ઉમાશંકર જોશીના કાવ્યનો રસાસ્વાદ

 ૧) જશુબેન બકરાનીયા

” સોનેટ”

‘છે કો મારું અખિલ જગમાં? બૂમ મેં એક પાડી:

ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી,

દોડ્યો વહેળો વહનગીતમા પ્રશ્ન મારો ડુબાવી,

ને આ બુઢ્ઢો વડ પણ નકારે જ માથું હલાવી.

સુણીયા સાથે ગિરીય પડધા પાડીને ફેંકી દેતો

બીજા પહાડો તણી કુહર માં વેણ, હૈયે ન લેતો.

તારા લાગે બધિર, વીજળી પૂછવા દે જ છે ક્યાં?

ત્યાં પૃથ્વીના

 સ્વજન તણું તો નામ લેવું પછી કાં?

છેલ્લે પૂછ્યું રુધિર ઝર આ પાણીપોચા હૈયાને:

‘વહાલા, તું તો મુજ રહીશ ને  ? છો જગે કો ન મારુ.’

ને એ દંભી શરમ તજી કહે : ‘તું ન માલેક  મારો’.

હું તારામાં વસુ અવર કાજે  ,- ખિજાયો, વિચાર્યું:

બીજા કાજે વસતુ મુજમાં?!તો

 મદરથે  બીજામાં

હૈયા વાસો નહીં શું વસતા કૈ હશે સનેહભીના?

“મંદાક્રાન્તા”

પ્રસ્તુત સોનેટ માં માણસની એક એવી ઉત્કટ લાગણી ને વાત કવિ કરે છે કોઇ પોતાને ચાહે આ સોનેટમાં કવિ જગતના તત્વોને પ્રશ્ન કરે છે કે છે કો મારુ અખિલ જગમાં…..?

તમામ પ્રકૃતિ તત્વો તરફથી નકારમાં ઉત્તર મળે છે છેલ્લે કવિ પોતાના હૃદયને પ્રશ્ન કરે છે.

કવિ નું હૃદય પણ શરમ તજીને ના પાડી દે છે.

ત્યાં કવિને વિચાર આવે છે કે મારું હૃદય અન્યો માટે હોય તો મારા માટે ક્યાંય તો એવું રદય હશે ને ! છેલ્લી બે પંક્તિઓમાં કવિએ ચમત્કૃતિ સર્જીને પોતાની કવિત્વ શક્તિનો પરિચય કરાવ્યો

બીજા કાજે વસે તું મુજમાં,

એમ કહીને ફરીથી કવિ બોલે છે હૈયા વાસો નહીં શું કહી હશે સ્નેહભીના?

મારા માટે પણ ઇશ્વરે કોઈ બીજા સ્થાને  બીજા નુ દીલ બનાવ્યું હશેને.?

_________________________________

૨) જયોતિ ઓઝા

પગરવ

પ્રભુ, તારો પગરવ જરી સુણાય.

વનવનવિહંગના કલનાદે,

મલયઅનિલના કોમલ સાદે.

ઉડુગણ કેરા મૂક વિષાદે

ભણકારા વહી જાય.

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

ગિરિનિર્ઝરના નૃત્યઉમંગ,

સરિતતણા મૃદુમત તરંગે,

ઋતુનતૅકીને અંગેઅંગે

મંજુ સુરાવટ વાય, 

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

અહોરાત જલસિંધુ ઘૂઘવે,

ઝંઝાનિલ મઝધાર સૂસવે,

વજ્રધોર ધન ગગન ધૂંધવે.

ધ્વનિ ત્યાં તે અથડાય,

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

શિશુકલબોલે, પ્રણયહિંડોળે,

જગકોલાહલના કલ્લોલે,

સંત- નયનનાં મૌન અમોલે

પડધા મૃદુ પથરાય,

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

    ઈશ્વર આવે તો કેવી રીતે આવે? કોલાહલને રસ્તે તો નહીં જ. એનો પદધ્વનિ ખરો પણ નીરવ. જે કાનની ભીતરના કાનને સંભળાય એવો. આમાં મહત્વનો શબ્દ ‘જરી’ છે. સહેજ સંભળાય છે. સહજ સંભળાય છે. કવિ ધ્વનિના અનેક દ્રશ્યો ઝડપે છે. ઈશ્વર તો અદ્રશ્ય છે. પણ ધ્વનિરૂપે દ્રશ્ય છે. વનના વિહંગના કલનાદમાં તો પવનલહરના કોમલ સાદમાં. કવિની આંખો આકાશે પહોંચે છે. રાતનો સમય છે. આવી સૂમસામ રાતમાં તારાઓના મૂંગા વિષાદમાં પ્રભુના પગરવ ભણકારા વહી જાય છે. પગલાં હોય તો એને સાચવી પણ શકો. પગરવને સાચવી પણ કેમ શકાય? તારાઓના મૂંગા વિષાદમાં પણ કવિ ધ્વનિની ભાષા ઉકેલી શકે છે.

કવિએ અવાજના અનેક રૂપો આપ્યાં છે. અનેક આકારો આપ્યા છે. ઝરણાંના નર્તનનો ઉમંગ, સરિતાના મૃદુમત તરંગ આ જળધ્વનિ થયા. ઋતુનતૅકીને અંગેઅંગે જે મંજુલ સુરાવટ થાય છે એ પણ કવિએ ઝીલી છે. મોસમની પલટાતી લીલાનો લય પણ ચૂકતા નથી.

ઝરણાનો અને સરિતાનો જળધ્વની જુદો છે. અહોરાત ઘૂઘવાતા સિંધુના ઘુઘવાટનું રૂપ જુદું. ઝંઝવાતનો પ્રલયલય અને સુસવાટ પણ જુદો. અવાજના રમ્ય રૂપની સાથે અવાજના રુદ્ર રૂપ પણ કહ્યા છે. આકાશમાં થતું મેધનું તાંડવ અને ત્યાંથી અથડાતો ધ્વનિ.

સમગ્ર પ્રકૃતિના ધ્વનિને ઓળખનાર તો મનુષ્ય છે. તો આ માણસ પાસે કેટલા ધ્વનિ છે.– બાળકની કાલીઘેલી વાણી, પ્રણયને હિંડોળે ઝૂલતા પ્રેમીઓનો ધ્વનિ. આ બધાની વચ્ચે કવિ જગતના કોલાહલને પણ ભૂલ્યા નથી અને આ કોલાહલમાં થી પણ કવિએ કલ્લોલને તારવી લીધે છે. બધા જ પોતપોતાની રીતે બોલતા હોય છે. પણ સંત વાણીથી નહીં પણ એની આંખના અબોલ મૌનથી બોલે છે અને એ સંતના વાચાળ મૌનના પડધાને પણ માણતા જુએ છે.

