વ કાળના મુખમાં વિલીન થઈ ગયું. એમના મૃત્યુ બાદ દુનિયાએ એમના સર્જનનું મહત્વ આંક્યું ને મંટોની વાર્તાઓ વિશ્વ સાહિત્યમાં અમર થઈ ગઈ. જો એમના જીવતાજીવત આ બન્યું હોત તો એક સંવેદનશીલ લેખક આત્મસંતોષ સાથે વિદાય લઈ શક્યા હોત! પણ હાય રે દુનિયા! 

__________________________________

૧૯) આરતી રાજપોપટ

શીર્ષક: સઆદત હસન મન્ટો.

સઆદત હુસેન મન્ટો. જેટલા પાકિસ્તાનના એટલા જ કે એનાથી પણ થોડા વધુ હિન્દુસ્તાનના છે એમ કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી.

મન્ટોનો જન્મ લુધિયાણામાં થયો. પણ એમનું જીવન અમૃતસર, મુંબઈ અને લાહોરમાં (પાકિસ્તાન) વીત્યું.

૧૮ જાન્યુઆરી 1955માં માત્ર ૪૨ વર્ષની નાની વયે દુનિયામાંથી વિદાય લીધી.  તેઓ આજે પણ એટલાજ પ્રાસંગીક લેખક છે જેટલા એ સમયે હતા. 

તેઓ લેખક બન્યા એ પહેલાં ૧૯૩૬ માં એક ફિલ્મ મેગેઝીનમાં ફિલ્મ પત્રકાર તરીકે કામ કરતા. આ જ સમયગાળા દરમ્યાન સ્ક્રીનપ્લે રાઇટર પણ બન્યા. ૧૨ વર્ષ મુંબઈ રહ્યા. વિભાજન પછી પાકિસ્તાન ગયા છતાં તેમની મુંબઈ પ્રત્યેની, ભારત પ્રત્યેની લાગણી અકબંધ રાખી આખરી દિવસો સુધી જન્મભૂમિને યાદ કરી જીવ્યા. 

તેમના લેખનકાર્ય દરમ્યાન તેમણે કોઈ નવલકથા નથી લખી. જાણે કે તેમને પોતાની નવલિકાઓની અમરતા અને ચિરંજીવીતા પર પૂરો ભરોસો હતો. ગદ્ય લેખકો માનતા રહ્યા છે કે જો લેખનજગતમાં અમર બનવું હોય તો નવલકથા લખવી આવશ્યક છે. આ માન્યતાનું મૂળમાંથી છેદન કર્યું. 

અમૃતસર, મુંબઈ અને લાહોરના એ ગલી, મહોલ્લા, બદનામ બજારો, ટાંગાવાળા અને સ્વાધીનતા સંગ્રામ માટે લડતા લોકો મન્ટોની વાર્તાઓમાં એવા રંગ ભરે છે કે, એ એમને ભારત અને પાકિસ્તાનના ત્રણ મહાન સાહિત્યકારોની શ્રેણીમાં સ્થાન અપાવે છે.  અને જેને બન્ને દેશ પોતાના દેશની વિભૂતિ ગણાવી ગૌરવ અનુભવે છે. 

ઊંચનીચ, સારા ખરાબ, નબળા સબળા, બુદ્ધિશાળી કે મૂરખ જેવા ભેદને બાજુ પર મૂકી એમણે માણસને માત્ર માણસ તરીકે સ્વીકાર્યો છે. આલેખ્યો છે. તેથી તેમની વાર્તાના પાત્રો આટલા જીવંત અને સહજ લાગે છે. 

તેઓ એના સ્વપરિચયમાં કહેતા ‘હું વાર્તા નથી લખતો વાર્તા મને લખે છે!

કોઈ માણસ જે રીતે ન્હાય, ખાય એટલી સહજતાથી વાર્તાઓ લખાય છે એનું મને પણ ક્યારેક આશ્ચર્ય થાય છે. કે પછી શરાબની જેમ વાર્તા લખવાનું વ્યસન થઈ ગયું છે.’

એમનું લેખનકાર્ય એમની બેબાકી જોઈ લાગે કે તેઓ તેમના સમય કરતાં વહેલા જન્મેલા. આ માટે અહીં એમની વાર્તાઓના કેટલાક નમુનાઓ;

મારી આંખોની સામે મારી જુવાન દીકરીને ન મારો.”

“ચાલો, તેની વાત માની લઈએ. છોકરીના કપડાં ઉતારીને હાંકી કાઢો એક તરફ.”

એ હજુ મર્યો નથી. તેનામાં હજી જીવ છે.” 

“રહેવા દે યાર. હું બહુ થાકી ગયો છું.”

મન્ટોએ પોતાની આસપાસ માણસના અનોખા રૂપ, એનો પ્રેમ, નફરત, લાલચ, ઢોંગ, હવસ, શયતાનીરૂપ, જે પણ જોયું, સાંભળ્યું, અનુભવ્યું એને પોતાની વાર્તાઓમાં પરોવી પરિવર્તનના એ યુગમાં વાચકોને મનોરંજન સાથે એક સ્તબ્ધતા પણ આપી. જેથી એ વધુ સારા મનુષ્ય બની શકે.

મન્ટો ભાગલા પછી ભલે પાકિસ્તાન જતા રહેલા પણ તેમની વાર્તાની ચર્ચા જેટલી ભારતમાં થઈ તેટલી પાકિસ્તાનમાં ક્યારેય નથી થઈ. તેમની સાચું લખવાની આદત, વાસ્તવવાદી અભિગમ અને બેબાકી ને લીધે કેટલાક લોકો મન્ટોની તુલના પ્રસિદ્ધ સાહિત્યકાર ગાય દ મોપાંસા સાથે કરે છે. 

હિન્દી સાહિત્યકાર કમલેશ્વરે કહેલું,

વિભાજન, રમખાણ અને સાંપ્રદાયિકતા પર જેટલા પ્રહારો મન્ટોએ કર્યા છે એ વાંચીએ ત્યારે માનવું મુશ્કેલ બની જાય કે કોઈ કહાનીકાર આટલો સાહસી, આટલો સત્યવાદી અને આ હદે મમતવિહોણો હોઈ શકે. 

આમ છતાં મન્ટોએ ક્યારેય માનવીય સંવેદનાઓને ઈજા પહોંચાડી નથી. ટોબા ટેકસિંહ, ઠંડા ગોશ્ત, ખોલ દો જેવી વાર્તાઓ આની ખાત્રી આપે છે. હાંસિયામાં ધકેલાય ગયેલા લોકો, કચડાયેલી જિંદગીઓ અને તેમની વણકહી પીડાઓની મન્ટોએ ઓળખ-પરેડ કરી છે. 

આમ, જેમ હર હિન્દુસ્તાનીના દિલમાં છે એમ એમના દિલમાં પણ છેક સુધી હિંદુસ્તાન વસેલું હતું. તેમને હિન્દુસ્તાન પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એ પાકિસ્તાન બનાવવાના હકમાં પણ નહોતા. 

‘અંકલ સેમ’ ને લખેલા એક એક પત્રના શબ્દોમાં એમની વિભાજનની વેદના, વ્યથા વ્યક્ત કરતા લખે છે;

“હું જ્યાં જન્મ્યો એ જગ્યા હવે હિન્દુસ્તાનમાં છે, જ્યાં મારી મા, મારા બાપ, મારુ પહેલું બચ્ચું દફન છે. પણ હવે એ મારું વતન નથી.

__________________________________

૨૦)  હિમાલી મજમુદાર 

શીર્ષક : રુહાની કલમ

શબ્દ :૧૯૭

    સાહિત્ય જગતનું અપ્રતિમ નામ એટલે અમૃતા પ્રીતમ. તેમના વ્યક્તિત્વને આલેખવા માટે કલમને રુહાની શાહીમાં ઝબોળીને શબ્દોને કંડારવાની ક્ષમતા કેળવવી પડે તો જ કદાચ તેમના વ્યક્તિત્વને ન્યાય આપી શકાય.

         સ્વરૂપવાન માતા રાજબીબી અને કવિશ્રી પિતા કરતાર સીંગનું  એકમાત્ર સંતાન અમૃતા પ્રીતમ. તેમનો જન્મ એકત્રીસ ઓગસ્ટ 1919 માં ગુજરાનવાલા પંજાબમાં થયો હતો.અને એકત્રીસ ઓક્ટોબર 2005 માં 86 વર્ષની વયે તેમનું

 મૃત્યુ થયું હતું.માતા-પિતાનો સુંદર સમન્વય લઇને જન્મેલા અમૃતાની કલમ સંવેદનશીલ અને જીવનના અનેક તબક્કા માંથી પસાર થઇ,સમાજના વાસ્તવિક રૂપને છતી કરી શકી હતી.કવિયત્રી અમૃતા પ્રીતમ અનેક નામાંકિત પુરસ્કારથી સન્માનિત હતાં.જીવનસાથી પ્રીતમ સીંગ સાથેના લગ્ન જીવનમાં બે બાળકોની માતા બન્યા.

      ‌ સાહિર અને ઈમરોઝ તેમના જીવનમાં આવેલા અન્ય બે પુરુષ મિત્રો જેનાથી રચાયો પ્રણય ત્રિકોણ.એ સંબંધની પારદર્શકતા

 આજે પણ સાહિત્ય જગતમાં શિખરે છે.મિત્રોના સાનિધ્યમાં ખીલી ઊઠેલી તેમની રુહાની કલમનું પ્રતિબિંબ અને સુંદર રચનાઓની અનૂભૂતિ થયા વગર રહી શકતી નથી. હિન્દી સાહિત્ય જગતમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર અને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત એવાં અમૃતા પ્રીતમ આપણા દેશનું ગૌરવ છે. તેમનું ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન આજના સમયમાં પણ  ચિરંજીવ રહ્યું છે.એજ એમના વ્યક્તિત્વની આગવી ઓળખ કહી શકાય.

_________________________________

૨૧) પૂજા(અલકા)કાનાણી

શીર્ષક-અમૃતા પ્રિતમનું પાત્રાલેખન

શબ્દ સંખ્યા-225

  અમૃતા પ્રીતમજીનું પાત્રાલેખન કરવું એટલે ‘મુશકીલ હી નહીં નામુમકીન હૈ’ એમ કહી શકાય કારણ કે જેમ જેમ વાંચો તો તેમના વિશેની એવી વાતો ઉજાગર થાય કે આપણે અવઢવમાં મુકાઇ જઈએ કે શું લખવું!

      આસમાનમાં ઉડતા કો “સ્વૈર વિહારી પંખી” જેવા મુક્ત વિચારો ધરાવતા અમૃતાજી એટલે પ્રથમ પંજાબી મહિલા કવયિત્રી, નવલકથાકાર અને નિબંધકાર પણ ખરા. ભારત અને પાકિસ્તાન બંને દેશોનો અઢળક પ્રેમ પામનારા કવયિત્રી.

તેમના જીવનકાળ દરમિયાન તેમણે કાલ્પનિક વાર્તાઓ,જીવન ચરિત્રો,પંજાબી લોકગીતોનો સંગ્રહ અને આત્મકથાના પુસ્તકો તૈયાર કર્યા હતા. તેમના સર્જનમાં પિંજર (નવલકથા) સજ્જ અકવાં વારિસ શાહનું (કવિતા) સુનેરે નો સમાવેશ થયેલ છે. તેમને સાહિત્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતાં.

તેમનું અંગત જીવન બોલ્ડ કહી શકાય તેવું હતું પણ તેણે ક્યારે તેના પર ઢાંકપિછોડો કરવાની કોશિશ નહોતી કરી. તેમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું તેમ કહી શકાય. અમૃતાજીએ પ્રિતમ સિંહ સાથે લગ્ન કર્યા હતા પછી સાહિર લુધિયાનવી માટે પતિને છોડ્યા પણ સાહિર ના જીવન માં અન્ય સ્ત્રી નો પ્રવેશ થતા તેઓ ચિત્રકાર ઇમરોઝ સાથે જોડાયા અને આ સાથ જીવન પર્યંત રહ્યો.

શબ્દ સાથે રમવું એ અમૃતાજીનો શોખ હતો અને તેના આ શોખને કારણે જ તેઓ દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યા હતા અને 31 ઓક્ટોબર 2005ના રોજ નવી દિલ્હીમા લાંબી બીમારી બાદ 86 વર્ષની વયે અવસાન પામ્યા હતા.

“જહાં ભી આઝાદ રૂહ કી ઝલક પડે સમજના વો મેરા ઘર હૈ”.

__________________________________

અમેરિકા શાખા 

૧) પ્રવિણા કડકિઆ

શબ્દ- ૨૧૦

શીર્ષક-ગૌરવવાંતી ગાથા

અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન પાકિસ્તાન ગુરજાનવાલા ગામમાં ૩૧મી ઓગસ્ટૅ એક નાની બાળકીનો રડવાનો 

અવાજ હવામાં ગુંજી ઉઠ્યો. નામ અમૃતા કૌર જે બાળલગ્નના શિકાર થયા અને અમૃતા પ્રીતમ બન્યા. 

જેની કલમ તેના વિચાર સ્પષ્ટ પણે આલેખતા જરા પણ અચકાતી નહી. નિર્ભય લેખિકા, બળવાખોર અને પ્રેમની પ્રતિમા

જેવી અમૃતા પ્રીતમ પોતાના વિચારો સ્પષ્ટ પણે રજૂ કરતાં કોઈની ચીંતા ન કરતી. હિંદી અને પંજાબી ભાષામાં પોતાના

વિચારો સ્પષ્ટ લખતાં ક્યારેય પાછી પાની ન કરી.  

૧૯૪૬માં પોતાના પતિ વિષે સ્પષ્ટ જણાવ્યું, “તું મારે માટે બે રોટી લાવે છે, હું તારે કાજે માત્ર હાડ માંસની બનેલી ઢિંગલી નથી. 

જેની સાથે તું  તારી મરજી પ્રમાણે રમે ! લે હું તારી સામે ઉભી છું ,કર જે કરવું હોય તે” ! 

આજે ૨૧મી સદીમાં પણ આટલું સત્ય ઉચ્ચારવાની ઘણી સ્ત્રીઓમાં તાકાત નથી હોતી ? એક પછી એક પુસ્તકો અને નિંબધમાળાની હારમાળા લખી ૧૯૬૫માં તેમની વાર્તા પરથી બની કાદંબરી. 

તેમની નવલકથા ‘પિંજર” પરની વાતે તો ભલભલાને હચમચાવી મૂક્યા હતાં. હિંદુ કન્યા પુરૌં રશીદ નામના મુસલમાન યુવકે 

અપહરણ કર્યું . જ્યારે તે પાછી આવી તો કુટુંબે તેનો બહિષ્કાર કર્યો.

તેમની રચનાઓ ‘રસીદી ટિકિટ,’ ‘મુહબ્બત નામા’, પિંજર’, ‘કસક’ પાનીકી લકીર’, અદાલત’.’સાત સવાલ’ વિ.  મિત્રો નામ ઉપરથી કલ્પના કરી શકાય છે કે તેમની અંદર ભારેલો અગ્નિ હતો. 

અમૃતા પ્રીતમ વિષે જેટલું લખું તેટલું  ઓછું છે. એ સ્ત્રીએ ૧૯૫૬માં સાહિત્ય એકેડેમી નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો. ૧૯૬૯માં પદ્મશ્રી બન્યા. સાહિરના પ્રેમમાં પાગલ બન્યા. જીંદગીના ઘણા વર્ષો  ચિત્રકાર ઈમરોઝ સાથે ગાળ્યા. 

એક વીરાંગના જેવું જીવન જીવી,  જીવનમાં જે પામવાની મહેચ્છા હતી તે સઘળું મેળવ્યું.

__________________________________

૨) સપના વિજાપુરા 

શીર્ષક :વતન ઝૂરાપો 

શબ્દ : 501

વતન ના ઝુરાપામાં જેમણે પોતાની જવાની ગુજારી એવા લેખક સઆદત હસન મન્ટોનો જન્મ મેં, 1912 લુધિયાનામાં થયો હતો. ભાગલા વખતે એમને. પાકિસ્તાન જવું પડ્યું હતું. જે એમના માટે જીવનભરનું દુઃખ બની ગયું . અને વતન ઝુરાપામાં જ શરાબી થઇ ગયા હતા,અને ત્રેતાલીશ વર્ષની નાની વયે મૃત્યુ પામ્યા હતા.

એમના બાવીશ પુસ્તકો ટૂંકી વાર્તાના, એક નોવેલ , પાંચ રેડિયો માટે નાટક અને બે નિબંધના પુસ્તકો પ્રકાશિત થયાં છે. મન્ટોની કલમ  હમેશા સત્ય બોલતી તેથી એ જમાનામાં એ ઘણા અપ્રિય લેખક ગણાતા. એમની ભારત પાકિસ્તાનના ભાગલા અને સ્વતંત્રતા વિષેની વાર્તાઓ ઘણી પ્રચલિત થઇ છે. એ બધી વાર્તાઓમાં એમનો વતન એટલેકે ભારતનો ઝુરાપો દેખાય આવે છે. એ મુંબઈને પોતાની  પ્રેમિકા જેવી ગણતા હતા. અલીગઢ યુનિવર્સિટી માં ગ્રેજ્યુએટ થયા પછી એ મુંબઈ આવ્યા હતા.

મુંબઈમાં એમને ફિલ્મ જગતના સમાચાર અને મેગેઝિનમાં  લખવાનું ચાલુ કર્યું. જ્યાં એમની દોસ્તી નૂરજહાં, અશોકકુમાર,નૌશાદઅને શ્યામ સાથે થઇ. 1941 માં એમણે દિલ્હી ઓલ ઇન્ડિયા રેડિયો માટે ઉર્દૂ નાટક લખવાનું કામ પણ કર્યું હતું. એમણે ચાર ઉર્દુ  નાટક લખેલા જેમાં ‘આઓ’, મન્ટો કે ડ્રરામે, જાનઝે ,ઔરતે છે. એમને ઓલ ઇન્ડિયા ના ડાયરેક્ટર એન. એમ રશીદ સાથે અણબનાવ થયો અને મુંબઈ પાછા આવી ગયા. એમને ફિલ્મ માટે સ્ક્રીન રાઈટીંગ ચાલુ કર્યું. એમણે  અર્થ, શિકારી, ચલ ચલ રે નવજવાન અને મિર્ઝા ગાલિબ ફિલ્મનું સ્ક્રીન રાઈટીંગ કરેલું. આ સિવાય એમની ટૂંકી વાર્તા કાલી શલવાર , ધુંઆ અને બું ખૂબ પ્રચલિત થઈ. જે ‘કોમી જંગ’ પેપરમાં પ્રકાશિત થઇ હતી.

1948 ના ભાગલા સમયે એમણે તો મુંબઈ માં જ રહેવું હતું,  પણ એમની પત્ની અને બાળકો એમના સગાંવહાલાંને મળવા લાહોર ગયેલા અને એ સમય દરમ્યાન મુંબઈ માં કોમી રમખાણ થયા અને એમને પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. 1948 ના ભાગલામાં એમણે મુંબઈને, પોતાની પ્રેમિકાને રડતે હ્ર્દયે વિદાય આપી. પણ  પોતાનું તૂટેલું હ્દય મુંબઈમાં છોડી ગયા.

લાહોરમાં જઈ ને પોતાની પત્ની અને ત્રણ દીકરીઓ સાથે સેટ થયા. એમના લખાણમાં કડવી સચ્ચાઈ હતી. ભાગલા પડયા ત્યારે. એમણે   ભાગલાનો ખૂબ વિરોધ દર્શાવ્યો હતો. ખુલ્લે આમ લખવા માટે એમના પર ત્રણવાર કોર્ટની કારવાઈ પણ થઇ હતી. પણએમને જ્જને જણાવ્યું હતું કે ,” એક લેખક કલમ ત્યારે જ ઉઠાવે છે જ્યારે એની લાગણી દુભાય છે.” તમાશા વાર્તા જલિયાંવાલા બાગની દુઃખભરી કહાની હતી. પાકિસ્તાન જઈને મુંબઈને ખૂબ યાદ કરતા. વૈશ્યા અને સમાજના બીજા દુષણો વિષે એમણે ઘણી વાર્તાઓ લખી. એમને લાગતું કે એમના બધા પાત્રો જીવિત છે અને એમને લખવા માટે મજબૂર કરે છે અને જ્યાં સુધી એ પાત્રોને શબ્દોમાં ના મૂકતા ત્યાં સુધી એમની આજુબાજુ  આ પાત્રો ફરતાં રહેતા.

ખૂબજ લાગણીશીલ એવા મન્ટોને શરાબની આદત પડી ગઈ હતી ગમ ભુલાવવા માટે શરાબ પીતા અને શરાબ પીતા જેથી ગમમાં વધારો થતો. ગરીબાઈમાં દિવસો નીકળતા  હતાં. પત્ની ત્રણ દીકરીઓને મુશ્કેલીથી મોટી કરી રહી હતી એમાં શરાબમાં પૈસાજતા જેથી પત્ની પણ દુઃખી રહેતી હતી. અંતે શરાબે એના લીવરને પાયમાલ કરી નાખ્યું અને 18 જુલાઈ 1955 ના દિવસે આ મતલબી દુનિયાને છોડી ને શાંતિની  દુનિયા તરફ પ્રયાણ કર્યું.

એમના મૃત્યુ પછી લગભગ પચાસ વર્ષ પછી પાકિસ્તાનની સ્ટેમ્પ માં એમનું પિક્ચર લેવામાં આવ્યું. 2012 માં એમને નિશાનેઈમ્તિયાઝ એવોર્ડ આપવામાં આવ્યો. 2018 માં બ્રિટિશરે ‘ ટોબા તેકસીંગ ” સ્ટોરી ને એ 100 વાર્તાની અંદર મૂકવામાં આવી જેમાં હોમર અને વર્જિનિયા વોલ્ફ ની પણ સ્ટોરી હતી.જે માન એમને જીવતા ના મળ્યું એ મૃત્યુ બાદ મળ્યું. એ પણ એક દુઃખનીવાત છે.પોતાના કામને વખણાતું કાશ એ પોતે પણ જોઈને ગયા હોત !!

__________________________________

૩) રેખા શુક્લ

શીર્ષક-સંગમ લાગણીના શબ્દે-અમૃતા પ્રીતમ (સાહિર – ઇમરોઝ )

શબ્દ સંખ્યાઃ૨૩૭

હું નાની અમૃતા કોર કહેતી રહી મા ને ના મરવા દેતા પણ ભગવાને ના સાંભળ્યું.મા વિના મોટી થઈ

મમતા ને પ્રેમની ઉણપ મને સતાવી રહી. ભાગલા પછી દિલ્હીમાં આવી સોળ ની લગ્નની ઉંમરે અમૃતાપ્રીતમ બની. મને  ખુબ ગમતા સાહિર લુધ્યાન્વી જે શાયર હતા- ગાયક હતા. સંગમ લાગણીના શબ્દે-પ્રેમી સાહિત્ય ને લખાણ વગરના રહી શકે. ગાયિકા સુધા મલહોત્રા ને પણ તે ખૂબ ગમતા.

પણ તેમને પણ પ્રોત્સાહન ન મળ્યું. પણ એકતરફી અતિશય ખેંચાણ મારી કવિતા દ્વારા છૂપું ના રહી

શક્યું. પણ એમના તરફથી કોઈ પ્રોત્સાહન ના મળ્યું. રાધાકૃષ્ણ વિના અધુરા તેમ મને એમના વગર 

જીવવું અધૂરું લાગતું. પણ પ્રેમ તો કરી શકાય છે કરાવી શકાતો નથી. મન ઉદાસીથી ઘેરાઈ  

જતું ને મારું દર્દ શબ્દોમાં નિરોપાઈ જતું, પરોવાઈ જતું. પ્રેમધેલી,બાવરી લગ્નગ્રંથિથી મુક્તિ પામી 

સાહિરના પ્રેમમાં પડી. એમને બીજા સાથે હું જોઈ ન્હોતી શકતી. તેવા સમયે મને ચિત્રકાર ઇમરોઝ મળી ગયા. તમારી કયારેય નહીં થઈ શકું કેમકે હું સાહિરના પ્રેમમાં પાગલ છું. તમે મને કદી પામી નહીં શકો. વર્ષો સુધી અલગ રહીને ઇમરોઝ મારો સાથ નિભાવતા રહ્યા.

मै तुजे फिर मिलूंगी कहां कैसे पता नहीं 

शायद तेरी कल्पनाओकी प्रेरणा बन

तेरे केनवास पर उतरूंगी

-अमृता प्रीतम 

સ્પર્શ તારા નામનો ઝીલ્યો હતો, જે પવનની ડાળીએ ખીલ્યો હતો,

એજ સ્પર્શે શબ્દ પ્રગટાવ્યો અમે, લાગણીના દોરથી ગુંથ્યો હતો.

