સંયમ

અમદાવાદ શાખા

૧) રશ્મિ જાગીરદાર

શબ્દો-173

શીર્ષક-જીવન અને સંયમ

સંયમ શબ્દ મર્યાદાનો સૂચક છે. અમર્યાદ આચરણ એમાં વર્જીત હોય છે. તમે કોઈ પણ કાર્ય કરતા હો તે દરેકની એક મર્યાદા હોય છે, સીમા હોય છે. એનો અનાદર કે ઉલંઘન કરવાનો મોહ થઈ જવો અત્યંત સ્વાભાવિક છે. અને જો સતર્ક ન રહેવાય તો ઉલંઘન થાય અને સંયમ તુટે. એકવાર સંયમ તુટવા પામે એનો અર્થ એ જ કે, હવે ચેતી જવાની જરૂર છે. ઉદાહરણ જોઈએ તો આપણે ઈંડા નથી ખાતાં પણ એક વખત કુકીઝમાં કે કેકમાં ખાઈ લો, ચલાવી લો, એટલે ફરી બીજા પ્રસંગે તમે સંયમ રાખવાને બદલે ખાઈ લેવામાં છોછ નહીં અનુભવો. જે લોકો દારૂ પીવાનું કે સિગરેટ પીવાનું ચાલુ કરે તેમની દશા એવી જ થાય છે. પહેલી વાર સંયમ ખોયો એટલે પતી જાય. છૂટ લેવાની ટેવ સંયમ તોડાવે છે. આવું જ ડાયેટિંગ દરમિયાન પણ બનવા પામે છે. સળંગ એક સરખો માપસરનો આહાર લેતા રહો તો ઠીક પણ જો સંયમ ના જળવાયો તો ડાયેટિંગ ક્યાંથી થાય? આમ જીવનમાં સંયમનુ ખાસ મહત્વ છે. 

__________________________________

૨) લતા સોની કાનુગા

શીર્ષક-બોધપાઠ 

શબ્દો-૨૦૯

સંયમને જીવનમાં ઘણી રીતે ગુંથી શકાય. એ માટે શબ્દો દ્વારા તો ઘણું બધું લખી શકાય. પણ શું આપણે સંયમથી જીવી શકીએ છીએ? ખુશી હોય કે આપત્તિ બન્ને બાજુ સંયમ જાળવી શકીએ છીએ? જરાક ખુશી મળી કે એને મનાવવાનો પણ અતિરેક કરીયે ને જરાક અમથું દુઃખ આવી પડ્યું કે રોદણાં રોવા બેસી જઇએ. સુખ કે દુઃખ બન્ને વખતે સંયમથી જીવવું જોઇએ.

હું આ વિષયમાં લખવાનું કઈ વિચારતી જ ન હતી. અરે હમણાં ઘણાં વખતથી સાહિત્યિક કહેવાય એવું ખાસ લખી પણ શકી નથી. આજે કમિટીમાં જ્યારે ચર્ચા ચાલી ત્યારે મેં મારો બચાવ કર્યો. સહુ સખીઓની સહાનુભૂતિ મારી પ્રત્યે છે જ.. પણ મેં એ વાતનો ગેરલાભ ઉઠાવ્યો એવું મને પાછળથી મહેસુસ થયું. ને એથી જ સંયમના પાઠ રૂપ સંયમ વિશે લખવા બેઠી.

પોતાની તકલીફોને બાજુ પર રાખી સહુની સાથે તાલ મિલાવી શકીએ તો જ તકલીફ ઉપર સંયમથી જીત મેળવી શકાય. એ બોથપાઠ શીખી. જો કે એ માટેનો પ્રયત્ન ઘરમાં ને બહાર કરતી રહું છું તો યે નબળી પડું છું. એનો અર્થ સંયમિત રહેવું એ હજુ શીખવાનું રહ્યું.

એ જ રીતે ખુશીનો અતિરેક.. કર્યા વગર જો સંયમિત થઈ વિચારીએ તો એ ખુશી જ્યાં જરૂર છે ત્યાં વહેંચી શકીએ. 

આમ તો સંયમ વિશે મહાવીર.. બુદ્ધથી માંડી ગાંધીજીએ પણ કહું દાખલા સાથે સમજાવ્યું છે. પણ દરેક જીવ પોતાનાં અનુભવથી એ વધારે સારી રીતે સમજી શકે.

__________________________________

૩) આરતીસોની

શબ્દ સંખ્યા – 168

*સંયમ*

સંયમ રાખી શકે એ જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરી લે છે.. અને પોતાના જે તે ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિમાં વધારો થતો જાય છે.. સંયમ માણસની શક્તિમાં વધારો કરે છે.. મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિને પણ એ વ્યક્તિ પહોંચી વળવાને સક્ષમતા મેળવી શકે છે.. એ ક્યારેય નાસીપાસ નથી થતો..

સંયમ નથી રાખતા એ વ્યક્તિઓને સામાન્ય કરતાં પણ નીચલા સ્તરે જીવન વ્યતીત કરવું પડે છે.. અને સામાજીક અને આર્થિક સંકટોનો સામનો કરવાનો વખત આવે છે..

સંયમ હકારાત્મકતાને પોષણ આપે છે.. માનસિક રીતે જબરજસ્ત મજબૂત વ્યક્તિ બનીને ઉભરી આવે છે.. જેનામાં સંયમતા ભરી પડી હોય છે એ વ્યક્તિને સફળતા શોધતી આવે છે, સફળતા મેળવવા એને દોડવું નથી પડતું.. 

આપણાં બાળકોને પણ બોલવાથી લઈને એની માંગણીઓ પર સંયમતા કેળવવા પ્રયત્ન કરવો જોઈએ.. બાળકો માટે પોતાની માંગણીને દબાવવી સહેલી તો નથી જ, પરંતુ આગળ જતાં ભવિષ્યમાં એને ખૂબ ઉપયોગી સાબિત થાય છે.. એનામાં પોતાનામાં વ્યસની અને લાલસાનો સામનો કરવાની શક્તિ આપોઆપ આવી જાય છે.. 

માર્શમેલો થિયરી મુજબ જે વ્યક્તિ સંયમ નથી રાખી શકતો, તે જીવનમાં ક્યારેય આગળ નથી વધી નથી શકતો.. 

_______________________________

૪) એકતા નીરવ દોશી

 શીર્ષક: બેડી 

 શબ્દ સંખ્યા: 167

કોઈ સંયમને જીવન જીવવાની રીત કહે છે તો કોઈ દુનિયા જીતવાની ચાવી. કોઈ તેને પ્રભુ સમીપે જવાનો માર્ગ પણ ગણે છે તો કોઈ એને જાળવી જવાની જવાબદારી. પણ હું કહીશ : 

સંયમ એટલે પોતાની જાતે દોરવાની લક્ષમણ રેખા. ખુદની લાગણીની અભિવ્યક્તિ ઉપર કાબુ. પોતાના ઉપર ખુદે મુકવાના બંધન. 

તમને ગુસ્સો આવે તો પી જવો. દુઃખ લાગે તો હાસ્યમાં છુપાવી લેવું, કોઈના ઉપર હસવું આવે તો જાળવી જવું કે પછી રડવું આવે ત્યારે ખાળી નાખવું. હા, વળી પોતાના જીવનસાથી સિવાય પ્રેમ જતાવવામાં તો સંયમ ખાસ જરૂરી છે. જે માણસ સમય વર્તે સંયમ વર્તે તેને દુનિયા સમજદાર કહે છે. 

લોકો કહે છે, આજની પેઢી બહુ ઉછાંછળી છે. તેમને સંયમ જાળવતા આવડતું નથી. સંયમી લોકોની પૂજા થતી હોય તેવું બધે જોયું નથી.  સતત જળવાતો સંયમ ક્યારેક તમારા મનની બેડી બની જાય છે તો ક્યારેક તમારી તાકાત પણ ક્યારેક એ ગળાનો ફાંસો પણ બની જાય છે તો ક્યારેક અકળામણ પણ. 

અતિની ગતિ નહીં એ સંયમને પણ લાગું પડે છે. અતિ સંયમ તમને કાયર બનાવી દે છે.

__________________________________

૫) કિરણ પિયુષ શાહ

શીર્ષક-સુખ ને શાંતિની ગુરૂ ચાવી.

શબ્દ સંખ્યા- ૨૦૦

સંયમ એટલે માનવનો ઈન્દ્રિય પરનો અંકુશ. પાંચ ઈન્દ્રિય આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આના પર સંયમ. આ સિવાય વિચારનો સંયમ. કોઈ વિકાર મનમાં ન આવે કે અવિચારી વિચાર મન પર કબ્જો ન જામે તેનો સંયમ.