આ કાવ્યને એક જ પંક્તિમાં સમેટવું હોય તો કહી શકાય કે આ કાવ્ય ધ્વનિનું ઉપનિષદ છે. 

_________________________________

૩)  પ્રિયંકા સોની

જાન્યુઆરી ૩૦

વર્ષમાં ઋતુ હોય શિયાળો,

શિયાળામાં માસ જાન્યુઆરી,

અને જાન્યુઆરીમાં તારીખ ત્રીસમી,

તયેં ઠંડીગાર પકડ હૃદયથી

નિચોવે છે ટપ-

કું રક્તનું,

વિશ્વ જેવડું વિશાળ

પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું.

– ઉમાશંકર જોશી

 આ અછાંદસ કાવ્યમાં ઉમાશંકર જોશી એ ગાંધીજીની હત્યા જે ત્રીસમી જાન્યુઆરી ગોળી મારીને થઇ હતી, ભારતનાં ઇતિહાસનું એ સૌથી કાળું પાનું હતું, તે વાતને આ કાવ્યમાં તાજી કરી છે, સાથે શિયાળાની ઋતુને આવરી લઈને જાન્યુઆરીના અંતમા ઠંડી જાણે હદય નિચોવી નાખે એવી હોય છે એ ઉજાગર કર્યુ છે,વાત એક લોહીનાં ટપકાંની કરી છે પણ એ ટપકું શબ્દ પર ભાર મૂકીને એ શબ્દને જાણે અલગ કરીને તેને વિશ્વ જેટલું વિશાળ આલેખ્યું છે અને તેઓ મહાત્મા ગાંધીમાં સાક્ષાત પ્રેમ સ્વરુપ પરમાત્માનું પ્રતિબિંબ જૂએ  છે.

         કાવ્ય વાંચતા એવું થાય આટલાં નાના કાવ્યમાં કવિ એ કેટલી બધી વાત કરી છે ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દીધું છે એટલે શબ્દોની તાકાત કેટલી છે તેનો પણ ખ્યાલ આવે છે, આકાશથી પણ વિશાળ પરમાત્માની ઝાંખી તેમને ગાંધીજીમાં થઈ છે.

__________________________________

૪)  રશ્મિ જાગીરદાર 

 હું ગુલામ….

કાવ્ય 

સૃષ્ટિ –બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?

સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં

હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;

સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;

વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;

સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,

ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,

એક માનવી જ કાં ગુલામ?!

-ઉમાશંકર જોશી

રસાસ્વાદ… 

કવિશ્રી સમગ્ર સૃષ્ટિનું દર્શન અને અવલોકન ધ્યાનથી કરતા રહે છે. સર્વત્ર છવાયેલા સજીવ નિર્જીવ તમામ પર દ્રષ્ટિ કરવામાં આવે તો એક વસ્તુ ચોક્કસપણે લાગ્યા વગર ન જ રહે કે, સૌ સ્વતંત્રપણે પોતપોતાનાં કાર્યો સતત કોઈ પણ જાતની રોકટોક વગર કરતાં રહે છે. નથી તેઓએ કોઈને પુછવાનું હોતું કે નથી કોઈની રજા લેવાની. સમગ્રપણે સ્વતંત્રતાનું સામ્રાજ્ય પ્રવર્તતું દેખાય છે. અગણિત પ્રકારનાં પક્ષીઓ રોકટોક વગર સ્વેચ્છાએ અહીં તહીં ઉડતાં ફરે છે. મસ્તીમાં મસ્ત થઈને બિન્ધાસ્ત ઉડ્યા કરે છે. 

અસંખ્ય પુષ્પો રોજ સવાર સાંજ ખીલતાં રહે છે તે પણ પોતાની ઈચ્છાથી. વૃક્ષો પોતાની ડાળને સ્વેચ્છાએ હલાવી શકે છે પવન બે રોકટોક વહેતો રહે છે. નદીઓનાં નિર્મળ જળ ઈચ્છીત દિશામાં નિરંતર વહેતાં રહે છે. ઝરમર ઝરમર કરતાં ઝરણાં ઝરતાં રહે છે. સાગરનાં પાણીમાં વમળો થતાં રહે છે. તેમાં ઉઠતા તરંગો જાણે નર્તન કરતાં હોય તેમ જણાય છે અને તેમાંથી ઉદભવતા નાદ એક અનોખુ સંગીત ઉત્પન્ન કરે છે. આમ સમસ્ત સૃષ્ટિ સ્વતંત્રપણે રોકટોક વગર પોતે જે કરવું હોય તે કરે છે. કિતુ શું માનવ માટે મન ગમતું કરતા રહેવું શક્ય છે? મનુષ્ય તો સમગ્ર સૃષ્ટિમાં વિષેશ પ્રાણી છે છતાં તે કેમ ગુલામીની જાળમાં ફસાયેલો હશે?

__________________________________

 ૫)  અલ્પા વસા

 બાળ હ્દયની અનુભૂતિ 

ઉમાશંકર જોષી 

તને નાનીશીને કશું રડવું કશું કકળવું

છતાં સૌએ રોયાં ! રડી જે વડમાં લોક શરમેં

હસી જો કે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં

બિચારી બાના બે ગુપત ચખબિંદુ ય વચમાં

ખર્યાં સ્પર્શ્યાં તુંને નહીં,યમસમાં ડાઘુજન તે

નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને

વિચાર્યું તું જેવે- મરણ કૂણું તે શીદ રડવું?

-છતાં સૌએ રોયાં રૂધિસર દઈ હાથ લમણે

ખભે લૈને ચાલ્યા,જરી લઈ,વળાંકે વળી

તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી

રહી’તી તાકી એ, શિર પરચઢીને અવરને

સૂઈ રહેવાની આ રમત તુજ દેખી અવનવી

અને પોતે ઉંચા કર કરીમથી ક્યાંક ચઢવા;

અમે આગે ચાલ્યા-રમત પરખીનેજ કપરી

ગળા પૂંઠે નાખી કર ,પગ પછાડી ,સ્વર ઉંચે

ગઈ મંડી રોવા ,તુજ મરણની ખોટ વસમી

અકેલીએ આખા જગ મહીં એણેજ વરતી

અને રોવું ન હતું મુજથી રોવાઈ ગયું!

                 ઉમાશંકર જોષી સાહિત્ય ક્ષેત્રે એક અનોખી ઊંચાઈ ધરાવતું નામ છે. સાહિત્ય ક્ષેત્રે એમણે દરેક વિષયનું ઉડાણથી ખેડાણ કર્યું છે.  કહેવાય છે ને, ” જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.” એમ ઉમાશંકરજી એ બાળકના મૃત્યુનો વિષય લઈને કાવ્ય રચી આપણા હ્દયના તાર ઝણઝણાવી દીધા છે. 