__________________________________

વડોદરા શાખા

૧) સ્મિતા શાહ 

શબ્દ સંખ્યા : ૩૦૦ 

સઆદત હસન મંટો  :

મંટો પંજાબના એક ગામમાં જન્મ્યા  હતા ,જે હાલ પાકિસ્તાનમાં છે . મૂળ હિન્દુસ્તાની, પણ ભાગલા પછી  પાકિસ્તાનમાં વસેલા લેખક, કવિ, સઆદત મન્ટોને આપણે એમની અસરદાર શોર્ટ સ્ટોરીઝ ને લીધે ઓળખીએ છીએ . કહેવાય છે કે જેના વિષે લખ્યું છે એ વાતાવરણમાં જાતે જઈને એ વાતાવરણ અને વ્યક્તિની વ્યથાનો અનુભવ કરતા .જે એમનાં શબ્દોમાં ઉજાગર થતા . 

દેશના વિભાજનના એ સાક્ષી હતા . અચાનક પડેલા ભાગલાએ લોકોને અમાનવીય બનાવી દીધા અને વર્ષોથી ભાઈચારાથી રહેતાં લોકો એકબીજાના શત્રુ બની ગયાં .

વિભાજન વખતે હિંદુઓ અને મુસ્લિમો બંને ઉપર જે અમાનવીય અત્યાચારો થયા માઈગ્રેશન કેમ્પમાં સ્ત્રીઓ અને  બાળકો પર થયેલા ભયંકર અત્યાચારોનો 

ભયાનક ચિતાર એમની વાર્તાઓમાં  જોવા મળે છે . એ સમયની એમની વાર્તાઓની આખા સાહિત્ય જગતમાં નોંધ લેવાઈ .

ભારત છોડોની ચળવળ વખતે બ્રિટિશ હકુમતમાં જલિયાંવાલા બાગ જેવી  ઘટનાઓ વિષે એમણે લખ્યું . જેના લીધે એમની ઉપર બ્રિટિશ હકુમત દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા . ભાગલા પહેલા ભારતમાં નિવાસ દરમ્યાન એમણે ઈસ્મત ચુગતાઈ જેવા મોટા મોટા લેખકો ના સહવાસમાં સમય વિતાવ્યો .ચલચિત્રો ,પટકથાઓ ,વાર્તાઓ, કવિતાઓમાં હાથ અજમાવ્યો . પરંતુ વાર્તાઓમાં થયેલી એમની સ્પષ્ટ અને નીડર અભિવ્યક્તિ માટે બ્રિટિશ સરકારે એમની ઉપર કેસ પણ કર્યો હતો . 

અચાનક જાહેર કરવામાં આવેલા દેશના વિભાજન વખતે લાહોર , હવે પાકિસ્તાન લગ્નમાં ગયેલો પરિવાર ત્યાં જ ફસાઈ  જતા એમણે પણ ત્યાંજ જવાનું પસંદ કર્યું . તોબા ટેકસિંઘ નું પાત્ર એમણે પોતાની જ મનોદશા ઉપરથી સર્જ્યું હતું એમ કહેવાય છે .એમની વાર્તાઓમાં માનવીય માનસિકતા, વલણ અને વ્યવહારનો ઊંડો અભ્યાસ જોવા મળે છે .

વિશ્વના સાહિત્ય જગતમાં એમનું  યોગદાન ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે .એમની બહુ ચર્ચિત ‘કાલી સલવાર’ અને ‘ખોલ દો ‘ ‘ઠંડા ગોશ્ત’ જેવી વાર્તાઓએ જગતને ધુજાવી દીધું હતું .

પાકિસ્તાનમાં શરૂનાં વર્ષોમાં એમના ઉપર હદ કરતા વધુ અશ્લીલ લખાણ લખવાનો આરોપ પણ મુકાયો . એમની  ઉપર કેસ પણ ચલાવવામાં આવ્યો .

એમણે કોર્ટમાં ફક્ત એટલું  કહ્યું કે ‘હું સંવેદનશીલ લેખક છું .જે જોઉં છું, તે જ લખું છું . પોર્નોગ્રાફી લખવાનું કામ નથી કરતો ‘. 

એમના જ લોકોથી લગભગ બહિષ્કૃત જેવા મંટો ને એમના પત્ની તરફથી કાયમ દિલાસો અને સહારો મળ્યો .

એમની વાર્તાઓમાં ઉજાગર થતું નર્યું સત્ય અને વાસ્તવિક્તાએ દુનિયાને હચમચાવી દીધી હતી . 

વિશ્વની લગભગ બધી ભાષાઓમાં એમની વાર્તાઓના અનુવાદો થયા છે અને વિદેશી યુનિવર્સીટીઓમાં ‘એશિયન લેંગ્વેજ સ્ટડીઝ’ માં પાઠ્ય પુસ્તક તરીકે લેવામાં આવ્યું છે. 

એમનું અને એમના લખાણોનું મહત્વ હિન્દુસ્તાનમાં વધુ હતું એટલું મહત્વ  એમને પાકિસ્તાન ગયા પછી ન મળ્યું . વિશ્વમાં ખ્યાતિ પામ્યા પછી પાછળથી પાકિસ્તાનની સરકારે એમનું બહુમાન કરી માનદ પદવી આપી હતી . એમના  મૃત્યુ સુધી વિભાજન અને અવહેલનાની વ્યથા એમના હૃદયમાં રહી .

________________________________

૨) બંસરી જોષી

શીર્ષક: “મંટો” (સમાજનું દર્પણ)

શબ્દસંખ્યા:747

    સઆદત હસન મંટો એક પ્રસિદ્ધ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક હતા. જેમની વિશિષ્ટ વાર્તાઓ જે સમાજને અરીસો બતાવતી. પોતાની વાસ્તવિક કસ્થાવસ્તુને કારણે એમની વાર્તાઓ માત્ર ભારત કે પાકિસ્તાનમાં જ નહીં સમયાંતરે પૂરા વિશ્વમાં પ્રસિદ્ધિ પામી હતી.

-જન્મ:

    સઆદત હસન મંટોનો જન્મ 11 મેં 1912માં  પંજાબના એક સમ્રાલા ગામમાં થયો હતો. પિતા  ન્યાયાલયમાં બેરિસ્ટર અને સેશન જજ હતા. બાલ્યાવસ્થામાં મંટો આળસુ હતા. પણ તોફાની અને રમતિયાળ પણ એટલા જ હતા. રંગમંચ પ્રત્યે પ્રથમથી જ એમની રુચિ રહી હતી. આ રુચિને કારણે મિત્રવર્તુળ પણ બની ગયેલું. જે પછી એક નાટકકલબમાં પરિવર્તિત થયું. પણ આ નાટકક્લબની આવરદા જાજી ન રહી શકી. એમની થિયેટર પ્રત્યેની રુચિ અને ઝુકાવ એમના પિતાને  પસંદ ન હતો. અંતે તે નાટકક્લબ એમણે બંધ કરી દીધેલું. ક્લબ બંધ કર્યું પણ કોઈ ખૂણામાં રુચિ યથાવત જીવંત રહી.

-અભ્યાસ.

     પોતાનો એન્ટ્રન્સ સુધીનો અભ્યાસ એમણે અમૃતસરથી કર્યો. 1931માં મંટોએ હિંદુસભા કોલેજમાં પ્રવેશ લીધો. આ એ સમય હતો જ્યારે ચારેકોર “ઈંકલાબ જીંદાબાદ”ના નારાઓથી ભારત બુલંદ રહેતું.

   1932માં ભગતસિંહને ફાંસી લાગી. એ જ અરસામાં મંટોના પિતાનું અવસાન પણ થયું. અને શરૂ થઈ મંટોની ક્રાંતિકારી વિચારયાત્રા.

-કાર્યક્ષેત્ર:

     આ દિવસોમાં જ મંટોની મુલાકાત  એક પ્રસિદ્ધ પત્રકાર અબ્દુલ સાથે થઈ. જેમણે મંટોને રશિયન અને ફ્રેન્ચ સાહિત્ય વાંચવા માટેની સલાહ આપી. સલાહને શિરોધાર્ય કરી એમણે વાંચનમાં ઝંપલાવ્યું. રુચિ વધતી ચાલી. અને આ રુચિના પ્રભાવમાં જ એમણે પોતાનું સર્વપ્રથમ નાટક લખ્યું જે એક રશિયન નાટક “ધ લાસ્ટ ડે કંટેમ્પટ”નું ઉર્દૂ અનુવાદ હતું. પછી તો ઘણા રશિયન

સાહિત્યને એમણે પોતાની કલમ દ્વારા ઉર્દૂમાં અનુવાદિત કર્યા અને તેઓ અનુવાદક તરીકે ખ્યાતિ પામ્યા.

-વાર્તાવિશ્વમાં પ્રવેશ:

     અનુવાદક પરથી એક પગલું ચડીને એમની યાત્રા હવે વાર્તાઓના વિશ્વમાં પ્રવેશ પામી. ક્રાંતિકારી વિચારધારા અને વાતાવરણની અસર એમની પ્રથમ સ્વલિખિત વાર્તા “તમાશા”માં જોવા મળી. “તમાશા”  વાર્તા એક સાત વર્ષના બાળકની નજરેથી થયેલા જલિયાંવાલા હત્યાકાંડ પર આધારિત હતી.

    આ દરમિયાન પોતાનો આગળનો  અભ્યાસ શરૂ રાખતા મંટો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસાર્થે પહોંચ્યા. અહીંના વિશિષ્ટ વાતાવરણમાં એક અનોખી વાત હતી. જેની મંટો પર ઊંડી અસર થઈ. અહીં જ એમની મુલાકાત પ્રસિદ્ધ ઉર્દૂ કવિ,વાર્તાકાર અને કમ્યુનિસ્ટ “અલી સરદાર ઝાફરી” સાથે થઈ. અહીંથી જ એમને પોતાની દ્વિતીય વાર્તાનું કથાવસ્તુ સુલભ્ય થયું. અને એમણે પોતાની દ્વિતીય વાર્તા “ઈંકલાબ પસંદ” લખી.  વાર્તાની નાવડી તો જાણે ચાલી નીકળી અને એમની વાર્તાલેખન પર હથોટી વધુ ને વધુ બેસવા લાગી. 

    1936માં જ એમની પ્રથમ પુસ્તક “આતિશપારે” પ્રકાશિત થઈ. જે એમની ટૂંકીવાર્તાઓનો બેનમૂન નમૂનો પણ હતી. સાથે સાથે જ એમણે ઘણા સમાચારપત્રક અને વિવિધ મેગેઝીન માટે પણ લખવાનું શરૂ કરી દીધેલું.

-રેડિયો અને મંટો.

    1941માં પ્રથમ વાર મંટોની વાર્તાઓ ઓન એર થઈ. “પુરાની કહાનિયા” નામે  પ્રસારિત થતો ઓલ ઇન્ડીયા રેડિયો શો ખાસો પ્રસિદ્ધ થયો અને કદાચ આ સમય જ એમની સર્જક તરીકેની યાત્રાનો  સુવર્ણ સમય પણ કહી શકાય.

    1947માં ભારત આઝાદ થયું. ધર્મનાં લગાવને દર્શાવતી એક વાર્તા “આંખે” બહુચર્ચિત રહી.  પ્રેમમાં એકાકાર થઈ જવા ઇચ્છતી બે વ્યક્તિઓ અંતે ધર્મપરિવર્તનને નકારી છૂટી પડી જાય છે. જે કરૂણ અંત કહી શકાય પણ એટલુ જ વાસ્તવિક.

    મંટોની વાર્તાઓ વાસ્તવિકતાની ભૂમિ પર જ બની. જાણે સમાજનો હરતો ફરતો અરીસો જ જોઈ લો. 42 વર્ષની આયુમાં મંટો એ ઉત્તમ સાહિત્ય પીરસ્યું. જેમાં નિબંધો, વાર્તાઓ અને નાટકોનો સમાવેશ કરી શકાય. અમુક બહુચર્ચિત વાર્તાઓ જેવી કે “ધુંઆ”,”ઠંડા ગોસ્ત”,”કાલી સલવાર”,”આંખે” અને અન્ય ઘણી વાર્તાઓ માટે એમના પર અશ્લીલતાના આરોપ પણ લાગ્યા. પાકિસ્તાન બન્યા પહેલા અને પછી પણ 6 વખત એમના પર કેસ થયા. પણ એમણે હંમેશા પોતાની વાર્તાઓનો બચાવ કરતા એટલું જ કહ્યું કે મારી દરેક વાર્તા સમાજનું જ દર્પણ છે અને જો લોકો મારી વાર્તાઓને સ્વીકારી નથી શકતા તો એનો અર્થ એટલો જ છે કે લોકોમાં સમાજને સ્વીકારવાનું યથોચિત સામર્થ્ય પણ નથી. જોકે એમની વાર્તાઓના સંદર્ભે ઘણા ચલચિત્રો પણ આકાર પામેલા.

-અંતિમ સમય:

    ભારત સ્વતંત્ર થયા પછી મંટોએ એક મહત્વનો નિર્ણય લીધો પોતાની પત્ની સફિયા મંટો અને ત્રણ બાળકો સાથે એ પાકિસ્તાન આવી પહોંચ્યા અને અંત સુધી લાહોર જ રહ્યા. જોકે લાહોર આવ્યા પછી પણ એમણે તમામ બુદ્ધિજીવી અને નામચીન સાહિત્યકારો જેવા કે અહમદ ફેઝ, અહમદ રાહી, નાઝીર કાઝમી, અહમદ નદીમ કાઝમી સાથે સતત સંપર્કમાં બનાવી રાખ્યો.

    જીવનના ઝંઝાવાતો સામે તો ઘણું ઝઝૂમતા રહ્યા.જ્યારે એમને લીવર સબંધિત જીવલેણ બીમારી થઈ પડી ત્યારે શરીર સાથે જજુ ઝઝૂમી શક્યા નહી. આખરે 18 જાન્યુઆરી 1955માં એમનું  અવસાન થયું.

પુરુસ્કાર:

    મરણોપ્રાંત એમને પાકિસ્તાની વિશિષ્ટ સાહિત્યિક સેવા બદલ પુરુસ્કૃત કરવામાં આવેલા અને એ ઉપરાંત 18 જાન્યુઆરી 2005માં મંટોની મૃત્યુની 50મી વર્ષગાંઠ પર  મંટોને ટપાલની ટિકિટ પર સ્થાન પ્રાપ્ત થયું.

-નોંધ:

   મંટોનું પાત્રાલેખન કરવું એટલે મંટો જેવું વાસ્તવિક લખવાનું સાહસ જુટાવવું. આજે 50 વર્ષો પછી પણ જ્યારે કોઈની પેન મંટો વિશે લખવા પ્રેરાય છે એ જ એમના સાહિત્યનું સાફલ્ય ગણી શકાય.

__________________________________

૩) પારૂલ મહેતા 

શબ્દ સંખ્યા: ૪૬૭

        નામ: સઆદત હસન મન્ટો

        જન્મ: ૧૧ મે, ૧૯૧૨ માં લૂધીયાણાનાં સમરાલામાં. 

મન્ટોનું નામ લેતાં જ ઘૂંઘરાળાં જુલફા, અનિયાળી નાસિકા અને એને ટેકે ગોઠવેલ ચશ્મા પાછળ તમને તગતગ તાકીને નખશિખ માપી લેતી અગાધ ઊંડાણવાળી આંખો ધરાવતી અને મધ્યમ કદ અને બાંધો ધરાવતી બેફિક્ર વ્યક્તિનું ચિત્ર તમારી સમક્ષ ખડું થાય! આ બેફિકર લાગતું વ્યક્તિત્વ અસલમાં જિંદગી પરત્વે અને પોતાના સાહિત્ય પ્રત્યે કેટલું સંજીદા અને એક અલગ જ ગાંભીર્ય ધરાવતું હતું એ તો સમય જતાં સમજાયું જ છે.

સઆદત હસન મન્ટો ઊર્દૂ ભાષાના જ નહીં પરંતુ ભારતીય ભાષાઓના લેખક હતા. ‘નિશાન-એ- ઇમ્તિયાઝ’ નામે અવોર્ડથી તેઓ પુરસ્કૃત થયા હતા.

બાવીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ, એક નવલકથા, રેડિયોનાટકોનાં પાંચ સંપાદન, ત્રણ નિબંધસંગ્રહ અને વ્યક્તિગત રેખાચિત્રોના બે સંપાદન એમનું સાહિત્યિક ખેડાણ છે. ખાસ કરીને એક વાર્તાકાર તરીકે ખૂબ જ સુપ્રસિધ્ધ.

એમની પ્રથમ વાર્તા ‘તમાશા’ જલિયાંવાલાબાગના અનુસંધાનમાં હતી. નયા કાનૂન, હાટક, કાળી સલવાર, સ્વરાજકે લિયે, ઠંડા ગોશ્ત, ખોલ દો, ટોબા ટેકસિંહ, ઇસ મઝધારમેં, મોઝાલે અને બાબુ ગોપીનાથ જેવી બેનમૂન અને ખૂબ વખણાયેલી અને કેટલીક તો ખૂબ ચર્ચાયેલી વાર્તાઓ છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાનના  વિભાજનના વિષયને લઈને એમણે સરસ વાર્તાઓ લખી છે.એમની બે વાર્તાઓ ‘ખોલ દો’ અને ‘ટોબા ટેકસિંહ’ વિશ્વવારતા સાહિત્યમાં સ્થાન પામે એ કક્ષાની છે. મન્ટોએ એવી પણ સરસ વાર્તાઓ લખી છે જેમાં નથી સેક્સની વાત કે નથી સમાજ કે વ્યવસ્થા સામે આક્રોશ. એ વાર્તાઓમાં માનવ મનની, માનવચરિત્રની, સામાજિક બદલાવની કોઈને કોઈ વાત રજૂ કરવામાં આવી છે. તેઓ માનવને માનવ તરીકે ગૌરવ મળે એના હિમાયતી હતા. એ દ્રષ્ટિએ એમની આ વાર્તાઓ તપાસવા જેવી છે: બાબુ ગોપીનાથ, સ્વરાજકે લિયે, ટોબા ટેકસિંહ, નયા કાનૂન અને મંત્ર. 

પોતાના વાર્તાલેખન વિષે એમણે કહ્યું છે કે જીવનને એ જ સ્વરૂપે રજૂ કરવું જોઈએ જેવું એ છે, નહીં કે કેવું હોવું જોઈએ. એમના કહેવા પ્રમાણે એમની વાર્તાઓ સ્વસ્થ અને તંદુરસ્ત લોકો માટે છે. સામાન્ય લોકો માટે છે. જેઓ સ્ત્રીપુરુષોના સંબંધોને આશ્ચર્યની નજરે નથી જોતા તેમને માટે છે. એમના અંતરંગ મિત્રોના કહેવા મુજબ મન્ટોની અંદર એટલો બધો સંકોચ, શરમ અને અંતરની પવિત્રતા છૂપાયેલાં હતાં કે સ્ત્રીઓને એ હમેશાં નિર્દોષ, પવિત્ર અને શીલવાન જોવા ઇચ્છતા હતા. એમણે સમાજના નીચલા સ્તરના લોકો વચ્ચે જઈને, સમાજ દ્વારા ઉપેક્ષિત, તિરસ્કૃત, બહિષ્કૃત લોકોને પોતાની અપૂર્વ કળા વડે વાર્તામાં ચિત્રિત કર્યાં છે. મુંબઈ શહેરની માત્ર ગલીકૂંચીઓ જ નહીં પણ હાટબજાર અને એનો ખૂણેખૂણો એટલી હદે એમના જીવનમાં ઘર કરી ગયાં હતાં કે એમની વાર્તાઓમાં એ સૌ આબેહૂબ વણાઈ જતું હતું.

    મન્ટોને પોતાના જ માણસો તરફથી ઉપેક્ષા અને પ્રહારો સહન કરવા પડ્યા હતાં અને આથી તેઓ બહુ નાની વયથી  શરાબના રવાડે ચડી ગયા હતા. આ વિકટ સંજોગોમાં જો કોઈએ પળેપળ સાથ આપ્યો હોય તો એમના પત્ની સફિયાએ.

મૃત્યુના ખોળામાં જવાના છ મહિના પહેલા જ ૧૮ ઓગસ્ટ ૧૯૪૪ ને દિવસે મન્ટોએ પોતાનો સમાધિલેખ જાતે જ લખ્યો હતો, જેમાં એમણે લખ્યું છે: અહીં સઆદત હસન મન્ટો દફન થયેલ છે. એમના હ્રદયમાં વાર્તાકલાના તમામ રહસ્યો, તમામ યુક્તિપ્રયુક્તિઓ પણ દફન થયેલાં છે. જાણે માટીની નીચે સૂતા સૂતા તેઓ આજે પણ વિચારી રહ્યા છે કે તેઓ મોટા વાર્તાકાર છે કે ખુદા મોટા વાર્તાકાર છે.

_________________________________

૪) આરતી પાઠક

શીર્ષક :અમૃતા પ્રીતમ 

શબ્દસંખ્યા :488 

અમૃતા નામ સાંભળી ને જ થાય કેટલું સરસ નામ .  વ્રજભાષાના વિદ્વાન, સાહિત્ય સામાયિકનું સંપાદન કરતા શિક્ષક પિતા કરતારસિંહ  હિતકારી નું એકમાત્ર સંતાન એટલે અમૃતા. 11 વર્ષની નાની વયે માતાનું અવસાન થતા પિતા સાથે લાહોર ગયા.  1947 મા ભારતમાં હિઝરત કરી. માતાના અવસાન પછીની એકલતા અને પુક્તવયની જવાદારીએ લેખનકાર્ય શરૂ કર્યું. 1936મા 16 વર્ષની નાની વયે પ્રથમ કાવ્ય સંગ્રહ અમૃત લહેરે (અમર મોજાઓ )પ્રકાશિત થયો.અને  તેજ સમયે બાળપણ મા જ થઈ ગયેલા સગપણ ને કારણે પ્રીતમસિંહ સાથે લગ્ન કર્યા. જે સંપાદક હતા. ત્યાર બાદ તેમનુંનામ બદલી અમૃતા પ્રીતમ કર્યું.

     1936 થી 1943 ના વર્ષ દરમ્યાન અડધોડઝન જેટલાં કાવ્યસંગ્રહ લખ્યાહતા. 1947 મા ભારતના ભાગલા પડ્યા અને લાહોર છોડી નવી દિલ્હીમાં ગયા. 28 વર્ષની વયે પંજાબી આશ્રીત બન્યા. 1948 મા ગર્ભ વતી હતા અને દહેરાદુન થી દિલ્હીની મુસાફરી કરી હતી તે જ સમયે ‘આખા વારિસ શાહ ‘નું હું આજે વારિસ શાહ ને કહું છુ સ્વરૂપે  પોતાની પીડાને અભિવ્યક્ત કરી હતી. આ કવિતા એ તેમને અમર બનાવી દીધા. ભાગલાના મર્મભેદક સ્મૃતિકાર તરીકે પણ ઓળખાયા. જોગાનુજોગ હીરરાંઝાની કરુણગાથા લખનાર સૂફીકવિ વારિસશાહ ના જન્મસ્થળે જ અમૃતા પ્રીતમ નો જન્મ થયો હતો. તેમને ઉદેશી ને લખાયેલી કવિતા પંજાબી રાષ્ટ્રીય વીરરસનું કાવ્ય છે.

       1961 સુધી દિલ્હીમા ઓલ ઇન્ડિયા રેડિયોની પંજાબી સેવામા કામ કર્યું હતું. 1960મા છૂટાછેડા થયા પછી તેમનું કામ સ્પષ્ટ નારીવાદી બન્યું હતું. લગ્નજીવનના દુઃખદ અનુભવોપર આધારિત સંખ્યાબંધ વાર્તા અને કવિતાઓ ની રચના કરી હતી. પંજાબી અને ઉર્દુ ભાષા ની રચનાઓ પરથી અંગ્રેજી  ફ્રેન્ચ ડેનિશ જાપાનીસ મા અનુવાદિત થઈ હતી જેમાં તેમની આત્મકથા બ્લેકરોઝ અને રેવન્યુસ્ટેમ્પનો સમાવેશ થાય છે.

     1965મા તેમના પુસ્તક પર થી પ્રથમ ફિલ્મ કદમ્બર બની.  1976મા ધાડપાડુ બની અને 1970મા પુરસ્કાર વિજેતા હિન્દી ફિલ્મ પીંજર બની હતી. બંને દેશોના લોકોની વ્યથા નું આલેખન  કર્યું હતું. પીંજર નું શૂટિંગ પંજાબ અને રાજસ્થાન ના સરહદી પ્રાંત મા થયું હતું.

   કેટલાય વર્ષો સુધી પંજાબમાં માસિક સાહિત્ય સામાયિક “નાગમણિ “નું સંપાદન કર્યું હતું. જે તેમણે  ઇમરોઝ સાથે 33 વર્ષ સુધી ચલાવ્યું હતું. 1960મા તેમણે કવિ સાહિરલુધ્યાન્વી માટે પતિ ણે છોડ્યા છુટાછેડા લીધા ના હતા.  સાહિરના જીવન મા અન્ય મહિલાનો પ્રેમ આવ્યો અને અમૃતાજી ને ખ્યાતનામ કલાકાર અને લેખક ઇમરોઝ મા વધુ પ્રેમ દિલાસો અને સંગાથ દેખાયા જીવનના અંતીમ વર્ષો ઇમરોઝ સાથે જ વિતાવ્યા હતા.. 

