પ્રાર્થના

અમદાવાદ શાખા

૧)  રશ્મિ જાગીરદાર

ગામ… અમદાવાદ

શીર્ષક… જીદ ના કર

પ્રભુ સાંભળ, 

પ્રાર્થના એ 

મારા મુખની વાણી નથી,

નથી એ કાગળ પર લખાયેલા શબ્દો,

કે નથી ટાઈપ કરેલા અક્ષરો. 

પ્રાર્થના તો, 

મારા અંતરે ઉદ્ભવેલી સરવાણી છે. 

દિલના દ્વારા તને થયેલો પોકાર છે. 

મનના માંડવડે પધારવા, 

તને મોકલેલું આમંત્રણ છે. 

શું તને તે સંભળાય છે? 

ના? તો સાંભળ. 

બસ આજે તો સાંભળ 

અને અમને તારાં બાળકોને સંભાળ. 

આજે અવગણવાની જીદ ના કરીશ પ્રભુ. 

_________________________________

૨) આરતી સોની

શીર્ષક – કર્મ

હે ઈશ્વર..

મંદિરનો ઝાલર ટાણાનો 

ઘંટારવ કેમ ગુંજતો નથી?

શંખે સાદ દીધો 

ક્યાં ગયા ભક્તો બધા 

પ્રભુનું કરતાં હતાં લાલનપાલન

હમણાંથી સ્મરણ 

એ કરતાં નથી? 

ગલીએ ગલીએ હતો શોરબકોર

દાન, ધર્મ, પૂણ્ય કરવા 

મળ્યું જીવન કહેતા’તા

એ પૂજારી એકાંતમાં કાં

સરી પડ્યાં?

કર્મ..

કર્મણ્યે વાધિકારસ્તે

મા ફ્લેષુ કદાચન

સારા કર્મનું ફળ સારું મળે જ છે

ગમે તેટલાં મંદિરના પગથિયા 

ઘસી નાખીશું 

તોયે કરેલા કર્મો પીછો 

નથી છોડતાં..

કર્મ એટલે જ!! 

એક્શન # રિએક્શન 

__________________________________

.

૩) એકતા નીરવ દોશી

 શીર્ષક : આક્રોશ

શું કરું પ્રાર્થના તુજને ઓ ઈશ્વર,

તું જ તો પરમાત્મા ને હું છું નશ્વર.

હું પૂછું તને દુઃખ દર્દ કેમ બનાવ્યા,

સંતાનોને તે લાચાર કેમ બનાવ્યા.

યાદ કરે તને એ તકલીફમાં એ તારી ગરજ તો નથી,

એવું પણ થોડું છે કે ન યાદ કરનારની સમીપ તું નથી.

અર્ચું તને એટલું જ કે પરીક્ષા લેવાનું બંધ કર,

પરમ પિતા છો તો પિતા જેટલા લાડ તો તું કર.

સંતાન તારું નહીં વંઠે એટલી ખાતરી તું રાખ,

ખુશ રહેશે સૌ જીવ તો નહીં જ ડૂબે તારી સાખ.

હું કરું પ્રાર્થના તુજને ઓ ઈશ્વર,

માનવની પરીક્ષા લેવાનું બસ કર!

માનવની પરીક્ષા લેવાનું બસ કર!

__________________________________

૪) કિરણ પિયુષ શાહ

શીર્ષક :- પ્રભુ આતો કેવું કહેવાય

મંદિરના પગથિયાં ચડુને મનની અશાંતિ ભાગતી,

દરશન કરતા સઘળી ચિંતા દૂર થઈ શાંતિ જાગતી.

પ્રભુ આતો કેવું કહેવાય?

આંખ મીચું ને વિચારેલું બધું મન મહી રહી જાતું,

વંદન કરતાં રોમ રોમ બસ તારા જ ગુણલા ગાતું.

પ્રભુ આતો કેવું કહેવાય?

જીવનની ખારાશ બધી  આચમન કરતાં દૂર થાતી,

પ્રાર્થના મારી વગર બોલ્યે સ્વીકારાય પણ જાતી.

પ્રભુ આતો કેવું કહેવાય?

પગ દોડતા મંદિરિયે જાવા, હૈયું ત્યાં ખૂબ હરખાતું,

શીશ નમતું તારી આગળ, ને ભક્ત હ્રદય પરખાતું.

પ્રભુ આતો કેવું કહેવાય?

આખા રસ્તે મન વિચારતું આજ પ્રાર્થનામાં માગું,

પહેલે પગથિયે પહોચું ત્યાં તો સધળું ભૂલી ભાગું.

પ્રભુ આતો કેવું કહેવાય?

હરિ મારો હ્રદયે વસ્યો શ્વાસે શ્વાસે નામ તારું ગાઉં,

ભક્તિ તારી કરતાં પહોચું સ્વધામ, શરણ તારે આઉં.

પ્રભુ આતો કેવું કહેવાય?

સ્વાર્થનાં સંબંધ છોડી સાચું સગપણ તારી સાથે બાંધુ,

એક જ ભાવના ભાવે મનડું, અંતે મળે સત્સંગી ને સાધુ.

પ્રભુ આતો કેવું કહેવાય?

__________________________________

૫) સ્વાતિ સુચક શાહ

શીર્ષક-વચન નિભાવ

તે જ તો કીધું હતું-

संभवामि युगे युगे !

 નહીં પાળે તારું વચન?

      કે પછી..

 ભૂલી ગયો, દીધું વચન?

  આ કલિના અંતમાં,

તું આવશે, ધાર્યું હતું.

અંત હજી કેટલો છે દૂર?

આ નૈન છે મારાં હવે ભરપૂર..

      હશે આ યુગનો અંત

             શું

   આથીયે વધુ ભયાવહ??

   વિચાર આ સદાયે ડરાવતો,

   જાણતો તું પણ હશે જરાક તો!

             જો ને,

    માણસાઈ ના રહી છે

      માનવીમાં લેશ પણ,

   લોભ, ઈર્ષા, વાદ, ચર્ચામાં

      ખોઈ છે જાત પણ,

 હોડ પર મૂકી દીધાં છે..

સંસ્કૃતિ, સંબંધ, પ્રેમને પરિવાર,

રંજ નથી કે નુકસાન કર્યું પ્રકૃતિને પારાવાર,

પ્રકૃતિએ ફરજ નિભાવી,

ધાર્યું રૂપ વિકરાળ.

         તું… 

 ક્યારે કરશે આમ?

સંબંધોની ના ગરિમા,

હેવાનિયતની પણ ન સીમા,

 આચરે છે સૌ ગુનાઓ,

પણ ન પામે છે સજાઓ,

રે હજારો પૂતનાઓ

અવતારી છે આજ તો.

    હવે તો..

હે કરૂણાકર, હે યોગેશ્વર,

 અવતાર ધર, અવતાર ધર.

_________________________________

૬) તેજલ શાહ ” રેવા “

શીર્ષક : અરજ

હે ઈશ્વર..

વિશ્વ વિધાતા,

કરું અરજ એજ જન્મદાતા.

આવે દુઃખની ક્ષણો જ્યારે,

ત્યારે હિંમત મને તું આપજે.

ભટકું હું મારગડો જ્યારે,

ત્યારે રસ્તો મને તું બતાવજે.

અહં નો ભાવ જન્મે જ્યારે,

ત્યારે દીનતા મને તું આપજે.

શ્રધ્ધા મારી ડગમગે જ્યારે,

ત્યારે જ્ઞાનનું ઝરણું મારામાં વહાવજે.

અંતે કરું હું એટલી જ અરજ કે,

 અંત સમય મારો આવે જ્યારે,

ત્યારે તારા ચરણે લઈ મને તું તારજે.

_________________________________

૭) કુસુમ કુંડારિયા,

 શીર્ષક: હે, ઇશ્વર

હે’ ઇશ્વર મારી હરએક ક્ષણનો સાક્ષી તું બનજે

મારું ચિત્ત વેદનાથી મુક્ત બને, ઉમંગ હૈયે તું ભરજે.

ઓ વહાલા પ્રભુ દરેક જીવોનો રક્ષણહાર છે તું.

કૃપા તારી સદાયે વરસાવી સૌના સંકટ તું હરજે.

હે પરમ પિતા હ્યદયમાં કશીક મથામણ ચાલે ત્યારે,

આશ્વાસનના બે બોલ બોલી હાથ મારો તું પકડજે,

હવે બીજું તો શું માંગુ તારી પાસે હે દીનાનાથ!

મૃત્યુ હોય મારી સમીપે ત્યારે હામ હૈયે તું ભરજે.