 જૈન ધર્મમાં સંયમને ખૂબ મહત્વ અપાયું છે. સ્વાદેન્દ્રિય, અને સ્પર્શેન્દ્રિય પર કાબુ કરવા તપ અને બ્રહ્મચર્યના ગુણ ગાયા. સઘળું છોડી સાધુ જીવનને પ્રાધાન્ય આપ્યું. જૈન ધર્મનો પાયો ત્યાગ અને સંયમ પર રચાયેલો છે. આ સંયમ અને ત્યાગ એકબીજાના પુરક ગણાય.

બીજા ઘર્મો પણ સંયમને મહત્વ આપી ઈશ્વરને પામવાનો રસ્તો બતાવે છે. 

આમપણ માનવી માટે સંયમ એ સારા જીવનની ગુરૂ ચાવી છે. ક્રોધ, નફરત, દ્રેષ જેવા ભાવો પર અંકુશ રાખવાથી જીવનમાં શાંતિ અને સુખ મળે. સ્વાદ પર અંકુશ રાખવાથી અનેક રોગોથી બચી શકાય. નિંદા ને કુંથલી ન સાંભળ્યે કે ન કરીએ એનાથી માનસિક શાંતિ જળવાય રહે. આ ઈન્દ્રિયોના સંયમની સાથે મનના વિચારો પર પણ સંયમ રાખી શકાય.

 અંકુશ અને સંયમમાં અંકુશ બીજાએ લાદેલ છે. ફરજીયાત પળાવવાની વાત છે. જેમકે અત્યારનું લોકડાઉન ઘરમાંથી રહેવું એ સરકારનો લાગું કરેલ અંકુશ છે. અનલોકડાઉનમાં મરજીથી કામ સિવાય બહાર ન નિકળવું એ સંયમ છે.

આ સંયમનું ઉદાહરણ ગાંધીજીના ત્રણ વાંદરા પુરું પાડે છે.

બૂરા ન દેખો.

બુરા ન સૂનો

બુરા ન દેખો.

આ સ્વયં સંયમમાં રહેવાની વાત.

આ સંયમ એટલે સાચે સુખ ને શાંતિની ગુરૂ ચાવી જ છે.

આ સંયમ કઈ બાબતમાં કઈ રીતે રાખવો એ દરેટ વ્યક્તિ માટે તેની પોતાની મરજીની વાત ગણાય.

_________________________________

૬) સ્વાતિ સુચક શાહ

શીર્ષક-અતિને ગતિ નહીં

શબ્દસંખ્યા-૧૨૩

સંયમ એટલે સન્+યમ.

નિયમોનું સરખાપણું, નિયમોની સમાનતા, એટલે કે એક સરખી રીતે નિયમો પાળવા.

કહેવાય છે કે અતિ કોઈ વસ્તુની સારી નથી. અને એટલે જ સંયમની મહત્તા ગવાઇ છે.

સંયમ એટલે મન પર કાબૂ, ઇન્દ્રિયો પર કાબૂ, ઈચ્છા ઉપર કાબુ. અહીં કાબૂ એટલે એવું નથી કે સાવ દમન કરી દેવું, પરંતુ એને પ્રમાણસર રાખવા, જેથી ક્યાંય અતિ ન થઈ જાય.

શારીરિક સંયમ, માનસિક સંયમ, આર્થિક સંયમ અને આધ્યાત્મિક સંયમ.. આના વગરનું જીવન કલ્પી જુઓ તો! આના વગર માણસ બેફામ થઈ જાય. અને સંયમ વગરના બેફામ માનવીને માનવ નહીં, પશુ કહેવાય.

   અજાણતાં જ આપણે ઘણી પ્રકારના સંયમનું પાલન કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે સમજપૂર્વક સંયમનું પાલન થાય છે, ત્યારે ઊર્ધ્વગતિ થાય છે. અને ઉર્ધ્વગતિ જ તો આપણને માનવ, માનવમાંથી મહામાનવ, અને મહામાનવમાંથી પરમતત્વ તરફ લઈ જાય છે, જે આપણું લક્ષ્ય હોય છે

_________________________________

_ ૭) તેજલ શાહ ” રેવા ” 

શીર્ષક : સંયમ એટલે ભીતરનું પરિવર્તન. 

શબ્દ સંખ્યા : ૧૬૪

સંયમ એટલે ભીતરનું પરિવર્તન. 

    સંયમના ઘણા અર્થ થાય છે. જેમકે ઇન્દ્રીયો પર નિયંત્રણ, મન પર કાબૂ મેળવવો, ભીતરનું પરિવર્તન અને હા  બ્રહ્મચર્ય એટલે સંયમ જ. 

      હું વાત કરીશ અહીં ભીતરનું પરિવર્તન. જીવનમાં સંયમનું ઘણું મહત્વ છે. સંયમનો ખરો અર્થ છે જાત પર નિયંત્રણ. સંયમનો અર્થ દમન એટલે કે જાત પર જુલ્મ કરવો એવો નથી. ઘણા લોકો મનની ઇચ્છાઓને દબાવી સંયમ રાખતા હોય છે. બળપૂર્વક મન મારીને ઉપવાસ, બાધાઓ રાખતા હોય છે એ સંયમ વધુ ટકતો નથી. માણસ બહારથી શાંત અને સંયમી દેખાતો હોય અને અંદરથી ક્રોધ અને ઈર્ષાથી સળગતો હોય એ શું કામનું. એના ભીતરમાં જે છે એ વહેલું મોડું બહાર આવશે જ. એક દાખલો આપું તો હાથમાં માળા હોય પણ મન બીજા બધાં શું કરે છે એમાં હોય આ છે બળપૂર્વક લગાડેલું મન એ શું કામનું ભીતરથી આપણી અંદર પરિવર્તન આવે એ સાચું સંયમ.

          સંયમ મનથી થાય અને મન ચંચલ સ્વભાવનું, અત્યંત દ્રઢ અને બળવાન હોય છે. એને વશમાં કરવું ખૂબ મુશ્કેલ છે.  કહેવાય છે ને કે જેણે મનને વશમાં કરી લીધું એણે જગ જીતી લીધું.

__________________________________

૮) કુસુમ કુંડારિયા,

૪ શીર્ષક: સંયમ,

૫ શબ્દ સંખ્યા:  252

     આપણા હિન્દુ ધર્મમાં અહિંસા અને સંયમનું અનેરું મહત્વ છે, સંયમ એટલે જાત પર સ્વેચ્છાએ અંકુશ રાખવો. ભીતરમાં પરિવર્તન થવું, પણ જો બળપૂર્વક સંયમ પાળવામાં આવે તો માત્ર દેખાવ પૂરતો રહી જાય છે. વૃતિઓને દબાવીને પાળેલો સંયમ દમન બની જાય છે અને ક્યારેક તે સ્ર્પીંગની જેમ ઉછળીને બહાર આવે છે. ઘણી વખત માણસના મગજમાં કામ અને ક્રોધ ભરેલાં હોય છે. પણ બહારથી સંયમ જાળવીને રહે છે. એ ક્યારેક ખતરનાક સાબિત થાય છે. ક્યારેક જ્વાળામુખી બનીને ફાટે છે અને વિનાશ નોતરે છે. સાચા સંત હોય એ યોગ અને તપશ્વર્યાથી વર્ષો પછી સંયમ રાખી શકે છે. બાકી સંયમ રાખવાનો ઉપદેશ દેનારા ઘણાં તક સાધુઓની અસલિયત સામે આવે છે. ત્યારે ખબર પડે છે કે સંયમ રાખીને જીવવું કેટલું કઠિન છે. સયંમ રાખવા માટે ભીતરમાં દબાયેલી વૃતિઓ પર કાબુ રાખતા શીખવું પડે છે. જે વ્યક્તિ પોતાની જાત પર વિજય મેળવી લે છે તે જીવનમાં સંયમ પાળી શકે છે. સંસારમાં રહીને ગૃહસ્થ જીવનમાં જો આપણે સંયમ રાખતા શીખી જઇએ તો સુખી થઇ શકીએ છીએ.

     આપણે જીવનમાં ઘણી જગ્યાએ સંયમ જાળવવો પડે છે. અને સંયમ જાળવીને ઘણી કપરી પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ. દરેક વ્યક્તિએ અમુક સમયે સંયમ રાખવો પડે છે. અને જે વ્યક્તિ સંયમ નથી રાખી શકતી એ ઘણીવાર નાની-નાની બાબતમાં ઝઘડો કરી બેસે છે. અને સમાજમાં અળખામણો થઇ જાય છે.

     હાલની પરિસ્થિતિમાં કોરોનાએ માણસોને ઘણી બધી બાબતોમાં સંયમ પાળતા કરી દીધા છે. જેમ કે બહારનો ચટાકેદાર પણ દુષિત ખોરાક ખાવો, કારણ વગર બહાર રઝડવું. મોડે સુધી જાગવું એ બધુ બંધ કરી દીધું છે. અને ચોખ્ખાઇ જળવવી અને પરિવાર સાથે રહેવું અને પ્રકૃતિને બચાવવી એવી સમજ પણ કેળવી છે.