              આજીવન શિક્ષક રહી ચૂકેલા ઉમાશંકર જોષીએ આ કાવ્યમાં એક મૃત બાળકીને સ્મશાને લઈ જતા, તે જોતી બીજી બાળકીની અનુભૂતિ વિશે ખૂબ બારીકાઈથી, જાણે પોતે જ એ અવલોકન કર્યું હોય તેવી અનુભૂતિ વર્ણવી છે. તેઓ કહે છે, એક નાની બાળકીના મૃત્યુ પર, એક કૂણા મરણ પર શું રડવું? એવું ડાઘુઓ વિચારી, ચૂપચાપ નનામી લઈને જતા હતા. ફક્ત એની મા ના બે અશ્રુબિંદુ ખર્યા હતા પણ કોઈને સ્પર્શ્યા નહી. ડાઘુઓ જ્યારે નનામી લઈને જતા હતા ત્યારે એની બાળસખી, અહીં કવિએ સખી માટે સુંદર શબ્દ વાપર્યો છે ગોઠણ. એને ચાર ખભા પર ચઢીને, નનામી પર સૂઈને જતા જુવે છે. એના બાળ હ્દયને લાગ્યું કે સૂઈને ઉંચકાવાની એની સખીને કોઈ નવી રમત છે. ને એને પણ એ રમવાની ઈચ્છા થાય છે. નનામી આગળ નિકળી જતા એ નાની બાળકી પગ પછાડી, ઉંચા સ્વરે રડવા લાગે છે, જાણે એને જ એકલીને તે બાળકીની ખૂબ વસમી ખોટ પડી ગઈ હોય તેમ. ને એક બાળકીને રડતી જોઈ મુલાયમ કવિ હ્દય દ્રવી ઉઠ્યું, એમને નહોતું રડવું છતાં એમનાથી રડાઈ ગયું. 

                 આમ ઉમાશંકરજીની રચનાઓમાં વિષયનું ખૂબ વૈવિધ્ય જોવા મળે છે. કવિશ્રી વિષ્ણુ પ્રસાદે એમને ” યુગ પ્રચારક સાક્ષર” તરીકે ઓળખાવ્યા છે. આવા મહાન આત્માને શત્ શત્ વંદન. 

_________________________________  ૬) ઉર્વશી શાહ

ગાંધીગિરા

સદા સૌમ્ય શી વૈભવને ઊભરાતી,

મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેશી તાળી,

સુધા કર્ણ સીંચ ગુણવાળી રસાળી.

કરે બોલતા જે , ભર્યા ભાવ છાતી,

રમો માતૃભાષા મુખે ગૂજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,

થયા પ્રેમભટને અખો ભક્ત ધીરા.

પૂજી  નર્મદે કાન્ત ગોવર્ધન ને જે,

હજી  ન્હાનલે કલ્પના ભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા- સુહાતી.

નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

-ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિ હતાં. તેઓએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે .

    આ  કાવ્ય તેમના ‘અભિજ્ઞા’ કાવ્યગ્રંથમાંથી લેવામાં આવ્યું છે જે ૧૯૬૭માં બહાર પડયો હતો. આ કાવ્યમાં કવિએ પોતાની માતૃભાષા ગુજરાતીના ગુણગાન ગાયા છે અને એનો વૈભવ કેટલો અનેરો છે તે દર્શાવ્યું છે.

    તેમને લાગે છે કે ગુજરાતી ભાષા સૌમ્ય, નાજુક અને છતાં વૈભવને ઉજાગર કરે છે. બીજી ભાષાઓને સખીઓ માની તે તાળી આપી રમે છે. તે કર્ણને ગુણવાળી અને મધુર અમૃત સમાન લાગે છે. ગુજરાતી ભાષાથી જાણે કે છાતીમાં અમૃત ભર્યા હોય તેવું લાગે છે. મારા મુખે હંમેશા મારી માતૃભાષા રહે.

    કવિ અહીં માતૃભાષાનો આદર કરતાં કહે છે જે માણસ પોતાની ભાષાને હડધૂત કરે છે તે પોતાની માને હડધૂત કરતાં હોય છે. ભારતીય લેખકને પોતાની માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ.

    ગુજરાતી ભાષાને હેમચંદ્રાચાર્યના આશિષ મળ્યાં છે. ગુજરાતી ભાષાને નરસિંહ, મીરાં, પ્રેમભટ્ટ, અખો જેવા ભક્તો મળ્યાં છે. નર્મદ, કાન્ત અને ગોવર્ધનરામનો વરસો મળ્યો છે. માટે જ તેઓ કહે છે “અંગ્રેજી બારી છે એના દ્વારા નવી હવા ભલે આવે પણ આપને તો અંગ્રેજીને ‘ગેટવે ઓફ ઇન્ડિયા’ બનાવી દીધી છે. અંગ્રેજી ડ્રોઈંગ રૂમની ભાષા ભલે હોય પણ શયનખંડની ભાષા ન હોવી જોઈએ.” નહેરુજીના માટે આપણી માતૃભાષા એ ઘર નો ઉંબરો છે. અન્ય ભાષા ઉંબરામાંથી ફૂટતો રસ્તો છે.

    કવિ ન્હાનાલાલ જે કલ્પના, ભવ્યતા આપે છે તેના તેજે આપને ચાલવાનું છે. સ્થિર થઈને, સત્ય સાથી બનીને અહિંસાના માર્ગે. અહિંસાના માર્ગે ચાલતાં નમીએ અને કહીએ ‘ધન્ય છે આ ગાંધીગિરાને’.

    ગુણવંત શાહ કહે છે કે અંગ્રેજી આપણી માસી છે અને આપણી માતૃભાષા એ આપણી મા. તે માનું સ્થાન ન લઇ શકે. મા તે મા છે. આ આખી કવિતાનો સાર જોઈએ તો આપણી માતૃભાષા ગુજરાતી મહાન ભાષા છે. આપણે આપણું ગુજરાતીપણું જાળવવાનું છે. આપણે આપણા મૂળ ઉખેડવાનાં નથી.

__________________________________

૭)  કુસુમ કુંડારિયા.

 બળતાં પાણી.

નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો.,

પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.

ઘણું દાઝે દેહે, તપીતપી ઊડે બિંદુ જળનાં.

વરાળો હૈયાની પણ મદદ કૈં ના દઈ શકે.

જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે

પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.

અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું

નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી

ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?

નદીને પાસેનાં સળગી મરતાં ને અવગણી

જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!

પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,

વહી આવી આંહીં ગિરિદવ શમવાનું થઈ રહે!

અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?

           ઉમાશંકર જોશી.