મારામાં રહેલાં નિજત્વને તું હંમેશા જગાડજે.

દીનહીનને તરછોડાયેલા લોકનો ઉધ્ધાર તું કરજે.

__________________________________

૮) મીનળ. પંડ્યા.જૈન

શીર્ષક: પરમની પ્રાર્થના

વિસ્તર્યું વિશ્વ અજંપામાં

વધ્યો અવિરત કકળાટ

મનોરોગી અશાંત માનવમાં

ખૂબ કોલાહલ મર્મરાટ

ત્યાં ઉઠ્યો નાદ ભીતરમાં

તું કસ્તુરી મઘમઘાટ

ગ્રાહ હાથ દીનનો દુઃખમાં

બન માનવ વિરાટ

શુભ થાઓ સકલ વિશ્વમાં

કર પ્રાર્થના લાગલગાટ

__________________________________

૯) હિમાલી મજમુદાર

શીર્ષક: અનૂભૂતિ

નયનરમ્ય છબી મનોહર

નિત સ્મરું હું  હ્રદયે ધરી

પથ આમારો તું જ ઉજાળ

હે આદિત્ય તેજોમય બની

               માટી કેરા પીંડથી જન્મ્યો

               પુરજે શ્વાસે શ્ચાસે પ્રાણ 

               જીવને શિવનો ખેલ ન્યારો 

               કરજે મારી નૌકા ભવપાર

આવે વિપદા તું સધિયારો

એવો વિશ્વાસ અપરંપાર

અગણિત છે ઉપકાર તારા

તુંજ મારા જીવનનો આધાર

          સત્યમ્ શિવમ્ સુંદરમ્ થકી

          સંસારના આ સૌંદર્યને નિરખી

       ‌   અહોભાવે તારા પગ પખાળી

          થાજો અમારા અંતરે વૃષાલી

__________________________________

૧૦) પ્રિયંકા કે સોની 

શીર્ષક: નિઃસ્વાર્થ સંબંધ

પ્રભુ તું જ મારો હાથ પકડ , 

જીવનનો સાચો રાહ બતાવ.

પરિસ્થિતિ પ્રતિકૂળ થાય ,

ત્યારે મનમાં શાંતિ સ્થાપ.  

છે અહીં સ્વાર્થનાં સંબંધો,

તું નિ:સ્વાર્થ સંબંધ બાંધ.

ના છૂટે આ સંબંધની ગાંઠ,

એવા અતૂટ વચન આપ.

શ્વાસ ચાલે છે ત્યાં સુધી,

તારામાં અડગ શ્રદ્ધા આપ.  

નથી બંધાવું આ ભવફેરાના

બંધનમાં,તું મને મોક્ષ આપ.

_________________________________

૧૧) પ્રફુલ્લા” પ્રસન્ના

શીર્ષક- સમજ

જાણી શકું સાચું સઘળું અસત્યને તારી શકું

સ્વાર્થ કેરા સંબંધો છોડી પ્રભુમય હું બની શકું

હૃદય હોય વિશુદ્ધ અને તું મારી પ્રાર્થનામાં હોય

દાનને ગુપ્ત રાખી આનંદને વહેંચી શકું

હોય વ્યક્તિ કોઈ પણ આત્મસન્માન આપી શકું

નિરર્થક લાગતી  વાતો સહુની શાંતિથી સાંભળી શકું

સમય,ક્ષમા અને પ્રેમ આપવામાં ઉદાર બનું

કોઈનાય દર્દની વાતનો મજાકિયો હું ના બનું

દર્દી બનીને દર્દને એના હું પામી શકું

ચાર દિવસની જિંદગીની આવન જાવન માણી શકું

લાગણીના સ્પંદનો મારા દરેક દિલમાં મોકલી શકું

હૃદય કોઈનું તોડું નહીં એટલી સમજ દે હે પ્રભુ!

કષ્ટ આપજે તું મને તારે આપવા હોય એટલાં

તારા બધા તાપ-શેક  શાંતિથી હું સહી શકું

હું માનવી માણસ બનું એ જ પ્રાર્થના કરું તને

ક્ષમાપના માંગુ હર પળ સાચા રસ્તે  દોરો મને.

__________________________________

૧૨)મનિષા શાહ

એકજ તારો આસરો છે ઈશ્વર 

તારા વિના ક્યાં આરો છે ઈશ્વર 

હું ભટક્યા કરું નીત નવા ધામ

ને મારામાં જ છુપાયો છે ઈશ્વર 

ના કોઈ રૂપમાં ના કોઈ સ્વરૂપમાં 

રચેલી શ્રુષ્ટિમાં દેખાયો છે ઈશ્વર 

જેનું દરેક સર્જન બન્યું બેનમૂન 

હાજર એમાં વર્તાયો છે ઈશ્વર 

નથી કોઈ રસ્તો એને પામવાનો

એક શ્રધ્ધાથી જીતાયો છે ઈશ્વર 

__________________________________ ૧૩)રીટા જાની

શીર્ષક: તારણહાર

પ્રાર્થના મારી, જગના તાતને,

સંભાળજો, આ તમારા બાળને.

અહમનો કોલાહલ શમે,

ઈશનો શાંત છંદ પ્રગટે.

 ધન-દોલતનો લોભ ન જાગે,

 સત્તા-મહત્તા કેરો મોહ ત્યાગે.

પ્રેમભર્યું પ્રભાત ઊગે,

સેવાકાર્ય હો સમી સાંજે.

સેવાકાર્યે શક્તિ પુરજે,

પરમાર્થે કરજે ટેકો.

આપવું હોય તો મન આપજે,

નિસ્પૃહ એવું, કદી ના યાચે.

ભોમિયો બની દિશા સૂચવે,

ઋણસ્વીકાર મારા હૃદયે.

તારણહાર, છો શ્રદ્ધા તાવજે,

ભવાટવિમાં શરણાગત તારજે.

તારા માટે ફરિયાદ શાને

આ તો ફરી ફરી યાદ વાતે

મૌન મારું જે જાણે

શબ્દોથી શું એને પ્રાર્થે?

_________________________________

૧૪) પૂજા(અલકા)કાનાણી

શીર્ષક-અનોખી પ્રાર્થના

હે દયાનિધાન!

નથી મારી પાસે અઘરાં શબ્દો, કે નથી ઉચ્ચ મહત્વકાંક્ષા.

હું તો લાવી  છું માત્ર,

હૃદયની યાચના.

મને સદાય સુખ મળે એવી કૃપા નથી જોઈતી,

મળે દુઃખ જો થોડું તો તને યાદ કરું.

અરે, કયારેક બીમાર પડું તો વાંધો નહીં,

જેથી તારા દીધેલાં શરીર ની અવગણના ન કરું.

થોડી તકલીફ પણ આપજે, હો મારા વ્હાલા!

 નહીંતર મુસીબતમાં હાથ ઝાલનારને કેમ ઓળખીશ?

અને હા, આર્થિક સંકળામણ આપવાનું પણ ભૂલતો નહીં હો,

કારણ કે,  તો જ મહેનતથી કમાયેલા રૂપિયાનું મહત્વ સમજીશ, ખરું ને?

હે કરુણા કર!

થોડી સફળતા પણ આપીશ ને?નહીં તો મારી ઈર્ષા કરનારને કેમ પારખીશ?

થશે તને કે આવી પાર્થના તો પહેલીવાર સાંભળી!

પણ બધાંથી અલગ છે એટલે આશા છે, તું જરૂર સાંભળીશ.

________________________________

૧૫) ઉર્વશી શાહ

હે સ્નેહ અને કરુણાના આરાધ્ય દેવ!

તમે સર્વવ્યાપક,સર્વશકિતમાન અને સર્વજ્ઞ છો.

તમે બધાં ના અંતરવાસી છો!

અમને ઉદારતા,સમદર્શિતા અને મનનું સમત્વ પ્રદાન કરો.

શ્રદ્ધા ,ભકિત અને પ્રજ્ઞાથી આમને કૃતાર્થ કરો.

અમને આધ્યાત્મિક અંત:શકિતનુ વર આપો. જેનાથી અમે વાસનાઓનુ દમન કરી એના પર મનોજય પ્રાપ્ત કરી એ.

અમે અંહકાર,લોભ અને દ્વેષથી દૂર રહીએ.

અમારું ધ્યાન દિવ્ય ગુણોથી પરિપૂર્ણ હોય.

બધાં જ નામરૂપોમા તમારું દર્શન કરીએ.

હંમેશા અમે તમારી જ મહિમાનું ગાન કરીએ.

__________________________________

૧૬) અર્ચિતા દીપક પંડ્યા

હે જન્મદાતા, પોષક, ત્રાતા!