__________________________________

 ૯) મીનળ. પંડ્યા.જૈન

શીર્ષક: સંયમ

શબ્દો: ૨૨૪

સંયમ એટલે સ્ત્રી જીવન.બીજું કશું મનમાં આવ્યું જ નહીં કેટલું સહજતાથી સ્ત્રી જીવન સાથે વણાઈ ગયું છે,આવું સહજ જીવન એટલે સંયમ.અતિરેકનો ત્યાગ અને લેશમાત્રમાં પણ સંતોષ એ સંયમ.

સંયમ એટલે સાધુ જીવન.સાધુ જ્યારે જગકલ્યાણ અર્થે નીકળે ત્યારે ઘણું ત્યાગ કરે છે એમ સ્ત્રી પણ જ્યારે પત્ની અને માતા બને ત્યારે ઘણું ત્યાગ કરે.આમ તો સ્ત્રી દરેક રૂપમાં ત્યાગ જ કરતી આવી છે પણ જ્યારે પત્ની અને માતા બને.એ સંયમની મિશાલ હોય છે.સંયમ એટલે સ્વેચ્છાએ સ્વીકારેલ સાત્વિક ,સાદું જીવન.

સંયમ એટલે કાબુ,તામસી વૃત્તિઓનો ત્યાગ.સંયમ એટલે જીવનની ગમતી ના ગમતી પરિસ્થિતીનો સહર્ષ સ્વીકાર..દુઃખદ લાગણીઓનો સહજ સ્વીકાર.

સંયમ એટલે ઈંદ્રિયો પર કાબુ.જૈન ધર્મમાં સંયમ એટલે દેહ દમન થકી વિકારોનું શમન.કોઈપણ જીવમાત્રને પ્રેમથી વશ કરાય અને સંયમથી સાધી શકાય.

જીવનની તૃષ્ણાઓ દુઃખોની ખાણ છે એ તૃષ્ણાઓને કાબુમાં રાખી ઘણાં દુઃખો નિવારી શકાય કે બચી શકાય છે.

સંયમ ત્યાગથી સબળ બને. સંયમ થકી મોટા ભાગના વિકાર જેવાં કે લોભ,લાલચ,મોહ,સત્તા,શોષણથી બચી શકાય છે.

કોરોનાકાળમાં કુદરતે આપણને સાવ સાહજિકતાથી શીખવાડી દીધું.તમે સંયમમાં નહિ રહો તો કુદરત વિફરશે તમારી તમામ તામસી,હિંસક વૃત્તિઓને પીંજરે પુરી શકે છે.કુદરત આગળ સાવ નિર્માલ્ય બની જતો માનવ વારંવાર સંયમ ભૂલી જાય છે અને પરિણામે માઠા ફળ ચાખે છે.દેખાદેખીનો જમાનો,બ્રાન્ડનો જમાનો સંયમ શબ્દ સમજતો જ નથી તો કુદરતે સરસ રીતે સમજાવી દીધું.

__________________________________

૧૦) હિમાલી મજમુદાર

શીર્ષક: પારદર્શક

શબ્દ સંખ્યા :૨૦૭

     જીવનમાં અનેક મૂલ્યોની અપેક્ષા  હોય છે.એમાનું ખૂબ મહત્વનું હોય તો તે છે ‘સંયમ’. સદીઓથી સમાજ વ્યવસ્થામાં તપસ્વી,ગુરૂ, જેવા પાત્રોને ખૂબ માનથી જોવાય છે.તેનું મુખ્ય કારણ સંયમના આવરણથી શોભતા એ વ્યક્તિ સમાજ માટે આદર્શ છે.જયારે પણ સંયમ તૂટ્યો છે ત્યારે મહાભારતનું સર્જન થાય છે.અને પરંપરા,સમાજ અને સંસ્કૃતિનો નાશ કરે છે.પરંતુ જ્યારે સંયમ સચવાય તેની મયૉદાનું પાલન થાય ત્યારે રામાયણ જેવા મહાકાવ્યનું સર્જન થાય.અને સદીઓ સુધી એ સંયમનો આદર કરનાર મહાન પાત્રો દેવતા થઇને પુજાય છે.સંયમ જ્યારે સ્વયંમ અપનાવ્યો હોય ત્યારે તેની શોભા અલૌકિક હોય છે.એ માટે કોઈ આડંબર નહીં પણ સ્વયંમ પ્રકાશિત હોય છે.તેની આભા જુદી જ તરી આવે છે.અને એ અનૂભૂતિ  હ્યયસ્થ થઇ ચિરંજીવ બની જાય છે.

       સંયમનો પરિવેશ શ્વેત અને ભગવો હોય છે.અને માટે જ તેમાં કોઇ દાગ ન લાગે કે તેની ગરિમા જાળવવા સમગ્ર જીવનને સમર્પિત કરવું પડે છે.એવાજ સંયમથી કૃષ્ણને સમર્પિત થઇ નરસિંહ -મીરાંની ભક્તિ. અને શ્રી રામને શબરી અને અહલ્યાની નિરંતર વાટડી. તે પરમ ભક્ત અને ભગવાન અમર થઇ ગયા કેમકે તેમનો હેતુ અને સેતુ સંયમનો હતો.તપ અને આચરણ દ્વારા સિદ્ધ થયેલ સંયમની મહેંક સદીઓ સુધી અકબંધ રહે છે.સંયમના પારદર્શક વહેણમાં  સ્નાન કરવાથી વ્યક્તિનો ઉઘાડ તેજોમય બની નીખરે છે.એજ એની આગવી ઓળખ છે.

__________________________________

૧૧) પ્રિયંકા.કે. સોની

શીર્ષક: સંયમ

શબ્દ સંખ્યા: ૨૨૦

     સંયમ માત્ર વૈવાહિક જીવનમાં જ રાખવો એટલા પૂરતી વાત નથી, વાણી અને વિચારનો પણ સંયમ રાખવો જોઈએ જેનાથી સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પડે નહિ, જેમકે કોઈ આપણને બે કડવા શબ્દો કહી જાય અને આપણે કશું વિચાર્યા વગર સામે પ્રતિકારરૂપે વળતો જવાબ આપીએ એ પણ સયંમનો અભાવ જ કહેવાય. બને ત્યાર સુધી વિચાર,વાણી અને વર્તન દ્વારા સયંમ રાખીએ તો ક્રોધ નામના શત્રુથી પણ આપણે બચી જઈએ, સાથે સામે વાળાનું  હિત વિચારવાથી આપણામાં નકારાત્મકતાનો ભાવ પણ નહિ જન્મે અને હકારાત્મકતાનો ભાવ પણ આપણામાં કેળવાશે. જેનાથી આપણે નક્કી કરેલા આપણા પ્રગતિના પંથે આગળને આગળ વધતા રહીશું.

     ખરેખર બીજી દ્રષ્ટિ એ વિચારીએ તો સયંમ એ સંસારી જીવનના બદલે સાધુ જીવન જીવતા માણસો માટે બનેલો હોય તેવો શબ્દ લાગે. પણ દુનિયાના નાના મોટા દરેક જીવ માટે સયંમ એટલો જ જરૂરી હોય છે.  

     આપણે અત્યારે કોરોના મહામારીના કપરા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે, ઘરમાં રહીને સ્ત્રી તરીકે પરિવારની બધી જવાબદારી ઉપાડી લીધી છે, સાથે નાના બાળકોની માતા માટે તો આ સૌથી કપરો સમય છે, જેમાં બાળકોને ઘરમાં જ રાખીને તેમને ખુશ રાખવાના છે. પોતાના સ્વાસ્થ્યની સાથે બાળકોને પણ સાચવવાના છે, એટલે આવી બધી મુશ્કેલીઓથી કંટાળ્યા વગર સયંમ રાખીને આપણે આ સંસારરૂપી ગાડીને આગળ વધારવાની છે.

__________________________________

૧૨)જ્યોતિ પરમાર’જયુ’

શીર્ષક : સંયમ

શબ્દો : 316

સંયમ અને ધૈર્ય એક એવા હથિયાર છે જેનાથી તમે જીવનની કોઈ પણ જંગ જીતી શકો છો. જેની પાસે શ્રધ્ધા અને વિશ્વાસ છે એ સંયમને અંત સુધી જાળવી શકે છે. એક તપસ્વી પુરા સંયમ અને ધૈર્યથી વર્ષો સુધી તપ કરે છે કારણ કે એને શ્રધ્ધા અને પોતાની જાત પર વિશ્વાસ હોય છે કે એક દિવસ પ્રભુ દર્શન જરૂર આપશે. અને એક દિવસ પ્રભુ એની તપસ્યાથી પ્રસન્ન થઈને દર્શન આપે છે. આમ અહીં એની શ્રધ્ધા, વિશ્વાસ અને સંયમનો વિજય થાય છે.