     “બળતાં પાણી” કવિતા ઉમાશંકર જોશીના ‘ગંગોત્રી’ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે,   ઉમાશંકર જોશીનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૧૧માં બામણા, ગુજરાતમાં થયો હતો. તેમનું ઉપનામ વાસુકિ શ્રવણ છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને જ્ઞાનપીઠ એવોર્ડ અને અકાદમી પુરસ્કાર પણ મળેલ છે. ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના ગાંધીયુગના કવિ છે. અને ગાંધી દર્શનથી પ્રભાવિત કવિ છે. તેમની કવિતામાં વાસ્તવિકતા,  અને માનવ સંવેદનાની ઝલક જોવા મળે છે. અહીં આપેલ કાવ્યમાં કવિએ નદીની વેદનાની વાત કરી છે. કવિએ અહીં નદીમાં સજીવારોપણ કર્યું છે, જાણે નદી પણ માણસની જેમ વિચારે છે. અને સુખ, દુ:ખની લાગણી અનુભવે છે! પોતાના જન્મદાતા પર્વતને ખરી મુશ્કેલીના સમયમાં પોતે મદદરૂપ થઇ શકતી નથી. તેને કોઈ બંધન છે જે તે તોડી શકતી નથી, પોતે સ્વજનની પીડા જુએ છે પણ તેને અવગણીને બીજાની પીડાનું શમન કરવા જાય છે. નદીની આ સ્થિતિ સંઘર્ષ ભરેલી છે. તેને અત્યંત પીડા થાય છે. આ પીડા જ કવિતાના કેન્ર્દ સ્થાને છે. નદીની પીડા એ એક યુવકની પીડા પણ છે. તે આખી  કવિતાને સમજ્યા પછી આપણને સમજાય છે.

     જે પર્વતોએ હૈયું નિચોવીને નદીને જન્મ આપ્યો છે તે પર્વતો પર આગ લાગે છે ત્યારે નદી પર્વતની બાજુમાંથી પસાર થઈ રહી હોય છે. અને તેના પાણીમાં બળતા પર્વતની આગનું પ્રતિબિંબ પડે છે. તેથી નદી પણ અંત:કરણથી બળતી દેખાય છે. પરંતુ નદી પોતાનો માર્ગ છોડીને પર્વતની આગને હોલવવા જઈ શકતી નથી. આ તે કેવી કરુણતા! એણે તો દૂર સાગરના હ્યદયમાં સળગતા વડવાગ્નિને ઠારવા જવું પડે છે. એ એના દુ:ખનું કારણ છે. જોકે, એ જ સાગરના પાણીની વરાળ થઈ વાદળીઓ પાછી પર્વત ઉપર જઇ વરસશે એવું તે વિચારે છે પણ પછી તરત પ્રશ્ન થાય છે કે તે ક્યારે? પર્વત ઉપરની આગ બધું ભસ્મ કરી દેશે પછી જ! આ આખું દ્રશ્ય કવિતામાં સરસ રીતે કહેવાયું છે. પણ આ દ્રશ્ય દ્વારા કવિને કંઈક બીજુંય સિદ્ધ કરવું છે. નદીની વ્યથા તો નિમિત્ત છે. એના દ્વારા કવિ ગાંધીયુગના યુવકની મનોસ્થિતિનો ચિતાર આપવા માગે છે. યુવકે પોતાનું જીવન સમાજના અનિષ્ટો નાબૂદ કરવામાં હોમી દેવું જોઈએ. એ ગાંધીયુગની એ સમયની આપણી મોટામાં મોટી જરૂરિયાત હતી. યુવાન પોતાનું સમગ્ર જીવન હોમવા તૈયાર તો થાય છે. પણ તેમ કરવામાં તેના મનમાં મોટી વેદના છે. અને એ વેદના છે પોતાના માબાપ અનેક યાતના ભોગવી રહ્યા છે છતા તેને તે કશી મદદ કરી શકતો નથી એની,

     આપણા જેવા ગરીબ દેશમાં મા-બાપ પોતાનું જીવન નિચોવીને પુત્રને શિક્ષણ અને સંસ્કાર આપે છે. અને માબાપને જ્યારે પોતાના યુવાન દીકરાની ખરી જરૂર હોય છે ત્યારે જ એ અલભ્ય હોય છે! યુવાન શક્તિશાળી છે માબાપની પીડાને દૂર કરવા સમર્થ છે, પણ એ યુવાન દેશને સમર્પિત હોય છે પોતે સ્વિકારેલી મર્યાદાને એ તોડી શકતો નથી. ભલે તે સામાજિક અને રાષ્ર્ટિય અનિષ્ટો સામે લડવા જાય છે. તે અનિષ્ટો દૂર થતા લાભ આખા સમાજને મળવાનો છે. પણ એ ક્યારે?  અરે! એ તો સહુ ભસ્મ થઇ જાય પછી? જે પિતા પ્રત્યે તેની ફરજ છે એ તો નહિ બજાવી શકે! અને આ જ તેની મોટામાં મોટી કરુણતા છે. તેની પીડા અને વ્યથા છે. અને તેની આ પીડા નદીના રૂપક દ્વારા રજૂ કરવામાં આવી છે. ભલે આ સોનેટ કાવ્ય નથી. પણ તેનો ભાવ સોનેટ જેવો છે. બળતાં પાણી એ ઉત્તમ અન્યોક્તિકાવ્ય તરીકે આપણે જરૂર ઓળખી શકીએ.

     મારી દ્રષ્ટિએ આ કાવ્ય સાસરે ગયેલી દીકરીની મનોવેદનાને પણ રજૂ કરે છે. જેમ નદી તેના જન્મદાતા પર્વતને તેના સંકટ સમયે ઇચ્છા હોવા છતાંય તેની મર્યાદાના કારણે કંઇ મદદ કરી શકતી નથી. તેની આગને બુઝાવી શકતી નથી. પણ તેનું કર્મ દરિયામાં ભળવાનું છે. તેની આગ બુઝાવવાનું છે. તેમ દીકરી પણ જ્યારે પિતાનું ઘર છોડી સાસરે જાય છે પછી તે પણ તેનો ધર્મ અને મર્યાદાને છોડી શકતી નથી. માતા-પિતાને તેની ગમે તેટલી જરૂર હોય તો પણ તે પોતાના પતિ અને તેના પરિવારને છોડીને આવી શકતી નથી. પોતાનો ધર્મ એ નિષ્ઠાથી બજાવે છે,

________________________________

૮) આરતી રાજપોપટ 

 “અંત એ કલીચક્ર નો?”