નમીએ સદા ઓ પાલનહારા!

                  હે જન્મદાતા…..

અંધારે તમે તેજ રોશની છો

જગતવનની  સુગમ કેડી છો

          સાથ સદા તમે આપનારા

           બાળ સમા  સાચવનારા

કૃપા તમારી બનાવી રાખજો

આશિષ અમારા ઉપર રાખજો…

                    હે જન્મદાતા….

સંસાર સાગરે  દીવાદાંડી છો

સન્માર્ગી થવા, તમે  કડી છો

              આંખમાં અમી તમે રાખનારા

               સાચી શાંતિ તમે આપનારા

ભાવના અમારી ઊંચી રાખજો

ક્ષમા પણ અમારા  હૈયે વસાવજો

                હે જન્મદાતા…

સગાં ઘણાં પણ સાચા સ્નેહી છો

ભવની વ્યથા તમે હણી લો છો

              અંતરે વસી  ઝળહળનારા

              જીવમાં શિવ બની રહેનારા

સત્યનો માર્ગ અમને ચીંધજો

સદા તમારા શરણમાં રાખજો

               હે જન્મદાતા….

__________________________________

૧૭) સરલા સુતરિયા

શીર્ષક – પ્રાર્થના

  મેં તો કાગળ લખ્યો રે હરિરાયને 

કદંબ ડાળની કલમ કીધી જમના જળની શાહી 

મટુકીમાં સ્નેહ શબદ વલોવી નીપજાવી પ્રેમની વાણી 

વાંસળીના સૂરમાં પુરી સૂર તાલને ….. મેં તો કાગળ લખ્યો રે હરિરાયને

સિર મુકુટ મોરપંખનો પહેરી નયને અમીરસ ધારી

કમલ શું તારૂં મુખડું મજાનું અંગે ચંદનની આડી 

બાંકે બિહારીના નયને સમાયને  ….. મેં તો કાગળ લખ્યો રે હરિરાયને 

યુગે યુગે તારી રાહે અટવાયો, આવવાનું તું વિસરિયો

તારા વિના ભુલો પડી હું ભવરણે, કેટલાં જનમ ભટકિયો

જનમોની તરસ તું આવીને બુઝાવને ….. મેં તો કાગળ લખ્યો રે હરિરાયને

અમીટ છાપ તારી તારણહારની ભવસાગર તું તરાવને

તારા વિના સૂની સૂની ગાવલડી આવીને તું તો ચરાવને

માત-પિતાની પ્રીત યાદ દેવાને  ….. મેં તો કાગળ લખ્યો રે હરિરાયને 

__________________________________

૧૮) જાગૃતિ રામાનુજ

શીર્ષક: પરમાત્મા

*સંકટ*

હે પરમાત્મા!

તારા ચરણકમળમાં

મારી આ પ્રાર્થના.

આ તે કેવો કપરો સમય કાળ,

આ તે કેવી આપી પીડા?

જાણે કે ભીડી વળી

ચારે બાજુથી..

આ માનવજાતને,

માનવ માનવ વચ્ચે કેવું આ અંતર?

તારી જ બનાવેલી સુંદર આ સૃષ્ટિ

વિશાળ આ પ્રકૃતિને,

લીલીછમ આ ધરતીમાતા,

આજ જાણે કે રૂઠ્યા અમથી.

પાંગળી થઈ આ માનવજાત,

પ્રકૃતિના હ્રદયની વ્યથા..

કેમ અમે સાંભળી ના શકયા?

એ મા ની આંખોની વેદના,

કેમ અમે સમજી ના શક્યા?

પણ હા,

અમારી પાસે સમય જ ક્યાં?

અમે તો જાણે

નિર્જીવ…સ્વાર્થી….મૂંગા… બહેરા….યાંત્રિક.

સન્માર્ગે કેમ ચાલીએ?

અમે તો જાણે અપંગ.

જાતે જ ઘેરાયા આ સંકટોમાં, 

અજગરના ભરડા માફક.

કેવા કરીએ હવે આક્રંદ હવે જો ..

પણ, તું દયાળુ હે! પરમાત્મા,

સાંભળને આ અરજ અમારી.

હે સખા!

અંધકારના આ દ્વાર ઉઘાડી શકીએ.

બળ આપ અમને,

કર તું ઉદય એવા પ્રેમનો.

અમંગળ આ સમયમાં

તારી શાતાનું 

એક એક કિરણ

આપ તું સહુને.

અશાંત આ મનમાં,

દુઃખી આ હ્રદયમાં,

એ કિરણ હો સત્યનું,

એ કિરણ હો પ્રેમનું,

આપી તે જ એમને સુંદર દ્રષ્ટિ.

કર તું ઉજ્જવળ એટલી

આંખો પરના હટાવીએ પડદા.

ને, 

તારા અદ્ભુત સૌદર્યને,

પ્રેમભરી નીરખીએ.

મૂંગા આ પ્રાણીઓ, પક્ષીઓ

ને, મુક આ વનસ્પતિઓ.

સાંભળીશું હવે એનો સાદ..

પ્રેમથી પ્રસરાવીશુ હાથ અમારો…

અંધારું ઓગળે અમારું

થાય દર્શન તેજોમય તારા,

એકરૂપ થઇ તારી સાથે.

અનુભવ કરીએ એ પરમ શાંતિનો…

આપ અમને સહનશીલતા,

આપ અમને ગ્રહનશીલતા,

તત્પરતા ને નમ્રતા.

કર્મો કરીશું હવે એવા

અમારા જ કર્મોથી કરીશું

તારી આ નિરાળી સૃષ્ટિને

યુગોયુગ સુધી લીલીછમ.

કરો કૃપા હે અંતર્યામી.

__________________________________

૧૯) આરતી રાજપોપટ

શીર્ષક: અરજ

જીજીવિષાના જાળા  તોડી મમ અંતરચક્ષુને ઉઘાડો

સમજણની મંજૂષા ખોલી જ્ઞાનપીપાસા જગાડો

‘હું’ પણું ના અભિમાનનો

ન આવે કદી ઉફાણો

શ્રદ્ધા દિપક જલતો રાખું

મુજ મનમંદિરે સદા વિરાજો

સુખ કે દુઃખમાં સુમિરન તારું

આતમભાવ સ્વીકારો

સકલવિશ્વનું શુભ વાંછું, હૈયે નિર્મળ પ્રેમ વહાવો.

તવ ચરણોમાં તન-મન સમર્પિત

પ્રભુ મુજ જીવનપથ ને ઉજાળો.

__________________________________

૨૦) જિજ્ઞાસા ઓઝા 

શીર્ષક: અહેસાસ 

હરએક કણ નિહાળું તારું જ સ્થાન લાગે,

તારા વિના જગતમાં,  સઘળું વેરાન લાગે.

 મંદિર નથી હું  જાતી! હા, સ્મિત અહીં વહેંચું,

પીડા ભૂલે એ જ્યારે, તારી અઝાન લાગે. 

ચિંતા નથી જરા પણ, વાવી દીધાં છે સ્વપ્નો,

હિસ્સો ગણીશ સૌનો! તારું જ ગાન લાગે! 

ડોકાય જો ઉદાસી,  ઉવેખીને હું જીવું, 

હર હાલને સ્વીકારું, તારું જ તાન લાગે. 

મારી વ્યથા છે ક્ષુલ્લક, વૈશ્વિક સમસ્યા સામે 

કરવા મદદ ઊઠી હું,  તારું એ ધ્યાન લાગે.

__________________________________

૨૧) ભગવતી પંચમતીયા ‘રોશની’

શીર્ષક : પ્રભુ પ્રાર્થના 

ગઈ હું આજે મંદિરે, મૂર્તિ પ્રભુની તેજે ઝળહળે 

કહેવું હતું જાણે કંઈક, હોઠ મૂર્તિનાં ધીરું ફફડે!

કરી આંખો બંધ મેં ને કર જોડી સરવા કર્યાં કાન,

સંભળાયું, કંઈક તો કહી રહ્યો હતો કુંવર કાન.

મોરલી પડી’તી દૂર ને મુગટ હતો વાંકો,

માખણ ભરેલી મટકી પડી’તી ને ઉદાસ હતી આંખો.

કેવો મનોહર આભ ને ધરતીનો છાંયો તને આપ્યો!

એ માનવ! તેં મારી કૃપાનો કેવો બદલો આપ્યો?

ગાયો મારી રઝળે જ્યાં ત્યાં ને,

જીવો માટે ન મળે દયાનો છાંટો.