   પાછલા વર્ષો મા ઓશો તરફ પણ વળ્યાં હતા. ઓશો ના કેટલાય પુસ્તકો મા પ્રસ્તાવના પણ લખી હતી. જેમાંથી  એક ૐકાર સતનામ નો પણ સમાવેશ થાય છે. આધ્યાત્મિક વિષયો અને સપના પર પણ લખવાનુ ચાલુ કર્યું હતું. બ્લેક રોઝ,  રેવન્યુ સ્ટેમ્પ અને અક્ષરો કે સાથે જીવનચરિત્ર પર પ્રકાશિત કર્યા હતા. 

    પંજાબના મુખ્યમંત્રી કેપ્ટ્ન અમરેન્દ્રસિંહ ના હસ્તે પંજાબ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા. 1956મા સુનહરે સંદેશ માટે મળ્યો હતો. 1982મા કાગજકે કૅન્વાસ રચના માટે ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. 1969 મા પદ્મશ્રી અને 2004 મા પદ્મ વિભૂષણ તેમજ સાહિત્ય અકાદમી ફેલોશીપ મળી. દિલ્હી અને જબલપુર યુનિવર્સિટી મા વિશ્વભારતી દ્વારા ડી લિટ. ની માનદ પદવી  આપવા મા આવી હતી. 

   બહુમુખી જાજરમાન વ્યક્તિત્તવ ધરાવતું અમૃતાપ્રીતમ 31 ઓક્ટોમ્બર 2005 મા નવી દિલ્હી મા લાંબી બીમારી બાદ 86 વર્ષની વયે ઊંઘ મા જ ઊંઘી ગયા.

________________________________

૫) જ્યોતિ આશિષ વસાવડા

 શીર્ષક-અમૃતા પ્રીતમ

શબ્દ સંખ્યા: 326

             રાજકીય અને ભૌગોલિક સીમાડાઓ કલાકાર, કવિ તથા કવયિત્રિની લોકપ્રિયતામાં બાધક નથી હોતા. ભારત પાકિસ્તાનની રાજકીય સરહદની રેખા ખેંચાયા  પછી પણ લાખો પાકિસ્તાનીના હ્રદયમાં પોતાનુ સ્થાન અકબંધ રાખનાર અમૃતા પ્રીતમ માટે કંઈ પણ લખવું એટલે સૂરજ આગળ દિવો ધરવા જેવી વાત ગણાય. લાહોરથી ભારતમાં  હિજરત કરી સાહિત્ય ઍકાદમિ પુરસ્કાર મેળવનાર પ્રથમ પંજાબી મહિલા તરીકે ખ્યાતિ મેળવનાર સાહસિક કલમના માલ્કિન એવા અમૃતા પ્રીતમને તેમની જન્મ શતાબ્દિનાવર્ષમાં શ્રધ્ધાંજલિ આપવાની તક આપવા માટે  વેલ વિશર વુમન ક્લબને જેટલા ધન્યવાદ પાઠવું તેટલાં ઓછાં પડે.

     સમાજમાં થતાં અત્યાચાર અનીતિ અને ખોટી રૂઢિયો સામે કલમ દ્વારા એક બુલંદ અવાજ ઉઠાવનાર કોઇપણ વ્યક્તિનું ધ્યેય આદિશામાં ઉત્તરોત્તર વધુ ને વધુ રચનાત્મક કાર્ય  કરવાનું અને સમજને જાગૃત કરવાનું જ હોય ઍ સ્વભાવિક છે. તેથી જ જ્ઞાનપીઠ પુરસ્કાર. પદ્મશ્રી પુરસ્કાર. પદ્મવિભૂષણ કે પછી ‘સાહિત્યના ચિરંજીવો’ જેવો આજીવન સિધ્ધિનો પુરસ્કાર તેમને એનાયત થાય ઍ તો પુરસ્કારની શોભા વધારવાની વાત કેહવાય કે આ અને આવ ઘણાં બધા પુરસ્કારોને અમૃત પ્રીતમ મળ્યા.ઍટલુંજ  નહિ એમની ખ્યાતનામ નવલકથાને અનુસરીને બનાવવામાં આવેલી ‘પીંજર’નામની ફિલ્મને પણ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

       સમાજની  વાસ્તવિકતાને, રૂઢિયોને, કુરિવાજોને આલેખવા માટે જેટલી એમની કલમ તાકતવર હતી તેટલી જ દૃઢતા પોતાના જીવનની પ્રેમ કહાની ‘રસિદી  ટિકિટ’ લખવા માટે પણ તેમણે દાખવી હતી. પ્રીતમથી સાહિર અને સાહિરથી ઇમરોઝ સુધીની તેમના અંગત જીવનની સફરને પણ તેમણે તેમની કલમથી બિરદાવી છે. ૨૦૦૫માં લાંબી બિમારી તો શું સ્વયં સાથેના મનોમંથનનો ઍ કપરો કાળ હતો જેના અંતમાં તેમણે આ દુનિયામાંથી  સદેહે વિદાય લીધી. પરંતુ સાચું જ કેહવાયછે કે એક કલાકાર તેની કલાના માધ્યમ દ્વારા તેના ચાહકોની વચ્ચે ચિરંતન કાળ સુધી જીવિત રહી તેમના કાર્યની સુવાસ પ્રસરાવતા રહેછે. આ ઉક્તિ અનુસાર વર્ષ ૨૦૦૭માં ગીતકાર શ્રીગુલઝારે પ્રસારિત કરેલ આલ્બમમાં અમૃતા પ્રીતમની કવિતાઓ જીવંત કરાઈ હતી અને તેમના જીવન પર આધારિત ફિલ્મ રજુ કરવાની મહેચ્છા પણ વ્યક્ત કરી હતી. આમ ગઈકાલે શ્રી ગુલઝાર દ્વારા તો આજે અમારા દ્વારા આ લેખ લખીને અને આવતી કાલે તમારા દ્વારા આ લેખ વાંચીને ત્યારબાદ આવનાર સમયમાં લાખો ચાહકો દ્વારા એમની કોઇને કોઇ કૃતિની રજુઆત સમયે અમૃતા પ્રીતમ સદાયે પળે પળમાં શબ્દે  શબ્દમાં જીવંત રહેશે જ. જેનો ઉલ્લેખ એમણે એમની જ સુંદર મજાની વાસ્તવિક કવિતા ‘મારું વસિયતનામુ’માં કરેલ છે. આવી હિંમતવાન લેખિકાને તેના જન્મ શતાબ્દી વર્ષે હૃદયના કોટિ કોટિ વંદન.

__________________________________

૬) લતા ડોક્ટર

  શીર્ષક-અમૃતા પ્રીતમ

     શબ્દ સંખ્યા-૬૪૭

                                  “पूछ लेते वो बस मिजाज मेरा

कितना आसान था इलाज मेरा”

કેટલું ઘૂંટાયેલું દર્દ છુપાયેલું છે ઉપરોક્ત પંક્તિઓમાં લખનારનું. લખનાર છે અમૃતા પ્રીતમ… મહોબ્બતની મલ્લિકા, મુલાયમ હ્ર્દયની માલિક અને મૌન વ્યથાની વાર્તા.

     ૩૧ ઓગસ્ટ ૧૯૧૯માં પાકિસ્તાનના પંજાબના ગુજરાંનવાલામાં જન્મેલ આ નારી ૩૧ ઓક્ટોબર ૨૦૦૬માં દુનિયાને અલવિદા કહી ચાલી નીકળી અનંતની યાત્રાએ… જીવન દરમ્યાન જે ન મળ્યું તેની શોધમાં કદાચ.

     કરતાર સીંગ અને રાજ બીબીની આ બાળકી. ચુસ્ત શીખ પરિવારમાં જન્મ, પિતા ધર્મ પ્રચારક,પણ ૧૧ વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી ઈશ્વર પર શ્રદ્ધા ગુમાવી દીધી. માતાના મૃત્યુ પછી કલમ નો સહારો લીધો અને ૧૭ વર્ષની નાની ઉંમરમાં એમના સર્જનનું પહેલું પ્રકાશન થયું. પછી તો પાછું વળીને જોયું જ નહીં. જેટલો અસંતોષ જિંદગીથી મળતો રહ્યો…એમની કલમ એટલું જ ઉત્કૃષ્ટ લખાણ સરકાવતી રહી. સોળવર્ષની ઉંમરે શમણા ખીલવાની શરૂઆત થાય ત્યાં તો ધનાઢ્ય ઉદ્યોગપતિના પુત્ર સાથે લગ્ન થઈ ગયા. પણ એમનું લગ્નજીવન ઉષ્માભર્યું ન રહ્યું.  સાહિર લુધિયાનવી તરફ એ આકર્ષાયા. એમની આત્મકથા ‘રાસીદી ટિકિટ‘માં જણાવ્યા મુજબ સાહિર પ્રત્યેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે એમણે પ્રીતમ સાથે છુટાછેડા લીધા. એમને ખબર પણ હતી કે આ સંબંધોને નામ આપવું અશક્ય છે. અમૃતાને એ પણ ખ્યાલ હતો જ કે સાહિરને એના માટે ઉત્કટ પ્રેમ નથી. એણે કહ્યું હતું,”મૈંને ટૂટ કે પ્યાર કિયા તુમસે ..ક્યા તુમને ભી ઈતના કિયા મુજસે?” જ્યારે સાહિરના જીવનમાં બીજી સ્ત્રીનો પ્રવેશ થયો ત્યારે આ માનુનીએ સાહિલ સાથેના સંબંધને સ્વર્ગસ્થ બનાવી દીધો. ત્યારબાદ પોતાના કરતાં ઉંમરમાં  નાનો ચિત્રકાર ઈમરોજ એના જીવનમાં પ્રવેશ્યો. જ્યારે ઈમરોજે પોતાનો પ્રેમ દર્શાવ્યો ત્યારે અમૃતાએ એને દુનિયા ઘૂમી આવવા કહ્યું અને જણાવ્યું કે દુનિયા ઘૂમી આવ્યા પછી પણ મને પ્રેમ કરતો હોય તો પાછો આવી શકે છે. ઇમરોઝે તરત એના ઓરડામાં સાત ચક્કર માર્યા અને કહ્યું,”દુનિયા ઘૂમી વળ્યો. હવે પાછો આવ્યો છું. તને પ્રેમ કરું છું. અમૃતાએ એમના પ્રેમનો સ્વીકાર કર્યો પણ એની સાથે લગ્ન કરવા ઠીક ના લાગ્યા. જીવનભર બંને મિત્ર બનીને રહ્યા. સંબંધ પર લગ્નની મહોર ન મારી. ઈમરોજે એના ઘણા ચિત્રો બનાવ્યા. એના પુસ્તકોના કવર ડિઝાઇન કર્યા. બંને એકબીજાની પ્રેરણા બની રહ્યા.                                        તેઓ કોમી વૈમનસ્યમાં પણ માનતા નહીં. એમના નાનીને ઘેર હિંદુ-મુસ્લિમ બંન્ને કોમના નોકરો હતા. એમના નાનીએ મુસ્લિમ નોકર માટે કપ જુદો રાખ્યો હતો. અમૃતાને આ ન ગમ્યું અને જીદ કરીને મુસ્લિમ નોકરના કપમાં પોતે ચા પીધી અને નાનીને સમજાવ્યું કે મનુષ્યો વચ્ચેના ભેદભાવ ઠીક નથી. એમના સાહિત્યમાં પ્રગતિશીલ નારીવાદી વિચારશરણી જોવા મળે છે. આ તો રહી અમૃતાની જીવન ઝરમર. સાહિત્યિક પાસુ તો એમનું સુવર્ણ અક્ષરોથી કંડારાયેલું રહ્યું છે. ભારત પાકિસ્તાન બન્ને દેશના લોકો એમને ચાહે છે. એમની કવિતાઓ વાંચી કોઈ નેપાળી કવિએ કહ્યું હતું,”અમૃતાજીની કવિતાઓ વાંચી ભારતની મીટ્ટીથી મને પ્રેમ થઈ ગયો છે.” જ્યારે સ્ત્રીઓ કમાવા માટે ઘરની બહાર ન જતી તે સમયમાં લાહોર રેડિયો સ્ટેશન  દ્વારા લોકોના સંપર્કમાં રહ્યા. કદાચ બંડખોર સ્વભાવના હતા. છૂટાછેડા પછી તો તેઓ વધુ મહિલા પ્રધાન સાહિત્ય રચતા રહ્યાં. ઘણી ભાષાઓમાં એમના સાહિત્યના ભાષાંતર પણ થયા છે. આચાર્ય રજનીશનો પણ એમના પર જીવનની સંધ્યાએ પ્રભાવ પડેલો જોવા મળે છે. ‘કાલચક્ર‘ નામક આધ્યાત્મિક પુસ્તક કદાચ રજનીશજીના પ્રભાવ નીચે જ એમણે લખેલ હશે. જ્ઞાનપીઠ, સાહિત્ય અકાદમી, પંજાબ રત્ન, પદ્મ વિભૂષણ, જેવા રાષ્ટ્રીય સન્માનથી તેમને નવાજવામાં આવેલા છે. એમની નવલકથા ‘પિંજર‘ પરથી બનેલ

 ફિલ્મને સીને એવોર્ડ પણ મળેલા છે. ‘એક થી અમૃતા‘ નામના નાટકથી એમને શ્રદ્ધાંજલિ અપાયેલી છે. ૨૦૦૭માં ગુલઝાર સાહેબે  

અમૃતાના ગીતો સ્વરબધ્ધ  કરીને આલ્બમ બહાર પાડ્યું છે. એમની નવલકથાઓ પરથી ‘કાદમ્બરી‘ અને ‘ ડાકુ‘ નામની ફિલ્મો પણ બનેલી છે.

તો વળી પંજાબી કવિ વારિસ શાહને સંબોધીને એમણે લખેલ કવિતા ‘आज्ज आखां वारिस शाह नूं‘ ના ઉલ્લેખ વગર એમની સાહિત્યિક યાત્રા અધુરી જ કહેવાયને? ભારત-પાકિસ્તાન વિભાજન સમયના દ્શ્યોથી દ્રવિત થયેલા અમૃતાજી કબરમાં પોઢેલા કવિ વારિસ શાહને ઊઠીને કવિતા રચવાનું કહે છે. આજે પણ એ કવિતાઓ વાંચનારની આંખો ભીની કર્યા વગર રહેતી નથી.

       મારી સમજ પ્રમાણે એમના સમગ્ર વ્યક્તિત્વને મુલવતા હું એટલું જ કહીશ …

       “કવન એમનું મસ્ત મસ્ત

        જીવન એમનું વિવાદાસ્પદ.”

પ્રીતમ સીંગ સાથે છુટાછેડા પછી પણ પોતાના નામ સાથે ભૂતપૂર્વ પતિનું નામ જોડાયેલું રાખ્યું.  મૃત્યુ સુધી જે ઈમરોજની સાથે રહ્યાં તે સંબંધને કોઈ નામ ન આપ્યું.

        ઈમરોજના જ શબ્દોમાં …

     “अमृता तो हीर है

             और काफिर भी।

    तख्त हजार उरका धर्म है

          और प्यार उसकी जिंदगी।

     जाति से वो भिक्षु है

           और मिजाज से एक अमीर।”

_________________________________

૭)  પન્ના પાઠક

શીર્ષક: સઆદત હસન મંટો

શબ્દસંખ્યા:૫31

જગતનો નિયમ છેકે જયારે કોઈ મહાન વ્યક્તિ સત્યનો પ્રકાશ પાડવા ઝંખે ત્યારે તેનો ચારેતરફથી બહિષ્કાર થતો હોય છે, જયારે એ વ્યક્તિ જગતમાંથી વિદાય લે એ પછી તેના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે અને તેના પર સંશોધન કરે છે  જેવાકે ચિત્રકાર વાન ગોગ, વૈજ્ઞાનિક ગેલિલિયો, રાષ્ટ્રપિતા ગાંધીજી, ભગવાન કૃષ્ણ, વિગેરે. આમાના એક સાહિત્યકાર સ આદત હસન મંટોનો પણ સમાવેશ થાય છે. 

તેમના શબ્દો :”મારા જીવનમાં ત્રણ મોટા બનાવો બન્યા. એક મારા જન્મનો, બીજા મારા લગ્નનો, ત્રીજો હું વાર્તાકાર બન્યો તે. “

મંટો સાહેબનો જન્મ 11 મે, 1912, લુધિયાનાના સમરાલા ગામમાં થયેલો. તેમના પિતા ગુલામ હસન  બેરીસ્ટર અને સેસન્સ જજ હતા. માતા સરદાર બેગમ હતાં.તે પાકિસ્તાની અભિનેત્રી આયશા ઝલાલના ભત્રીજા થતા.  તે કાશ્મીરી વંશજ હતાં, તેનો તેમને ગર્વ હતો. તેમને નહેરુજીને એક પત્રમાં લખેલુ કે કાશ્મીરનો અર્થ સુંદર એવો થાય છે. 

તેમની પત્ની સફિયા તેમની પ્રેરણામૂર્તિ હતી. તેમણે ત્રણ પુત્રીઓ નિગત, નુઝરત, નસરત નામે હતી. દીકરીઓ જયારે ઘરમાં ધમાલ કરે કે ઝગડે ત્યારે લખતા લખતા તેમની મુશ્કેલી હલ કરતા જતા. કોઈ મળવા આવે તો તે દીવાનખંડમાંજ ચર્ચા કરતા. 

તેમનો અભ્યાસ અમૃતસરની હાઇસ્કૂલમાં થયેલો.  તેમને બહુ નાની ઉંમરે ઘરની જવાબદારી આવી પડેલી. 21 વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું 

1931માં તેમના જીવનમાં અણધાર્યો વળાંક આવ્યો. અબ્દુલ બારી અલીગે તેમને ફ્રેન્ચ, રશિયન વાર્તા વાંચવા પ્રોત્સાહિત કરેલા. મંટો સાહેબને અંગ્રેજી નોવેલ વાંચવાનો અનહદ શોખ હતો. શરૂઆતમાં તેમણે અંગ્રેજી, ફ્રેન્ચ અને રશિયન ભાષની ઉત્તમ કૃતિનો અનુવાદ કર્યો. 

જલિયાંવાલા બાગના  ભયાનક હત્યાકાંડની તેમના હૃદય પર ગંભીર  અસર કરી ગયેલી. સાત વર્ષના બાળકની નજરે જોયેલી સત્ય ઘટનાને તેમણે ‘અતિશપરે ‘નામના સંગહમાં કરુણરીતે કંડારી છે. 

સાથે સાથે તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો, સાહિત્યિક સામાયિકો અને ફિલ્મ એસોસિએશન સાથે સંકળાયેલા રહ્યાં. થોડા સમયમાંજ તેઓએ  અંતોવ ચેખોવ પછી અલગ સ્થાન જમાવ્યુ હતું. તેના જલદ લખાણમાં નગ્ન વાસ્તવિકતા છતી થાય છે. તે કહેતાકે હું ઉચ્ચવર્ગીય મહિલાઓ કરતા વેશ્યા સાથે સમય પસાર કરવો વધારે પસંદ કરું છું. 

તેમના મિત્રો અશોકકુમાર, રાજેન્દર સિંઘ, ઇશમત ચુંગતાઈ,  શ્યામ વિગેરે હતાં. અશોકકુમારના આગ્રહથી તેમણે ‘આઠ દિન ‘પિક્ચરમાં ગાંડાનું પાત્ર ભજવેલું. 

વાર્તા સંગહ :’નંગી આવાઝે, ‘લાઇસન્સ ‘, ‘ટોબા ટેક સિંઘ ‘, ‘ખોલ દો ‘, ‘બૂ ‘, ‘કાલી સલવાર, ‘ઉપર -નીચે ‘, ‘દરમિયા ‘, ‘ઠંડા ગોશ્ત, ”ધુઆ ‘, આ વાર્તાઓ પર મુકદમા પણ ચાલેલા. 

તેમણે 230 વાર્તાઓ, 67 રેડિયો નાટક, 70 લેખો, પ્રકાશિત કરેલા. પાકિસ્તાનમાં 14 વાર્તાઓ પ્રકાશિત થઇ છે. 

તેમણે વિક્ટર હ્યુગોની રચના “ધ લાસ્ટ ડે ઓફ કોન્ડેમન્ડ ‘નું  બહુ સુંદર રીતે ભાષાંતર કર્યું છે. 

તેમના જીવનકાળ દરમ્યાન હિન્દૂ -મુસ્લિમ હુલ્લડો, ધર્માંતતા, રાજકારણ, સામાજીકરણ વિગેરેની સળગતી સમસ્યાઓએ  વિકરાળ રૂપ ધારણ કરેલું. તેમની દરેક વાર્તામાં માનવીય હેવાનિયતનો અંદાઝ આવે છે. સમાજમાં જે પાસાઓ ઉપર ઢાંકપિછોડો કરાય છે તેને મંટોસાહેબ  પોતાની કલમની પૂરી તાકાતથી પરદો ઉઠાવે છે. 

તેમણે  જીવનમાં ઘણો  સંઘર્ષ કર્યો હતો . પ્રિય પુત્રનું આકસ્મિક અવસાન, ગરીબી, કોર્ટનાં મુકદમા, ટી. બી. જેવી ભયકંર બીમારી વિગેરેથી ઘેરાઈ ગયા હતાં.  આ બધી સમસ્યાથી તે આપઘાતનો વિચાર કરતા પણ હિંમત ન થતા શરાબથી જીવન ટુંકાવવું.એમ માનીને શરાબ શરુ કરેલી. 

શ્યામ સાથેના કહેવાતા વિવાદથી મંટોસાહેબે  પાકિસ્તાનમાં વસવાનો નિર્ણય કરેલો અને થોડા સમયમાંજ  શ્યામનું અવસાન થયું. એ વસવસો તેમને જીવન પર્યન્ત રહ્યો. તે પાકિસ્તાનને સ્વીકારી શક્યા નહિ અને ભારતને ભુલી શક્યા નહિ. મુંબઈ તેમના દિલમાં કાયમ જગા બનાવીને રહ્યું . 

શરીફાવીજળીવાળા એ મંટોની વાર્તાનો બહુ સરસ અનુવાદ કર્યો છે. આપણા ગુજરાતી નંદિતાદાસે તેમના પર પિક્ચર પણ બનાવ્યું છે. 

તેમનું અવસાન 18 જાન્યુઆરી 1955માં થયું. 

__________________________________

૮) વિશાખા.પૉટા

સહાદત હસન મન્ટો.

શબ્દ સંખ્યા..370

     મન્ટોનો જન્મ ભારત ના લુધિયાણા શહેરમાં ૧૧મે ૧૯૧૨માં  થયેલો.પરંતુ હિન્દુસ્તાન પાકિસ્તાન ના ભાગલામા એમને પાકિસ્તાન  જવુ પડ્યું.એમના લખાણ ઉર્દુ ભાષામાં રહેતા.પાકિસ્તાન કરતા ભારતમાં  વધારે લોકપ્રિય હતો.

       મંટો ઑફ-બીટ લેખક હતા..તેનામાં આત્મ વિશ્વાસ ઘણો,તે જે કાંઈ લખતા એ  સુપ્રિમ કોર્ટના ચુકાદા જેવું આખરી માનતા.વાર્તાઓ તેના involvment ને કારણે સંવેદનો થિ ભરી ભરી લાગે છે.તેની બેનમૂન વાર્તા’ટોબા ટેકસિંહ “માં  જે પાગલ શિખ છે તે મન્ટો પોતે છે.આ વાર્તા લખવા અગાઊ તે પાગલખાનામાં રહી આવ્યા હતા..તે પોતેજ આ વાર્તાની પિડા નો એક ટૂકડો બની જાય છે..                       તેમને ચીલાચાલુ પાત્રોમાં રસ નહોતો.એની હીરોઇન ચકલામાં બેઠેલી રંડી રહેતી.જે રાત આખી ઉજાગરા ખેંચે અને દિવસે આડે પડખે થાતાં બુઢાપો આવશે એવા બિહામણા સપનાઓથિ જાગી જાય.જે વર્ષોથી પૂરતી  ઊંઘ નથી લઇ શકતી એવી સ્ત્રીઓ એની વાર્તાનું મુખ્ય પાત્ર હોય છે.

           એણે ૨૨ લઘુ વાર્તાઓ,રેડીયો નાટકો અને નિબંધો લખ્યાં છે.એને મરણોતર પુરસ્કાર  પણ મળ્યો છે.એની ‘કાળી સલવાર’, ‘બૂ’.’ થંડા ગોસ્ત’ ‘ધુંઆ’ અને “ઉપર નિચે ઔર દરમિયાન”આ પાંચ અશ્લિલ વાર્તાઓ  લખવા માટે પાકિસ્તાની કોર્ટમાં કેસ થયેલા.અને આ વાર્તાઓએ એને બરબાદ કરી નાખ્યો.તન અને મન થી એ ભાંગી પડ્યો.