સંયમ શીખવે છે કે જીવનની કોઈ પણ તકલીફ કે કપરી પરિસ્થિતિમાં હારવું નહીં, પણ સંયમથી  એ પરિસ્થિતિનો સામનો કરવો. જીવનમાં કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે હાર્યો નહીં હોય,  છેતરાયો નહીં હોય અથવા એકલો ના પડી ગયો હોય. દરેક વ્યક્તિના જીવનમાં આવી સમસ્યા આવતી હોય છે. આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય ને ના કરવાનું કરી બેસે. આવા નાજુક તબક્કે મનમાં ઉઠતી લાગણીઓ પર સંયમ રાખવો ખૂબ જરૂરી હોય છે. આપણે એ હાર અને એકલતાનો સ્વીકાર કરવો રહ્યો. બધા દરવાજા બંધ થઈ જાય એનો એ અર્થ નથી કે તમે આજીવન અંધકારમાં ગૂંગળાયા કરશો. ઈશ્વર પર શ્રદ્ધા રાખો. એ કોઈ એક દરવાજો ચોક્કસ ખોલશે, પણ એના માટે તમારે પોતાની જાત પર વિશ્વાસ રાખી પુરા સંયમથી એ દરવાજો ખુલવાની રાહ જોવી પડશે, થોડી વધારે રાહ જોવી પડશે. ત્યાં સુધી એ અંધકાર સામે સંયમ જાળવી ટકવું પડશે, લડવું પડશે. પોતાની જાત પરનો વિશ્વાસ અને સંયમ ગૂમાવ્યો તો તમે જીવનની જંગ હારી જશો.

‘ઉતાવળે આંબા ના પાકે’ 

એટલે પરિણામ મેળવવા સંયમ જાળવી રાખવો પડે.

એક ગામમાં પાણીની ખૂબ અછત રહેતી હતી. એ ગામના બે યુવાનોએ નક્કી કર્યું કે આપણે કૂવો ખોદીએ. નક્કી થયા મુજબ એ બન્ને કૂવો ખોદવા લાગ્યા. વીસ ફૂટ, ચાલીસ ફૂટ, સાહીઠ ફૂટ સુધી પાણી ના દેખાયું એટલે એ બેમાંથી એક હીંમત હારીને બહાર આવી ગયો. પણ બીજા યુવાનને વિસ્વાસ હતો કે પણી આવશે એટલે પુરા જોશથી એ કૂવો ખોદતો રહ્યો. સીત્તેર ફૂટ, નેવું ફૂટ, સો ફૂટ થયા ત્યારે પાણીના પરપોટા થવા લાગ્યા. એની હાંફતી છાતીમાં જીવ સળવળી ઉઠ્યો અને આંખમાં પાણી આવી ગયું.

આમ મહેનતને  સંયમમાં ઘોળ્યે તો  સો ટકા પરિણામ મેળવી શકીએ.

_________________________________

૧૩) પ્રફુલ્લા” પ્રસન્ના

શીર્ષક-સંયમ

શબ્દો– ૨૦૬

           સંયમ એટલે મનની ઈચ્છાઓ, લાગણીઓ અને મનસાઓનું સ્વયં નિયંત્રણ, આપણી પાંચેય ઈન્દ્રિયો પર કાબુ, અંકુશ.

          જેમ ઘોડાને લગામ,હાથીને અંકુશ,બળદને ધૂંસળી,વાહનને બ્રેક અને ખેતરને વાડ..એ સઘળાં સંયમના સારા ઉદાહરણ છે.ગાંધીજીના ત્રણ બાવલાવાળું સ્ટેચ્યુ પણ સંયમનું જ ઉદાહરણ છે.સાંભળેલું, જોયેલું અને બોલેલું બધું જ સાચું ના હોય.

       આંખો વ્યક્તિના અંતઃ કરણનું પ્રવેશદ્વાર છે.એ બહુ ચંચળ હોય છે.એની ઉપર સંયમ રાખીશું તો એ સારું જ જોશે.કાન બધું સાંભળે પણ એમાંથી શું ગ્રાહ્ય કરવું એ મન વિચારે.વાણી ઉપર પણ સંયમ અતિ જરૂરી છે.મન અડવીતરું છે એટલે   કાંઈ પણ વિચારે પણ મનમાં આવે એ બધું હોઠ પર ના આવે એટલો વિવેક વ્યક્તિએ જાતે જ જાળવવો પડે.કારણકે કહેવાય છે કે થુક્યું ગળાતું નથી.ભૂલમાં કોઈને દુઃખ લાગી જાય કે કોઈનું અપમાન થઈ જાય એવા શબ્દો બોલ્યા પછી પાછા ખેંચાતા નથી.

       એ જ રીતે આહાર અને સ્પર્શનો સંયમ હોવો જરૂરી છે. અવિવેકપૂર્વકનો સ્પર્શ વૃત્તિઓને ઉશ્કેરે છે અને ચરિત્રને ક્ષીણ કરે છે.

        આજે આડેધડ થતાં આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવાં કે ટી.વી., મોબાઈલ, ઈન્ટરનેટનો અસંયમી ઉપયોગ વ્યક્તિને ખૂબ નુકશાન પહોંચાડે છે.એ સાધનો વાપરવા માટે પણ વિવેક, બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે.

         સંયમ નામનો દ્વારપાળ આપણી પાંચેય ઇન્દ્રિયોને બહેકતી અટકાવે છે.અસંયમથી વ્યક્તિત્વ ખરડાય છે.વ્યક્તિ લાચાર અને વિવેકહીન બની જાય છે. તે માનવ મટી અમાનવીય વર્તન કરે છે.સંયમ એક તપ છે જે માણસને શુદ્ધ રાખે છે.

__________________________________

૧૪) મનિષા શાહ 

શબ્દ સંખ્યા -૨૩૯

 ‘સંયમ’ એટલે પોતાની રીતે પોતાની જાતને નિયંત્રિત કરવું. પછી એ માનસિક, શારીરિક કે વૈચારિક રીતે પણ હોઈ શકે.આવેગો અને આવેશો પર નિયંત્રણ કરવું એટલે સંયમ. કહેવાય છે કે મનુષ્ય જીવનમાં સંયમ ખુબ જ જરૂરી છે. માનવી એક સામાજિક પ્રાણી છે. આપણે બધા એક સામાજિક ઢાંચામાં રહેતા હોઈએ છીએ. સમાજે આપેલા ઢાંચામાં રહેવા માટે આ સંયમ રૂપી ચાવી ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. 

જેમાં વાણી સંયમ, આચાર સંયમ, વિનય સંયમ અને આહાર સંયમ મુખ્ય છે. 

જૈન ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિ દિક્ષા ગ્રહણ કરે એટલે કે સંસાર ત્યાગ કરે ત્યારે સંયમ લીધું એમ કહેવાય છે. જેમાં ઉપર કહ્યા તે ઉપરાંત આહાર સંયમ પણ ખુબ જ મહત્વનું હોય છે. જેમાં શું ખાવું કે શું ન ખાવું એનું આખું રેખા ચિત્ર હોય છે. 

જેમ સાધુ જીવનમાં સંયમનુ મહત્વ છે, એવી જ રીતે સંસારી મનુષ્યને પણ સંયમના નિયમ હોય છે. 

સંયમ આપણને જીવનના વિવિધ તબક્કે માનસિક અને શારીરિક સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. 

સામાજિક સંબંધો બનાવવા અને જાળવા વાણી સંયમ ખુબ જ જરૂરી હોય છે. ક્યારે, ક્યાં, કેટલું બોલવું એ જો સમજ આવી જાય તો બીન જરૂરી ઘર્ષણથી બચી શકાય છે. 

એવી જ રીતે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે આહાર સંયમ હોવો જરૂરી છે. આહાર સંયમ એટલે શું, ક્યારે, કેટલું, કેવું ખાવું ખુબ જ મહત્વનું છે. પોતાના શરીરની પ્રકૃતિ ધ્યાનમાં રાખીને ને લેવાતું ભોજન લાભદાયક હોય છે.ઘણી વખત એનાથી વિપરીત ભોજન આપણે લઈ છીએ એટલે હૈરાની થાય છે. જે લગભગ બધાને અનુભવ હશેજ. 

સંયમ આપણું માનસિક બળ તો વધારે જ છે સાથે સાથે એક સ્વચ્છ અને સુઘડ જીવન જીવવાની દિશા આપે છે.કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં સંયમિત મન ખુબ જ જરૂરી હોય છે. જેમકે હાલની આપણી પરિસ્થિતિ. જ્યારે કોરોના રૂપી આપદા આખા વિશ્વમાં કેર વર્તાવી રહી છે ત્યારે 

સંયમિત રહેવું અનિવાર્ય બની ગયું છે. અને આપણે તેવું કરીજ રહ્યા છીએ. 