જ્યાં જુઓ ત્યાં લડાઈ ઝગડા 

બસ મારો, મારો ને કાપો.

બનાવી’તી સુંદર આ દુનિયા મેં,

થાળ આપ્યો તને સુવિધાનો આખો.

પણ માનવ તું કેવો સ્વાર્થી,

કોઈને આપે ન ટુકડો જરા-સો.

કેમ રહેવું મારે મંદિરમાં

ને કેમ જોવી ખદબદતી વાસનાઓ,

કેમ જોવો નજર સામે મારી,

બુઝાય રહ્યો દીપ આસ્થાનો.

બસ કર હવે, વળ પાછો તું 

એ નાદાન માનવ!

નથી સમજવું હજુ તારે,

સૃષ્ટી કરી રહી છે તાંડવ!

બીજું કંઈ જોઈતું નથી મને,

બસ એક વચન તું આપ.

છોડ તારી દ્રષ્ટી, સર્વ જીવોને 

મારી નજરથી માપ!

ખૂલી ગઈ અને

વરસી પણ પડી આ આંખો મારી,

કેવી ભૂલ છે આપણી, 

 આજે રહ્યો પ્રાર્થી ગીરધારી!

અમેરિકા શાખા

૧)  નિશા વિક્રમ શાહ

શીર્ષક:  “પ્રાર્થના”

મનમંદિર ના ઓ પ્રાણેશ્ચર, 

દર્શન ક્યારે દેશો રે?,

નેહ હવે થાક્યા છે પ્રભુજી,

પોકાર ક્યારે સુણશો રે?,

ના હું જાણું ધૂપ દીપ ને,

ના આરતી તારી ઉતારું રે,

પૂજા પાઠ ની રીત ના જાણું,

ના ભજનો તારા ગાવું રે,

હું તો એટલું જાણું પ્રભુજી,

તું કણ કણ માં વસતો રે,

સઘળા માનવ પ્રાણીમાત્ર માં,

મુજને તું જ દેખાતો રે,

પ્રાર્થના ભક્તિ કશું ન જાણું,

બોલું હું બારાખડી રે,

હાથ જોડી ને વિનવું પ્રભુજી,

પ્રાર્થના જાતે બનાવજે રે,

દયા, પ્રેમ , કરુણા ભરી ઉર માં,

ખાલી હાથ હું આવી રે,

હૃદય પિછાણી કરુણા કરજો,

ભવસાગર પાર ઉતારજો રે,

ના હું મીરા, ના હું નરસિંહ,

તો યે માંગુ વ્હાલા એટલું રે,

ધર્મ, સત્ય ના પુંજ પ્રકાશથી,

આતમ રહે આલોકિત રે,

__________________________________

૨) નામ: સપના વિજાપુરા 

વિષય :પ્રાર્થના 

જુલમની હદ નજર કરી દે મૌલા.

જખમનાં તું મલમ કરી દે મૌલા.

દુનિયામાં કતલ  ન હો ખુદા યા                  

તું ખંજરને કલમ કરી દે મૌલા.

હટાવી દે બિહામણા મંજર યા

હ્રદય મારું ખડક  કરી દે મૌલા.

અમન શાંતી કરી દે જગમાં યા

કયામતની ખબર કરી દે મૌલા.

કરોનાથી ઘણા દિપક બુઝાયા 

હવે રહેમની નજર કરી દે મૌલા 

ફરી સપનાએ હાથ ઉઠાવ્યાં છે.

દુઆમાં તું અસર કરી દે મૌલા.

_________________________________

_૩)  રેખા શુક્લ

શિર્ષક -ભોલેનાથ 

અંતરની ઉર્મિ પોકારે, રોંગટે રોંગટે વસો છો નાથ

વંદુ તુજને પાયે નમીને, મુજ આતમના છો નાથ (1)

પૄથ્વી તમને પાયે લાગે છે, જગતના છો તમે નાથ

જોડી બે હાથ કરે છે વિનંતી , દયા કરો રે હે નાથ (2)

દુનિયામાં થયેલા પાપ ભગાડો બંકબિલેશ્વર નાથ

વિશ્વ ઝંખે  છે શાંતિ, અમે તુજ શરણે આવ્યા નાથ(3)

અંતરથી પાડુ સાદ પ્રભુજી, સાંભળજો અમ નાથ

પરમ કૄપાળુની સ્તુતિ કરી, ધરુ ફુલમાળ હે નાથ(4)

પરમ સમીપે નિત્ય ભક્તિ, સત્સંગ સેવા હે નાથ

સંસારના રોગ સકળ કાપો, પ્રાર્થુ પશુપતિ નાથ (5)

સંકલ્પ આરાધ્ય દેવનો, ધૂપ ચંદન વધાવજો નાથ

વિશ્વાસ તુજ નો મુજમાં ફરી, વાવી તો જા હે નાથ(6)

_________________________________

૪) પ્રવિણાબેન કડકિયા

અંતરથી કાંના તને પાડું છું સાદ 

હળવેથી સાંભળ મારી વાત 

મીરાંને માધવ રૂપે મળ્યો તું

નરસિંહની માણેકનું પુર્યું મામેરું 

વાંક ગુનો મારો બતાવ

હળવેથી સાંભળ મારી વાત 

રામ પ્રતાપે શીલા અહલ્યા થઈ 

સુદામાના તાંદુલની મિઠાશ મધુરી 

વાંક ગુનો મારો બતાવ 

હળવે થી સાંભળ મારી વાત 

ભરી સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા 

દુધપી પુતનાનો કર્યો ઉદ્ધાર 

વાંકગુનો મારો બતાવ 

હળવેથી સાંભળ મારી વાત 

સત્ય અને શાંતિની મશાલ લઈને 

સદાચારનું આભુષણ ધારીને 

દેખાડું દિલડાનો ડાઘ 

હળવેથી સાંભળ મારી વાત

વડોદરા શાખા

૧) અંજના ગાંધી “મૌનું” 

શીર્ષક -પ્રાર્થના 

છંદ – ગાલગાગા ગાલગા 

પ્રભુને ના ભૂલવું, 

પ્રાર્થના કર તું સતત! 

દૂર છું તૂજથી સદા, 

છું જ તારામાં જ રત! 

યાદ એને જો કરે, 

સૂણશે એ તો તરત! 

ક્યાં સુધી સંતાડશે?? 

ભાવનાઓની રમત! 

પાસ એની જા જરા, 

છોડતાં ખોટી મમત!

તું હવે ઓગાળજે,

લાલચોની એ પરત.

_________________________________

૨) વિભાવરી ઉદય લેલે.

શીર્ષક:-“પ્રાર્થના”

આ સ્વર્ણિમ નુતન પ્રભાતે,

આજીજી કરું મારા વ્હાલા.

હું શરણ તને વ્રજવ્હાલા,

દે અભય મને નંદલાલા.

નાથ્યા છે  દુઃખ ઘણાંતે,

રક્ષ્યાં છે ભક્તો ઘણાં તે.

પામ્યાં છે નામ તારું જે,

બક્ષ્યા વરદાન ઘણાં તે.

તું વૈકુંઠ રાજરાજેશ્વર,

દાખવજે દયા પરમેશ્વર.

હું શરણ તને વ્રજવ્હાલા,

દે અભય મને નંદલાલા.

ફેલાઈ બધે મહામારી,

તોળાતું સંકટ ભારી.

વિખેરાયા બધાં વ્યવહારો,

ખોરવાઈ છે દુનિયાદારી.

હે પરમ કૃપાળુ દાતા,

ધરું શીશ નમીને વિધાતા.

અમી નજરું મળે જો તારી,

બડભાગી બનું હું બલિહારી.

I l આ સ્વર્ણિમ નુતન પ્રભાતે l l

——————————————————–

૩) રેખા પટેલ “સખી” 

શીર્ષક : પ્રાર્થના 

મન લગાવી ધ્યાન ધરી કરી મેં પ્રાર્થના,

દર્શન કરી મંદિરમાં મનથી કરી મેં પ્રાર્થના.

મંદિર બહાર દીઠાં મેં દરિદ્ર નારાયણોને,

દિલમાં દયાની સંવેદના સાથે કરી મેં પ્રાર્થના.

છપ્પનભોગ પ્રભુને આરોગતાં દીઠાં,

ગરીબોને ભોજન આપી કરી મેં પ્રાર્થના.

મહાદેવને જોયાં મેં દૂધે સ્નાન કરતાં,

ગરીબ બા બાળકોને દૂધ આપી કરી મેં પ્રાર્થના.

ઘડપણમાં રસ્તા ન થાય પાર,

તેમને રસ્તા પાર કરાવી કરી મેં પ્રાર્થના.