          પાકિસ્તાન ગયા પછી એને ખ્યાલ આવ્યો કે ભારતમાં  કેટલું બધુ છોડીને આવ્યો છે.પાકિસ્તાનમાં એનું  કોઇ સ્થાન નહોતું.પાકિસ્તાન કરતાં ભારતમાં એની લોકપ્રિયતા ઘણી હતી.મિત્રોમાં એના શબ્દોનું  વજન હતું તેનામાં રહેલી સચ્ચાઈ ની મિત્રોને પરખ હતી એકવાર “મુગલ-એ આઝમ”થિ પ્રખ્યાત થયેલા કે આસિફ પણ મંટો ને વાર્તા પહેલા સંભળાવતા.એનિ સમકાલીન ઉર્દુ લેખિકા ઇસ્મત ચુગતાઇ સાથે એનિ જોડી ના બની શકી એ લોકો માટે દુ:ખ નો વિષય હતો.

         મુશ્કેલીઓ અને વેદનાઓની વચ્ચે જીવતા મન્ટોમાં પડેલી વિનોદ્વૃતિ જ એનિ તાકાત  હતી.આજ એને જીવન સંગ્રામ માં ઝઝૂમવાની શક્તિ પૂરી પાડતી.એના સમકાલીન ઉર્દું લેખક ઉપેન્દ્રનાથ “અસ્ક”ની મજાક મશ્કરી કરવાની કોઇ તક એ ચૂકતો નહી..એકવાર તો મોઢામોઢ કહી દીધુ કે”I like you though I hate you”.

          મન્ટોના મિત્ર હોવુ એ  તો ગૌરવ ની વાત હતીજ.પણ શત્રુ હોવુ એ  પણ ગૌરવવંતુ ગણાતું.અશ્કે એક પુસ્તક લખ્યું”મન્ટો મેરા દોસ્ત મેરા દુશ્મન”.

            મૃત્યુનાં  થોડા સમય પહેલાની તેની આ વેદના.:આજે હું ખૂબ ઉદાસ છું.આ સરકાર મારા પર ક્યારેક અશ્લિલતા નો આરોપ મુકે છે અને કેસો પણ કરે છે.બિજી  બાજુ એ જ સરકાર પોતાના ના પ્રકાસનોમાં એવી જાહેરાતો આપે છે કે ‘સહાદત હસન મન્ટો’ આપણા દેશના મહાન વાર્તાકાર અને સાહિત્યકાર છે.

________________________________

 ૯) મીના વ્યાસ

શબ્દ સંખ્યા: ૧૬૫

                 અમૃતા પ્રીતમ

      અમૃતા પ્રીતમ, માત્ર પંજાબી સાહિત્યમાં જ નહીં, ભારતના સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.

     તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ,૧૯૧૯ માં પંજાબમાં થયો. તેમની રાષ્ટ્રીયતા ભારતીય હોવા છતાં ભારત અને પાકિસ્તાન એમ બંને પ્રદેશોમાંથી ખૂબ પ્રેમ મળ્યો હતો.

        ભારતના સાહિત્ય જગતમાં તેઓ રત્ન સમાન છે.

તેઓએ વિવિધ ક્ષેત્રે સાહિત્યમાં પ્રદાન કર્યું છે, જેમકે, કવિતા,નિબંધ, નવલકથા, જીવનચરિત્રો, વાર્તાઓ, લોકગીતો, આત્મકથા…. તેઓની ગણના વીસમી સદીની અગ્રણી કવયિત્રીઓમાં થાય છે. તેમણે વિવિધ પ્રકારના ૧૦૦ થી વધુ પુસ્તકો તૈયાર કર્યા છે, એટલું જ નહિ, તેમના પુસ્તકોનો બીજી ભારતીય અને વિદેશી ભાષા ઓમાં અનુવાદ પણ થયા છે.

       સાહિત્ય ક્ષેત્રે, તેમના કાવ્યો ” આજ અખાં વારિસ શાહ” ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. તેમની નવલકથા  ” પિંજર” ઉત્તમ નવલકથાઓમાની એક છે. તેના પરથી ૨૦૦૩ માં બનેલી ફિલ્મ પુરસ્કાર વિજેતા બની હતી. તેમની પ્રસિધ્ધ રચના ” સુનેહે” માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા.૧૯૮૨ માં” કાગઝ તે કેનવાસ” માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો.૧૯૬૯ માં પદ્મશ્રી એવોર્ડ અને ૨૦૦૪ માં પદ્મ વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયા હતાં. સમગ્ર સાહિત્ય જગતમાં શ્રી અમૃતા પ્રીતમનું નામ હંમેશા ગૌરવભેર લેવાતું રહેશે.

  __________________________________

૧૦) રેખા પટેલ “સખી

શીર્ષક : અમૃતા પ્રિતમ

શબ્દ સંખ્યા : ૭૦૦

         અમૃતા પ્રિતમનો જન્મ ઈસ. ૧૯૧૯ સાલમાં મંડી બહાયુદિન પંજાબમાં થયો હતો. જે અત્યારે ભાગલા પછી પાકિસ્તાનમાં છે. તેમના માતાનું નામ રાજબીબી અને પિતાનું નામ કરતારસિંગ હતું. તેમના પિતા કવિ હતાં. ભજનો અને કવિતાઓ ખૂબ સરસ લખતાં. આમ તેમનો ઉછેર કવિતાઓ અને સૂફી ભર્યા માહોલમાં થયો. એના પિતાને તે કવિતા લખવામાં મદદ કરતી. આમ પિતાની કવિતાઓ લખતાં લખતાં પોતે પણ કવિતાઓ લખવા લાગી. શબ્દોનો ભંડાર તો તેની પાસે હતો જ. તે લખીને રાખી મૂકતી. કોઈને વાંચવા પણ આપતી નહીં. 

          તે ૧૧ વર્ષની હતી ત્યારે તેની માતાનું દેહાંત થયું. તેમને ખૂબજ આઘાત લાગ્યો. એમાંથી તેઓ જલ્દી બહાર નીકળી શક્યા નહીં. નાની છોકરીની સાથે ભગવાન આવું કેમ કરી શકે? કેમ એટલો નિષ્ઠુર છે? એમ વિચારીને ભગવાનને માનવાનું છોડી દીધું. ભગવાન છે જ નહીં એમ કહેતાં. તેમનાં પિતા સંત હતાં. તેમણે કેટલું સમજાવ્યું પણ તેઓ જીદ્દી હતાં એટલે કોઈની વાત માનતાં નહીં. આ બાબત માટે તેમને કાયમ પિતા સાથે ઝગડો થતો. તેના પિતાએ જ્યારે ભગવાન ઉપર લખવાનું કહ્યું ત્યારે તે લખતી ખરી પણ તે વધારે કુદરત, પ્રેમ, સમાજ અને નારીની વેદના ઉપર લખતી. વાર્તાઓ અને નવલકથા પણ લખતી. તેમનું તખલ્લૂસ “અમૃત લહેરે” હતું. તેનું ભણતર લાહોરમાં થયું હતું. 

          તે આભડછેટમાં માનતી નહીં. તેને ઘેર શીખ અને મુસલમાન બન્ને આવતાં. આથી મુસલમાનનાં વાસણો અલગ રખાતાં. અમૃતા મુસલમાનનાં વાસણોમાં ખાવાનો આગ્રહ રાખતી. આ તેનો વિદ્રોહ પણ હતો. તેની જીદ હતી. તેના પિતા તેને ખૂબ લડતાં પણ તે તેની જીદ છોડતી નહીં. “દુનિયામાં દરેક વ્યક્તિ એક સમાન છે પછી આ આભડછેટ શા માટે?” એમ તે માનતી. 

          ઈ. સન. ૧૯૪૬ સાલમાં પ્રિતમ સાથે લગ્ન કર્યા હતા. પાકિસ્તાન અને ભારતના ભાગલા પડ્યાં પંજાબનો માહોલ ખૂબ જ ભયાનક હતો. છોકરીઓ મુસલમાનનાં હાથમાં જાય નહીં એટલે તેઓને મારી નાખતાં. ચારે બાજુ લાશોનાં ઢગલા અને લોહીની નદી વહેતી. ઈ. સન. ૧૯૪૮ ની સાલમાં પંજાબ છોડી દિલ્હી આવી ગયાં. કવિતાઓ લખવા માંડી. એવી કવિતાઓ કે જે વાંચીને સમાજમાં બદલાવ આવે. ઈ. સન ૧૯૪૮ની સાલમાં તેમની કવિતા “મનમર્જીયા” નામની ફિલ્મમાં લેવામાં આવી. 

“મૈં ના છોડુંગી તુજે”. 

          ભાગલા વખતે વારિસ શાહે લખેલી કવિતાએ તેમનાં મન પર ખૂબ જ અસર કરી. એમનું કહેવું હતું કે સમાજને બદલવો હોય તો લખવું પડે. પાકિસ્તાનનાં દરેક વ્યક્તિનાં ખીસ્સામાં આ કવિતા મળતી,

“કબ્રસે ઉઠો, ઓર એક નયાં ઈતિહાસ લીખો, 

લાખો બેટીયા રો રહી હૈ, પંજાબ જલ રહા હૈ, 

પંજાબકો દેખો ઓર લીખો, 

ચીનાબમેં અબ પાની નહીં ખૂન મીલા દિયા હૈ”. 

આ કવિતા વાંચતાની સાથે જ આંખોમાં આંસુઓ આવી જતાં એક આગ ઉઠતી અને દિલમાં ફેલાઈ જતી. રોમ રોમ ઉભા થઈ જતાં. 

          ઈ. સન. ૧૯૬૦ની સાલમાં તેમણે પ્રિતમ સાથે છૂટાછેડા લીધાં. તેમની પ્રેમ કહાણી ખૂબજ દરદભરી હતી. જાણે પીડાનું પોટલું તેમની સાથેજ રહેતું. આ જ પીડાને તે પોતાની કવિતાઓ અને વાર્તાઓમાં લખતી. નારીની દશા જોઈને તેમને સમાજ માટે ખૂબજ આક્રોશ થતો પણ તેઓ લખીને વાચા આપતાં. ભાગલા વખતનાં દ્રશ્યો તેઓ ભૂલી શક્યાં નહતાં અને યાદ આવે એટલે આઘાતમાં સરી જતાં. 

        તેમની કવિતાઓ અને વાર્તાઓ દરેક ભાષામાં અનુવાદ થતાં. પૂરા ભારતમાં અને વિદેશમાં તેઓ છવાઈ ગયાં. તેઓ પંજાબીમાં લખે પણ અનુવાદ થાય એટલે લોકોને એવું જ લાગે કે આપણી ભાષામાં લખે છે. એવી તેમણે લોકપ્રિયતા મેળવી હતી. દરેક દેશમાંથી તેમને ઘણાં એવોર્ડસ અને સન્માન મળ્યાં. તેમના પુસ્તકો પરથી ઘણી ફિલ્મો બની. 

          સમયને પસાર થતાં ક્યાં વાર લાગે છે? તેમને કવિ સંમેલનમાં પણ પોતાની રચનાઓનાં પઠન માટે બોલાવતાં. તે કાયમ બસમાં જતાં. આવીજ રીતે એમને સાહિર લુધીયાનવી સાથે થઈ હતી. તેમનું પઠન સાંભળી તેમની દિવાની થઈ ગઈ. એકબીજાને ઘણો પ્રેમ કરવા લાગ્યાં. એકબીજાને માટે કવિતાઓ પણ લખતાં. એ તેમનાં દિલને પકડવા માંગતી હતી પણ તે શક્ય નહતું. તેમની ઉર્દુ ભાષા અને અમૃતાની પંજાબી ભાષા પણ નડી ગઈ. સાહિર જ્યારે તેમને ઘેર આવતાં ત્યારે ઉપરાઉપરી સીગારેટ પીતા એના ઠુંઠા પણ તેમણે સાચવીને રાખ્યાં હતાં. બન્ને વચ્ચે ખૂબ પ્રેમ હતો પણ એકબીજાને કહી ન શક્યાં. તેમણે છેલ્લો પત્ર લખ્યો તે પણ આપ્યો નહતો. ઈ. સન ૧૯૬૦ની સાલમાં ખાલી વિચાર કર્યો કે તેઓ સાહિરને દિલની વાત જણાવશે પણ એ પહેલાં ખબર પડી કે તેઓ તો બીજાને દિલ આપી બેઠાં. એ જાણીને તેઓ નિરાશ થઈ ગયા હતાં. તેમનાં દિલમાં તેમનાં માટે વેદના અને નિઃસાસા સીવાય કશું રહ્યું નહતું. જો અમૃતાએ ફોન કરી જણાવી દીધું હોત તો તેમની પ્રેમ કહાણી અધૂરી ન રહેત. ભગવાનને એ મંજુર નહતું. 

         તેમનાં જીવનમાં ઈન્દ્રજીત ઈમરોજ આવ્યો. અમૃતા ખૂબજ સુંદર હતી એટલે ઈમરોજે એનું દિલ જીતી લીધું. એ ચિત્રકાર પણ હતો. એમણે અમૃતાનો સાથ ક્યારેય ન છોડ્યો. તેની વર્ષગાંઠ પણ કેક કાપીને સાદાઈથી ઉજવી હતી. તે સાહિરને ભૂલી ન શકી. તે તેનું નશીબ અજમાવવા મુંબઇ ગઈ પણ ફાવ્યું નહીં એટલે પાછી આવી. દિલ્હીમાં ઈમરોજ સાથે રહેવા લાગી. ૪૦ વર્ષ સુધી એકબીજા સાથે રહીને સુખે દુઃખે સાથ નિભાવ્યો હતો. એક અજબનું આકર્ષણ તેમને નજીક લાવતું. 

          તેમને પંજાબ રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, જ્ઞાનપીઠનો એવોર્ડ મળ્યાં. ઈ. સન. ૧૯૮૬ની સાલમાં રાજ્ય સભામાં આવ્યાં. “કોરા કાગઝ, ધરતી, દેવ વગેરે ફિલ્મો તેમની નવલકથા પરથી બની હતી. 

        પિંજર નવલકથામાં ઉરુ ના પાત્રલેખનમાં નારીની દાસ્તાન લખી. કલ્પનાની દુનિયામાં તે એકલી હતી. આસપાસ બધાંજ હોવા છતાં એકલતા મહેસુસ કરતી. પહેલીવાર રેડિયો પર આજીવીકાને માટે ગઈ તો શરીફ ઘરની દીકરીઓ રેડિયો પર ન જાય એમ કહી ઘણો વિરોધ થયો હતો. પણ તે મક્કમ હતી. પોતાનું ધાર્યું કરતી. મોસ્કો, રૂસ, ફ્રાન્સ, બલ્ગેરિયા વગેરે કેટલાય દેશો તેમને પ્રવચન માટે બોલાવતાં. તેમને ભારતીય હોવાનું ગૌરવ હતું. સૂફી શાયરોની ચેતના તેમને બાળપણથી મળી હતી. આજે દેશનો માહોલ તેમને ખૂબ પીડા આપતો. તેમની કેટલીક પંક્તિઓ,

“લોક હાંડીઓમે દાલ નહીં ખૌફ રાંધતે હૈ.

પૈડોકી ઉમ્ર પૈડોકો નશીબ હો,

હર પત્તેકો જવાની નશીબ હો.

બાદલકા એક જામ ઉઠાકર,

ખૂબ ચાંદની પી હૈ હમને”.

          “મૈં તેનું ફીર મિલુંગી” હું તમારા વિચારોમાં તમને મળ્યાં કરીશ. સાહિત્યકાર ક્યારેય મરતાં નથી. તે તેના સાહિત્ય સાથે અમર થઈ જાય છે. કાયમ જીવીત રહી પ્રેરણા આપતાં રહે છે. તેમને માટે લખવું એટલે એક પુસ્તક લખાય જાય પણ થોડામાં ઘણું સમાવવું પડે. તેમનું મરણ ઈ. સન. ૨૦૦૫ ઓક્ટોબર ૩૧ની સાલમાં ૮૬ વર્ષે લાંબી માંદગી બાદ થયું. એક સિતારાએ જમીન પરથી જઈને આસમાનમાં સ્થાન બનાવી દીધું. એટલેજ સાહિત્યકારોને પોતાની ઉર્જા મોકલ્યાં કરે છે અને બધાં એમાં ડૂબકી મારે છે.

__________________________________

૧૧) જ્યોતિ પરમાર 

શીર્ષક – અમૃતા પ્રીતમ

શબ્દો – ૧૪૦

“મૈં તેનું ફિર મિલાં ગી, કિથ્થે કિસ તરહ પતા નહીં”

આ પંક્તિઓ લખનાર અમૃતા પ્રીતમ ખૂબ સારી કવિયત્રી અને વાર્તાકાર હતાં.  

 નાની ઉંમરમાં “મા”ને ખોઈ ચુકેલી અમૃતા ઇશ્વર પર ભરોસો ગુમાવી બેઠી ને પિતાની અણગમતી હતી પણ, માનીતી થવાં જ જાણે લખતી થઇ અને દસ અગિયારની ઉંમરે જ લખતી થઇ ગયેલી। રફીદ કાફિયાની સમજણ તો પિતા તરફથી મળેલી અને ખૂબ સુંદર કાવ્ય રચ્યાં. જેમાં જીવન આખાની પળે પળ કાગળ પર ઉતારી દીધેલી. પદ્મશ્રીથી પદ્મભૂષણ જેવા પુરસ્કારથી સાહિર લુધિયાનવીનું એના જીવનમાં આવવું એનાં જીવનમાં વસંત લાવ્યું. 

ગળાડૂબ પ્રેમમાં સાહિરની સિગરેટના ટૂકડાં સાચવીને રાખતી અને એકલતામાં તે જ ટુકડાં બાળી સાહિરને સ્પર્શયાંનું સુખ માણતી.

અહા! શું પ્રેમ। … 

      સિગરેટ નામની કવિતા જેમાં તેણે લખ્યું છે,

“એક દર્દ છે 

જે સિગરેટની જેમ મેં પીધું છે 

ફક્ત થોડી નઝમ સિગરેટની  

રાખની જેમ મેં  ખંખેરી છે…”. 

અને જીવનના અંતિમ સમય સુધી એ ઇમરોઝ સાથે રહી. 

__________________________________

સુરેન્દ્રનગર શાખા

૧) ભારતી ત્રિવેદી દવે

શીર્ષક – સઆદત હસન મન્ટો.

શબ્દ સંખ્યા :- ૨૦૦(અંદાજે)

  ” If you find my stories dirty,

The society you are living in is dirty.

With my stories I only expose the truth..!”

        આ શબ્દો છે એક બળવાખોર અને આક્રમક લેખક તરીકે જાણીતા લેખક શ્રી સઆદત હસન મન્ટોના.જે

તે સમયમાં સમાજની કઠોર વાસ્તવિક તા લખવા માટે જાણીતા હતા.

            મન્ટોને વીસમી સદીના શ્રેષ્ઠ ઉર્દૂ લેખક તરીકેનું સન્માન આપવામાં 

આવેલું છે.તેઓનો જન્મ ઈ.સ.1912

માં અગિયાર મે નાં રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના પપડૌદી નામનાં ખુબજ નાના ગામમાં થયો હતો. તેમનાં

પિતા ગુલામ હસન મન્ટો એક સ્થાનિક

કોર્ટમાં જજ હતાં.તેઓ વંશીય રીતે કાશ્મીરી હતાં.જેનુ તેમને ભારે ગૌરવ હતું.તેમની કાશ્મીરી હોવાની આ લાગણી એક વખત જવાહરલાલ નહેરુ સાથે તેમણે શેર પણ કરેલ અને લખેલું. :”કાશ્મીરીનુ બીજું નામ એટલે જ સુંદર હોવું…!”

          ઈ.સ.1933 માં એટલેકે માત્ર એકવીસ વર્ષની ઉંમરે તેઓ અબ્દુલ વારી અલીગ નામના વિદ્વાન લેખકને મળ્યાં જેઓએ મંટોને રશિયન અને ફ્રેન્ચ લેખકોને વાંચવા માટે પ્રોત્સાહિત 

કર્યાં.ત્યાર બાદ તેઓએ ઈ.સ.1934મા

ખ્યાતનામ રશિયન લેખકો જેવાકે વિક્ટર હ્યુગો,મેક્સિમ ગોર્કિ,એનોન ચેખોવની રશિયન વાર્તાઓનું ઉર્દૂમાં ભાષાંતર કરવાનું કાર્ય શરૂ કર્યું.ફ્રેન્ચ

લેખક ગાય દ મોયસન તેમનાં પ્રિય લેખક હતાં.

        મન્ટોએ પોતાની તેજાબી કલમ દ્વારા મોટે ભાગે ભારતનાં ભાગલાં, ગરીબી,જાતીય નિષેધ, વેશ્યાગીરી અને રાજકારણ પર વેધક કટાક્ષ કરતી 

 લઘુકથાઓ લખીને સત્યને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

              તેમણે ભુખ અને ગરીબી વિશે લખતાં કહ્યું:” વિશ્વમાં સૌથી મોટી 

સમસ્યા ત્યારે જ પેદા થઈ જ્યારે આદમે ભુખનો અનુભવ કર્યો.”

           ભારતનાં ભાગલાં દરમિયાન તેઓ દ્વારા લખાયેલી ત્રણ લઘુ વાર્તાઓ ઠંડા ગોશ્ત, ખોલ દો, અને ટોબેકોટેક સિંઘ ખુબ જ પ્રખ્યાત બની ગઈ હતી.તેઓએ આ ઉપરાંત 22 ટુંકી વાર્તાઓ,એક નવલકથા અને બે લાઈફ સ્કેચ્ પણ પ્રકાશિત કર્યા હતાં.

       ઈ.સ.1934 માં તેઓ ભારતીય પ્રોગ્રેસિવ રાઇટર એસોસિયેશનના સભ્ય બન્યાં અને તેમના લેખનમાં જબરદસ્ત ઉછાળ આવ્યો.તેઓ બોમ્બે આવ્યાં અને હવે તેઓએ હિન્દી  ફિલ્મ ઉદ્યોગ માટે સામયિકમાં લખવાનું

શરૂ કર્યું.જે દરમિયાન તેઓ ફિલ્મી હસ્તીઓ જેવીકે નૂરજહાં,નૌશાદ,અશોકકુમાર અને શ્યામસુંદરના પરિચયમાં આવ્યાં. તેઓએ શિકારી,મિર્ઝા ગાલિબ અને ચલ ચલ રે નૌ જવાન…જેવી હિન્દી ફિલ્મની પટકથા પણ લખી છે. ઓલ

ઇન્ડિયા રેડિયો ઉર્દૂ સર્વીસ માટે પણ તેઓએ રેડિયો નાટકોની શ્રેણી લખવાનું

કાર્ય પણ કરેલું

       વેશ્યાગીરીને મન્ટોએ સમાજનું કલંક કહ્યું હતું. તેઓનાં મતે :” વેશ્યાં ક્યારેય જન્મીને આવતી નથી કે નથી પોતે જાતે બનતી.જે વસ્તુની સમાજમાં 

માંગ વધે તે વસ્તુઓને લોકો બજારમાં લઈ આવે છે.તે બજારની જરૂરિયાત સંતોષવા આવે છે.”

      મન્ટોએ એવાં લોકો સામે પણ આંગળી ચીંધી છે કે જે સ્ત્રીને એક વસ્તુ સમજે છે. એવાં લોકોએ કે એવાં સમાજે એક બાબતમાં સ્પષ્ટ થવું જોઈએ કે સ્ત્રીઓ વસ્તુ નથી.

        ખરેખર મન્ટોને એ લોકો જ સમજી શકે છે જેમનામાં સત્ય સ્વીકારવાની અને સત્યનો સામનો કરવાની હિંમત હોય.તેમને તે સમયનાં

લોકોની માનસિકતાને પોતાની વાર્તાઓમાં હૂબહૂ આલેખી છે જે આજે આટલાં વર્ષો બાદ પણ એટલી

જ પ્રસ્તુત અને એટલીજ વાસ્તવિક છે.

તેમનાં ધર્મ વિશેનાં ખ્યાલો જોઈએ તો

:” ધર્મ જ્યારે દિલમાંથી નીકળીને દિમાગ પર ચડી જાય છે ત્યારે તે ઝેર બની જાય છે. પહેલાં ધર્મ લોકોના હ્રદયમાં રહેતો હતો.જ્યારે આજે તે

લોકોની ટોપીમાં રહેવા લાગ્યો છે.”

            આજથી 70 વર્ષ પહેલાં તેઓ

ધર્મ બાબતે જે કંઈ ટિપ્પણી લખીને ગયાં….આજે પણ એટલી જ સત્ય છે.અત્યારે પણ ધર્મ વિષે સમાજમાં એટલાં જ ભ્રામક ખ્યાલો છે જે તે સમયે હતાં.

ઈ.સ.1948માં એક પારિવારીક

પ્રસંગમાં હાજરી આપવા માટે તેઓ પાકિસ્તાન ગયાં…અને પછી ત્યાં જ સ્થાયી થઈ ગયા.તેમનાં લખાણને અશ્લીલ અને અભદ્ર ગણીને તેમને 

કોર્ટ ભણી ઢસડી જવામાં આવ્યાં.