અનેક પુરસ્કારો અને સન્માનોથી વિભૂષિત, કવિતાા નાટક, નવલિકા, નવલકથા,નિબંધ, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર, સંપાદન, વિવેચન, સંશોધન, અનુવાદ.. સાહિત્યના એકેય આયામ એમની લેખનીથી અલિપ્ત નથી એવા શ્રી ઉમાશંકર જોશીનો જન્મ ૨૧-૦૭-૧૯૧૧ ના સાબરકાંઠાના બામણા ગામમાં થયેલો. એમ. એ ના અભ્યાસ સાથે વિદ્યાપીઠોમાં અધ્યાપક અને કુલપતિ તરીકે તેમણે સેવા આપી. તો, સત્યાગ્રહના આંદોલનમાં પણ સક્રિય રહ્યા. પાંચ દાયકાની એમની વિશાળ સર્જનયાત્રાની શરૂઆત ૧૭ વર્ષની વયે પ્રથમ કાવ્ય થી અને માત્ર ૧૯ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ ‘વિશ્વશાંતિ’ થી થઈ હતી. નાનાવિધ પ્રકારનું સાહિત્ય સર્જવા છતાં એમનો પ્રથમ પ્રેમ કવિતા હતી. આથી એમનું શ્રેષ્ઠ પ્રદાન કવિતામાં જોવા મળે છે. એમનું કવિતાજગત અનેક ભાવવિશ્વથી ભરેલું છે. સુંદર, છન્દોબદ્ધ અને ઉત્કૃષ્ટ ભાષામાં લખાયેલા કાવ્યોથી સભર એમના કાવ્યસંગ્રહો આની સાક્ષી પૂરે છે. અને આજે એમના જન્મના ૧૦૦ વર્ષ પછી પણ આપણને રસતરબોળ કરે છે. અહીં વાત કરવી છે એમની એક અદ્ભૂત રચના:

 ‌”અંત એ કલી ચક્રનો?” ‌ની ‌ ‌

“મોહન વિરુદ્ધ મોહનદાસ” એક અભૂતપૂર્વ સામ્ય! 

યમુનાને તટે જન્મી, ખેલી, દુષ્ટ જનો દમી,

સ્થાપ્યાં સ્વ-ભૂમિથી ચ્યુત સ્વજનો અન્ય દેશમાં;

અને ભારતના યુદ્ધે નિઃશસ્ત્ર રહીને સ્વયં,

હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ, ને ધર્મરાજને

લોકકલ્યાણનાં સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં

યથાકાળે પુણ્ય સિંધુતીરે સૌરાષ્ટ્રમાં શમ્યા

પારધીશર ઝીલીને ધર્મગોપ્તા નરોત્તમ.

અને આતુર ઊભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ.

જન્મી સૌરાષ્ટ્રના સિંધુતીરે, સ્વભૂમિભ્રષ્ટ સૌ

સ્વદેશીજનને સ્થાપ્યાં ગૌરવે પરદેશમાં;

દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર, ભારતે

નિઃશસ્ત્ર યુદ્ધ જગવી, કરે ધારી સુ-દર્શન-

ચક્ર શ્રી-સ્મિત-વર્ષંતું, સ્થાપી હૃદયધર્મને

હસ્તિનાપુર-દિલ્હી-માં, ધર્મસંસ્થાપના-મચ્યા

ઝીલી સ્વજનની ગોળી યમુનાતટ જૈ શમ્યા.

હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો?

– ઉમાશંકર જોશી.

આશરે પાંચ હજાર વર્ષના સમયગાળાના બે અલગ અલગ બિંદુએ થઈ ગયેલા બે મહામાનવોને એકસૂત્રે બાંધી આ કાવ્ય રચી કવિ શબ્દોનો, કલમનો અને કલ્પનાનો જાદુ જગાવે છે. કાલ અને આજ આ બે અંતિમોની વચ્ચે ફેલાયેલા અંતરાયને, બે છેડાને અડોઅડ ગોઠવી કવિતાના શબ્દોમાં પોરવી આપણી સમક્ષ રજુ કરે છે. આ અષ્ટક યુગ્મથી બનેલ સોળ પંક્તિનું એક ઊર્મિકાવ્ય છે. કવિએ કવિતાને બે સમાન ભાગમાં વહેંચી છે. કવિતાના એક ભાગમાં મોહન છે અને બીજામાં મોહનદાસ. પોતપોતાના સમયના યુગપુરુષો વચ્ચેની સામ્યતાની, એમના જનકલ્યાણની વાત કરી છે. બંને મહામાનવો માટે એકસમાન શબ્દો, વિશેષણો, સ્થળો વગેરેના પ્રયોજનથી કાવ્યતત્વ જન્મે છે એ જોઈ કવિની કલ્પના શક્તિ અને કળાનો ખ્યાલ આવે ને આપણને સહજ થાય કે કવિ શબ્દો પાસે નહીં પણ, શબ્દો કવિ પાસે સ્વયં આવ્યા છે!અહીં પ્રથમ ભાગમાં મોહન એટલે કે કૃષ્ણની વાત છે. જે વાત ભાગવતમાં આપણે બધા જાણીને મોટા થયા છીએ. યમુના તટે જન્મ્યા, રમ્યા, મોટા થયા, અસુરોને હણ્યા અને સ્વજનોને લઈ અન્ય જગ્યાએ વસ્યા. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પોતે નિ:શસ્ત્ર રહી હસ્તિનાપુરમાં ધર્મ સ્થાપ્યો. ધર્મરાજા યુધિષ્ઠિરને લોકકલ્યાણના સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં સિન્ધુતીરે પારધી ના બાણથી વીંધાઈ જીવનશમન કર્યું. 

અને ત્યારે જાણે રાહ જોઈ ઉભેલો કલિયુગ પ્રવર્તયો. 

અહીંથી વાત આગળ વધી પહોંચે છે એ સમયે પ્રવેશેલ અને હજારો વર્ષથી પ્રવર્તિત કળિયુગના બીજા શીરે. જેમાં મહાભારતના સમયથી તદ્દન ભિન્ન છતાં સમાન પરિસ્થિતિનું સુંદર નિરૂપણ. સૌરાષ્ટ્રના સિંધુતીરે જન્મી, સ્વદેશી જનને પરદેશમાં ગૌરવ અપાવી, ગુલામ ભારતમાં નિઃશસ્ત્ર યુદ્ધ ખેલી, મુખ પર સ્મિતરૂપી સુદર્શન ચક્ર ધરી દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવી, સ્વજનની ગોળી ઝેલી યમુના તટે શમ્યા! ‌એવા મહાત્માની વાત.