ધરડા ઘરમાં જઈ મોજ કરાવી સૌને,

તેમનાં મુખે આનંદ લાવી કરી મેં પ્રાર્થના.

“સખી” સુખદુઃખના આ સંસારમાં,

ફળ મળ્યું મને નિજાનંદનું કરી મેં પ્રાર્થના.

——————————————————–

૪) વિશાખા. પોટા.

શીર્ષક -પ્રાર્થના .

પ્રાથના એટલે હૃદય ના ઊંડાણ થી કરેલી સાચી ભક્તિ. 

અંતરમન વિકસીત થઇ મળે છે મને છે સંતૃપ્તિ .

એના સાનિધ્ય થી પામુ છું અતૂટ શક્તિ. 

એના અતૂટ લગાવ ની થઈ છે મને પ્રિતિ. 

હું  અર્પણ કરું છું મારી શ્રધ્ધા સુમન ની પંક્તિ.

મારા અંતરની વારંવાર છે આ વિનંતી. 

સંસાર ની આ માયાજાળ માં થી દઈ દે મને મુક્તિ

——————————————————–

૫) મીના વ્યાસ

શીર્ષક: પ્રાર્થના

છંદ : રમલ

બંધારણ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

દર્દ કોઈનું નિવારો તો ફળે છે પ્રાર્થના,

ડૂબતાને દ્યો કિનારો તો ફળે છે પ્રાર્થના.

સાવ ખાલીખમ વચન પહોંચે નહી ભીતર સુધી,

લાગણી થોડી નિતારો તો ફળે છે પ્રાર્થના.

દંભ દેખાડા કરી શાને પ્રશંસા મેળવો?

છોડશો જો એ વિકારો તો ફળે છે પ્રાર્થના.

ચોતરફ અંધાર હો, પણ જાતને અજવાળજે,

ઝળહળે ખુદનો સિતારો તો ફળે છે પ્રાર્થના.

દાન કે જપ તપ કર્યા, ક્યાં છે જરૂરી એ બધું,

કર્મ આપી દે ચિતારો તો ફળે છે પ્રાર્થના.

આયખું વીતી જશે, સળગે ન સગડી એક ત્યાં,

સ્હેજ જો પ્રગટે તિખારો તો ફળે છે પ્રાર્થના.

છે અધિકારો બધાંના, છે ધરા સૌની અહી,

સ્વાર્થ છોડીને વિચારો તો ફળે છે પ્રાર્થના.

———————————————————

૬) સ્મિતા શાહ

શીર્ષક : પ્રાર્થના 

અજવાળા ઓઢીને હરિવર વાટ તમારી  જોતી .

શ્વાસની આવનજાવન માંહી નામ તમારું પ્રોતી .

           – હરિવર વાટ તમારી જોતી 

સાંજ પડે ને જાગી ઉઠે 

ઘરનાં બેય કમાડ ,

આંખ લાગલી દોડી જઈને 

તાકે ઉમ્બર બહાર ,

આમ જુઓ તો સળવળતી લાગે છે આખી શેરી !

વાર થઈ ક્યાં રસ્તામાં શું સખીઓ  વળતી ઘેરી ?

             – હરિવર વાટ તમારી જોતી 

સૂનકારે થર થર થરથરતી 

આંખોમાં ઝળઝળિયાં ભરતી ,

રાત સરકતી છાનીમાની 

ઝીણાં પગરવથી યે ડરતી ,

રામ થવા આવી આ દીવડી રાખું શગ  સંકોરી .

તેલ ખૂટ્યું ને પ્રાણ મૂંઝાતા ખૂટે ભવની દોરી .

             – હરિવર વાટ તમારી જોતી 

———————————————————

૭) ઝંખના વછરાજાની

ગામ- વડોદરા. 

શીર્ષક-પ્રાર્થના

હરિવંદના

હરિની પ્રીત છે ન્યારી, 

માનવની ગતિ છે ક્યાંની? 

કર્યા વાડા, બાંધ્યા હ્રદયને, 

વળી સ્વાર્થનો અંધ બનીને, 

ધર્મ, કર્મનો, ઢોંગ, ભરમ અતિ, 

બહાના કાઢે, તૃષ્ણા દાખી, 

સાચી સમજણ દે હરિ જીવને,

સુખકર્તા જે, દુખકર્તા તે, 

કહેવું તે જો કરે માનવ, 

એક બીજાને સંગ જો રાખે, 

તવ નામ હરિ, નિત્યેય સ્મરે,

ઝાળ, ઝપટ, જંજાળ જો છુટે, 

ઝંખના અગમ નિગમની વહેતી, 

શ્રીહરિમાં રમનારો જીવ દે. 

__________________________________

 ૮) બંસરી જોષી.

શીર્ષક-પાર લગાવે છે

જરૂરત નમાડે છે સૌને,

સાચેસાચ કોણ પૂજે છે તને?

નથી નમતી માત્ર

તને નમવાને ઈશ્વર,

તારી કરૂણા

નતમસ્તક કરાવે છે મને..

ટેકવીને માથું તારા ચરણે,

પથ્થરને ..

પરમેશ્વર કેહવડાવેછે મને..

નથી એકેય હોંકારો

મળતો મને તારો,

તોય આંખો

સજળ કરાવે છે મને..

નરસિંહ, મીરા, સાંઇ જેટલી

ક્યાં છે ભક્તિ મારી,

બસ તને ભજતા રહેવાની,

એક આવડત

આવડે છે મને..

હોવાપણાની તે કોઈ’દી

શંકા હોય તારી?

વારે તહેવારે,

સાક્ષાત્કાર..

કરાવે છે મને..

તારું નામ “ઈશ્વર”

એટલી જ ખબર

પડે મને તો..

પછી મારા સહિત,

પાર લગાવે છે મને..

-બંસરી જોષી.   

__________________________________

૯) જ્યોતિ આશિષ વસાવડા

શીર્ષક:-પ્રાર્થના

પ્રભુ તારા અને મારા સંબંધો નિહાળતો રહેજે

ખુટે જો તેલ દિવડાનું સદાયે પૂરતો રહેજે

        …..પ્રભુ તારા અને મારા સંબંધો

હ્ર્દયના ભાવ કેરી આ અનોખી પ્રાર્થના મારી

જીવન પથ પર અમારી સંગ હર દમ દોડતો રહેજે

      …..ખુટે જો તેલ દિવડાનું સદાયે 

       …..પ્રભુ તારા અને મારા સંબંધો

જનમ મૃત્યુ તણાં આ ચક્રમાં  અટવાયેલા જીવો

રુડી કાયા અને માયા મહી પંપાળતો રહેજે

      …..ખુટે જો તેલ દિવડાનું સદાયે 

       …..પ્રભુ તારા અને મારા સંબંધો

દીપાવીશ નામ તારું હું જગે સંતાન છું તારો

તારી સદભાવના આશિષ સદા વરસાવતો રહેજે

       ….ખુટે જો તેલ દિવડાનું સદાયે 

       …..પ્રભુ તારા અને મારા સંબંધો

જપુ છું નામ તારું હર પળે  સાંભળજે નિશ દિન 

નથી આશા ઉરે મુક્તિ તણી સ્વીકારતો રહેજે

       ….ખુટે જો તેલ દિવડાનું સદાયે 

       …..પ્રભુ તારા અને મારા સંબંધો

જગતના કાવા દાવામાં  અરે! શું કથિર કે કંચન

અહીં તારા અને મારા સંબંધો નિભાવતો રહેજે

      …..ખુટે જો તેલ દિવડાનું સદાયે 

       …..પ્રભુ તારા અને મારા સંબંધો        

________________________________________________

સુરેન્દ્રનગર શાખા

૧)  હેમા ત્રિવેદી*

શીર્ષક-બસ તું જ તું..*

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

ફૂલોની સુગંધમાં , કવિઓના  કાવ્યો-નિબંધમાં,

સજીવ સૃષ્ટિના હરએક સંબંધમાં છે તું;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

પતંગિયાની પાંખમાં, નવજાત શિશુની આંખમાં,

મા ની કાખમાં, સતની સાખમાં, નખ-શિખમાં છે તું;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

મયુરના નર્તનમાં, ભકતજનના કિર્તનમાં,

સદાચારી જીવનના વ્યવહારો વર્તનમાં છે તું 

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

મેઘધનુષ-રંગોળીના રંગમાં, ખગમાં, તાલ મૃદંગમાં,

રગેરગમાં, અંગ-પ્રત્યાંગમાં, સહુના સંગમાં છે તું ;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

જળ-સ્થળ-અગ્નિ-વાયુ-ધરા-નભમંડળમાં,

વન-ઉપવન, નદી-સરોવર, ધરતીનાં પેટાળમાં છે તું;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

 ખોજતો રહયો સદા મસ્જિદ-મંદિરમાં,

પણ જાણ્યું કે રહેતો સેવાભાવી અંતરમાં જ તું;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

 દીપધૂપ કરું મઢી ફ્રેમમાં, સદા રાચું વહેમમાં,

શી ખબર! કે વસતો સદા દયા-રહેમમાં છે તું;

બસ તું જ તું હે! ઇશ તું..