સંયમ પૂર્વક જીવવું દરેકના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ.

__________________________________ 

૧૫) રેખા પટેલ

શબ્દ સંખ્યા- ૨૮૫

શીર્ષક-સુખ દુઃખનો સાથી સંયમ

સંયમના અનેક પ્રકારો છે, વાણી વર્તન અને રીતભાત પ્રથમ આવે છે. આ ત્રણેવ ઉપર પ્રભુત્વ મેળવનારને યોગી માની શકાય છે. ઇન્દ્રીઓને જીતનાર જિતેન્દ્રિય કહેવત છે આ પણ સંયમનો એક ઉત્તમ પ્રકાર છે.

આ બધું પુસ્તકીય જ્ઞાન લાગે છે પરંતુ આપણી રોજીંદી દિનચર્યામાં સહુથી જરૂરી સંયમ છે વાણીનું. જો આ ઉપર ધ્યાન આપવામાં આવે તો જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો સહેલાઈથી કરી શકાય,અથવાતો આવતી રોકી શકાય. 

જીવનનું ઝેર જીભથી શરુ થાય છે. કોઈને પણ મનદુઃખ કરવા સહુ પહેલા આપણી કડવી વાતો આવે છે. એક કહેવત છે” કાણીયાને કાણીઓ શું કામ કહેવો” આ પણ સંયમનો  ભાગ છે. કોઈને મનદુઃખ થાય તેવી વાતો કે કોઈની ખોડ, ખોટ કે અણગમતી વાતને તેના મ્હો ઉપર કહેવાનું ટાળવું જોઈએ. એનો અર્થ એ પણ નથી કે ખોટા વખાણ કરવા, પરંતુ ખોટને કહેતા પહેલા સામે વાળાની સ્થિતિ અને અવસ્ર્થા જરૂર વિચારવા જોઈએ.

આવતા ગુસ્સાને રોકવા માટે કે તેને બહાર ફેકવા માટે ઓછામાં ઓછા એક દિવસનો સમય આપવો જોઈએ. સો ટકા બીજા દિવસે તેની તીવ્રતા ઓછી થઇ જશે અને પછી કહેવાએલી વાત વધુ અસરકારક બનશે. ઝગડાને ટાળવા માટે વાણી સંયમ આનાથી વધારે કશુજ નથી.

બીજું છે વર્તનમાં સંયમ, કોઈને પણ પ્રેમ આપવામાં, વસ્તુ આપવામાં કે માંગવામાં આવેગમાં આવીને અઢળક આપી દઈએ છીએ, કે પછી કારણ વિના કોઈ સાથે અણછાજતું વર્તન કરી બેસીએ પછી પસ્તાવો થાય. તેના બદલે બને એટલી ઓછી અપેક્ષાઓ રાખવામાં આવે તો વર્તન ઉપરનો સંયમ જળવાઈ રહે છે.

આવુજ આપણી રોજીંદી રીતભાત અને જીવનચર્યા માટે કહી શકાય. જીવનમાં સુખ જરૂરી છે તેને પામવા અને માણવા માટે મનને ગમતું કરવાનું હોય છે. પરંતુ તેમાં સંયમ એટલે કે એક મર્યાદાની રેખા હોવી જરૂરી છે. નહીતર એ સુખનું બદનામી કે અતિરેકના વમળમાં ઘેરાઈને દુઃખમાં પરિવર્તન પામતા વાર નથી લાગતી.

ચુપ રહેવામાં શાણપણ છે પરંતુ એકની એક ભૂલ વારંવાર ચલાવી લેવામાં ગાંડપણ રહેલું છે. સંયમનું પણ આમ છે. સંયમ જરૂરી છે પરંતુ તેમાં માનસિક કે શારીરિક વિકાસ ના અટકે તે પણ જોવાનો રહે છે.

________________________________

૧૬) રીટા જાની

સંયમ…

સંયમ એટલે ઈન્દ્રિયોનો નિગ્રહ એવી શાબ્દિક વ્યાખ્યા કરી શકાય. એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો પરનો નિગ્રહ.

આપણા પ્રશ્નો ને આપણી સમસ્યાઓના મૂળમાં જોઈએ તો  સંયમનો અભાવ નજરે ચડે છે. નિગ્રહની વાત તો બાજુ પર રાખીએ, આપણે બધું ભેગું કરવું હોય છે.એ માટે દૃષ્ટિ ને અદૃશ્ય હાથ હંમેશા લંબાયેલા જ હોય છે. એમ કરતાં આપણે જીવનને પણ એક ગોડાઉન બનાવી દઈએ છીએ. વસ્તુઓ  મેળવવા માટે ફાંફાં મારીએ, એ ન મળે તો દુઃખી થઇએ, વધુ ભેગી કરીએ તો એના ચોકીદાર બની જઈએ છીએ. સંયમના અભાવે આપણી અંદરની ભૂખ એટલી પ્રબળ બને છે કે આપણને બધું જ ઊણું લાગે છે – 

ધન-દોલત,સાધન- સગવડ, સત્તા – મહત્તા.

આ માટે  સ્વતંત્રતા અને સ્વચ્છંદતા, જરૂરિયાત અને વૈભવ, સાદગી અને સ્વૈરવિહારનો ભેદ સમજાવો જરૂરી છે. ધન એ સાધન છે, પણ સર્વસ્વ નથી, ઐશ્વર્ય નથી. વાણીમાં સંયમ ન હોય તો  સંબંધો પર અસર થયા રહેતી નથી. જો જીભદયા દાખવી ને જીવદયા ભૂલી જઈએ તો સ્વાસ્થ્ય પર અસર થવાની જ ને? જો વિચારોમાં સંયમ નહિ હોય તો આપણા મનને એક વખાર બનતા વાર નહિ લાગે. જો ભોગવિલાસમાં સંયમ નહિ હોય તો સ્વત્વ અને સત્વ પણ ગુમાવ્યા જ સમજો. જો કુદરતી સંપત્તિનો સંયમહીન ઉપયોગ કરીશું તો કુદરતની લપડાક પડવાની જ છે. સંતાન મોહમાં આંધળા માબાપ બાળકોને ઉપભોક્તાવાદની દોડમાં ન જોતરી દે એ સંયમ છે.  સંયમ નથી ત્યાં સત્ય પણ ચૂપ રહે છે.

દરેક વ્યક્તિ માટે  સંયમની સમજ તેની અનિવાર્યતા છે. આ ક્યાંય બહારથી નહિ પણ પોતાની ભીતરના કોઈ ખૂણેથી જ મળે છે. સંયમ એ મજબૂરીથી નહિ પસંદગીથી કેળવવાનો ગુણ છે. જેમ કે સુધા મૂર્તિ 25 વર્ષથી સાડી ન ખરીદે એ એમનો સંયમ છે. જે વ્યક્તિ સંયમની આરાધના કરે છે તે સભરતાનો અનુભવ કરે છે,  સાચા આનંદથી છલકાય છે. સંયમ ફક્ત વિચારમાં નહિ, આચારમાં હોવો જોઈએ. ચાલો, આપણે બીજા શું કરે છે તેની ગડભાંજમાં પડ્યા વગર આપણો એક દીવો પ્રગટાવીએ.

__________________________________

૧૭) પૂજા(અલકા)કાનાણી.

શીર્ષક-“સંયમ”

શબ્દ સંખ્યા-322

   સંયમ એક સાધના છે. ઇન્દ્રિયરૂપી ઘોડાને સંયમ રૂપી લગામથી બાંધવો પડે.તો જ જીવન સારી રીતે ચાલે. સંયમને કેળવવા અનુભવના એરણ પર ચડવું પડે.

        સૌ પ્રથમ માણસે પોતાનાં મન પર સંયમ રાખતાં શિખવું પડે. મન ચંચળ છે. પ્રલોભનમાં આવી જાય છે. મન પર આપણો સ્વભાવ અને સ્વભાવમાં રહેલા ગુણ તેમજ દુર્ગુણ અસર કરે છે. દા. ત.કોઈ વ્યક્તિને ગુસ્સો અને તેનાં પર સંયમ ના રહેતો હોય તો,વિચારી લો કે ગુસ્સાનાં આવેગમાં માનવી કોને અને કેટલું નુકશાન પહોંચાડે છે. પોતાને અને પોતાની આસપાસ રહેલા લોકોને ને? પણ અહીં ગુસ્સા પર સંયમરૂપી લગામ ખેંચેલી હોય તો? એ રીતે મન પર આવતા ખોટા વિચારો જો,સંયમ ના રાખવામાં આવે તો મૃત્યુનું કારણ પણ બનતા હોય છે. બીજી એક વાત જો,જીભ પર સંયમ રાખવામાં ન આવે તો? જે મળે એ પેટમાં પધરાવતાં જઈએ તો? શરીર રોગનું ભોગ બને ને? સરવાળે નુકસાન કોને? વાણી પર સંયમ ના હોય ને જેમ ફાવે તેમ બોલ્યા કરીએ તો! તો આપણી આસપાસ રહેલા સબંધો પર અસર પડ્યા વગર રહે? આપણી બેબાક વાણીના લીધે દુશ્મનનું લશ્કર ઉભું થઈ જાય.