પરંતુ તેઓ બધાંજ ગુનાઓમાં નિર્દોષ

પુરવાર થયાં.

      ઈ.સ.1955મા 18 જાન્યુઆરીએ

ફેફસાંની બિમારીના કારણે આ ફાની દુનિયાને અલવિદા કહી ગયાં…!

          તેમને ઈ.સ.2012 માં પાકિસ્તાન સરકારે મિશન એ ઇમ્તિયાઝ નામનો સાહિત્યનો શ્રેષ્ઠ મરણોત્તર એવોર્ડ આપીને અવાજ્યા.

તેમનાં જીવન કવનને ચરિતાર્થ કરતી એક હિન્દી ફિલ્મ જેનું દિગ્દર્શન નંદિતા દાસ દ્વારા કરવામાં આવ્યું હતું. તે ફિલ્મ ” મન્ટો” ને એશિયા પેસેફિક સ્ક્રીન એવોર્ડ અને કેન્સ એવોર્ડ પણ મળેલાં છે.

         તેઓની જ એક ઉકિત લખીને આપણે મન્ટોને એક ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ….

” સઆદત હસન મર જાયેગા લેકીન મન્ટો સદા કે લિયે જિંદા રહેગા….!”

__________________________________

૨) હેમા ત્રિવેદી

શિર્ષક : અમૃતા પ્રિતમ

શબ્દ સંખ્યા :૧૦૦

અમૃતા પ્રિતમજી.

 સાહિત્યના ચિરંજીવી 

કવયિત્રી

અમૃતા પ્રિતમનો

જન્મ પંજાબના ગુજરાનવાલાંમાં,31ઓગષ્ટ, 1919ના

   રોજ થયો

બાળપણ, શિક્ષણ લાહોરમાં સંપન્ન થયું .

           અંગત જીવન

માત્ર ૧૧મે વર્ષે

માતા ગુમાવ્યા. ૧૬વર્ષે

સંપાદક પ્રિતમસિંહ સાથે વિવાહ..

અને પ્રથમ કાવ્યસંગ્રહ ‘અમૃતલહેરે’ પ્રકાશિત.*

           કૌટુંબિક વિગત

         સંતાનોમાં

કંદલ્લા, નવરાજ..

પ્રિતમસિંહ, સાહિર,ઇમરોઝ…ત્રણ પુરુષોના

     જીવનમાં  આગમન..છતાંય ઉદાસીનતાથી

      ઘેરાયેલી રહી જિંદગી..

           સાહિત્ય સર્જન

        કારકિર્દીના 6દાયકાની સફરમાં નોંધપાત્ર સર્જનોમાં

    28નવલકથાઓ,18ગદ્યસંગ્રહો,  5ટૂંકીવાર્તાઓ, 

   16ગદ્યઆવૃતિઓ,પિંજર ફિલ્મની વાર્તાને ગણાવી શકાય.

        એવોર્ડ્સ-સન્માનો

        પંજાબરત્ન(1956),પદ્મશ્રી(1969),જ્ઞાનપીઠ(1982),

સાહિત્ય – શિક્ષણમાં પદ્મવિભૂષણ(2004),સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત…અનેક યુનિવર્સિટીઓમાંથી

  ડી.લિટ.ની પદવી એનાયત….

     સાહિત્યના ચિરંજીવી

 સ્પષ્ટનારીવાદી,સંવેદનશીલ,સ્વાભિમાની,પ્રગતિશીલ,

    વીરશૃંગારરસના કવયિત્રી ફાની દુનિયાને અલવિદા  કહી 31ઓકટોબર 2005માં, દિલ્હીમાં અવસાન પામ્યા.

__________________________________

૩) હીરવા ખાખી

અમૃતા પ્રીતમ

 1919 ની ઓગસ્ટની 31 તારીખે સામાજિક વિદ્રોહની કવિયત્રી તરીકે પાકિસ્તાનના ગુજરવાળા શહેરમાં જન્મેલ આ દીકરી કરોડો સ્ત્રીઓ માટે પ્રેરણારુપ બની ગઇ. પિતા કરતારસિંહ અને માતા રાજબીબીને ત્યાં અમૃતા પ્રીતમે જન્મ લીધેલો. બચપણથી જ પિતા સાથેના અતૂટ સ્નેહ અને કવિતાઓના જ્ઞાનને સાથે લઈને તેણે કવિતાના અફાટ સાગર તરફ પ્રયાણ કર્યું! સાથેસાથે પિતા પાસેથી છંદ- લયનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું.. પણ તેવા સમયે માત્ર દસ્ વર્ષની ઉમરે તેઓની માતા શ્રી રાજબીબી પ્રભુને ચરણ પામ્યા. ત્યારબાદ અમૃતાના ઉછેરની જવાબદારી પિતા પર્ આવી પડી. પિતાને ઈચ્છા હતી કે અમૃતા મીરા જેવી બને પણ અમૃતાને એ માફક આવ્યું નહિ, તેને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાં ન હતી. પિતા લેખક હોવાથી દિવસે સૂતા અને રાત્રે જાગતા અમૃતાએ પિતાની આ આદત જાળવી રાખી હતી. 

       યૌવનકાળમાં અમૃતાના હદયમાં ઉર્દૂના ખ્યાતનામ શાયર સાહિર લુધિયાનવી પ્રત્યે અત્યંત કૂણી લાગણી ઉદ્ભવેલી પણ તેનું ઇચ્છીત પરિણામ ન આવ્યું. માત્ર સોળ વર્ષની વયે તેમના લગ્ન ચિત્રકાર ઇન્દ્રજીત ઇમરોઝ સાથે થયા પણ તેમનું લગ્નજીવન નિષ્ફળ નીવડ્યું. દેશના ભાગલા પછી ધણો સમય તેઓએ કપરી મુશ્કેલીમાં વિતાવ્યો હતો. મુસીબતના સમયે પણ તેઓ પુરા આત્મવિશ્વાસ સાથે પરિસ્થિતિ સંભાળતા. 

        તેઓએ ” રેવન્યુ સ્ટેમ્પ” નામે આત્મકથા લખી છે. અને તે પુસ્તકમાં તેમણે એમના જીવનની બાહ્ય નહિ પણ આંતરિક પ્રસંગની છણાવટ કરી છે. અમૃતાએ પોતાના માનસમાં રમતી ઘટનાઓ બેધડક પ્રસ્તુત કરી છે. સાહિર પ્રત્યેના પ્રેમનો તેણે બેધડક ઉલ્લેખ કર્યો છે. સગર્ભાવસ્થા દરમિયાન પણ પોતાના મનમાં એનું જ રટણ રેહતું એ હકીકત તેમણે નિઃસંકોચપણે બતાવી છે. સાહિરને ઉદ્દેશીને લખાયેલા તેમના કાવ્યોનો સંગ્રહ “સુનહરે ડે” ને ઇસ્. 1957 માં સાહિત્ય અકદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. “આશુ” ” એક્ થી અનિતા” અને “દિલ્લી કિ ગલીયા” માં પણ અમૃતાએ સાહિરનું વર્ણન કર્યું છે. પિંજર, યાત્રી, જેબકતારા, ઇત્યાદિ એમની રસપૂર્વક નવલકથા છે. જેમાંથી “પિંજર” નામક નવલકથાનો અનુવાદ અનેક ભાષામાં થયો છે. આ ઉપરાંત નાગમણી નામક પંજાબી સામયિક પણ તેમણે ચલાવ્યું. ” મેરા અંતિમ પત્ર ” નામની દીર્ધ કાવ્યકૃતિ પરથી તેમના કવિત્વનો સાચો અંદાજ પ્રાપ્ત થાય છે. સાહિરને પ્રાપ્ત ન કરવાની મનિષા અને તેને ન પામી શકવાનું દુખ અમૃતાની કવિતામાં ભારોભાર જોવા મળે છે. 

       પોતાના સ્વતંત્ર મિજાજ અને આગવી પ્રતિભાના કારણે તેઓ અનેક લોકો માટે દ્વેષનું કારણ બન્યા છે. સમકાલીનોની અનેક પ્રવ્રુતિઓથી તેઓ પીડાતા રહ્યા, છતાય તેમની કૃતિ વિદેશોમાં અનુવાદિત થઈ ચૂકી છે. “ધરતી સાગર ઔર સીપીયા” પરથી એક્ ફિલ્મ પણ બનાવામાં આવી છે. “કોરા કાગજ” પણ નવલકથાનું ફીલ્મીકરણ થયું છે. 1973 માં દિલ્લી વિશ્વ વિધ્યલયે ડિ. લીટ. ની પદવી આપી એમનું સન્માન કર્યું છે. ભારત સરકારે પદ્મ શ્રી ના માનથી નવાજ્યા છે. પોતાની જાતને કોરું પાનું ગણાવતા અમૃતાએ સો જેટલી કૃતિનું સર્જન કર્યું છે. 

        તેઓએ ગદ્ય કરતા પદ્ય વિશેષ લખ્યું હોવા છતા તેમની પ્રતિભા કવિની છે., તેમના ગદ્યમાં કવિતાની સુવાસ પ્રાપ્ત થાય છે. તેમનું કવન સમાજ પ્રત્યેના વિદ્રોહની પરીકલ્પનાથી આવૃત છે. વારિસ શાહમાં તેમની ઉક્તિ લાગણીનો પડધો સંભળાય છે…… 

          ” પડછાયાને પકડવાવાળા, 

            છાતીમાં બળતી આગનો       

            કોઈ પડછાયો નથી હોતો. “

        અને 31 ઓકટોબર 2005 ના રોજ તેઅો સાહિત્યના વિશાળ સાગરમાં પોતાની રચનાઓ વહેતી મૂકી પ્રભુ ચરણ પામ્યા. વિશ્વ સામે પોતાની આગવી પ્રતિભા અને સ્ત્રીઓની પ્રેરણાનું માધ્યમ બનેલ અમૃતા પ્રીતમ આપણા સૌના હદયમાં આજીવન ધબકતા રહેશે…. 

__________________________________

રાજકોટ શાખા

૧)  હેમાંગી ભોગાયતા ‘પ્રજ્ઞા’

શીર્ષક- ધ કુડી – અમૃતા પ્રીતમ

શબ્દસંખ્યા : 454

“જહાઁ ભી આઝાદ રૂહ કી ઝલક પડે,

સમજ લેના વહી મેરા ઘર હૈ !”

 અમૃતા પ્રીતમની આ એક જ પંક્તિ એમના વ્યક્તિત્વને વર્ણવવા પૂરતી છે. મુક્ત ગગનમાં પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર કરનાર પંખી એટલે અમૃતા પ્રીતમ! લોકો એ એમના વ્યક્તિત્વના વ્યક્તિગત પાસાઓને કાયમ ચર્ચાનો વિષય બનાવ્યો છે પરંતુ એક લેખિકા તરીકે એમને જરા પણ ઓછા આંકી શકાય એમ નથી. કવિતા, નવલકથા, આત્મકથા, નિબંધ જેવા અનેક સાહિત્ય પ્રકારમાં ખેડાણ ઉપરાંત લોક સાહિત્યનો સંગ્રહ કરીને કુલ 100 કરતાં પણ વધુ પુસ્તકો લખનાર લેખિકા એટલે અમૃતા પ્રીતમ.

એક થીયરી મુજબ લેખકના લેખનકાર્યનો અભ્યાસ કરવા એમના જીવનને જાણવું જોઈએ કે જેથી એમને કઈ પરિસ્થિતીમાં શું લખ્યું હશે એ જાણી તથા સમજી શકાય. આ થીયરીમાં માનીએ કે નહીં અમૃતા પ્રીતમના જીવન વિશે જાણવું ખરેખર રસપ્રદ છે. અમૃતા પ્રીતમે નાની ઉંમરે ભાઈ અને માતાને ગુમાવ્યા બાદ ભારતના ભાગલા પડ્યા બાદ તેઓ એમના પિતા સાથે દિલ્હીમાં આવીને વસ્યા. તેમના લગ્ન 16 વર્ષની ઉંમરે જ થઈ ગયેલા. સાથોસાથ 16 વર્ષની ઉંમરે જ એમનું પુસ્તક પણ પ્રકાશિત થઈ ગયેલું. લગ્નજીવનમાં તેમને સંતોષ નહોતો અને તેઓ એમના સમયમાં એટલા નીડર હતા કે તેમને એ વિશે લખ્યું પણ ખરા! ત્યારબાદ એમના જીવનમાં આવેલા પુરુષપાત્રો વિશેની વાત પણ જગ જાહેર છે. જો કે તેમના આ તેજાબી લખાણનો વિરોધ પણ બહુ થયો. પરંતુ સાહિત્ય આ બધી વ્યક્તિગત બાબતોથી ઉપર છે અને તેથી જ સાહિત્યને બિરદાવનાર અકાદમીઓએ એમને અનેક પુરસ્કારોથી નવાજ્યા. ભાગ્યે જ કોઈ એવોર્ડ એવો હશે જે એમને નહિ મળ્યો હોય! તેઓ પંજાબ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા હતા. તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ, ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ તથા પદ્મશ્રી અને પદ્મભૂષણ પણ એનાયત થયા. 

લોકોની કાયમ પુરુષ લેખક અને સ્ત્રી લેખક તરફ જોવાની દ્રષ્ટિ અલગ હોય છે. અંગ્રેજી લેખિકા વર્જિનીયા વુલ્ફ કહેતા કે, “A woman must have money and a room of her own if she is to write fiction.” અર્થાત સ્ત્રીને લખવા માટે પૈસા અને પોતાનો રૂમ જોઈએ. સ્ત્રીઓ માટે લખવું અઘરું છે. વ્યક્તિગત વાતો લખવી વધુ અઘરી છે અને એ વાતોને દુનિયા સમક્ષ મૂકી દેવી એ તો સૌથી કપરું છે. લોકો તમારા શબ્દોને નહિ બિરદાવે, તમને જ મૂલવશે. છતાં અમૃતા પ્રીતમે કાયમ પોતાના મનનું સાંભળ્યું. આ હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. ત્રણ પુસ્તકોમાં આત્મકથાનાત્મક લખાણ કર્યું અને લોકો સમક્ષ મૂકી દીધું. તેઓને તેમના જીવનકાળમાં ભારત અને પાકિસ્તાનમાંથી જેટલો પ્રેમ અને જેટલું સમ્માન મળ્યું એથી પણ વધુ સમ્માન એમને ગયા વર્ષે એમના જન્મના 100મા વર્ષે મળ્યું, જ્યારે ઠેર-ઠેર લોકોએ એમના લખાણની ચર્ચા કરી. લેખક માટે તો સાચું જ છે ને કે એનું શરીર ભલે મૃત્યુ પામે, એમનું લખાણ એમને અમર બનાવી દે છે અને અમૃતા પ્રીતમ પણ આવા અમર લેખિકા છે, જાણે આકાશમાંનો કોઈ સ્થિર તારો!

અમૃતા પ્રીતમે એમની આત્મકથા “રેવન્યુ સ્ટેમ્પ”માં કહેલી વાતથી જ મારી વાત પૂરી કરીશ કે,”વીતેલા વર્ષો. શરીર પર પહેરેલા કપડાં જેવા નથી હોતા. તે શરીરના તલ બની જાય છે. મોઢેથી ભલે કંઈ ન કહે. શરીર પર ચૂપચાપ પડ્યા રહે છે.”

_________________________________

૨) હિના મહેતા

શીર્ષક-અપૂર્ણ રહેલ પ્રેમની સજૅક “અમૃતા પ્રીતમ”

શબ્દ સંખ્યા:-૨૬૪

“તેરે જહાંન મેં ઐસા નહીં કી પ્યાર ન હો,

જહાં ઉમ્મીદ હો ઈસકી વહાં નહીં મીલતા.”

નિદા ફાઝલીજીની રચના અમૃતા પ્રીતમજી માટે બંધ બેસતી કહી શકાય.

એક ચોટદાર ,ધારદાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક અમૃતા પ્રીતમજીનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૧૯ પાકિસ્તાન પ્રાંત ના ગુજરાંવાલા શહેરમાં થયેલો.તેમનું બાળપણ અને શિક્ષણ લાહોરમાં થયેલું.નાનપણથીજ તેઓ રૂઢિચુસ્ત પરંપરાનાં વિરોધી હતાં.

તેઓ ૧૧ વર્ષના હતાં ત્યારે તેમની માતાનો દેહાંત થયેલો.તેમણે વડિલો પાસેથી સાંભળેલું કે ઈશ્વર બાળકોની વાત સાંભળે છે કારણકે બાળકો ભગવાનનું જ સ્વરૂપ હોય છે.તેઓએ પોતાની માતા પાસે બેસીને મા ની સલામતીની પ્રાર્થના કરી, પરંતુ તેમનો ઈશ્વરપરનો વિશ્વાસ તૂટી ગયો.આ ધટના ઉપરથી “એક સવાલ” ઉપન્યાસની રચના થઈ.તેઓએ પોતાની રચનાનું સજૅન મુખ્ય રૂપે પંજાબી અને ઉર્દુ ભાષામાં કરેલ છે.

તેમની સગાઈ ખુબ જ નાની વયમાં થયેલી અને ૧૬ વર્ષે લગ્ન.તેમને ૨૪ વર્ષની ઉંમરે સાહિર લુધિયાનવી સાથે પ્રેમ થયેલો ,જેની અભિવ્યક્તિ તેમની અનેક રચનામાં જોવા મળે છે.ભારત- પાકિસ્તાનના વિભાજનના તેઓ સાક્ષી હતાં જેની અનુભૂતિ તેમનાં ” પિંજર” ઉપન્યાસમાં જોવા મળે છે.

લિવ ઈન ની શરૂઆત અમૃતાજીએ કરેલી.જીવનના ઉત્તરાધૅમાં તેઓ ઈમરોઝ નામના કલાકારની નજીક હતાં અને છેલ્લા શ્વાસ સુધી તેઓ સાથે રહ્યાં.૩૧ ઓક્ટોબર ૨૦૦૫ ના આ વિરલ વ્યક્તિત્વે  મનુષ્ય દેહનો ત્યાગ કર્યો.વારસારૂપે તેમણે સાહિત્ય જગતને અમુલ્ય ખજાનો આપેલ છે જેમાં ૫૦ થી વધારે પુસ્તકોનો સમાવેશ થાય છે.તેમની અમુક રચનાઓનો વિદેશી ભાષામાં અનુવાદ થયેલ છે.

તેઓ સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતાં.તદ્ઉપરાંત પંજાબ સરકારનો ભાષા વિભાગ પુરસ્કાર, બલ્ગેરિયા વૈરોવ પુરસ્કાર,ભારતનો સર્વોચ્ચ સાહિત્યિક જ્ઞાનપીઠ પુરસ્કાર વગેરે સમ્માન તેમને ફાળે જાય છે.

અમૃતાજીની રચનામાં વિભાજનનું દદૅ અને માનવીય સંવેદનાનું આબેહૂબ દર્શન થાય છે.એમની રચનાઓ પર દુરદર્શનની ધારાવાહિક તેમજ ફિલ્મોનું નિર્માણ થયેલ છે.

__________________________________

૩) અર્ચના શાહ

શહેર – રાજકોટ

શબ્દસંખ્યા- ૧૨૫૦

આજ અખાં વારિસ શાહ નું, 

કિત્તો કબરા વિચ્ચો બોલ,

તે આજ કિતાબ-એ-ઈશ્ક દા 

કોઈ અગલા વરકા ફોલ

ઈક રોઝ સી ધી પંજાબ દી, 

તુન લીખ લીખ મારે વાં

આજ લખ્ખા ધીઆં રોન્દિઆ, 

તેનું વારિસ શાહ નું 

કહેં

ઉઠ દર્દમાન્દન દિઆ દર્દીઆ, 

ઉઠ તક્ક અપના પંજાબ

આજ બેલે લાશાં બિછિઆં તે લહૂ દી બહરી ચિનાબ.

આજે, 

હું વારિસ શાહને કહુ છું, “તારી કબરમાંથી કંઈક બોલ”

અને 

આજે, પ્રેમની કિતાબમાં નવું લાગણીનું પાનું તો ખોલ,

એકવાર, 

પંજાબની દીકરીની આંખમાંથી આંસુ સર્યું ને તે કરુણ ગાથા લખી

આજે, 

લાખો દીકરીઓ રુદન કરી કહે તને,

જાગો! ઓ વ્યથાનું વર્ણન કરનારા જાગો! 

ને, જો તારા પંજાબને

આજે મેદાનો લાશોથી ઉભરાય છે, 

ને ચિનાબ લોહીથી વહી રહી છે,

એક મા ના જયારે ભાગલા પડીયા 

ત્યારે લખેલ લોહીજરતી  કવિતા ના રચિયેતા.

અને,

ભારત – પાકિસ્તાન  બન્ને દેશો માં પ્રેમ ની સુવાસ પાથરી છે… 

એવા મશહૂર કવિયીત્રી

અમૃતા પ્રીતમ

પ્રથમ વિશ્વ  યુદ્ધના

૭ થી ૮ વર્ષ પહેલા જ્યારે અંગ્રેજ  શત્રુદેશ માટે ભારત માંથી સૈનિકોની ભરતી કરતા. 

તેમાં ગુજરાનવાલાની રાજબીબીના પતિ અંગ્રેજ ફોજમાં ભરતી થયા. 

અને પરદેશ ગયા.

ને ત્યાં થી ફરી ક્યારે પાછા ના અાવ્યા. 

રાજ બીબી સમય પસાર કરવા માટે નાના બાળકોને સ્કૂલ માં ભણાવતા હતા.

લાહોરના ગુજરાનવાલા  તે તેમના વિધવા ભાભી સાથે રહેતા હતા. 

તેઓ બન્ને  સ્કૂલે જતી વખતે હંમેશા ડેરા પર માથું ટેકવા જતા. એકવાર દયાળજી ના દેરા પર આવ્યા, 

તો બહુ જ વરસાદ પડવા લાગ્યો હતો. દયાળજી એ બંનેને રોકાઇ જવા કહ્યુ.

અને સંઘ માં રહેલ, બાલકા સાધુને તે બન્નેને કવિતા સંભળાવવા કહ્યું. ગુરુએ જ્યારે નંદની આંખમાં રાજબીબી તરફનો અનુરાગ જોયો ને ત્યારે બાલકા સાધુ એટલે કે નંદ પાસેથી ભગવા વસ્ત્ર નો ત્યાગ કરાવ્યોઅને.ગૃહસ્થાશ્રમ અપાવડાવ્યો. 

આ જ નંદ અને રાજબીબી અમૃતા ના માતા-પિતા બન્યા.

નંદએ પોતાનું નામ ગૃહસ્થ નામ કરતારસિંહ  રાખ્યું .

અને ઉપનામ “પિયુષ” રાખ્યું. 

પિયુષનો પંજાબી માં અર્થ અમૃત થાય.

 ને માટે જ તેની  બેટી નું અમૃતા નામ રાખ્યું 

અને પોતાનું ઉપનામ બદલી “હિતકારી” રાખ્યું.

ફકીરી અને અમીરી બંને તેના સ્વભાવમાં હતા. તેમની પાસે નાના ની મિલકત નું એક માત્ર મકાન હતું. 

તે તેમના મિત્ર ના નામે કરી આપ્યું હતું. 

કારણ તો જ તેમના લગ્ન થાય તેમ હતા.

અને પોતે આજીવન ભાડાના ઘરમાં  રહ્યા. 

1958 નો એક દિવસ છે જે મારા જન્મ પહેલાં આ એક વર્ષ પહેલાંનું 

મારા માતા-પિતા સ્કૂલ માં ભણાવતા હતા. 

તેની સ્કૂલ ના માલિકની બન્ને દિકરીઓ એ ભગવાનને પ્રાર્થના કરે છે.

અમારા  માસ્ટરજીને દિકરી આપજે. 

આ પ્રાર્થના  મારા થનાર પિતા એ સાંભળીને, મારી થનાર મા પર ગુસ્સે થયા કે, 

મારી માતાએ જ આ બંને દીકરીઓને પ્રાર્થના કરવા કહ્યું હશે  કે 

બેટી થાય.

 પણ મા ને કાંઈ પ્રાર્થના વિશે ખબર ન હતી તેમણે દીકરીઓને પૂછ્યું,

તો તેણીએ કહ્યું 

રાજ બેબી  દીકરો જ માગત. 

અને અમારે દીકરી જોઈએ છે.

એટલે આવી પ્રાર્થના કરી.

તેની પ્રાર્થના ઈશ્વર એ સાંભળી અને 

રાજ બીબી  એક જ વર્ષમાં રાજ મા બની ગઈ..

આમ અમૃતા કૌરનો જન્મ થયો.

અમૃતાનો જન્મ આમ તો આઝાદી પહેલાનાં બ્રિટીશ ઈન્ડીયાના પંજાબના ગૂજરાનવાલા એટલે કે 

હાલના 

પાકિસ્તાના બહાઉદ્દીન શહેરમાં 

31 ઓગષ્ટ 1919માં થયો.

અમૃતા જ્યારે ૧૦ વર્ષના થયા 

ત્યારે તેમના માતા મરણ પામ્યા. 