 ‘હજીયે આવશે ના કે અંત એ ક્લીચક્રનો?’ એમ જ્યારે કવિ કહે છે ત્યારે, લોકકલ્યાણના માર્ગે ચાલતા મહાનાયકને વેઠવી પડતી પીડા એમના શબ્દોમાં છલકે છે. ‘મોહન..’ માત્ર નામમાં જ સામ્યતા હતી એવું નથી પણ, એ સિંધુતીરે પગલાં પાડનાર એક મહામાનવની ચરણરજ થકી એમનો જ એક અંશ, એક ઓલીઓ પેદા થયો જાણે! એવી અનુભૂતિ થાય છે. અને ચક્ર ઊંધું ફરે છે. અહીં કવિએ કૃષ્ણ સાથે ગાંધીજીના તાર બખૂબી મેળવ્યા છે. કૃષ્ણનો અંત સૌરાષ્ટ્રમાં સિંધુતીરે થયો ત્યાં ગાંધીજીનો જન્મ થયો. કૃષ્ણનો જન્મ યમુના તટે થયો ગાંધીજીનો અંત ત્યાં થયો. કૃષ્ણે દુષ્ટોનું દમન કર્યું તો ગાંધીજીએ દુષ્ટતાનું દમન કર્યું. કૃષ્ણ અને ગાંધીજી બન્નેએ સ્વભુમીથી દૂર થયેલા સ્વજનોને પરદેશમાં સ્થાપિત કર્યા. શ્રીકૃષ્ણે સ્વયં મહાભારતના યુદ્ધમાં નિઃશસ્ત્ર રહી લડાઈ પાર પાડી એ જ રીતે ગાંધીજીએ સ્વદેશ આવી અંગ્રેજ સામે અહિંસક યુદ્ધ જગાવ્યું. કૃષ્ણ સુંદર્શનધારી હતા તો મહાત્મા સુ- દર્શનધારી હતા. અહીં શબ્દની વચ્ચે એક નાનકડી લઘુરેખા- મૂકીને કવિ સુદર્શન અને સુ-દર્શન વચ્ચે જે અર્થ જન્માવે છે, એ એમના સક્ષમ કવિકર્મની સાદેહી પુરે છે. આમ, બે મહામાનવોના કાર્યોની સમાનતા દર્શાવી કવિ આ ઉત્તમ અભૂતપૂર્વ સરખામણીમાં, શબ્દે શબ્દમાં શ્રેષ્ઠ કવિકર્મનો સંસ્પર્શ આપે છે. અને એમની કલમ થકી જન્મે છે એક અદ્ભૂત કાવ્ય. ‌ ‌ ‌

__________________________________ ‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌

૯) પૂજા(અલકા) કાનાણી.

દરેક જીવને જીવવાનો અધિકાર છે

મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો,

પહેલાં તો કાઢું વટહુકમ કે આ જ ક્ષણ થી,

પ્રજા મારી પંખી_ મનુજ_ પશુ ને કીટકઞણો,

 બધાંને જીવ્યાનો જ હક,હણવાનો હક નથી.દ્ધુમોની ડાળી ને નીડ,નગર_આવાસ ભીડમાં વનોની ઝાડી . કે ઞિરિકુહરમાં,ભૂમિભીતરે

જહીં આબાદી ત્યાં સહુયે  મળી મેળા રચી રહો પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કશીય હો,

હું પૃથ્વીનો રાજા,અવર ગ્રહશું વિગ્રહ નહિ કરારો મૈત્રીના કરું,અગર હો આક્રમણ તો પ્રીતિનું જેમાં ના જીતવું પણ જીતાઈ જ જવું.

સ્વ_તંત્રે વ્યક્તિના રહું વિરચી હું શાસન નવું.

પ્રજાને એવા તો સ્વનિયમમાં બાંધી લઉં કે પછી ના રાજા કે હકૂમતની એને જરૂર રહે!

ઉમાશંકર જોષી.

   જનમ_૨૧/૭/૧૯૧૧.     

   અવસાન_૧૯/૧૨/૧૯૮૮

     ઉમાશંકર જોષી બહુમુખી પ્રતિભા ધરાવનાર કવિ હતા.ગુજરાતી સાહિત્યમાં ” વાસુકી” અને “શ્રવણ” ઉપનામધારી આ કવિનો જનમ સાબરકાંઠા જિલ્લાના ઇડર ગામમાં થયો હતો.ઉમાશંકર  જોશીને સાહિત્ય સર્જન માટે ઘણા સુવર્ણચંદ્રકો પ્રાપ્ત થયા હતા. એમણે કવિતા,નાટક,નવલિકા,નિબંધ,વિવેચન, સંપાદન ક્ષેત્રે અનન્ય કાર્ય કર્યું છે.તેમના કાવ્યમાં ” વ્યક્તિ મટીને વિશ્વમાનવી”નો અભિગમ સ્પષ્ટ જોવા મળે.

    પ્રસ્તુત કાવ્યમાં”જીવો અને જીવવા દો નો” ભાવ પ્રગટ થાય છે.આપણને પૃથ્વી પર હકૂમત કરવા મળે તો? આપણાં માટે જ વિચારીએ ને? પણ અહીં તો કવિ નાના_ મોટા દરેક સજીવ માટે વિચારે છે.અને  સૌથી પહેલો એવો વટહુકમ બહાર પાડવા માંગે છે, જ્યાં બધાને જીવવાનો સમાન હક હોય.પશુ-પંખી,મનુષ્યો અને કીટકો તમામને જીવવાનો હક છે. કોઈને પણ અન્ય જીવોને હણવાનો હક નથી. આપણે જોઈએ છીએ કે માનવજાત પોતાનાં સ્વાર્થ માટે અન્ય જીવોને હાની પહોંચાડે છે.એવું કરવાની કવિ અહીં  સ્પષ્ટ ના પાડે છે.કારણકે આવું કરવાથી માળામાં,નગરમાં,ઝાડીમાં,પર્વતની ગુફામાં કે જમીનની અંદર બધા ભેગા મળીને રહેશે તો ચોક્કસ એનાં સારા પરિણામ આવશે.સૌ આબાદ પણ થશે.અને આગળ કહ્યું છે” જો હું રાજા બનું તો મારી પ્રજાને કશીય ફરિયાદ નહીં રહે. કારણકે હું એવા મૈત્રીના કરાર કરવા માંગુ છું”. જ્યાં સદાય પ્રીતિનું આક્રમણ હશે અને જેમાં કોઈને જીતવાનું નહીં હોય બધાંને અન્યો દ્વારા જિતાઇ જવાનું હશે.અને પ્રજાને એવા સ્વનિયમનમાં બાંધી દઈશ કે કોઈ રાજા કે તેની હકૂમતની જરૂરત જ ના રહે.