  આજકાલ માનવી કેટલાં વ્યસનોનો ભોગ બને છે. તમાકુ, સિગરેટ, ચરસ, ગાંજો દારૂ વિગેરે એ વ્યસનો તેને નુકસાન પહોંચાડ્યા વગર રહે? તેંની ખરાબ અસર શરીર પર પડે છે,પણ જો સંયમ રાખવામાં આવે તો? કેટલાં મોટા નુકશાનથી બચી શકાયને? બીજી એક વાત, ખૂબ  પૈસાદાર માણસ વગર વિચાર્યે પોતાનો પૈસો વાપર્યા કરે તો? રાજાનો ભંડાર પણ ખુટી જાય અને દેવું કરવાનો વખત આવે એના કરતા સંયમરૂપી લગામ ખેંચી રાખેલી હોય તો? 

    આમ આસપાસ નજર દોડાવીએ તો કેટલીય એવી વાતો તમને જોવા જાણવા મળશે કે,જ્યાં સંયમની લગામને કઈ રીતે કસવી એ આવડી જાય તો જીવન કેટલું સુંદર બની જાય. જપ,તપ,ધર્મ એવી તમને ગમતી વાતો દ્વારા  મનને સંયમિત રાખી શકો. ટાઇમટેબલ,કસરતો,પોષણક્ષમ આહાર વિગેરે દ્વારા શરીરને સંયમિત રાખી શકાય. મન અને શરીરને સંયમ દ્વારા કેળવી શકો તો જીવન જીવવું આસાન બની જાય અને જીવનમાં આવતી નાની મોટી સમસ્યાનો સામનો કરી શકાય.

_________________________________

૧૮) ઉર્વશી શાહ

વિષય: સંયમ

આપણાં જીવનમાં સંયમનું ખૂબ જ મહત્વ છે. આપણે ત્યાં કેહવત છે ને કે મને માકંડા જેવું છે. આખો દિવસ ભટક્યા જ કરે. મનને સંયમમાં રાખવું ખૂબ અઘરું છે. મનથી સંયમ રાખીને તો ધણાં બધાં પ્રશ્ન હલ થઇ શકે. આપણાં યોગવિદ્યા માં પણ સંયમનો ખૂબ મહિમા છે. ઇન્દ્રિયો પર સંયમ રાખવો ખૂબ મહત્વનું છે. સ્વાદ પર સંયમ,વાણી પર સંયમ, સાંભળવા પર સંયમ,વાસનાઓ  પર સંયમ ખૂબ જરૂરી છે. જીવનમાં મોટાભાગે આપણે સંયમ નથી રાખી શકતા. એનુ ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે. સંબંધો સાચવવા સંયમ ખૂબ જરૂરી છે. સંયમથી જો કામ લઈશું તો આપણે કોઈનું દિલ દુભાવવાની વાતથી બચી શકીશું. આપણા વર્તનથી કોઈને તકલીફ ન થવા દઈએ.

માનવીની પરખ સંયમથી થઈ શકે. મન,વચન અને કર્મથી એનું વ્યક્તિત્વ કેવું તે ખબર પડે છે. એનાથી લોકો તેને માન આપતાં થાય છે.

__________________________________

૧૯) અર્ચિતા દીપક પંડ્યા 

શબ્દો :૧૭૧

સંયમ, એક એવો ગુણ છે, જેનાથી તમારા વ્યક્તિત્વને નિખાર મળે છે. સંયમની હાજરીથી અનેકનું ભલું થાય છે,પણ સૂક્ષ્મ રીતે. દયાભાવ કે દાન જેટલું સંયમનું દેખીતી રીતે મહત્વ નથી હોતું. પણ ઘણી વાર સામેની વ્યક્તિ માટે સંયમ  અપ્રગટ રહે છે. કોઈના સંયમથી પોતાને તો ફાયદો થાય જ છે પણ અન્યને પણ ફાયદો થાય છે.

        સંયમ શરીર અને મન, બંનેથી પળાય છે. સંયમ સારાસાર શીખવે છે. આમ તો સંયમને સમજાવીએ, તો એવું પણ કહેવાય કે આપણી શક્તિનો ઉપયોગ કે કોઈ વસ્તુનો ઉપયોગ જ્યાં જેટલી જરૂર હોય, એ પ્રમાણે જ કરવો. નાહકના અતિરેકવાળા કોઈ પણ પ્રયોગ કોઈ ને કોઈ રીતે નુકસાનકર્તા છે. એમાં પછી ભોજન હોય, વર્તન હોય કે શોખ હોય.

         સંયમથી શરીર અને મન, બંનેની ઉન્નતિ થાય છે. અષ્ટાંગ યોગમાં પણ સંયમને યમ અને નિયમના પ્રકારો દ્વારા વર્ણવ્યો છે. વ્રત, જપ, ધ્યાન, કર્મકાંડ દરેક આધ્યાત્મિક કાર્યોમાં સંયમ અગત્યનો ભાગ ભજવે છે. આપણાં ઋષિમુનિઓએ પણ સંયમનાં ગુણગાન ગાયા છે.

          માનવીય જીજીવિષાથી ક્યારેય દૂર નથી રહી શકવાના. પણ છતાં સંયમ પૂર્વકનું જીવન અનેક શારીરિક અને માનસિક હાનિથી આપણને બચાવી શકે છે.

________________________________

૨૦) સરલા સુતરિયા

શીર્ષક – સંયમ

શબ્દ – ૫૨૮

સંયમ એટલે સ્વ પર સ્વનું નિયંત્રણ. ઈન્દ્રિયોના સ્વૈરવિહાર પર નિયંત્રણ.

સંયમ સત્ય તરફ દોરી જાય છે. સંયમથી જીવન આબાદ થાય છે. સંયમ એ મનુષ્ય જીવનની શોભા છે. સંયમ વગરનું જીવન બ્રેક વગરની ગાડી જેવું છે.

યોગમાં યમ નિયમ અને સંયમનું અદકેરું મહત્વ છે. યમ અને નિયમનું પાલન કરવાથી સંયમની ભાવના દ્રઢ થાય છે. જીવનના દરેક ક્ષેત્રે મન, વચન અને કર્મથી થતી ક્રિયાઓ અગર સંયમમાં રહે તો જ સન્માનને લાયક બને છે. 

અતિ સર્વત્ર વર્જયેત એ નિયમ મુજબ સંયમિત મન, સંયમિત આહાર, સંયમિત વિહાર, સંયમિત જ્ઞાન અને સંયમિત નિદ્રા, જીવનમાં આ પાંચ પાસાઓને જો અમલમા મૂકીએ તો જિંદગી ઉતમોત્તમ બની જાય છે.

આપણે તો ઋષિ-મુનીઓ અને સંતો મહંતોના પ્રતિનિધિઓ છીએ. એમના જીવન પર દ્રષ્ટિ કરીએ તો સંયમ નિયમના અદ્દ્ભૂત ઉદાહરણો મળી આવશે.  

સૌથી પહેલાં તો સ્વભાવ પર નિયંત્રણ હોવું જોઈએ. ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ. મન પર સંયમની લગામ હશે તો જ યોગ્ય અને સાચા નિર્ણયો લઈ શકાશે.

આહાર પર નિયંત્રણ હોવું જોઈએ. ટાઢું, વાસી, સમયના ભાન વિના લીધેલ ખોરાક અને હોટેલનું વારંવાર ખાવાથી પાચનતંત્ર બગડે છે, એટલે સ્વાદ પર નિયંત્રણ રાખવું બહુ જરુરી છે. સંતુલિત, તાજો રાંધેલ અને નિયમસર ખોરાક લેવાથી તંદુરસ્તી બરાબર રહેશે.  

માનસિક વિહાર એટલે કે માનસિક ગતિવિધિઓને સંયમમાં રાખવી. અત્યારે ઈન્ટરનેટના જમાનામાં ખૂબ વિશાળ ક્ષેત્ર આપણને સાંપડેલું છે. એમાં સારું, ખરાબ બધું સામેલ હોય છે. એમાંથી શું જોવું શું ન જોવું અને કેટલા સમય માટે એનો ઉપયોગ કરવો એ બાબત પર સ્વ નિયંત્રણ હોવું જોઈએ. ખાસ તો બોલાતા શબ્દો અને મનોભાવો પર નિયંત્રણ હોવું જોઈએ. 