હે! ઇશ તું,બસ તું જ તું..

_________________________________

૨) દેવીબેન વ્યાસ ‘વસુધા’

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગા

આનંદ ધન જ્યાંથી મળે એ પ્રાર્થના સાચી

પળ શાંતિની જ્યાંથી ખળે એ પ્રાર્થના સાચી

આવે મુકામો જિંદગીમાં સુખ અને દુ:ખના

વિશ્વાસ દિલ જ્યાંથી કળે એ પ્રાર્થના સાચી

દિવસો ભલે ના એકસરખાં વીતતાં હૈયે

ઈર્ષા ખરે જ્યાંથી વળે એ પ્રાર્થના સાચી

આવે કદી ના સ્વાર્થ સરનામું લઈ દિલમાં

ને ભાવના જ્યાંથી ભળે એ પ્રાર્થના સાચી

આંખો ઉઘાડી હોય કે એ બંધ નેત્રો હોય

ઈશ્વરમાં જ્યાંથી ફળે એ પ્રાર્થના સાચી

અંતર બનીને શુધ્ધ મેલો ભીતરી કાઢી

એ સત્યને જ્યાંથી લળે એ પ્રાર્થના સાચી

દુર્ગુણ બધાં ત્યાગી શકે જે ઉર ઠસેલા હો

નિર્મળ બની જ્યાંથી ગળે એ પ્રાર્થના સાચી

__________________________________

રાજકોટ શાખા

૧) વિધિ વણજારા “રાધિ

શીર્ષક : એક અરજ

અત્ર-તત્ર-સર્વત્ર વસે છે તું ,

ક્ષણે ક્ષણે માણસ ખોજે તને.

જંગલોમાં, પર્વતોમાં, નદીઓમાં,

એક પ્રતિબિંબ મેળવવા મથે.

અદ્રશ્ય છતાં પણ હાજરા હજુર

તારાં હોવાનો સૌ અનુભવ કરે.

ઈશ્વર, અલ્લાહ, પ્રભુ, હરિ, વહાલાં,

નીત નવાં નામથી તને પોકાર કરે.

બાહ્ય આવરણમાં હરિ તને શોધે,

જ્યારે તું તો અહીં ભીતર જ વસે!

સાંભળજે, જે તને અરજ કરે,

ખરાં હ્દયની પ્રાર્થના સ્વીકારજે.

__________________________________

૨) હેમાંગી ભોગાયતા ‘પ્રજ્ઞા’

શીર્ષક-રાહ બતાવ

આ જગની રીત સમજવાનો પ્રભુ રાહ બતાવ,

આ જીવન જીવવાની સાચી રાહ બતાવ !

કપટ, વેર અને બદલાથી ભરેલી આ દુનિયામાં,

કેમ કરી સાચી રીતે જીવવું એનો રાહ બતાવ !

માનવ બનતો જાય છે નિષ્ઠુર સૌ કોઈ માટે,

પણ હું કાયમ દયાવાન કેમ બનું એ રાહ બતાવ !

સૌ કોઈ કરે દેખાવ પોતાના વૈભવનો,

હું ગુણોનો વૈભવ વધારું એવી રાહ બતાવ !

જોઈએ છે સૌને સુખ કે જે દેખાય,

મને પણ મનનું સુખ મેળવવાનો રાહ બતાવ !

સૌ પ્રાર્થના કરે તને પોતાના કામ કરી આપવાની,

હું તારું કામ કરી શકું એવી રાહ બતાવ !

_________________________________

૩) નિમિષા વિજય  લુંભાણી ‘વિનિદી’

શીર્ષક-પ્રભુકૃપા

પળ પળ અનુભવ કરતી તારો,

છતાં રહી નાસમજ હું,

હર વિઘ્નો દૂર કયૉ તેં,

હર વખત મદદ કરી તેં,

સમય સમય પર ઈચ્છા થાય પૂર્ણ,

પણ ના થાય ઈચ્છાઓનો અંત,

કમૅ ખપાવ્યા તે મારા,

હું રડતી રહી દુ:ખ સમજીને,

સમજ આપી મને ધીરતાની, સંયમની,

તોય એક ઈચ્છા બાકી રહી,

આ ભવાટવી પાર કરાવી દે,

છુટું હું જન્મમરણનાં ફેરાથી,

ના આવે મને યમરાજનાં તેડા,

શરણ માગું હું માં શ્રી યમુનાજીનું.

__________________________________

૪)  રીટા ભાયાણી

શીષૅક -‘એક અરજ’

ઓ વિશ્વપતિ,હે કરુણાકર,

મારા દીનદયાળ,

સુણો એક અરજ.

દેજે હંમેશ હામ હૃદયમાં ને,

કોમળ મન હો કરુણાસભર.

તરસ્યા મનખા કે કોઈ જીવ દેખી;

થઈ જાય મુજ કંઠ કોરો ધાકોર, ને તરસી રહીને ય કરું એને ટાઢા.

ચિથરેહાલ બાળ સંગ માતા

ચોક વચાળે ફેલાવતી હાથ દેખી; 

મન મારું દ્રવી ઉઠે ,ને

કાયમ મુજ મન મથે એને 

ઢાંકવા ને ઠારવા એનું પેટ.

રંગબેરંગી ફુગ્ગા થી લલચાવતા કે

કીટલી સંગ અડારી

ખખડાવતા જોઈ બાળ;

મુજ હૈયે ઉઠે શૂળ..

દેજે શક્તિ એટલી, પાછું વાળી બચપણ એનુંને કરું માલામાલ ને

ભરી શકું ઝોળી વિદ્યાદાન થી.

લાગે જો દવ વન મહીં,

કે ધ્રુજી ઉઠે ધરા,

વરસીને તું અનરાધાર કરે.. તરબોળ કે પછી રાખે કોરાકટ,

અણગમતા મોકલી અતિથિ થંભાવી દે જીવન.

છીએ તારા આશરે ને ઝુકીશુ હરહંમેશ …

ઓ વિશ્વપતિ ,હે કરુણાકર ,

મારા દીનદયાળ …

બાળ અમ તુજ શરણે,

ના પાછા ઠેલજે કદી કે

નમાવજે અન્ય સમક્ષ.

__________________________________

૫) અર્ચના શાહ

શીર્ષક- તારા છીએ

હે પ્રભુ તારા જ છીએ. તારા રહેશુ .

તું ગમે તેટલી પરીક્ષા લે અમે તારા જ રહેવાના. ખબર છે, 

આ જે કંઈ થાય છે 

તે  તો અમને સચેત કરવા , 

ડરાવા માટે જ કરે છે.. 

જો તારે સૃષ્ટિનો વિનાશ કરવો હોય તો 

નવું સર્જન કરતો જ ના હોત .

હે પ્રભુ 

અમે હવે સમજી ગયા છીએ .

આ પૃથ્વી ફક્ત અમારા માટે નથી . 

અહીં વસતા દરેક ની છે…

અમે હવે સમજી ગયા છીએ.

આ જે કઈ છે, તે સર્વનું છે .

અમારી ભૂલ હતી કે ,

આ જગતનું જે કાંઈ છે તે બધું જ અમારું જ છે, 

એમ મન ફાવે તેમ વાપરતા ,

બસ હવે બહુ થયું …

હવે અમે તને ગમે ….

…તેવા સુધરી જાશું.

હે પ્રભુ ,માનવ માનવ વચ્ચે આ કેવી દીવાલ છે એકબીજા ના પડછાયાથી પણ લોકો દૂર ભાગે છે 

હે પ્રભુ , માફ કરી દે… તારા જ બાળકો છીએ. 

બસ , તું અમારા માટે સર્વ શક્તિમાન છે 

તારી આપેલ સજામાં ક્યારે અવાજ નથી. હોતો , 

અને આ એ જ ફટકો છે 

જેનો અવાજ નથી 

પણ બધાને જીવન ટકાવા તરસતા કરી દીધા છે.

હે પ્રભુ, અમને માફ કરી દે 

અમે હવે આવી ભૂલ  ક્યારેય નહીં કરીએ. તારા છીએ ,

અને ..