__________________________________

૧૦) ભગવતી પંચમતીયા. ‘રોશની’

 કોઈ જોડે કોઈ તોડે 

કોઈ જોડે કોઈ તોડે

પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે

કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,

કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…

કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,

કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે… પ્રીતડી…

કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,

કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે… પ્રીતડી…

કોઈ જોડે કોઈ તોડે

પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે…

-ઉમાશંકર જોશી

ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત સાહિત્યકારોમાં ઉમાશંકરનું નામ અગ્ર ક્રમે લેવામાં આવે છે. તેમનો જન્મ ગુજરાતનાં બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧માં થયો હતો. ૧૦૦થી વધુ વર્ષો થઈ ગયાં હોવા છતાં તેઓનું નામ હજુ પણ લોકો ભૂલ્યા નથી. માતા નવલબેન અને પિતા જેઠાલાલ કમલજી જોશીનાં નવ સંતાનોમાં ઉમાશંકરનો નંબર ત્રીજો હતો. ૧૯૩૭માં તેમનાં લગ્ન જ્યોત્સનાબેન જોડે થયાં હતાં. તેમની બે પુત્રીઓનાં નામ અનુક્રમે નંદિની અને સ્વાતિ છે. તેમણે શિક્ષણ બામણા, ઈડર,અમદાવાદ અને મુંબઈ ખાતે લીધું હતું. સંસ્કૃત અને ગુજરાતી વિષયો જોડે તેમણે પ્રથમ વર્ગમાં એમ.એ. કરેલું.

  પ્રસ્તુત કાવ્યમાં કવિએ પ્રીત કરનારાઓના જુદા જુદા પ્રકારોને વર્ણવ્યા છે. કવિ કહે છે કે પ્રીત કરનારાં પણ અલગ અલગ મિજાજ ધરાવતાં હોય છે. જેમ કે કોઈ પ્રીતથી જાતને જોડી દે છે. તો વળી કોઈ પ્રીતને જ તોડી દે છે. કોઈ કોઈમાં ખૂબ ગુમાન એટલે કે અભિમાન ભરેલું હોય. એટલે ભાવ અભિવ્યક્ત કરવાનું ટાળે અને સામાં પાત્રને એમ જતાવે કે પોતાને પ્રીતની જરા પણ જરૂરિયાત નથી. જયારે કેટલાક તો આંખનો જરાક અમથો અણસારો મળે ત્યાં સામે ચાલીને દોડી આવે. 

તો વળી કોઈક એકદમ ગભરુ હોય અને પ્રણયથી દૂર દૂર ચાલ્યાં કરે, પ્રીતથી ડરીને ચાલે. તો કોઈક એનાથી સાવ ઉલટું કરે. ઉમંગમાં ને ઉમંગમાં જલ્દી દોડીને આવી જાય. કોઈ કોઈ બદનસીબ હોઠ લગી આવી ગયેલો પ્રીતિનો જામ ફોડી નાખે છે. તો કોઈક પ્રીત કરનાર હૈયા ખાતર પોતાની જિંદગીને ખતરામાં મૂકી દેતાં પણ અચકાતા નથી. માણસનાં મનને સમજવું બહુ અઘરું છે. સાગર કરતા પણ ગહેરી મનની ઊંડાઈ હોય છે. તેને માપવી એકદમ અશક્ય. એક જ વાત પર દરેકનાં વિચારો અલગ અલગ હોવાનાં. અરે, મન તો એટલું ચંચળ છે કે એક જ વાત પર પણ જુદાં જુદાં સમયે તેની પ્રતિક્રિયા અલગ હોવાની. અને પ્રીત તો મનની વાત.  

આમ, અહીં કવિએ પ્રીત કરતાં લોકોનો મિજાજ વર્ણવ્યો છે.

________________________________

૧૧) હિમાલી મજમુદાર

પ્રકૃતિનું વૈવિધ્ય

ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ

લહરી ઢળકી જતી,

વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી

સ્વૈરપથ એહનો ઝાલીએ

ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ

ચાલને!

વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનો

સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો

કૌમોદીરસ અહો !

અવનિના ગીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો!

ચંદ્રશાળા ભરી ઉછળે,

આંગણામાં ઠળે,

પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,

અધિક ઉજજવળ કરંતો તુજ ભાલને, ગાલને

સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,

ચૈત્રની ચાંદની રાતમાં  ચાલીએ,

ચાલને!

                  ( વસંતવર્ષૉ )

          કુદરતે રચેલા ઋતુચક્રનો મહિમા અનેરો છે. દરેક ઋતુને પોતાનું આગવું રૂપ અને મિજાજ હોય છે. પ્રકૃતિના  વૈવિધ્યને થોભીને જોનાર, માણનાર અને તેના સૌંદર્યનું રસપાન કરનાર શ્રી ઉમાશંકર જોશી એ આ કાવ્ય દ્વારા ચૈત્રની ચાંદની રાતની સુંદર સેર કરાવી છે.પ્રકૃતિના ઉપાસક એવા, કવિના શબ્દો દ્વારા લહેરાતો લય,ગતિ, અને પ્રકૃતિ સાથે નું સામિપ્ય એ કાવ્યનું માધુર્ય છે.

             વન-ઉપવનમાં ખિલેલા પુષ્પની સુગંધ ધીમા પવનની લહેરખી સાથે લહેરાતી હોય છે. ઢળીને,છલકીને અને મલકીને જતી મહેકમાં હાથ ઝાલીને ચૈત્રની ચાંદની રાતમાં કવિ મ્હાલવાનું નિમંત્રણ આપે છે.

            વિરહ અનુભવી રહેલા ઉરમાં જ્યારે કૌમુદીરસ ભરેલા નભનો સ્પર્શ થાય છે.ત્યારે હ્રદયમાં પ્રસરી રહેલી મિલનની એ અનુભૂતી સાથે ચાંદની રાતને માણવાની વાત કવિ અહીં કરે છે.

           ઉગવું અને આથમવું એ કુદરતી ક્રમ છે.કવિએ પોતાની વિચારધારાને કુદરતના સાનિધ્યમાં રમતી મૂકી છે.જે આ પંક્તિ દ્વારા અનુભવી શકાય છે. અવનીના તપતા હ્રદયમાં ચંદ્ર તેની ચાંદનીના અજવાળા પાથરે છે. તેથી આંગણે અદ્ભુત દ્રશ્ય સર્જાય છે.ઝાડ, પાન,અને ફૂલોની હારમાં પથરાયેલી ચાંદની વનદેવીના સેંથાની જેમ ઝગમગે છે. સ્થિર અને શાંત પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતાં જ તરંગો તગતગે છે.

આમ અધિક સુંદર દેખાતા ચંદ્રની ચાંદનીના સૌદર્યનું મનભરીને  રસપાન કરતાં, ચાલ ચૈત્રની ચાંદની રાતમાં મ્હાલીએ. 

          સાહિત્યના શિરોમણી,જ્ઞાનપીઠ એવોર્ડથી પુરસ્કૃત,સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં ઉમદા પ્રદાન કરનાર શ્રી ઉમાશંકર જોશીની અદ્ભુત રચનાને માણતાં આપણો માહ્યલો પણ ચૈત્રની ચાંદની રાતમાં વિહરવાની અનુભૂતિ કયૉ વગર કેવી રીતે રહી શકે?