ત્યારબાદ તેના પિતા જિંદગી થી વિરકત થઈ ગયા. 

અમૃતાને સમજાતું નહીં.

કે હું પિતા ને સ્વીકાર છું કે અસ્વીકાર ?!!!

અમૃતાએ લખવાનું ચાલુ કર્યું . 

તેનુ કારણ તેમના પિતા હતા. 

પિતાને ગમતા બનવા માટે., 

તેમના પિતાને  અમૃતા લખે તે ગમતું.

આમ, તેમના લેખન કાર્ય ની શરૂઆત થઈ.

છ દાયકાથી વધારે લાંબી કારકીર્દિમાં 

તેમણે 28 નવલકથાઓ, 18 ગદ્યસંગ્રહો, 

પાંચ ટૂંકી વાર્તાઓ 

અને 16 વિવિધ ગદ્ય આવૃત્તિઓ લખ્યા હતા.

તેઓ સાહિત્ય એકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા છે, 

આ પુરસ્કાર તેમને 1956માં સુનેહરે 

(સંદેશા) માટે મળ્યો હતો, 

અમૃતા પ્રિતમને 1982માં તેમની રચના 

કાગળ તે કેનવાસ (કાગળ અને કેનવાસ) 

માટે ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. 

તેમને પદ્મશ્રી 

(1969) અને 

વર્ષ 2004માં 

ભારતનું બીજુ સર્વોચ્ચ નાગરિક સન્માન 

પદ્મ વિભૂષણ 

તેમજ ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકદામી ફેલોશિપ અપાયા હતા. તેમને ઘણી યુનિવર્સિટી દ્વારા ડી.લીટ.ની માનદ પદવી આપવામાં આવી હતી, 

જેમાં દિલ્હી યુનિવર્સિટી (1973), 

જબલપુર યુનિવર્સિટી (1973) અને 

વિશ્વ ભારતી (1987)નો પણ સમાવેશ થાય છે.

અમૃતા પંજાબ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ છે.

સૌ પ્રથમ વિદ્રોહ અમૃતાએ તેમના નાની સામે કર્યો હતો.

 જ્યારે તેમણે જોયું કે નાની મુસ્લિમ અને નાની જાતિના મહેમાનો માટે વાસણ અલગ રાખે છે. ત્યારે ખાવાપીવાનું છોડી ને નાની તેમના કરે તે માટે વીરોધ કર્યો હતો. તેવો સમાજની સોચ થી બે કદમ આગળ સોચતા.

અમૃતા પ્રિતમ સુંદર તો હતા જ.

તેનાથી પણ વધારે તેમના શબ્દો સુંદર હતા. 

તેઓ હિન્દી અને પંજાબી ભાષા ના લેખિકા ,કવિયેત્રી હતા. 

તેવો કહેતાં.

“પરછાઇ પકડ ને વાલો છાતી મેં ચલને વાલી આગ કી પરછાઇ નહિ હોતી”

પોતાના જીવનમાં 

સાત પુરુષો પ્રત્યે આકર્ષણ અનુભવ્યુ.

10 વર્ષની ઉમરથી 

ઘરમાં માતા નહીં. 

અને, 

પિતા એકદમ સાધુ જેવું જીવન જીવતા. 

જેના  ઈલાજ રૂપે કિશોરી અમૃતાએ 

એક મનોમન એક બોયફ્રેન્ડ ની કલ્પના કરી. 

જેનું નામ રાજન રાખ્યુંતું.

જેની સાથે મનોમન વાતો કરતા અને 

તેને સંબોધીને  કશું લખતા પરંતુ 

કોઇ રાજન અસલમાં હતો જ નહિ. 

રાજન અમૃતાએ મનોમન સર્જેલ કાલ્પનિક કિશોર હતો. આ ઉપરાંત ..

પતિ પ્રીતમ કવાત્રા. 

જે એકદમ સીધાસાદા હતા. 

જેમની સાથે ચાર વર્ષની નાની વયે સગાઈ 

અને 16 વર્ષની વયે અમૃતા ના લગ્ન થયેલા. જે લગ્ન જીવન થી 

બે બાળકો થયેલ. 

કુલ ૨૫ વર્ષ સુધી બંને હાલકડોલક લગ્નનીનૈયા સાથે સફર કરતા રહ્યા. 

6૦ વર્ષે તેમનાથી છુટા  રહેવા લાગ્યા. 

તે પછી દોઢેક દાયકા પછી છૂટાછેડા થયા 

પરંતુ જ્યારે પ્રીતમસિંહ જિંદગીના અંતિમ સમયે બીમાર હતા 

તો પોતાની ઘરે લાવીને 

અમૃતા ઇમરોઝ અને તેના બંને બાળકો એ સેવા કરેલી .

અમૃતાના જીવનમાં આવેલ., 

બીજા પુરુષ નું નામ 

સજજાદ હૈદર હતું. 

જેને અમૃતા પોતાના 

ખાસ મિત્ર માનતી હતી. 

બધી જ અંગત વાત તેમને કરતી હતી 

સજ્જાદ ભાગલા વખતે લાહોર રહ્યા .

અને અમૃતા દિલ્હી આવી ગયા 

પરંતુ 

સજ્જાદ આજીવન પત્રો દ્વારા બંને મળતા રહ્યા. 

સજ્જાદ ને મળવા પછી અમૃતાને થયું કવિતા ફક્ત પ્રેમભાવથી જ નહીં .

પરંતુ સાચી મિત્રતા હતી પણ પ્રગટે છે .

અમૃતાએ સજ્જાદની લખેલુ ….

અજનબી કાં તો મને   પાંખ ,

આપ નહિતર મારી પાસે આવીને રહે .

ત્યારબાદ 

1944 થી ૧૯૬૦ સુધી અમૃતાની જિંદગીમાં 

સાહિર લુધિયાનવી છવાયેલા રહ્યા.

કવિ મુશાયરામાં બંને મળ્યા હતા. 

લાહોરમાં બંને એક જ શહેરમાં રહેતા. 

પરંતુ 

જ્યારે દેશના ભાગલા થયા ત્યારે 

સાહિલ મુંબઈ ગયા. 

અને 

અમૃતા દિલ્હી સ્થાયી થયા હતા. 

સાહિર ની દરેક રચનામાં અમૃતા હોતા. 

અને 

અમૃતાની કરેલ કવિતામાં સાહિલ હોતા.

આ ખામોશી નું બંધન ને ધર્મનું બંધન ક્યારે તોડ્યું નહીં. 

સાથે એકબીજામાં જીવતા રહેલા,

ને 

નદીના બે કિનારા થઈ રહ્યા.

સાહિર ના સુધા મલ્હોત્રા સાથેના અફેર ના સમાચાર જ્યારે અમૃતાએ વાંચયા. 

ત્યારે 

તે માનસિક રીતે પડી ભાંગ્યા ત્યારે મનોચિકિત્સક પાસે દવા લેવી પડી. 

ઇમરોજ તેમના

જીવનમાં આવેલા છેલ્લા પુરુષ હતા. 

જેમણે તેમને આજીવન સાથ આપ્યો હતો. ઇમરોજ એ…

એક ચિત્રકાર હતા ને 

અમૃતા થી સાત વર્ષ નાના હતા. 

અમૃતા ૪૫ વર્ષના હતા અને ઇમરોજ 

 38 વર્ષના.

નાનપણથી જ ઇમરોજ અમૃતાના લખાણ ના ચાહક હતા.

તે બન્નેએ ક્યારેય 

લગ્ન કર્યાં ના હતા,

સંતાનો પેદા નહોતા  કર્યા તેમ છતાં પણ 

૪૧ વર્ષ સુધી સાથે રહ્યા.

અમૃતા પ્રિતમ ૮૬ વર્ષની ઉમરે  ઊંઘમાં જ અવસાન પામ્યા. 

ત્યાં સુધી ઇમરોજ અમૃતા સાથે રહ્યા. અમૃતા ચારેક વર્ષ પથારીમાં  કપડાં બદલવાનું વગેરે 

તમામ કામ ફક્ત એક જ વ્યક્તિને છૂટ  હતી તે ઇમરોઝ ને .પતિ પ્રિતમ મિત્ર સજજાદ 

પ્રેમી સાહીર અને  

સાથી ઇમરોજ 

આ સમીકરણ ના  જ્યારે ચારેય ખાના અલગ હતા એમાં ભેળસેળ નહોતા કરતા.

પતિ પ્રીતમ થી ચોક્કસ અંતર જળવાયેલુ 

મિત્ર સજજાદ સાથેની ઉષ્મા  અકબંધ હતી. 

સાથી ઇમરોઝ પીલર હતા.

ટૂંકમાં .

ત્રણે ખાનામાં સ્થિરતા હતી 

પરંતુ 

ચોથા ખાનામાં પ્રેમી સાહિલનું થોડું પેચીદુ અને 

સૌથી તીવ્ર હતો.

“”હું તને હજી ફરી મળીશ..

ક્યાં અને કેવી રીતે

મને ખબર નથી.

કદાચ હું

તારી કલ્પનાનો વિચાર બનીશ.

અને કદાચ મારી જાતને

તારા કેનવાસ પર

એક રહસ્યમય રેખા બનીને ફેલાવીશ

હું સતત તારી સામે તાકી રહીશ.

__________________________________

૪)  શ્રદ્ધા ભટ્ટ 

શબ્દો – 624 

અમૃતા – પિતા કરતાર સિંહના ઉપનામ ‘પીયૂષ’ ને પંજાબીમાં ફેરવી પાડવામાં આવેલું એનું નામ! આ કરતાર સિંહ એટલે સાધુ નંદ. ભાગવા ધારણ કર્યા હતા અને પછી એક ક્ષણ એવી આવી કે એમના ગુરુજીએ ભગવા છોડી સંસાર અપનાવવાનું કહ્યું. નામ રાખ્યું – કરતારસિંહ.

માંહ્યલો રહ્યો વૈરાગી એટલે પત્નીના અવસાન પછી ફરી વૈરાગ્યએ મન પર કબજો જમાવેલો, પણ ત્યારે અમૃતા હતી ફક્ત ૧૦ વર્ષની. પિતા એને કાફિયા ને રદ્દીફના પાઠ શીખવતા અને અમૃતા લખતી. અમૃતાએ  સતત એના પિતાને સતત એક પ્રકારની ખેંચતાણમાં જોયા. મોહ અને વૈરાગ્ય વચ્ચે એ ક્યારેક અમૃતા તરફ તો કયારેક અમૃતાથી દૂર અફળાતા રહ્યા. પિતાની આ માનસિક પરીસ્થીતી જોઈ અમૃતા વિચારે ચડી જતી, જાતનો  સ્વીકાર થયો છે કે અસ્વીકાર – નક્કી ન થઇ શકતું! અઘરી છે આ સ્થિતિ. જેના તમે અંશ છો એણે તમને સ્વીકાર્યા છે કે નહિ, એ બાબતે અવઢવ હોવી એટલે આખા હોવાપણા સામે પ્રશ્ન ઊભો થવો. સમગ્ર અસ્તિત્વ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અમૃતાનું. અઘરું છે આ. જાતને એક જ સમયે ચાહી શકવી ને બીજી જ પળે એના પ્રત્યે અણગમો થવો! પિતાને ગમતી કવિતાઓ લખવી – આ એક પ્રયાસ હતો અમૃતાનો, જેના દ્વારા પોતાનો અણગમતો અંશ પિતાની નજરમાં માનીતો બની જાય!

કેવું અદ્ભૂત! સ્વીકાર અને અસ્વીકાર – બે ભિન્ન અંતિમો ને એ બે ય વચ્ચે સતત અફળાતા રહેવું. જાતના અસ્વીકારને સ્વીકારમાં બદલવા માટે અમૃતાએ લેખનનો સહારો લીધો. પિતા લેખક – આખી રાત લખ્યા કરે ને દિવસે આરામ. મા વિનાની છોકરીને ખોટી સંગતથી બચાવવા માટે પિતાને જે સૂજયું તે કર્યું – અમૃતાનું કોઈ પરિચિત જ નહોતું! ન સ્કૂલમાં કોઈ સહેલી ને પડોશમાં કોઈ મિત્ર. સોળ વર્ષની મુગ્ધ ઉમર. મા હોત તો કેવા લાડ લડાવીને આ ઉમરને જીવી હોત એવું વિચારતા અમૃતા કહે છે – 

સોલહવા સાલ આયા- એક અજનબી કી તરહ ! માં જીવિત હોતી તો ઔર તરહ સે આતા – પરિચિતો કી તરહ. 

કશુક છૂટી ગયાની લાગણી કેટલી તીવ્ર હોઈ શકે? કેટલા સમય સુધી એ સાથે રહી શકે? સોળ વર્ષની એ ઉમરની કસક અમૃતા સાથે આજીવન રહી! એ પછી જીવનમાં ઘટેલી દરેક ઘટના , જે ભીતરને હચમચાવી મૂકે એવી બની, અમૃતાની કલમમાંથી પેલી સોળ વર્ષની કસક રોષ બનીને વહેતી રહી. દેશના ભાગલા સમયની એમની કવિતાઓ હોય કે પછી સામાજિક કે ધાર્મિક મૂલ્યો વિશેની કવિતાઓ હોય, એમની કલમમાંથી ટપકતી આગ ક્યારેય શાંત ન થઇ. 

સાહિર સાથે એમની મુલાકાત લોપોકી ગામથી પાછા ફરતી વખતે થઇ. કલ્પના કરેલો એક ચેહરો – જે અચાનક જ આંખ સામે આવી જાય અને તમે બસ એને જોયા જ કરો! અને પછી એ ઉતરે કલમથી, કવિતા બનીને. ‘સુનહરે’ શીર્ષકથી લખેલી કવિતાઓ જેને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો. આખી દુનિયા જેને વાંચવાની એ કવિતાઓ, જેના માટે  લખી એ વાંચશે કે નહી – એ પ્રશ્ન થયેલો અમૃતાને ત્યારે! પ્રેમ અને સમર્પણની ભાવનાની ઊંચાઈ કેટલી! 

પ્રેમથી છલોછલ હ્રદય શરીરી પ્રેમથી ઉપર ઊઠી સમાજ અને સમસ્ત સૃષ્ટિને એકદમ બારીકાઈથી જોઈ શકે છે. દેશના વિભાજનનું દર્દ એમની ઘણી કવિતાઓમાં નજરે પડે છે. વિભાજન વખતે બંને દેશોની દીકરીઓની હાલત જોઈ એમની કલમથી આ કવિતા ઊતરી આવી – 

आज वारिस शाह से कहती हूं –

अपनी क़ब्र में से बोलो!

और इश्क़ की किताब का

कोई नया वर्क़ खोलो!

पंजाब की एक बेटी रोयी थी,

तूने एक लम्बी दास्तान लिखी,

आज लाखों बेटियां रो रही हैं

वारिस शाह! तुम से कह रही हैं:

જયારે આ કવિતા લખી, ત્યારે બહુ નામોશી સહન કરી અમૃતાએ. પછીથી આ જ કવિતાએ એમને પ્રસિદ્ધિ પણ અપાવી. ૮૬ વર્ષના જીવનકાળમાં ૭૦ વર્ષ લેખન કર્યું એમણે. એમાં સામેલ છે- ૨૮ ઉપન્યાસ, ૧૮ કાવ્ય પુસ્તકો, ઘણી લઘુ કથા અને આત્મકથા. ૧૯૪૭ મા “સુનહરે” મારે સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૬૯ મા પદ્મ શ્રી, ૨૦૦૪ મા પદ્મ વિભૂષણ. અમૃતા ફક્ત ભારતમાં જ નહીં, વિદેશમાં પણ એટલા  જ લોકપ્રિય હતા.

અમૃતા – જેની કલમમાં સંવેદનાની ધારની સાથે સાથે ફૂલો જેવી કોમળતા પણ વસે છે એવું સુગંધિત તેજાબી વ્યક્તિત્વ! છેલ્લે એમની જ પંક્તિઓથી વિરમું. 

कुछ लोग बड़ी ही शालीनता से मिलते है | पर दो दिन बाद वे अपना इश्क इसे जताते है मनो हथेली पे इलाइची पेश कर रहे हो | मुझे इसे हथेली पे रखे इलाइची जैसे इश्क से नफरत है |

__________________________________

૫)નિમિષા વિજય  લુંભાણી ‘વિનિદી’ 

શબ્દ સંખ્યા:- ૧૩૧૦

જીવનસફર

તેમનો જન્મ ૩૧ ઑગષ્ટ ૧૯૧૯માં પંજાબનાં ગુજરાનવાલા (હાલ પાકિસ્તાન) શિક્ષક, કવિ, સાહિત્ય સામયિકનાં સંપાદક, શીખ આસ્થાનાં પ્રચારક, વ્રજ ભાષાનાં વિદ્ઘાન કરતારસિહ હિતકારીનાં એકમાત્ર સંતાન તરીકે થયો હતો. આ જ સ્થળ સૂફી સંત કવિ વારિસ શાહનાં (હીર- રાંઝા કરુણ કથાનકનાં રચયિતા) જન્મસ્થળ તરીકે પણ ઓળખાય છે.

તેઓએ અગિયાર વષૅની ઉંમરે જ પોતાનાં માતાશ્રીની છત્રછાયા ગુમાવી હતી. ત્યારબાદ ૧૯૪૭ સુધી તેઓ પોતાનાં પિતાશ્રી સાથે લાહોર રહ્યા હતાં.

માતાશ્રીનાં અવસાન બાદ એકલતા દૂર કરવા તેઓએ નાની વયે જ લેખનની શરૂઆત કરી હતી.

સંપાદક પ્રિતમસિંહ   સાથે તેમનું બાળપણમાં જ સગપણ થયુ હતું. ૧૬ વષૅની વયે તેમની સાથે લગ્ન થયા પછી તેમણે પોતાનું નામ અમૃતા પ્રિતમ રાખ્યું.

૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી તેઓએ ૨૮ વષૅની વયે ૧૯૪૮માં દહેરાદુનથી દિલ્હી ગભૅવતી હોવા છતાં પોતાનાં પુત્ર સાથે મુસાફરી કરી હતી.

તેઓએ કવિ સાહિર લુધિયાણવી માટે પોતાનાં પતિ પ્રિતમસિંહ સાથે છૂટાછેડા લીધા હતાં. જ્યારે કવિ સાહિર સાહેબનાં જીવનમાં અન્ય મહિલાનું આગમન થયું ત્યારે તેમનાં જીવનમાં ઈમરોઝ આવ્યા. સંબંધની અંતરંગતા ચકાસવા તેઓે ત્રણ વષૅ એકબીજાથી દૂર રહ્યા. જીવનનાં અંતિમ ચાલીસ વષૅ તેમની સાથે જ રહ્યાં. જીવનસાથી ઈમરોઝની હાજરીમાં તેઓ સાહિર સાહેબને સરળતાથી મળતાં હતાં. ઈમરોઝે તેમનાં મોટાભાગનાં પુસ્તકોનાં મુખપૃષ્ઠ બનાવ્યાં હતાં.

જ્યારે તેમનાં પુત્ર નવરોઝે પોતાને સાહિર અંકલ ગમતાં હોવાની વાત કરીને તેઓ પોતાનાં પિતા છે કે નહિં તે વિશે પ્રશ્ર્ન કરતાં અમૃતાજીએ પોતાને પણ તેઓ ગમતાં હોવાની વાત સ્વીકારીને નવરોઝનાં પિતા હોવાની વાત નકારી હતી.

૩૧ ઑકટોબર ૨૦૦૫નાં રોજ ૮૬ વષૅની વયે ઉંઘમાં જ તેમનું અવસાન થયું હતું.

સાત સંબંધ

૧. કિશોરાવસ્થાની એકલતામાં મનોમન સજૉયેલુ કાલ્પનિક પાત્ર કિશોર રાજન. તીવ્ર અનુરાગ અનુભવતાં મનોમન વાતો કરતાં, સાથે રાજનને સંબોધીને લખતાં પણ ખરાં.

૨.વપતિ પ્રિતમસિંહ સીધસાદા બિનરોમેન્ટિક હતાં. ૨૫ વષૅની ઉંમરે શાયર સાહિર સાથેનાં તીવ્રતમ પ્રેમ પછી પણ પતિ સાથે ૧૯૬૦ સુધી રહ્યાં પછી છૂટા પડ્યાં અને છૂટા પડ્યાનાં દોઢ દાયકા પછી પ્રિતમસિંહ દ્રારા છૂટાછેડાની માંગણી થતાં આપી દીધાં. જીવનનાં અંતિમ તબક્કામાં ભૂતપૂર્વ પતિની સેવા કરી. પ્રિતમસિંહે અમૃતા-ઇમરોઝનાં ઘરમાં જ છેલ્લા શ્ર્વાસ લીધાં.

૩. તેમને સજ્જાદ હૈદર સાથે લાહોરમાં ગાઢ દોસ્તી હતી. સૌથી અંગત વાતો તેમની સાથે શેર કરતાં. અમૃતાજી ભારત આવ્યા ત્યારબાદ બન્નેનો સંબંધ પત્રો દ્રારા લીલોછમ રહેલો. તેમની બે કથાઓ ‘નેબરિંગ બ્યૂટી’ અને ‘સેવન યસૅ’ માં સજ્જાદ આધારિત પાત્રોનું ચિત્રણ હતું. તેમની સાથેનાં સંબંધથી અમૃતાજીને સમજાયુ કે ‘કવિતા ફક્ત પ્રેમભાવમાંથી જ નથી પ્રગટતી, પરંતુ સાચી દોસ્તીમાંથી પણ નીપજી શકે છે. બન્નેને સાથે રહેવાની ઈચ્છા હતી.

ઈમરોઝ અને અમૃતાજીએ તેમને સાથે પત્ર લખ્યો હતો. સજ્જાદજીએ તેમને જવાબી પત્રમાં રકીબ (પ્રેમીકાનાં પ્રેમી) બનીને સલામ કરી હતી.

અમૃતાજીએ લખેલા પત્રો સજ્જાદજીએ પોતાનાં મૃત્યુ પહેલાં પાછાં સુપ્રત કયૉ હતાં. અમૃતાજીએ ઈમરોઝને તે પત્રો આપતા તેમણે તે બાળી નાંખ્યા હતાં.

૪. ૧૯૪૪ થી ૧૯૬૦ સુધી સાહિર લુધીયાનવી પ્રત્યેનાં પ્રેમની આગ તીવ્રતાથી પ્રજવલિત હતી. ભૌતિક રીતે દૂર રહેવા છતાં બન્નેનાં હ્ર્દયમાં સપાટી નીચે ધગધગતો પ્રેમ સતત જીવતો રહ્યો હતો.

સાહિરજીનાં સુધા મલ્હોત્રાજી પ્રત્યેનાં આકષૅણે અમૃતાજી એટલાં હચમચી ઉઠયાં હતા કે ગંભીર હતાશામાં સરવાથી મનોચિકિત્સકની મદદ લેવી પડી હતી.

જીવનનાં એ ઝંઝાવાતી તબક્કા દરમ્યાન અમૃતાજીએ સૌથી કરુણ કવિતાઓ લખી હતી.

સગર્ભાવસ્થામાં પતિ પ્રિતમસિંહનું બાળક હોવા છતાં સાહિરજીનાં વિચારો કયૉ. પુત્ર નવરોઝનું ‘સાહિરપણું’ અમૃતાજીએ પોતે જાહેર કરેલું.

અમૃતાજીએ જીવનનાં અંતિમ સમયગાળામાં અસંબદ્ઘ બબડાટમાં એક વાર પણ સાહિરજીનો ઉલ્લેખ કર્યો ન હતો. શાયર પ્રેમી ક્યાંય ન હતો.

૫. ઈમરોઝ એક ચિત્રકાર હતાં અને અમૃતાજીથી સાત વષૅ નાના હતાં. બાળકોની નામરજી છતાં ઈમરોઝને પોતાનાં ઘરમાં જ સાથે રાખ્યાં. લગ્ન, બાળક વગર બન્ને સાથે ૪૧ વષૅ સુધી સાથે રહ્યાં. જીદગીનાં છેલ્લા ચાર વર્ષ ૮૨ થી ૮૬ સુધી પથારીવશ રહ્યાં, એ સમયમાં તેમની તમામ સેવા ઈમરોઝે કરી હતી.

અંતિમ તબક્કામાં તેમને સ્મૃતિભ્રંશ થયા પછી ઈમરોઝ સાથેનાં સંબંધ પણ ભૂલી ગયાં હતાં.

૬. આચાર્ય રજનીશ (ઓશો) જેમની સાથે આધ્યાત્મિક તરસમાંથી જન્મેલો સંબંધ હતો.

૭. સિદ્ધપુરુષ  મનાતા સાંઈકાકા, તેમની સાથેનાં સ્નેહનાં કેન્દ્રમાં આદર હતો.

સાત સંબંધોનું વિશ્લેષણ

કાલ્પનિક પાત્ર રાજન અંગત હતું.

પતિ પ્રિતમસિંહથી ચોક્કસ અંતર જળવાયેલુ હતું.

મિત્ર સજ્જાદ સાથેની ઉષ્મા સ્થિરપણે અકબંધ હતી.