તું સંભાળજે , 

તને ગમતા ,

તું અમને બનાવજે.

____________________________

૬) પંચશીલા હિરાણી ( પંછી )

શીર્ષક- હે ઇશ્વર

ખુદ પર અનુભવી શકું એવો ગર્વ ન દે,

તો આવે ખુદ પર આવી શર્મ તો ન દે…

જાણી શકું કે શું છે હેતુ આ જન્મનો ?? ના એવા કર્મ દે,તો આમ ગૂઢ મર્મ તો ન દે… 

વિશ્વાસ રૂપી નાવમાં પ્રભુ બેસી ચૂકી છું, કિનારો નહીં તો મઝધાર તો ન દે..

પથ્થર છું રસ્તા ઉપર પડેલો, મૂર્તિ ન બને તો, આમ ઠોકર તો ન દે…

સહ્યા છે ડામ અસંખ્ય આ  હૃદયે, ભલે કોઈ મલમ ન દે પણ જખમ તો ન દે…

આગમન કોઈનું આપી જાય છે હાસ્ય હોઠોને, ભલે તેનું મિલન ન દે પણ, આમ વિરહ તો ન દે…

તારું સ્મરણ એકમાત્ર આધાર છે શ્વાસનો, ભલે તેને હવા ન દે, આમ ગૂંગળામણ તો ન દે…

 ચાખવો છે આસ્વાદ તારી પૂર્ણ ભક્તિનો, ભલે તેમાં અમી ઓડકાર ન દે પણ,

આમ કટુ થાળ તો ન દે…

હે  ઈશ્વર પામી શકું હું કૃપા તારી, ભલે એવો આવકાર ન દે પણ, આમ તરછોડી મુજને આવો કારમો અસ્વીકારતો ન દે…

__________________________________

૭) પ઼તિક્ષા બ઼હમભટ્ટ

શીર્ષક-ઘટમાળ. 

આ જીવનની ઘટમાળમાં પ઼ભુ તારી પાસે હું માંગતો,

આપ્યું  ઘણું બધું ભગવાન તમે

તોયે ખૂટતું લાગતું.

જીવનની નૈયા મઝધારે કિનારો કેમ ન લાધતો?

તરવાની કોશીશ ઘણી કરી,

ડૂબવાનો ડર લાગતો.

જીવનમાં  ઘણી આંટીઘૂંટી,

જીવવાની મઝા માણતો.

દુનિયા ફરે છે ગોળગોળ,

હુંય આમતેમ દોડતો. 

સમય મળે જ્યારે,

ત્યારે તને સંભારતો.

ભક્તિ મીરા જેવી થાય નહી,

તોય મને અપનાવજો. 

પ઼ભુ તમને થતું હશે,

આતો રોજ માંગતો ને માંગતો,

આ જીવનની ઘટમાળમાં પ઼ભુ તારી પાસે હું માંગતો. 

__________________________________

૮) હિના મહેતા

પરમ પરમેશ્વરની સાધના,

કરૂં હું ભાવરૂપી પ્રાથૅના.

લોકોને નોંધવા હોય તો નોંધે ગુના,

મારે તો થવું પ્રભુભક્તિમાં ફના.

સાચવ્યા છે એણે અધરાં ટાણાં,

મીરાં, નરસિંહ, દ્રૌપદી કોઈ ન ધવાણાં.

અમૃત સમાન અસર અને સત છે,

પ્રાર્થનામાં તપ છે મોક્ષનું ગાઓ સહુ હરિ ગાણાં.

__________________________________

૯) મિત્તલ ગાઠાણી.

ચંચળ મનની મારી આ નાવ,

સંતોષના હલેસે તરાવું..

જ્ઞાન રૂપી પ્રકાશના સહારે,

સંયમસોપાન ચડી જાઉં….

સત્ય-અસત્યનું જ્ઞાન જ્યારે

વેચાઈ રહ્યું છે હાટમાં,

સંયમની છડી થી, હે ઈશ્વર!

તને હું પામી જાઉં…

ભલે હો કંટક ભર્યા રસ્તાઓ,

મારું પગરખું તો સંયમ જ..

જીવન વિહાર પથ પર ચાલીને,

અંતે તમારામાં જ લીન થાઉં…

__________________________________

 ૧૦) વર્ષા તલસાણીયા ” મનવર્ષા “

કયારેક પ્રહલાદ ની જેમ દ્રોપદી ની જેમ ઈશ્વરને આર્દ્ર સ્વરે થયેલી પ્રાર્થનાની  પૂકારનો અકલ્પનિય ઉત્તર મળે ત્યારે ખરેખર આંખમા હર્ષાશ્રુ જ પ્રભુને પહોચે છે હૈયુ હરિનુ ક્રૃપાપાત્ર થવા બદલ ખુદને સદભાગી સમજે છે .હરિને વહાલા હોવાની ખુશી બીજાના દુર્ભાગ્ય જોતા નજર સમક્ષ આવે છે ..પ્રભુ! જીવનભર આંસુ વહાવતા જોવા ન હતા તમારે અને આપે અસીમ ક્રૃપા વહાવીને આપની કરુણા તો જતાવી .પણ આપના પરમપ્રિય હોવાની એક સુંદર સાબીતિ આપી દીધી…આવી ક્રૃપાપાત્રતા પામીને અન્ય માટે કદી કુભાવ કુમતિ ન આવે એ માટે બસ પ્રભુને વચન રુપી યાચના થઈ જાય છે .પ્રભુ!સહુના પરિવારને અખંડ રાખજો.જેમ મારો રાખ્યો આપે .. પ્રાર્થના સાંભળો છો કેવા હેતે અનુગ્રહે આપ કરુણાના સાગર છો પ્રભુ!

 ________________________________

૧૧) ભારતી ભાયાણી

શિર્ષક- એક આત્માનો અવાજ.

આજે સપનામા વિચાર્યુ મે

જાણે ઈશ્વરે જ જગાડી ,કહ્યું

નથી મોલ જગતને દેહ તણો,

એનો સંદેશો લઇ આવ્યો હું.

“”કોણ કહે મારે પૂજાવું છે?

મારે એક વાર માનવ થાવું છે.

નથી આરોગવા પકવાન હવે,

માના હાથે ખાઇ તૃપ્ત થાવું છે.

આ રેશમી વસ્ત્રો નથી ગમતાં,

માના પાલવમાં છૂપાવું છે.

ચમત્કાર તો મે બહું કર્યા,

હવે સાધારણ બની જાવું છે.

નથી મળતો માનવ દેહ જલ્દી,

એ દુનિયાને સમજાવવું છે.

બને એકબીજાના ટેકા સૌ,

એ મંત્ર એને સંભળાવવો છે.

છે સ્વર્ગ સમી મારી રચના,

એનું ગીત મધૂરુ ગાવું છે.

અનમોલ જીવનની ગાથાનું,

સંગીત બધે ફેલાવવું છે.

કોણ કહે મારે પૂજાવું છે?

મારે એકવાર માનવ થાવું છે.

______________________________________________

મુંબઈ શાખા

__________________________________

 ૧) નૂતન તુષાર કોઠારી ‘નીલ’*

 શીર્ષક-‘નીલ’ની અરજ

લગાગા × 3 લગા

વિષય-વાસનાનું ના ચિંતન કરો,

પ્રભુ પ્રાર્થનાને હૃદયમાં ધરો.

અધૂરી રહે વાસના જીવને,

મર્યા બાદ અંજામ થાય આકરો.

વિષય દર્દ પીડે, ન કાબૂ રહે;

બધું છોડી, લો યોગનો આશરો.

હૃદયને ચડ્યો મોહ-માયાનો રંગ,

ઉખાડી, મિટાવો, ન ખાવ ઠોકરો.

“ચરણમાં હું આવી, શરણમાં ગ્રહો,

પ્રભુ, ‘નીલ’ની સઘળી ફિકરને હરો.”

__________________________________

૨) બીજલ જગડ

શીર્ષક: પ્રાર્થના

આ અંગત ચર્ચા 

કોઈ ને કેમ કેહવાય?

આભ ના દેશમાં

વાદળો ને કેમ ટંકાય!

સૂમસામ માર્ગ પર

પાલખી વસંતની છલકાય,

વૃક્ષ ની માલિકી બાબત

રોજ પંખીના મોરચા મનડાય,

જગતાત વિભુ ના આદેશે 

ક્ષણ માં ધરા પર વૈકુંઠ ઘડાય,

જપ,તપ,મંત્ર નો સંગમ

મળે જો કોઈ બીજો પર્યાય,

કરજો પ્રભુ પાસે યાચના

ક્ષણે ક્ષણ તવ નામ સ્મરાય,

ક્યાંક તો જતી હશે પ્રાર્થના

સ્વયંમ તું પ્રકાશ, તું શ્રદ્ધામાં દેખાય !!