જ્ઞાનને પણ સંયમની લગામ જરુરી છે. જ્ઞાનનું અભિમાન કે દેખાડો એની ગરિમાને લાંછન લગાડે છે. જ્ઞાનની નિઃસ્વાર્થ ભાવે વહેંચણી કરતા રહેવી જોઈએ. મહાભારતમાં ગીતાજ્ઞાન આપતી વખતે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને પોતાના મોહ પર સંયમ રાખવાની શીખ આપીને માનવજાતને એક એવી વિચારધારા ભેટ આપી છે કે, એને અનુસરવાથી જીવનમાં સુખ શાંતિ ને સ્નેહનો કર્તવ્ય બોધ મેળવી શકાય છે. 

સંયમિત નિદ્રા- આજકાલ મોડે સુધી જાગવું અને સવારે મોડેથી ઊઠવું એ સમૃદ્ધ ઘરોમાં જાણે કે ફેશન થઈ પડી છે. નિદ્રા ઉપર પણ સંયમ હોવો જોઈએ. સમયસર, પ્રમાણસર અને ગાઢ નિદ્રા શરીરને સ્ફુર્તિમંત રાખે છે. કુંભકર્ણની જેમ સતત ઊંઘ એ રોગની નિશાની છે. કે પછી સતત મોડી રાત સુધીના ઉજાગરા શરીરની ગતિવિધીમાં અવરોધ પેદા કરે છે. સવારે વહેલા ઊઠી રાતે વહેલા સૂઈ જવું એ માનસિક દ્રઢતાનો પરિચય આપે છે. કારણ કે, આજકાલ લગભગ લોકો મોડાં જ સૂએ છે.

કોઈપણ બાબતમાં સતત સંયમ જાળવવો એ અઘરું છે પણ અશક્ય નથી. એના માટે સતત જાગૃત રહેવું પડે છે. આપણા ધર્મગ્રંથોનો અભ્યાસ, મહાપુરુષોની જીવનકથાઓ વગેરેના વાંચનથી સાત્વિકતા આવે છે ને કુવિચારો પર લગામ કસેલી રહે છે.

ઈન્દ્રિયો પરના સંયમથી અર્જુને માછલીની આંખ વીંધી હતી. મન પરના સંયમથી શ્રી રામે શીવ ધનુષની પ્રત્યંચા ચડાવી હતી. વૃતિઓ પરના સંયમથી દધીચિ ઋષિએ પરોપકારાર્થે સ્વયં દેહ ત્યાગી દીધો હતો. રાગ પરના અદભૂત સંયમથી ભિષ્મ પિતામહે રાજ્ય તો ત્યાગ્યું જ હતું પણ આજીવન લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લઈ ભિષ્મ કહેવાયા હતા. 

આમ છતાં એક વાત તો છે જ કે, જ્યાં ક્રોધ કરવો જરુરી હોય ત્યાં સંયમ જાળવીને મૌન રહેવું એ અન્યાય છે. જેમ કે, કૌરવોની ધૃતસભામાં ભિષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને સ્વયં ધૃતરાષ્ટ્ર પાંડવોને થઈ રહેલા અન્યાય પ્રત્યે મૌન રહ્યા અને અંતે કુરુક્ષેત્રના યુદ્ધમાં સર્વાંગી વિનાશ નોતર્યો. 

ભગવાન શ્રીકૃષ્ણનો સંયમ નમૂનારૂપ છે. શીશુપાલની સો ગાળો સહન કર્યા પછી જ એમણે સુદર્શન ચક્ર ઉઠાવ્યું હતું. એટલે સંયમ રાખવામાં પણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.

__________________________________

૨૧) જાગૃતિ રામાનુજ

શીર્ષક: સંયમ 

શબ્દો સંખ્યા: ૨૫૨

સંયમ એટલે શું?

સવાલ બહુ અઘરો તો છે જ, સાથે સમજ પણ માંગી લે તેવો છે.માનવ સ્વભાવમાં આ ત્રણ અક્ષર બહુ મહત્વ રાખે છે.જો કે બહુ ઓછા લોકો આ શબ્દોનો અર્થ સમજી શક્યા છે. અને એનાથી પણ ઓછા લોકો આ શબ્દ ના અર્થ પર પોતાની સંયમ શકિતઓને સમજી શક્યા છે.

   સંયમ એટલે મન પરની લગામને કસી ને પકડવી. હ્રદય પરની લાગણીઓને કાબૂમાં રાખવી ને,અંતર આતમના અવાજને બારીકાઈથી સાંભળવો.

    માણસ ઘણી બધી વાતોમાં આ સંયમ જાળવી રાખે છે પણ એ ક્યાં સુધી?

અમુક સમય સુધી ક્યારેક પરીક્ષાઓ આવે છે. ત્યારે, આત્મવિશ્વાસના અભાવને લીધે આ સંયમ ક્યાક ખોવાય જાય છે. ને, પછી એ તૂટી જાય છે. ને, માણસ પણ ધીમે ધીમે તૂટતો જાય.

   આ માટે સહુથી સારો રસ્તો છે જીવનમાં સરળતા અપનાવવી.ઈર્ષા,અદેખાઈ ને વેરઝેર જેવા શબ્દોને અંદરથી જળમુળથી કાઢી નાખવા જોઈએ સાથે પ્રેમના રસ્તે ચાલવું જોઈએ.

    ઈશ્વર છે ત્યાં પ્રેમ છે. અને પ્રેમ છે ત્યાં જ ઈશ્વર છે. એટલે મનના વિચારો પર જેટલો કાબૂ કરી શકીએ એટલો કરવો કેમ કે મન મરકટ જેવું છે.મન પર વિજય મેળવવો અઘરો છે.

     વધારે મન પર નજર કરવાની છે. મનની આંખોને સ્થિર કરવાની છે.હ્રદયની વાતો સાંભળવી પણ જરૂરી હોય છે.

   મારી નજરે સંયમ એટલે એક તપ જે વર્ષો સુધી કરવું પડે છે.એ બધાથી શક્ય પણ નથી થતું કેમ કે ઈશ્વરની આરાધના કરો કે આ કરો બન્ને અઘરું છે.આત્મવિશ્વાસ અને શ્રદ્ધા હોય તો આ શક્ય બને છે.અને બીજી ઈશ્વરી કૃપા હોય તો આ સંયમ રાખી શકીએ.કોશિષ કરતું રહેવું પડે હંમેશ.

_________________________________

૨૨) આરતી રાજપોપટ

શીર્ષક: સંયમ

સંયમ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો સંયમ એટલે કોઈ પણ વસ્તુ પરનો કાબુ.. ‘કન્ટ્રોલ’

મનુષ્ય બાળક રૂપે જન્મ લે ત્યારે એને જાત પર કશો જ કાબુ હોતો નથી. પછી થોડું જ મોટું થતા એની ભૂખ, ઊંઘ, મળમૂત્ર ત્યાગ જેવી ક્રિયાઓ પર કાબુ મેળવતા શીખે છે. અને જેમ જેમ મોટો થતો જાય એમ આનો દાયરો વધતો જાય છે. જેમાં સામાન્યતઃ વાણી, વર્તન, વહેવાર, બોલચાલ, તેમજ કૌટુંબિક, સામાજિક માળખા અનુસાર એની સંયમિતા ઘડાય છે. સંયમના પાયામાં ધીરજ, સમજણ, સમર્પિતતા, ફરજ, નીતિમત્તા, આદર્શ જેવી ભાવનાઓ આધારભૂત હોય છે. 

તમે કોઈ કામ પાર પાડવાની ઘણા સમયથી કોશિશ કરતા હો પણ સફળતા ન મળતી હોય ત્યારે તમે ધીરજ ખોઈ બેસો છો. ત્યારે ત્યાં તમને કામ આવે છે તમારો સંયમ. જો તમે ત્યારે ધીરજની સાથે સંયમ પણ ખોઈ બેસો તો નકારાત્મકતા ની ઊંડી ખાઈ તરફ ધકેલાવ છો જેનું પરિણામ આત્મહત્યા સુધી આવી શકે છે. 

માનો કે કોઈ પાસે તમારે પૈસા લેવાના નીકળતા હોય ખૂબ પ્રયત્ન છતાં એ કામ નથી થતું અને તમે ધીરજ ગુમાવો છો ત્યારે સંયમ સાથે જો વાત કરી કામ ન કઢાવો તો વાત ગાળાગાળી, મારામારી કે ખુન ખરાબા સુધી પહોંચી શકે. આ છે સંયમ.

પણ આતો થઈ સંયમની ખૂબ સામાન્ય વ્યાખ્યા જે બીજા સાથેના વ્યવહારમાં આપણે જાળવીએ છીએ.

એ પછી આવે આપણી જાત માટે પ્રયત્ન કરવો. આપણા ગમાં, અણગમા, નકામી જરૂરિયાત મન, વચન પર કાબુ કરવો. 

ઘણીવાર આપણે કોઈ વસ્તુ છોડવા, કંઈ મેળવવા કોઈ માનતા કે બાધા આખડી રાખીએ એ પણ સંયમ જ છે. પણ ત્યાં જરૂરિયાતને આધીન આપણે એને સહેલાઈથી છોડી શકતા નથી એથી એનું એ રીતે દમન કરીએ છીએ. 