પ્રેમી સાહિર સાથેનો સંબંધ પેચીદો હતો. એકમેકથી દૂર હોવા છતાં બન્નેનાં હ્ર્દયમાં એકસાથે ‘લાહોર’ શહેર જીવંત હતું.

સાથી ઈમરોઝ સ્તંભ જેવા અડીખમ હતાં.

આચાર્ય રજનીશજી સાથે આધ્યાત્મિક તરસમાંથી જન્મેલો સ્નેહ હતો.

સિદ્ધપુરુષ મનાતા  સાંઈકાકા સાથેનાં સ્નેહનાં કેન્દ્રમાં આદર હતો.

સાહિત્ય

છ દાયકાની કારકિર્દી દરમ્યાન કવિતા, નવલકથા, નિબંધ, કાલ્પનિક વાતૉ, જીવનચરિત્ર, પંજાબી લોકગીતોનાં સંગ્રહ અને આત્મકથા એમ વિવિધ રચનાઓ તૈયાર કરી. આ રચનાઓમાં મુખ્યત્વે વીરશૃંગારરસ, ભારતનાં ભાગલા, મહિલાઓ તેમજ સ્વપ્ન જેવાં વિષયો હતાં. ૨૮ નવલકથાઓ, ૧૮ ગદ્યસંગ્રહો, ૫ ટૂંકી વાર્તાઓ અને ૧૬ વિવિધ ગદ્ય આવૃત્તિઓ લખ્યાં હતાં.

૧. ૧૯૩૬માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘અમૃત લહેરે’ (અમર મોજાઓ) તેમની ૧૬ વષૅની વયે પ્રકાશિત થયો હતો.

૨. ૧૯૩૬ થી ૧૯૪૩ સુધીમાં તેમણે ૬ જેટલી કવિતાઓનાં સંગ્રહ લખ્યાં હતાં.

૩. તેમણે વીરશૃંગારરસનાં કવિયત્રી તરીકે સફર શરૂ કરી હતી. ખૂબ જ ટૂંકા સમયમાં જ લેખનશૈલી બદલી પ્રગતિશીલ લેખકોની ચળવળનો હિસ્સો બન્યાં. ૧૯૪૩માં બંગાળનાં દુકાળ બાદનાં યુદ્ધગ્રસ્ત અથૅતંત્રની ખુલ્લેઆમ આલોચના કરી લોકોની વેદનાને વાચા આપતો સંગ્રહ ‘લોકપીડ’ (૧૯૪૪) લખ્યો.

૪. ભારતનાં ભાગલા પહેલાં તેમણે લાહોર રેડિયો સ્ટેશન માટે કામ કર્યું હતું.

૫. ભારતનાં ભાગલા વખતે થયેલા કત્લેઆમ અંગે પોતાનાં સંતાપની અભિવ્યક્તિને ૧૮મી સદીનાં લોકપ્રિય કવિ વારિસ શાહને ઉદ્દેશીને લખાયેલાં શોકગીતમાં (અજ્જ અખાં વારિસ શાહનું) વ્યક્ત કરી છે, જે પંજાબી રાષ્ટ્રીય વીરરસનું કાવ્ય છે.

૬. મહિલાઓ સામેની હિંસાનો સંક્ષેપ, માનવતાનું હનન અને અસ્તિત્વનાં ભાગ્ય સામે ઘૂંટણીયા ટેકવી દેતી એક નારી ‘પુરો’  કે જે પોતાનું જ પાત્ર છે, તેનું નિરૂપણ ‘પીંજર’ નામની નવલકથામાં રચ્યું છે.

જેનાં પરથી ચંદ્રપ્રકાશ દ્રીવેદીએ તેમનાં માનવતાવાદને કારણે પુરસ્કાર વિજેતા ફિલ્મ બનાવી હતી.

૭. સુનેહે (સંદેશા) પંજાબી સાહિત્યમાં મહિલાઓનાં મહત્વપૂર્ણ અવાજને રજૂ કરતી એક લાંબી કવિતા છે. જેને માટે તેમને ૧૯૫૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

૮. દિલ્હીમાં ૧૯૬૧ સુધી ઑલ ઈન્ડિયા રેડિયોની પંજાબી સેવામાં કામ કર્યું હતું.

૯. ૧૯૬૦માં છુટાછેડા બાદ તેમનું કામ વધુ સ્પષ્ટ નારીવાદી બન્યું હતું. તેમની સંખ્યાબંધ વાતૉઓ અને કવિતાઓ લગ્નનાં દુ:ખદ અનુભવ પર આધારિત છે.

૧૦. ‘ધરતી સાગર તે સિપિયાં’ પુસ્તક પરથી ૧૯૬૫માં સૌપ્રથમ ફિલ્મ ‘કદંબર’ બની હતી.

૧૧. ‘ઉનાહ કી કહાની’  પરથી ‘ડાકુ’ (ધારપાડુ ૧૯૭૬) ફિલ્મ બની હતી, જેનું નિર્દેશન બાસુ ભટ્ટાચાર્યજીએ કર્યું હતું.

૧૨. ‘કાગઝ તે કૅનવાસ’ (કાગળ અને કૅનવાસ) માટે તેમને ભારતનો સવૅશ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો હતો.

૧૩. ‘નાગમણી’ નામક પંજાબી સાહિત્યનું સંપાદન તેમણે કર્યું હતું, તેમજ ઈમરોઝ સાથે મળીને ૩૩ વષૅ સુધી ચલાવ્યું હતું.

૧૪. ‘કાલા ગુલાબ’ (કાળુ ગુલાબ-૧૯૬૮), ‘રસીદી ટિકીટ’ (રેવન્યુ સ્ટેમ્પ-૧૯૭૬) અને અક્ષરો કે સાયે’ (અક્ષરોનાં પડછાયા), શૅડોઝ વડૅઝ (૨૦૦૪) શીષૅકથી જીવનચરિત્રો  પ્રકાશિત કર્યાં હતાં.

૧૫. ઑશોનાં કેટલાક પુસ્તકોની પ્રસ્તાવના લખી હતી, જેમાં ‘ઓમકાર સતનામ’ મહત્વપૂર્ણ છે.

૧૬. કાલ ચેતના (સમયની ચેતના) અને ‘અજ્ઞાત કા નિમંત્રણ’ (અજ્ઞાતનું નિમંત્રણ) જેવા પુસ્તકો તૈયાર કર્યાં હતાં.

૧૭. પંજાબી અને ઉર્દૂ ભાષાની તેમની સંખ્યાબંધ રચનાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, ડેનીશ, જાપાનીઝ અને અન્ય ભાષામાં અનુવાદિત થઈ હતી. જેમાં તેમની આત્મકથા રચનાઓ ‘બ્લેક રોઝ’ અને ‘રેવન્યુ સ્ટેમ્પ’ (રસીદી ટિકિટ)નો સમાવેશ થાય છે.

પુરસ્કારો

૧. ડી. લીટ્ની માનદ્ પદવી – જબલપુર યુનિવર્સિટી (૧૯૧૩), દિલ્હી યુનિવર્સિટી (૧૯૭૩), વિશ્ર્વ ભારતી (૧૯૮૭).

૨. સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૫૬)

૩. પદ્મશ્રી (૧૯૬૯)

 ૪. સાહિત્ય અને શિક્ષણમાં પદ્મવિભૂષણ (૨૦૦૪)

૫. ફૅલો ઑફ ધ સાહિત્ય અકાદમી (ભારતીય પત્રોની અકાદમી) (૨૦૦૪)

૬. જ્ઞાનપીઠ એવોડૅ (૧૯૮૨)

૭.પંજાબ રત્ન એવોડૅ. (૧૯૮૮)

૮. બલ્ગેરિયાનાં ગણતંત્ર દ્રારા ૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય 

વૅપ્તસારોવ પુરસ્કાર.

૯.ફ્રાન્સ સરકાર દ્વારા ૧૯૭૯માં ઑફિસર ડૅન્સની પદવી, ઓડૅ ડૅસ આટૅસ ઍટ ડેસ લૅટસૅ (અધિકારી).

૧૦. રાજ્યસભાનાં સભ્ય તરીકે ૧૯૮૬-૯૨ સુધી નામાંકિત કરાયા હતાં.

૧૧.જીવનનાં અંતિમ દિવસોમાં તેમને પાકિસ્તાનની પંજાબી અકાદમી દ્રારા પુરસ્કાર અપાયો હતો. જેના માટે તેમણે કહ્યું હતું, ‘બડે દિનો માટે મેરે મૈકે કો મેરી યાદ આયી..’.

અન્ય

૧. ભાગલા પછી પણ આજીવન પાકિસ્તાનમાં તેમની સમકાલીન હસ્તીઓ મોહનસિંહ અને શિવકુમાર બતાલવી જેટલાં જ લોકપ્રિય હતાં.

૨. અમૃતાજી દ્રારા લખાયેલી કવિતાઓ ખ્યાતનામ ગીતકાર ગુલઝારજીએ પોતાના કંઠસ્થમાં ‘અમૃતા રિસાઈટેડ બાય ગુલઝાર’ નામનાં આલ્બમમાં ૨૦૦૭માં રજૂ કરી છે.

૩.ગૂગલ દ્રારા ૩૧ ઑગષ્ટ ૨૦૧૯નાં રોજ તેમનું  ડૂડલ બનાવવામાં આવ્યું હતું.

૪.પાકિસ્તાનનાં પંજાબી કવિઓએ તેમને વારિસ શાહ તેમજ અનુયાયી સૂફી સંત કવિ લુલ્લે શાહ અને સુલ્તાન લહુની કબર પરની ચાદર મોકલી હતી.

મારી દ્રષ્ટિએ

૧. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં, પછી તે ભાગલા વખતની હોય કે પ્રેમી સાહિર દ્રારા મળેલો આઘાત હોય, દરેક વખતે પોતાની અંદરની કવિયત્રીને જીવંત રાખી, પોતાની રચનાત્મકતાને નવો જ આયામ આપ્યો છે.

૨. સામાજિક બંધનોને ફગાવીને દરેક સંબંધમાં પ્રેમની, દોસ્તીની અલગ પરિભાષા સમજાવી છે.

૩.દરેક સંબંધોને સમગ્ર અસ્તિત્વથી સ્વીકાયૉ.

૪.બાળકો સમક્ષ પતિ ઉપરાંતનાં સંબંધોનો ખુલ્લા હ્હયથી સ્વીકાર કર્યો.

૫. એક નારી સ્વરૂપે બીજી નારીઓની વેદનાને કલમ દ્રારા વાચા આપી.

૬. પ્રેમ અને દોસ્તીનાં સંબંધમાં ધર્મથી પરે થઈ વ્યક્તિનો સ્વીકાર કર્યો

__________________________________

૬) વિધિ વણજારા “રાધિ”

શીર્ષક : સહાદત હસન મન્ટો

શબ્દ સંખ્યા : ૩૦૦

એક જાણીતાં ઉર્દૂ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક તરીકે વિશ્વભરમાં સાહિત્યનાં નિષ્ણાંત તથા પ્રસિદ્ધ લેખકોમાં સ્થાન ધરાવતાં વ્યક્તિ એટલે સહાદત હસન મન્ટો.

મન્ટોનો જન્મ ૧૧ મે ૧૯૧૨ ના રોજ લુધિયાણાનાં સમરાલા ગામનાં ખાનદાની બેરિસ્ટર પરિવારમાં થયો હતો. 

તેમનાં પિતાનું નામ ગુલામ હસન હતું. તેઓ પ્રખ્યાત બેરિસ્ટર અને સેશન્સ જજ હતા.

તેમની માતાનું નામ સરદાર બેગમ હતું.

મન્ટોએ તેમનો અભ્યાસ અમૃતસરની મુસ્લિમ હાઇસ્કુલમાં કર્યો હતો. 

૧૯૩૧ માં તેમને મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો.

દરેક વ્યક્તિની યુવાની તેમનાં જીવનમાં કંઈક અવનવાં વળાંકો લાવતી હોય છે. તેમનાં જીવનમાં પણ મોટો વળાંક ૨૧ વર્ષની ઉંમરે ૧૯૩૩માં આવ્યો કે જ્યારે તેઓ અમૃતસરનાં વિદ્વાન લેખક અબ્દુલ બારી અલીગને મળ્યાં. અબ્દુલ બારી અલીગે તેમને પોતાની સાચી પ્રતિભા અને આવડતને ઓળખવા માટે ફ્રેન્ચ અને રશિયન લેખકો વાંચવાં માટે પ્રોત્સાહિત કર્યા.

ત્રીશીની શરૂઆતમાં તેમણે તેમની સાહિત્યિક કારકીર્દીનો પ્રારંભ અંગ્રેજી, રશિયન અને ફ્રેંચ ભાષાની ઉત્તમ કૃતિઓનાં અનુવાદથી કર્યો હતો.

ટૂંક સમયમાં તેઓ ટૂંકી વાર્તાઓનાં લેખક તરીકે પ્રસિદ્ધ થઈ ગયાં.

તેઓ કાશ્મીરી વંશનાં હતાં અને તેમને તે વાતનો ગર્વ પણ હતો.

તેઓ તેમનાં લખાણો દ્વારા ઓલ ઈન્ડિયા રેડિયો, સંખ્યાબંધ નામાંકિત સાહિત્યિક સામયિકો અને ફિલ્મ એસોસિયેશનો સાથે સક્રિયપણે સંકળાયેલાં રહ્યાં.

એક લેખક તરીકે એમનાં જીવનની અજુગતી વાત એ છે કે તેમણે તેમનાં જીવનમાં કોઈ જ નવલકથા લખી નથી.

જલિયાવાલાં બાગ હત્યાકાંડની તેમનાં મન ઉપર બહુ ગંભીર અસર થઇ હતી. આ હત્યાં કાંડનો આધાર લઈને તેમણે “તમાશા” વાર્તા લખી હતી. તે તેમની પ્રથમ વાર્તા હતી. તેમાં જલિયાવાલાં જેવી ભયંકર ઘટનાને એક સાત વર્ષનાં બાળકની નજરે જોવામાં આવી હતી.

૧૯૩૬માં મન્ટોનો પ્રથમ મૌલિક ઉર્દુ વાર્તાઓનો સંગ્રહ “અતીશપારે” પ્રકાશિત થયો હતો.

૧૯૪૮ પછી તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયાં હતાં.

૧૯ વર્ષની સાહિત્યિક સફરમાં તેમની ૨૩૦ વાર્તાઓ, ૬૭ રેડીયો નાટક અને ૭૦ લેખો લખ્યાં હતાં. પાકિસ્તાનમાં તેમનો ૧૪ વાર્તાઓનો સંગ્રહ પ્રકાશિત થયો હતો, જે ૧૬૧ વાર્તાઓનો સંગ્રહ છે.

આજેય પણ તેમની વાર્તાઓને સમજવાના પ્રયાસો કરવામાં આવે છે.

૧૮ જાન્યુઆરી ૧૯૫૫નાં દિવસે સાહિત્ય જગતનાં એક મહાન લેખક સહાદત હસન મન્ટોનું અવસાન થયું હતું.

_________________________________

૭) પંચશીલા હિરાણી ( પંછી )

શિષૅક : કોમળ શરીરમાં વસતી એક સશક્ત નારી 

શબ્દસંખ્યા :૩૭૧

इस जन्म में कई बार लगा

कि औरत होना गुनाह है,

लेकिन यही गुनाह मैं फिर से करना चाहूँगी, एक शर्त के साथ, कि ख़ुदा को अगले जन्म में भी, मेरे हाथ में कलम देनी होगी!

અમૃતા પ્રીતમ, ભારતીય  અને કવયિત્રી હતા જેમને પ્રથમ પંજાબી અગ્રણી મહિલા કવયિત્રી, નવલકથાકાર, નિબંધકાર તરીકે ઓળખવામાં આવે છે અને પંજાબી ભાષાની ૨૦મી સદીની અગ્રણી કવયિત્રીઓમાં પણ તેમની ગણના થાય છે. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૧૯/ના પંજાબના ગુર્જનવાલા માં થયો હતો.

નવલકથાકાર તરીકે તેમની ખ્યાતનામ કૃતિ પીંજર છે, જેમાં તેમણે પોતાનું યાદગાર પાત્ર પુરો રચ્યુ હતુ,આ નવલકથા પરથી 2003માં પીંજર નામની પુરસ્કાર વિજેતા ફિલ્મ બની હતી.પંજાબી સાહિત્યમાં મહિલાઓના સૌથી મહત્વપૂર્ણ અવાજ તરીકે ઓળખતા અમૃતા પ્રિતમ 1956માં, પ્રસિદ્ધ રચના, સુનેહે માટે પણ પુરસ્કાર મળ્યો હતો. સાહિત્ય એકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા બાદમાં તેમને 1982માં કાગઝ તે કેનવાસ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો હતો, જે ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર છે. 1969માં તેમને પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો હતો, અંતે વર્ષ 2004માં ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ મળ્યું હતું અને એ જ વર્ષે તેમને સાહિત્ય એકાદમી  દ્વારા ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન સાહિત્ય એકાદમી ફેલોશિપ અપાયું હતું જે “સાહિત્યના ચિરંજીવો” ને આજીવન સિદ્ધિ માટે અપાય છે. તેમને ઘણી યુનિવર્સિટી દ્વારા ડી.લીટ.ની માનદ પદવી આપવામાં આવી હતી, જેમાં દિલ્હી યુનિવર્સિટી (1973), જબલપુર યુનિવર્સિટી (1973) અને વિશ્વ ભારતી (1987)નો પણ સમાવેશ થાય છે

તેમને બલ્ગેરિયાના ગણતંત્ર દ્વારા 1979માં આંતરરાષ્ટ્રીય વેપ્તસારોવ પુરસ્કાર અને ફ્રાન્સ સરકાર દ્વારા 1987માં ઓફિસર ડેન્સની પદવી, ઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટર્સ (અધિકારી) આપવામાં આવી હતી.તેમને 1986-92 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરાયા હતા. જીવનના અંતિમ દિવસોમાં તેમને પાકિસ્તાનની પંજાબી એકાદમી દ્વારા પુરસ્કાર અપાયો હતો.

અમૃતા પ્રિતમે દિલ્હીમાં 1961 સુધી ઓલ ઈન્ડિયા રેડિયોની પંજાબી સેવામાં કામ કર્યું હતું. 1960માં તેમના છુટાછેડા થયા બાદ, તેમનું કામ વધુ સ્પષ્ટ નારીવાદી બન્યું હતું. તેમની સંખ્યાબંધ વાર્તાઓ અને કવિતાઓ લગ્નના દુઃખદ અનુભવ પર આધારિત હતી. પંજાબી અને ઉર્દૂ ભાષાની તેમની સંખ્યાબંધ રચનાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, ડેનિશ, જાપાનિઝ અને અન્ય ભાષામાં અનુવાદિત થઈ હતી, 

31 ઓક્ટોબર 2005ના રોજ નવી દિલ્હીમાં લાંબી બીમારી બાદ 86 વર્ષની વયે તેમનું ઊંઘમાં જ અવસાન થયું હતું અને આપણે એક સશકત લેખિકા અને કવિયત્રિને હંમેશા માટે ગુમાવી દિધા…

उमर की सिगरेट जल गयी

मेरे इश्के की महक

कुछ तेरी सान्सों में

कुछ हवा में मिल गयी… 

__________________________________

મુંબઈ શાખા

૧) અલ્પા શાહ.

શીર્ષક-સહાદત હસન મંટો .

શબ્દ સંખ્યા-121

સહાદત  હસન મંટોનો જન્મ ૧૧મી મે,૧૯૧૨માં  પંજાબના લુધિયાણા શહેર ના સમરાલા(આજનું પાકિસ્તાન )  ગામે થયો હતો.

તેઓ એક સારા  લેખક,કથાકાર અને નાટકકાર હતાં .

તેઓ ખૂબજ નિર્ભય લેખક તરીકે પ્રસિદ્ધ હતા. તેમણે હિંદી તથા  ઉર્દૂ ભાષામાં ઘણા નાટકો,વીસ નાની નાની ડોક્યુમેઁટ્રી ફિલ્મ,નવલકથા,નિબંધો તથા  લઘુવાર્તા લખી છે. તેમણે એ વખતના સમાજમાં પ્રવર્તતા સંવેદનશીલ મુદ્દાઓને સહજ્તાથી

 પોતાની માર્મિક શૈલીમાં  લખ્યાં છે.

સન ૧૯૩૪માં  પહેલી વાર મુંબઈ આવ્યા. અહીં તેમણે  મુંબઈ મેગેઝિન,સમાચાર પત્ર માટે લેખન કાર્ય શરુ  કર્યુ. તેમણે મુંબઈના રેડ એલર્ટ એરિયા તરીકે જાણીતા  ક્માઠીપુરા પર પ્રચલિત નાટકો અને ચલચિત્રો દ્વારા સચોટ નિર્દેશન પણ  કર્યુ હતું. તેઓની લઘુ કથા જેવીકે મન્ટો કે ડ્રામે,તીન ઔરતે,ધુંવા…વગેરે  ઘણી આજે પણ પ્રચલિત છે.તેમનું મૃત્યુ ૧૮જાન્યુઆરી ૧૯૫૫માં થયું.તેમને સાહિત્ય સંસ્થા દ્વારા મરણોપ્રાંત  નિશાન-ઍ-ઇમ્તિયાઝ પારિતોષિક પ્રાપ્ત થયું છે.

_________________________________

૨) ગીતા પંડ્યા

શીર્ષક — અમૃતા પ્રિતમ

શબ્દો – ૧૮૫

બહાદુર, સ્વતંત્ર મિજાજી, પડકારો ઝીલવાની શક્તિ, લાગણીઓના અહેસાસનું પ્રાગટ્ય કરવાનું સાહસ અને પોતાના સ્વપ્ના સાથે પોતાના આગવા અસ્તિત્વનો ઉભાર આપવાના કૌશલ્યના સંયોજનથી ઉભરતું દેદીપ્યમાન સ્વરૂપ એટલે  *અમૃતા પ્રિતમ*

૨૦ મી સદીની પંજાબી મૂળની, આ લેખિકાએ પંજાબી અને હિન્દીમાં ઉચ્ચ કક્ષાએ તેમના સાહિત્યના કસબને વિવિધ રુપમાં   સુંદર ઓપ આપ્યો છે. કવિતા, વાર્તા, નિબંધ, બાયોગ્રાફી, ઓટોબાયોગ્રાફી… તેમના લગભગ ૧૦૦ પુસ્તકોનો બીજી ભાષામાં અનુવાદ પણ થયેલો છે. વારસામાં મળેલી કવિતાને ભવ્યાતિભવ્ય સન્માન આપ્યું છે એમણે.

 અમૃતાજીના જીવનનું પ્રેમ ઝરણ, કેટલાય અવરોધમાંથી પસાર થતું રહ્યું. પ્રિતમજી, સાહિરજી અને છેલ્લે ઈમરોઝ..કેટકેટલાં ઍવોર્ડનું સન્માન મેળવનારી આ મહિલા, ગમે તેમ પણ પ્રિતમને એમના નામથી અલગ ન કરી શક્યા. પ્રિતમના નામ સાથે જાણે એમનું અસ્તિત્વ એક અલૌકિક શોભા પ્રાપ્ત કરતું હતું.

 પોતાનાં હ્રદયમાં ઉથલપાથલ મચાવતા પ્રેમના અહેસાસને એમણે સમાજની સામે સ્વીકાર્યો છે. જે સંબંધમાં આગળ ખુશ નહીં રહી શકાય, એ સંબંધથી એ ગૌરવભેર અલગ થયાં છે. અહીં એમની નિર્ભયતા, નિખાલસતા અને પોતાની જિંદગીને ન્યાય આપવાનો અભિગમ પણ દેખાય છે.

સાહિત્ય જગતમાં અમૃતા પ્રિતમનું નામ સાહસિક, સપનાઓને સાચા અર્થમાં જીવનારી અને લડાયક મિજાજી સ્ત્રી તરીકે સાદર લેવાય છે.

એમની પ્રિત, લગન, દર્દને ઘૂંટવાની અદા અને એમાંથી ઉભરતું ભાવ વિશ્વ….આહા!

વંદન અમૃતાજીને.

________________________________

૩) જયોતિ ઓઝા

શીર્ષક :- અમૃતા પ્રિતમ

શબ્દ સંખ્યા – ૧૨૫

      પંજાબી સાહિત્યમાં મહિલાઓનાં સૌથી  મહત્વપૂણૅ અવાજ તરીકે ઓળખાતાં અમૃતા  પ્રિતમ. અમૃતા પ્રિતમનો જન્મ પંજાબના ગુજરાનવાલામાં થયો હતો,જે હાલ પાકિસ્તાનમાં છે. માતાના અવસાન બાદ એકલતાના કારણે તેમણે નાની વયે લેખન શરૂ કયુૅં હતું .

     તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ અમૃત લહેરે (અમર મોજાઓ ) ૧૯૩૬ માં પ્રકાશિત  થયો હતો. ત્યારે તેઓ સોળ વષૅના હતા. અને તે વષેૅ જ તેમણે પ્રિતમસિંહ સાથે લગ્ન કયાૅ હતા. જેઓ સંપાદક હતા. બાદમાં તેમણે તેમનું નામ બદલીને અમૃતા પ્રિતમ કયુૅં હતું.