_________________________________

૩) ભારતી કાંતિલાલ ગડા 

શીર્ષક-પ્રભુ પ્રાર્થના

        “પ્રભુ પ્રાર્થના”

(રાગ …આધા હૈ ચંદ્રમા..‌‌…)

પ્રાર્થું  હું પ્રાર્થના પણ છે અધુરી  ..(૨)

પ્રભુ સાથે પ્રિત મારી રહી છે અધુરી…(૨)

પ્રાર્થું  હું પ્રાર્થના……..

મારી શ્રદ્ધાની જ્યોત છે અધુરી.

કેમ કરીને થાય એ પૂરી..

કેમ રાખો છો દૂર ..કેમ રહો છો દૂર …(૨)

ક્યારે મળશે? મિલનની તક મધુરી …..

પ્રાર્થું હું પ્રાર્થના‌‌….

ખરા દિલથી કરી છે પ્રાર્થના

મારી પૂરી થશે ને સાધના ???

બિનશરતી છે કરાર, ના કરજે તું ઈન્કાર…(૨)

મારા કર્તવ્યની કેડી ,પણ રહી છે અધુરી…‌

પ્રાર્થું  હું પ્રાર્થના……

__________________________________

૪) જયોતિ ઓઝા

શીર્ષક-જય જય મહાદેવ

સ્મરણ તમારું, શક્તિસ્વરૂપા,

પરમ કૃપાળું, જીવન સફળ બનાવો.

            જય જય મહાદેવ….

મારું સર્વસ્વ, અર્પણ કરું,

શરણ મળે મને, ચરણકમળમાં.

           જય જય મહાદેવ……

નિત્ય દર્શન થાય મને, આનંદસ્વરૂપના,

શરણ મળે તમારું, દયા તમારી.

              જય જય મહાદેવ…….

સદવિચારને, સારી સ્મૃતિ આપો,

ભાવથી ભજુ, પ્રભુભક્તિ કરું.

             જય જય મહાદેવ…….

ભક્તિમાર્ગે, જ્ઞાનમાર્ગે આગળ વધુ,

સદગુણોનો થાય સાક્ષાત્કાર,

           જય જય મહાદેવ……..

સુખ-સમૃદ્ધિ આપો, માનવસેવા કરું,

સર્વ પ્રત્યે સમભાવ રાખું, કાયૅ સફળ થાય.

             જય જય મહાદેવ……..

__________________________________

૫) શિલ્પા શેઠ “શિલ્પ

શીર્ષક :સાંભળીશ પ્રભુ?..

મારી પ્રાર્થના તું સાંભળીશ પ્રભુ? 

મારી શ્રદ્ધા અખંડ રાખીશ પ્રભુ? 

સતત ઝઝૂમતી થાકતી મારી મા, 

હામ આંખોમાં એનાં આંજીશ પ્રભુ? 

જીવન કસોટીએ અકાળે વૃદ્ધ થયા, 

દોસ્ત બની તાતનો હાથ થામીશ પ્રભુ? 

સરહદે લડે મારા વીર ભાઈઓ, 

રક્ષા કાજે એમની તું આવીશ પ્રભુ? 

આ ખેડૂત પિતા ચિંતામાં વિલાય જો, 

મેહુલો બની એને સાચવીશ પ્રભુ? 

આ જંગલો બધા નામશેષ થાય હવે, 

પ્રકૃતિનું જતન કરવા જાગીશ પ્રભુ? 

આ શિલ્પનું જીવન દેખાય ખાલી ખોળિયું, 

પ્રાણ જીવન દીપનું પ્રગટાવીશ પ્રભુ? 

__________________________________૬) સુરુચિ સેજલકુમાર નાયક’

શીર્ષક- સુણજો અરજ

હે પ્રભુ , સુણજો અરજ હમારી, કરજો કૃપા તમારી;

લેજો અમ તણી સંભાળ,હું છું તારો બાળ.

કરજો જગનું કલ્યાણ , વર આપી કરજો ન્યાલ,

મારી વિનંતી તમે સ્વીકાર જો,હું તમ શરણે આવ્યો છું.

મારા જીવનની દોર પ્રભુ તારે હાથ છે,તેને તું ઝાલી રાખને,

તું છે જગનો તારણહાર, તું જ છે વિશ્વનો પાલનહાર,

સર્જન કરતા થાય ન વાર, પળમાં કરે છું તું જ સંહાર.

_________________________________

૭) બીના શાહ.

શીર્ષક-પ્રાર્થના.

પ્રાર્થના એ હદયનું સ્નાન છે.જીવની શિવ તરફની 

ગતિ કરવામાં પ્રાર્થના

અગત્યતા ધરાવે છે. પ્રાર્થના એ આત્માની ઈશ્વર પ્રતિ પરિવહન કરતી ગતિમાં માધ્યમ

રુપ હોય છે.પ્રાર્થના એ 

દિવસભરના કરેલા કાર્યો  

ની સામાજિક સ્તરે કરવી પડેલી માફીનું એકરારનામુ છે.પ્રાર્થના એ જીવનમાં સ્વ સાથેની  

એકાત્મકતા ને મજબૂત 

બનાવતી નિર્દોષ શૃંખલા છે.જયાથી તમે ટેલીપથી વડે તમારા આપ્તજન સાથે જોડાઈ શકો છો 

એ ચાહે ગમે તેટલા દૂર ના અંતર પર વસતા હોય તેમને મહેસૂસ કરી શકાય છે.

__________________________________

 ૮) રાગીની શુકલ”રાગ”

શીર્ષક- અંતર ની પ્રાર્થના

અંતર મનમાં એક શબ્દે શબ્દથી સતત રટતા રહીએ…

અંતર મનને ડોહલાવો ને જાગૃત કરું.

પૃથ્વીનાં પાલક પિતા પ્રભુ તમને નમન..

હું નીરખું તમને કણે કણમાં ..

મારી અઘાધ શ્રધ્ધા, હિમત, મનમાં અટલ વિશ્વાસ.

કોઈ પીડીત જનની પીડાને હણવા કરુ હું. પ્રભુ તને પ્રાથૅના.

જાતે બળીને,રટણ કરીને

વહેચું સુગંધ….

કોરોના જેવા મહાસંગ્રામ માં રક્ષા કરજો.

વિપતીનાં સમયે ભય સામે ટકી રહું.

દુ:ખમાં હું વિજય મેળવું,

બળના તૂટે મારુ.

ઉગારવા તમે આવજો.

જેમ ગજેન્દ્ર ને તાયોૅ મગરના મુખમાંથી…

તેમ મારા તારણહાર બનજો.

સુખના દિવસેામાં નમ્ર ભાવે તમારુ રટણ કરુ.

દુ:ખની વેળાએ હાથ ધરવા તમે આવજો પ્રભુ!

રહી વાત દુ:ખની જયારે તમે મળ્યાં ,

જયારે અમે ખોવાયાતા દુ:ખમાં.

મનને બે ઘડી શાંત કરવાને ,

બેઘડી ભજી લઉં તને..

કહું તને પ્રભુ…

બધાની જિંદગીમાં બધા પ્રશ્નોનું નિવારણ કરજો.

તમારી જરુર પડે તો દોડતા આવજો.

વિકટ સમયમાં મોઢા પરનું હાસ્ય ને આનંદ ,

પરિસ્થિતિમાં ગુસ્સેા આવે ને શાંતિ કેવી રીતે રખાય તે શીખવજો..

પ્રલોભનો , પ્રશંષા ,

ખુશામત વચ્ચે તટસ્થ કેમ રહેવું ને ધૈયૅ રાખતા શીખવજેા.

પુણ્યની નગરીમાં પાપોની ગઠરી બાંધુ છું હું..

સદાય કરુણા વસાવજેા પ્રભુ..

મારી આત્માનો સંવાદ તારી સાથે મૌનથી થાય છે.

મારા હ્રદયનો ખોરાક ને,

 આત્માને આનંદ મળે છે.

પ્રભુનું “યથા યોગ્યમ તથા કરુ…”

(જે યોગ્ય હોય તે કરજો 

તન્મયતાથી ,ઓતપ્રોત થઈ કરું સવેૅ માટે પ્રાથૅના હું દિલથી..

જલ્દી આ કોરોના ને લઈ જાવ પાછો .

હો કે… પ્રભુ….

Leave a comment