__________________________________

૧૨) જાગૃતિ રામાનુજ

 પ્રેમાળ પ્રકૃતિનું વૈવેધ્ય

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી;

જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, 

રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,

હંસોની હાર મારે ગણવી હતી;

ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,

અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,

એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજકુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,

અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોષી

 કવિ શ્રી ઉમાશંકર જોશીની આ એક અતિ પ્રિય રચના છે.

          આ રચનામાં કવિ શ્રી ઉમાશંકર જોશીએ હર એક વ્યક્તિના મનમાં આવતા વિચારોના ઘોડાને એક વેગ આપ્યો છે. આજની યુવાપેઢી  જો આ રચના વાંચે તો એના મનના વિચારો જરૂર થનગની ઊઠે. 

         ખુલ્લું આકાશ મળે તો કોઈની પણ સાથે લીધા વિના 

એકલી જ ભમવું છે.કોઈ ભોમિયાની જરૂર જ નથી.અને બધા જ ડુંગરા પર ફરવું છે.જંગલમાં ઝાડ ને વેલાના પાંદડાની બનેલી 

ઘટામાં કુંજ ને જોવી છે.

અવનવા કોતરો ને જોવા છે અને પેલી ઊંડી ઊંડી આવેલી ગુફાઓને પણ જોવી છે.જ્યાં એક પરમ શાંતિ હોય.

ઝરણાં પણ ક્યારેક રડતાં હોય છે એની આંખ એટલે જ માનવ જો એ પણ વિચારે કે ઝરણાની આંખમાંથી ક્યારેય કશું હોય ને જો હોય તો?

    સાંજ જ્યારે કેસરી હોય છે ત્યારે સરોવરના પાણી શાંત થઈ જાય છે.અને એની પાળ સોના જેવી ચમકતી લાગે.અને શાંત જળમાં હંસો જે રીતે હારમાં વિહરતા હોય છે.લાઈનમાં એ બધાને ગણવાની કેવી ખુશી મળે જે અલગ છે.

કોકિલા એ જ્યાં માળો બાંધ્યો છે ત્યાં એ ડાળ પર ઝુલતા અંતરમાં જે વેદના છે એને વણવી હતી કેમ કે એ વેદના ભવિષ્યનો ચિતાર છે.

        ખુલ્લા આકાશ નીચે ઊભા રહી હ્રદયની વાત મોટા આવજે કરવી છે.અને એના જે પડઘા પડશે એ ફરી ઝીલવા છે.

     મારા મે બોલેલા બધા જ  બોલ વેરાઈ અને આભમાં ફેલાય કેવું લાગે?

જાણે કે હું એકલો અને સાવ અટુલા સાવ ઝાંખા પડવા લાગ્યા….અને એટલે જ આખો અવતાર મારે ડુંગરા ભમવા છે.અને ફરી ફરી જંગલમાં કુંજ જે કલબલાટ કરે છે એને સાંભળવી છે.

      એક ભોમિયો પણ ભૂલો પડી જાય એવી ગુફાઓમાં ફરીને અંતરની જે અંતર આત્મા જોવી છે.

બહુ સરસ રીતે અંતરની વાત કહી છે સાવ સરળ શબ્દોમાં પણ ઊંડાઈમાં જઈ બહુ બધું સમજાવ્યું છે કે જિંદગીમાં આ પણ અંતરની આંખથી જોવું જોઈએ.

_________________________________ 

૧૩) ચેતના ગણાત્રા, “ચેતુ”

 મ

આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સમાન ગણાતા ઉમાશંકર જોશીની આ સુપ્રસિદ્ધ રચના. જેને માણવા માટે બધા જ બંધનો તોડીને મુક્ત મને વિહરવું પડે. ઘણા શબ્દોના અર્થ સમજવા માટે કોઈ શબ્દકોશ કામ ના આવે એની માટે તો જીવનકોશ ફંફોળવો પડે. કવિ શ્રી ઉમાશંકરની પ્રત્યેક રચનામાં આવી, અનુભૂતિ થાય એ સાહજિક છે. ઉચ્ચ કોટિના સર્જકની રચનાઓમાં આવી અનુભૂતિના અનુભવ એટલે આપણા અહોભાગ્ય.

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી;

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે

હંસોની હાર મારે ગણવી હતી;

ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે

અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,

અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજકુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,

અંતરની આંખડી લ્હોવી જરી.

આજના ટેક્નિકલ યુગમાં આવી જિંદગીની કલ્પના ખરેખર મનને એક પૂર્ણતા બક્ષે છે. સમય તો સરતો રહ્યો, પરંતુ આપણે સદાય તેના પાબંદ બની ગયા. નિરાંતે બેસીને એક ક્ષણ માટે વિચારીએ, તો એમ થાય કે આપણે ખરેખર પોતાની માટે જીવી રહ્યાં છીએ? ક્યાંક સમયના બંધન, તો ક્યારેક રીતિ-રિવાજના બંધન તો ક્યાંક વળી સંસ્કારના બંધન… કર્તવ્ય અને ફરજના રૂપાળા નામે આપણે જિંદગી જીવવાનું જ ભૂલી ગયા છીએ. આપણને સતત માર્ગદર્શન સાથે જીવવાની આદત પડી ગઈ છે. બધાની પરવા કરવાની આદત પડી ગઈ છે. મારા આ વ્યવહારનો લોકો શું પ્રતિસાદ આપશે? એ ગૂંગળામણમાં અટવાઈ રહ્યા છીએ…

 જીવનના ડુંગરા ભમવા માટે આપણને શિક્ષણ પ્રશિક્ષણ જરૂરી લાગે છે. શું આપણે મુક્ત બનીને પોતાનું જીવન ન જીવી શકીએ? પોતાની સ્વતંત્રતા માણી ના શકીએ? કલ્પનાની પાંખે ઉડીને  કુદરતના ખોળે રમી ના શકીએ?

આ કાવ્યના પ્રત્યેક શબ્દોને આત્મસાત કરીએ તો ખરેખર સુંદર સ્વર્ગ સમું જીવન આપણે જીવી લઈએ. મુક્ત મને સ્નેહભરી સફર જીવીએ તો જિંદગીની પ્રત્યેક ક્ષણને ઉત્સવ બનાવીને ઉજવી શકીએ. ફક્ત એક માણસ બનીને જીવીએ તો માણસાઈથી ભરપૂર જીવન માણી શકીએ. તો આવો, સૌને આવું સુંદર ઉચ્ચતમ જીવન જીવવાનું આમંત્રણ આપતું આ કાવ્ય માણવાનું નિમંત્રણ.

Leave a comment