     છ દાયકાથી વધુ લાંબી કારકીદિૅમાં કવિતા, કાલ્પનિક વાર્તાઓ, જીવન ચરિત્રો, નિબંધો, પંજાબી લેકગીતોના સંગ્રહો અને આત્મકથાઓના ૧૦૦ થી વધુ પુસ્તકો તૈયાર કયાૅ હતા. જેનું કેટલીક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયું હતું.

    કેટલાક વષૅ સુધી પંજાબમાં માસિક સાહિત્ય સામાયિક “નાગમણી” નું સંપાદન કયુૅં હતું. અમૃતા પંજાબ રત્ન પુરસ્કાર  મેળવનાર પ્રથમ વ્યકિત હતા.

  ૩૧ ઓકટોબર ૨૦૦૫ ના રોજ નવી દિલ્હીમાં લાંબી બીમારી બાદ ૮૬ વષૅની વયે તેમનું ઊંધમાં જ અવસાવ થયું હતું.

      વષૅ ૨૦૦૭ માં “અમૃતા રિસાઈટેડ બાય ગુલઝાર” નામથી ખ્યાતનામ ગીતકાર ગુલઝાર દ્વારા આલબ્મ રિલિઝ કરાયો હતો,જેમા ગુલઝારે ગાયેલી અમૃતા પ્રિતમની કવિતાઓ સમાવાઈ હતી.

_________________________________

૪) લતા ભટ્ટ 

શીર્ષક: શત શત નમન એક પ્રેરણાદાયી વ્યક્તિત્ત્વને…. 

શબ્દ સંખ્યા: ૨૩૧

           ૨૦મી સદીનું ભારત. પુરુષપ્રધાન સમાજ. સ્ત્રીનું અસ્તિત્ત્વ માત્ર ઘરની ચાર દીવાલો વચ્ચે… એ સંજોગોમાં હિન્દી સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી  સંમાનિત, ભારતના મશહૂર કવયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકાર અમૃતા પ્રીતમનો જન્મ, ૩૧ ઓગસ્ટ ૧૯૧૯ના રોજ ગુજરાવાલા પંજાબમાં થયો. બાળપણથી જ હાથમાં કલમ પકડી, સાહિત્યમાં પંજાબી ભાષા દ્વારા પદાર્પણ કર્યું અને એક મુકામ હાસિલ કર્યો.  ૨૦મી સદીના પંજાબી ભાષાની આગલી હરોળના સાહિત્યકારોમાં સ્થાન મેળવ્યું. તેમને પંજાબી ભાષાના ૨૦મી સદીના પ્રથમ કવયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકાર માનવામા આવે છે. સાહિત્યમાં પ્રથમ પડાવ -પુસ્તક પ્રકાશિત તો માત્ર ૧૬ વર્ષની ઉંમરે! 

          કવિઓ સંવેદનશીલ હોય છે અને તેમની સંવેદના કલમ દ્વારા કાગળ પર ઝીલાય છે.  ૧૯૪૭ના ભારત પાકિસ્તાન ભાગલા દરમિયાન તેમણે જે પીડા અને તકલીફ સહી તે તેમની  રચનાઓમાં વણાઈ ગઈ. અને પંજાબી કે હિન્દી ભાષા પૂરતી માર્યાદિત ન રહેતા આ કૃતિઓનો અનુવાદ અનેક ભાષામાં થયો. સો એક જેટલા  પુસ્તકો આ વિરલ વ્યક્તિના નામે બોલે છે જેમાં, તેમની ચર્ચિત આત્મકથા’ रसीदी टिकट’નો સમાવેશ થાય છે. પંજાબી અને હિન્દી બંને ભાષાના સાહિત્યમાં તેમનું વિપુલ પ્રદાન. તેમને તેમના હિન્દી સાહિત્યના પ્રદાન માટે ઈ. સ. ૧૯૫૭માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, ઈ. સ. ૧૯૫૮માં પંજાબ વિભાગના ભાષા વિભાગ દ્વારા પુરસ્કાર, ઈ. સ. ૧૯૮૮માં બલ્ગારિયા વૈરોવ પુરસ્કાર અને  ઈ. સ. ૧૯૮૨માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા. સૌથી વધુ પ્રસિદ્ધિ તેમને તેમની પંજાબી કવિતા ‘अज्ज आखाँ वारिस शाह नूँ ‘ કવિતા માટે મળી. આ કવિતામાં ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પંજાબમાં થયેલી દુઃખદ ઘટનાઓનું હૃદયદ્રાવક વર્ણન છે. ભારત અને પાકિસ્તાન બંને દેશના લોકોએ તેમની આ રચનાની પ્રસંશા કરી.

             તેમની એક પંજાબી ભાષાની નવલકથા ‘पिंजर ‘ પરથી ઈ.સ . ૨૦૦૩માં  ‘पिंजर ‘ નામથી જ એક હિન્દી ફિલ્મ બની. વિવેચકોની આલોચનામાં તો તે ખરી ઉતરી જ પણ તેને રાષ્ટ્રીય એકતા માટેની સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. 

           આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વને મારા શત શત વંદન.

 __________________________________

૫) શિલ્પા શેઠ “શિલ્પ”

 શીર્ષક : અદ્વિતીય વ્યક્તિત્વ

શબ્દ સંખ્યા-૧૨૭

અમૃતા પ્રિતમ, ૧૯૧૯ ની સાલમાં જન્મેલા, એક આગવી પ્રકૃતિ અને વિરલ વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભા. પિતા તરફથી વિરાસતમાં તેમણે સાહિત્ય મેળવ્યું અને સોળ-સત્તરની વયમાં તેમનું પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો ! ૧૯૩૬માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી છ દાયકાથી પણ વધુ સમય સુધી અગ્રણી સ્થાન પર બિરાજનાર, અગાધ જ્ઞાન અને કલમથી શબ્દોને જીવંત કરી શકનાર અદભુત વિચારધારા એટલે અમૃતા પ્રિતમ.

    પોતાના સમયથી ઘણાં આધુનિક અને અગ્રીમ જીવનશૈલી અપનાવનાર પ્રથમ ભારતીય મહિલા જેમણે સાહિત્યના તમામ ક્ષેત્રે પોતાનો સિક્કો જમાવ્યો. સર્વોચ્ચ અને નોંધપાત્ર પુરસ્કારોથી સન્માનિત થયેલા માનનીય અમૃતા પ્રીતમ સ્વૈરવિહારી પંખી જેવું માનસ ધરાવતા હતા. 

 એકલતા, અકળામણ, વિરહ, પ્રેમ, ઝંખના, રોમાન્સ, વીરશૃંગાર રસ, લોક વેદના, પીડા, આધ્યાત્મિક.. જીવનમાં અનુભવેલા સર્વે પાસાઓને સાહિત્યમાં આબેહૂબ આવરી લેતા અમૃતા પ્રીતમ ખૂબ જ સુંદર અને સશક્ત મહિલા પાત્ર હતા જે ખરેખર ઈશ્વર નિર્મિત દુર્લભ સંયોજન કહેવાય. 

_________________________________

  ૬) સુરુચિ સેજલકુમાર નાયક

શીર્ષક-અણમોલ પ્રતિભા

 શબ્દ સંખ્યા- ૧૫૫

“પૈર ખોલો તો ધરતી અપની હૈ,

  પંખ ખોલો તો આસમાન……”

ઉપરની કાવ્યપંકિતના રચિયતા અમૃતા પ્રીતમ જન્મજાત કવિયત્રી છે.તેમના અસ્તિત્વનું બીજું રૂપ એટલે કાવ્ય. કાવ્ય લખવાની પ્રેરણા તેમને તેમના પિતા પાસેથી મળી હતી. તેઓ સ્વભાવે ખૂબ જ સંવેદનશીલ હતા.માટે તેમની આસપાસ ઘટેલી ઘટનાઓને તેમણે શબ્દ દ્વારા કલમે વર્ણવી છે. તેમની સંવેદનાઓનો પ્રવાહ કવિતાઓ, વાર્તાઓ અને નવલકથાઓમાં અવિરત  શબ્દ સ્વરૂપે વહેયા કર્યો છે.

તેઓને પ્રભુ પર વિશ્વાસ ઓછો હતો પણ ઓશોથી ખૂબ જ પ્રભાવિત હતાં.

પંજાબી સાહિત્યમાં સૌ પ્રથમ કવિયત્રી તરીકે નામાંકિત થયા છે. પંજાબી અને હિંદી સાહિત્ય જગતમાં સ્ત્રીની સંવેદનાઓને કેન્દ્રમાં રાખીને  પુરુષ પ્રધાન સમાજમાં એક નવીન ચીલો ચાતરીને ખ્યાતનામ થયા હતા.તેમના સાહિત્ય ક્ષેત્રનાં વિપુલ પ્રદાનને કારણે તેઓ એક અણમોલ પ્રતિભા તરીકે ઊભરી આવ્યા છે. તેમની વાર્તાઓ ને કાવ્યોએ માત્ર દેશવ્યાપી નહીં પણ વિશ્વવ્યાપી ખ્યાતિ મેળવી છે.તેમને સાહિત્યમાં  ઉત્તમ પ્રદાન બદલ નામાંકિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારતીય સાહિત્ય જગતમાં નારીઓના પ્રદાનની નોંધ લેતી વખતે તેમનો પ્રથમ હરોળમાં ઉલ્લેખ કરવો અનિવાર્ય ગણાય છે. આવા મહાન સાહિત્યકારને મારા શત્ શત્ નમન.

_________________________________

૭) મીનાક્ષી વખારિયા 

શીર્ષક : ‘થોડી ગપસપ’

શબ્દ સંખ્યા : ૭૩૦

‘લોકોને તમે સાંભળ્યા? કહે છે અમૃતા બંડખોર છે, વિદ્રોહી છે, ચુસ્ત નારીવાદી છે. જવા દ્યો, ગામને મોઢે ગરણું થોડું બંધાય? લ્યો હું જ, તમારી પાસે મારી જિંદગીની કિતાબના થોડાં પાનાં ખોલું.   

લોકો કહે છે એમ જ હું, બંડખોર, વિદ્રોહી, નારીવાદી છું. હું કબુલ કરું છું. આ એ જમાનાની વાત છે જ્યારે સ્ત્રીને પોતાના હક્કમાં બોલવાનો અધિકાર નહોતો. લોકમાનસ મહાસંકુચિત હતું. એવા સમયે સ્ત્રીઓને થતાં અન્યાયો સામે મારા જેવી એકલપંડી ગૃહિણી માથું ઊંચકે કે ચળવળિયા લેખો લખે તે રૂઢિવાદી લોકોથી કેવી રીતે સહન થાય. હિંદુ-મુસ્લિમના ભેદભાવ થતાં તે મને પોતાને પસંદ નહોતું અને મેં ઘરઆંગણે જ મારી દાદી સામે બંડ પોકારેલું અને મારું ધાર્યું કરેલું.

હું માત્ર સોળ વરસની હતી ત્યારે મારાં લગ્ન પ્રીતમસિંહ સાથે કરાવવામાં આવ્યા. બે બાળકોની માતા બની પણ આ વિવાહથી, પ્રીતમસિંહથી હું ક્યારેય ખુશ નહોતી તોય અમે બંને નિભાવી રહેલાં. નાનપણથી લખવાની હું શોખીન. મારી કવિતાઓ,વાર્તાઓ અને સ્ત્રીઓની વેદનાને છતી કરતાં ઉદ્દંડ લેખો છાપામાં છપાતાં થયાં. લોકોમાં ખાસ્સો ઉહાપોહ થતો પણ એ બધું મેં ક્યારેય  ગણકાર્યું નહીં. 

મને બરાબર યાદ છે, સાહિર સાથેની એ પહેલી મુલાકાત..! ૧૯૪૪ની સાલમાં, લાહોર અને અમૃતસરની વચ્ચે એક નાનકડું ગામ હતું, ‘પ્રીતનગર.’ હું અને સાહિર ત્યાં પહેલીવાર મળ્યાં. આજ સુધી મને ખબર નથી પડી કે એના જાદુઈ શબ્દોએ ચુંબકનું કામ કર્યું કે એની સતત ખામોશીનાં અતલ ઊંડાણે જેમાં હું ગરક થઈ ગઈ. હું એના પ્રેમમાં પડી ગઈ. લોકો સાહિરના હસ્તાક્ષર માટે પડાપડી કરી રહેલાં. મારી પાસે પેપર કે ડાયરી એવું કંઈ નહોતું. મેં એની સામે મારી હથેળી ધરી દીધી. એના પર એણે એકેય શબ્દ ન લખ્યો પણ મારી આંખોમાં જોતાંજોતાં, પોતાના અંગૂઠો શ્યાહીવાળો કરી મારી હથેળીમાં છાપી દીધો. આવી હતી પ્રેમની નિ:શબ્દ કબુલાત. શબ્દોના સૌદાગરની પહેલી ભેટ…!

આમ શરૂ થઈ અમારી પ્રેમની સફર, જેનું ભવિષ્ય સાવ ધુંધળું હતું. ત્યારે હજી હું પ્રીતમસિંહથી અલગ નહોતી થઈ. મારો અને સાહિરનો પ્રેમ જંગલની આગની જેમ વધી રહેલો. માઈલોની દૂરી અમને નડતી નહીં. અમારો પ્રેમ કાગળ પર સાકાર થતો રહ્યો. હિંદુસ્તાન પાકિસ્તાનના ભાગલાં પડ્યાં હું, બાળકો અને મારા પિતાજી નિરાશ્રિત બની દિલ્હીમાં રહેવા લાગ્યાં. સાહિર થોડો વખત લાહોરમાં રહ્યો અને પછી મુંબઈમાં જ સ્થાયી થયો. એના દાણોપાણી હિન્દી ફિલ્મોમાં લખાયેલાં. 

સાલ ૧૯૬૦માં જ્યારે છૂટાછેડા શબ્દ બોલવાનું તો ઠીક એ વિશેનો વિચાર કરવો પણ પાપ ગણાતું. ત્યારે મેં અને પ્રીતમસિંહે આપસી સહમતીથી છૂટાં પડવાનું નક્કી કર્યું. અમે બંનેએ અમારાં સંબંધોની ગરિમાને ઉની આંચ ન આવવા દીધી. છેવટ સુધી અમે બંનેએ એકબીજાનું સન્માન સાચવ્યું. 

હું સાહિરને બેહિસાબ પ્રેમ કરતી. સામી બાજુએ સાહિર હતો જે મને યાદ કરી કરીને એકથી એક ચડિયાતાં ગીતો અને ગઝલ લખતો પણ ક્યારેય પોતાના સ્વમુખેથી મને પ્રેમ કરે છે એ વાત કબુલી જ નહીં. એના પ્રેમભર્યાં ગીતો અને ગઝલો હિન્દી ફિલ્મોની જાન બની રહ્યાં પણ હું તો એના પ્રેમને તરસતી જ રહી ગઈ. વ્યસ્તતાને કારણે એ દૂર થતો ગયો. એ દરમ્યાન મને સજ્જાદ મળ્યો. સાચા મિત્રના સ્વરૂપે. મારાં માટે પોતાનો જીવ પણ આપી દે તેવો…! હિંદુસ્તાનનાં ભાગલાં પડ્યાં અને એ પાકિસ્તાનમાં રહી ગયો અને અમે દિલ્હી, તોય અમે આજીવન પત્રમિત્ર બની રહ્યાં.

દિલ્હીમાં મને ઈમરોઝ મળ્યો. એ મને ખૂબ જ પ્રેમ કરતો. હું એનામાં સાચો મિત્ર, મારો સધિયારો જોતી. એ તો કોઈ અપેક્ષા વગર જ મને ચાહતો. એ મારા સુખદુઃખમાં, મારી આછી પાતળી પળોમાં એક ખડકની જેમ સાથ આપતો રહ્યો. એને મારામાંની સ્ત્રી નહીં પણ સખીરૂપે અમૃતા જોઈતી હતી. નિરપેક્ષભાવે, એને બીજું કંઈ જ નહી માત્ર મારું સાનિધ્ય જોઈતું હતું અને મને ઈમરોઝની હૂંફ…!  

પ્રેમને બે રીતે સમજી શકાય છે. એક તો જે આસમાન જેવો હોય, બીજો માથાની છત જેવો. સાહિરનો પ્રેમ આસમાન જેવો હતો જે ઘણો જ દૂર હતો. ઈમરોઝ માથાની છત જેવો, પણ સ્ત્રી બંનેને શોધે છે ને છેવટે છત આસમાનમાં જઈને ખૂલે છે.

નસીબની કેવી બલિહારી..! મારાં જીવનમાં જે પણ પુરૂષો આવ્યા એ મને કંઈ ને કંઈ આપી ગયા. પ્રીતમસિંહે મને બે પ્યારાં બાળકો આપ્યા. એમનું નામ આપ્યું જે મેં હમેંશા મારા નામ સાથે જોડેલું રાખ્યું. સાહિર લુધ્યાનવીએ મારા દિલમાં પ્રેમની શગ સંકોરી ને મને સમજાયું કે ‘પ્યાર ક્યા ચીઝ હૈ…!’ સજજાદમિંયા, મારા એક અનન્ય મિત્ર…!  ભવોભવ હું સજ્જાદ જેવો મિત્ર માંગતી રહીશ. ઈમરોઝ…! ઈમરોઝ ફારસી શબ્દ છે એનો અર્થ થાય ‘આજ…!’ ખરેખર એ મારી આજ, મારો વર્તમાન બની મારાં અંતિમકાળ સુધી સાથે રહ્યો. હું એને દિલોજાન મિત્ર માનતી અને એ મારો પ્રેમી, આશિક બની મને પૂજતો રહ્યો, ચાહતો રહ્યો. 

મારી જિંદગીના ચતુષ્કોણે મને પરિપૂર્ણ બનાવી છે. લોકો ભલે કહેતા કે મારી જીવની એક અધૂરી પ્રેમકહાની છે પણ હું જેટલું જીવી, જેવું પણ જીવી તે મારી રીતે, મારી શરતોએ. સામા પૂરે તરીને મેં એવા નામ, દામ, ઇજ્જતની કમાઈ કરી છે જે ક્યારેય મારી કલ્પનામાં નહોતું…!

આજે તો બસ આટલું જ. વધારે કહેવા બેસીશ તો આપવડાઈ થઈ જશે. અલવિદા બહેનો….!’

__________________________________

 ૮) કિરણ ગોરડીયા

 શિર્ષક- અમૃતા પ્રીતમ 

અમૃતા પ્રીતમ ભારતીય લેખિકા અને કવિયત્રી હતાં. જેમને પ્રથમ પંજાબી અગ્રણી મહિલા કવિયત્રી, નવલકથાકાર અને નિબંધકાર તરીકે ઓળખવામાં આવે છે. અમૃતા પ્રીતમને ભારત પાકિસ્તાન સરહદે બંને બાજુએથી સમાન પ્રેમ મળ્યો હતો.છ દાયકાથી વધું લાંબી કારકિર્દીમાં કવિતા,કાલ્પનિક વાર્તાઓ,જીવન ચરિત્રો, નિબંધો,પંજાબી લોકગીતના સંગ્રહો અને આત્મ કથાઓનાં 100થી વધુ પુસ્તકો તૈયાર કર્યાં હતાં.નવલકથાકાર તરીકે તેમની ખ્યાતનામ કૃતિ” પીંજર” છે.ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પડ્યાં ત્યારે તેમણે લાહોરથી ભારતમાં હીજરત કરી હતીં. છતા તેઓ આજીવન પાકીસ્તાનમાં પણ તેમની સમકાલીન હસ્તીઓ જેમ કે મોહનસિંહ અને શિવકુમાર બતાલવી જેટલાં જ લોકપ્રિય રહ્યાં હતાં.પંજાબી સાહીત્યમાં મહિલાઓનાં સોથી મહત્વપૂર્ણ અવાજ તરીકે ઓળખાતા અમૃતા પ્રીતમ 1956માં પ્રસીધ્ધ રચના (સંદેશા)કે જે એક લાંબી કવિતા છે.તેનાં માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતાં. 1982માં કાગળ અને કેનવાસ માટે ભારતીય જ્ઞાનપીઠ  પુરસ્કાર મળ્યો હતો.જે ભારતનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે.1969માં એમને પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો હતો.એમણે તેમનાં જીવનનાં અંતિમ ચાલીસ વર્ષ ઇમરોઝ સાથે વીતાવ્યા જેમણે તેમનાં મોટાભાગના પુસ્તકોના મુખપૃષ્ઠ બનાવ્યાં હતાં. તેમનો આ સંગાથ પણ એક પુસ્તક, અમૃતા ઇમરોઝઃઅ લવસ્ટોરી નો વિષય બની ગયો હતો.86 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ 86 વર્ષની વયે તેમનું ઉંઘમાં જ અવસાન થયું.31ઓગસ્ટ 2019નાં દીવસે અમૃતા પ્રીતમની જન્મ જયંતી પર ગુગલે એક ડુડલ બનાવી એમની સરાહના કરી હતીં.એક સ્ત્રી સલવાર સુટ પહેરી માથાં પર દુપટ્ટો ઓઢીને લખે છે.આટલાં વર્ષો પછી પણ એમની ઓળખ અકબંધ છેં.

__________________________________

૯) મનિષા જસાણી શાહ

શિર્ષક : અસાધારણ વાર્તાકાર

શબ્દ સંખ્યા : 278

“હું વાર્તા નથી લખતો. વાર્તા મને લખે છે.” આ તેમનો સ્વપરિચય. 

પ્રખ્યાત ઉર્દૂ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક.

સહુથી વધુ સંસ્મરણો લખવામાં આવ્યા હોય તેવા લેખક.

એક એવા સાહિત્યકાર જેમણે એકપણ નવલકથા નથી લખી માત્ર ને માત્ર દમદાર વાર્તાઓ થકી સાહિત્ય જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું. 

એવા મહાન વાર્તાકાર, લેખક એટલે સહાદત હસન મન્ટો. જેમને યાદ કરીને 11 મે 2020 એ ગૂગલે એમની 108મી જન્મજયંતિ સરસ ડુડલ બનાવીને ઉજવી. 

કાશ્મીરી મુસ્લિમ પિતા અને પઠાણ માતાના સંતાન સહાદત નાનપણથી ખુબજ બુદ્ધિશાળી, તીવ્ર વ્યક્તિત્વવાદી અને આત્મવિશ્વાસથી ભરપૂર હતાં.

પ્રખ્યાત લેખક અબ્દુલ બારી અલીગની પ્રેરણાથી અંગ્રેજી, રશિયન તથા ફ્રેન્ચ ભાષાની ઉત્તમ કૃતિઓનો અનુવાદ કરી સાહિત્યિક કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો.

જલિયાવાલાં બાગ હત્યાકાંડને વણી લઈને તેમણે “તમાશા” નામની ઉત્કૃષ્ઠ વાર્તાનું સર્જન કર્યુ હતું. તેમજ ક્રાંતિકારી રચનાઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધો, ઓલ ઇન્ડિયા રેડિયો માટે નાટકો, નામાંકિત સામયિકો અને અખબારો માટે લેખો લખ્યાં હતા. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. તેમની વાર્તાઓમાં સમયથી આગળની વાત રહેતી હતી. “અતીશપારે” નામનો તેમનો પ્રથમ ઉર્દુ વાર્તાસંગ્રહ પ્રકાશિત થતા તેઓ ઉર્દૂ ટૂંકી વાર્તાઓ માટે પ્રસિધ્ધ થઇ ગયાં હતા.

દેહ વેપારનો વ્યવસાય કરતી સ્ત્રીઓની જિંદગી ખતમ કરી નાખે એવી યૌન ગુલામી, વિભાજન, રમખાણ, સાંપ્રદાયિકતા, પીડિત દબાયેલા કચડાયેલા લોકોની દુખદ પરિસ્થિતિ જેવા વિષયો પર તેઓ બેધડક લખતાં હતા. તેથી તેમને કાયદાનો પણ સામનો કરવો પડ્યો હતો. તેઓ જેટલા સાહસી, વાસ્તવવાદી અને સાચું લખવાની ટેવવાળા હતા એટલાજ સંવેદનશીલ લેખક હતા.

ભારતનાં વિભાજનનો પણ તેમણે ખુબ દઢ્તાથી પોતાના બે લેખ દ્વારા વિરોધ કરેલો. 

એમનાં જીવન આધારિત બે ફિલ્મો બની છે. પાકિસ્તાને એમની યાદમા પોસ્ટલ સ્ટેમ્પ છાપી છે. અને “નિશાન એ ઇમ્તિયાઝ” નામના સર્વોચ્ચ નાગરિક ઍવોર્ડથી એમને સન્માનીત કર્યા છે. તેઓ વીસમી સદીના એક અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા વાર્તાકાર હતા. તેમની વાર્તાઓ થકી આજે પણ સહાદત હસન મન્ટો લાખો ચાહકોના દિલમા વસે છે.

__________________________________

Leave a comment