પણ, એ ભાવના  દમનથી શમન સુધી પહોંચાડી શકીએ ત્યારે એ કન્ટ્રોલ થી એબ્સીનેન્સ સુધી પહોંચે છે. એટલે કે કાબુ કરવાથી લઈ નિગ્રહ સુધી, સાદગી થી સાધુતા તરફ જઈ સમાધિ સુધીના ઉત્થાનની, ઉધર્વ ગમનની ગતિ પામે છે. જેમાં નિદ્રા, ભૂખ  સહિત બાહ્ય અને આંતરિક દરેક ઇન્દ્રિયો પર સંયમ વિજય અપાવે છે. 

__________________________________

૨૩) જિજ્ઞાસા ઓઝા 

શીર્ષક: સંયમ 

શબ્દ : આશરે ૨૫૦

એક વ્યક્તિને પોલીસ હાથકડી પહેરાવી જેલમાં લઈ જતી હતી.  ત્યાં એની મા રડતી રડતી એની પાસે આવી. મા અેના દીકરાને મળી શકે એટલે પોલીસવડાએ હાથનો ઈશારો કરી રોકવા માટે આદેશ આપ્યો.  મા દીકરાને ભેટવા જતી હતી. એવામાં દીકરાએ રાડ પાડી માને આગળ વધતી અટકાવી અને મા સામે જોઈ હા…. ક થૂ કરીને થૂક્યો. માએ રડતા રડતા થૂકવાનું કારણ પૂછ્યું. દીકરાએ કહ્યું કે  એ જ્યારે નાનો હતો ને નાનીમોટી ચોરી કરતો ત્યારે મને સંયમ અને શીલ વિશે તેં સમજાવ્યું હોત તો આજે આ સમય મારે જોવો પડ્યો ન હોત. 

સંયમ એટલે સંકલ્પ,  યોગ અને મમતનું સરખે ભાગે કરેલું સંમિશ્રણ!

સંયમ એ એક ગુણ છે એને ઈચ્છીએ ત્યારે  ધારણ કરી શકાતો નથી. એની આદત જીવનમાં વણી લેવી પડે. બળવાન ઇચ્છાશક્તિ અને ઈન્દ્રિયો ઉપરનો કાબૂ હોય તો જ સંયમને આત્મસાત કરી શકાય.  આજે લોકો કોઈ જ બંધનમાં રહેવા માંગતા નથી. મોટાભાગના આને દ્રષ્ટની વિશાળતા કહેશે પણ હું તો એને સંયમનો અભાવ કહીશ. જો તમે એક શાલીન, સુદ્રઢ અને સુયોજીત સમાજ ઈચ્છો છો તો તમારા સંતાનોમાં સંયમનો ગુણ સૌથી પહેલો રોપો.  કારણ, સંયમથી વિચાર, વર્તન અને વાણી ઉપર કાબૂ આવે છે. બાળકમાં આ ગુણનું સિંચન કરવા બાળકને પરિણામ વિશે શીખવો. બાળકની ઉંમરને ધ્યાનમાં રાખતા તમે તેને સંયમ રાખવાના ફાયદા જણાવી શકો. તેમ જ, સંયમ ન રાખવાથી થતા નુકસાન વિશે પણ જણાવી શકો. દાખલા તરીકે, પોતાની સાથે થયેલા વર્તનથી બાળક ગુસ્સે હોય ત્યારે, તેને શાંત થવા આવા સવાલો પર વિચાર કરવા મદદ કરો: ‘શું બદલો લેવાથી ફાયદો થશે કે નુકસાન? શું એ પરિસ્થિતિને હાથ ધરવાની બીજી કોઈ સારી રીત છે?

બાળકને ઉત્તેજન આપો. બાળક સંયમ બતાવે ત્યારે, તેને શાબાશી આપો. તેને જણાવો કે, હંમેશાં પોતાની ઇચ્છાઓને દબાવી દેવી સહેલી નથી. પરંતુ, એમ કરવું ઘણી હિંમત માંગી લે છે. બાળકને એ શીખવો કે બાળકને એ શીખવવાનો છે કે, વગર વિચાર્યે પગલાં ભરવા કરતાં સંયમ રાખવો વધારે સારું છે. જો બાળક સમજણું થાય્ય ત્યારથી એને સંયમના પાઠ શીખવવામાં આવે તો એનું જીવન સુગંધાય  જશે. હા, આ એક લાંબી અને ધીમી પ્રક્રિયા છે પરંતુ પ્રયાસ કરવાથી સફળતા મળશે જ. જે બાળક સંયમ રાખી શકશે, તે ૧૨ વર્ષનો થશે ત્યારે ડ્રગ્સ લેવાની અને ૧૪ વર્ષનો થશે ત્યારે સેક્સ કરવાની લાલચનો સારી રીતે સામનો કરી શકશે અને એક ઉત્તમ નાગરિક સાબિત થશે. 

યઃ સંયમેષુ સહિતઃ આરંભપરિગ્રહેષુ વિરતઃ અપિ.

સઃ ભવતિ વંદનીયઃ સસુરાસુરમાનુષે લોકે।

__________________________________

૨૪) ભગવતી પંચમતીયા. ‘રોશની’

શબ્દ સંખ્યા : ૪૩૧

સંયમ શબ્દ બોલવો અને લખવો બંને ખૂબ સરળ છે. મુશ્કેલ તો છે તેનું પાલન કરવું. સૌ પ્રથમ તો આપણે સંયમ શબ્દનો અર્થ સમજીએ. સંયમ એટલે કાબૂ. સંયમ અલગ અલગ પ્રકારનો હોય શકે. જેમ કે વાણી પર, વર્તન પર, ગુસ્સા પર. હવે સંયમને જરા વિસ્તૃત અર્થમાં સમજીએ.

સંયમ એટલે કાબૂ તે આપણે આગળ જોયું. હવે એ વિચારીએ કે કાબૂ ક્યાં અને શા માટે રાખવો? સૌથી પહેલાં તો માણસે પોતાની વાણી પર કાબૂ રાખવો જોઈએ. જગતમાં વાણી જેટલું કાતિલ કોઈ શસ્ત્ર નથી. તલવારનાં ઘા રૂઝાય જાય પણ વાણીનાં ન રૂઝાય. તેનું ઉદાહરણ છે: મહાભારતનું યુદ્ધ. ભલે બીજાં પરિબળો પણ તેમાં સામેલ હતાં જ. પરંતુ, દ્રૌપદીનાં કટુ વેણને કારણે આ યુદ્ધ થયું અને તેનું પરિણામ કેટલું ભયંકર આવ્યું તે આપણે સૌ જાણીએ જ છીએ. માટે વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. તેથી જ તો કહ્યું છે ને કે જેટલું હૈયે હોય તેટલું હોઠે લાવીએ તો આ દુનિયા જીવવા જેવી ન રહે.

વાણીની જેમ આપણા વર્તન પર પણ સંયમ હોવો જરૂરી છે. માનવી સામજિક પ્રાણી છે. સમાજે કેટલાંક સામાન્ય નિયમો બનાવ્યાં છે તેનું આપણે અવશ્ય પાલન કરવું જોઈએ. આપણા ગુસ્સા પર, ખુશી પર આપણો કંટ્રોલ હોવો જોઈએ નહીં કે આપણા ચંચળ મનનો! સંયમ એટલે આપણી જાત પર આપણો અંકુશ. આપણા મનને શિસ્તનું પાલન કરાવવું એટલે સંયમ. આપણી ઈચ્છાઓને અને વિચારોને નિરંકુશ વિહરવા દેવાને બદલે તેનાં પર નિયંત્રણ રાખવું તે સંયમ.

સંયમ એટલે નિયંત્રણ ખરું પણ એક હદમાં. એ હદ વટાવવી એટલે દમન કરવું, દબાવી દેવું. સંયમનો મતલબ દમન એવો કરવાની જરા સરખી પણ ભૂલ ન કરવી. કારણ કે જેટલું નિરંકુશપણું નુકસાનકારક છે તેટલું જ નુકસાન દમન પણ કરે જ છે. કેટલાંક લોકો બળપૂર્વક મનને કાબૂમાં કરવા માટે પોતાની વૃતિઓને દબાવી દે છે. એટલે બહારથી તે સંયમી લાગે પણ અંદર કશું જ પરિવર્તન ન થયું હોય. તેમની ભીતર વૃતિઓનો જ્વાળામુખી ધધકતો હોય અને તેનાં પર સંયમનું ઢાંકણ લગાવી દીધું હોય. એ ઢાંકણ જયારે ભીતરનાં દબાણથી ખૂલી જાય ત્યારે ધગધગતો લાવા જ વહે! અને તે વ્યક્તિની સાથે સાથે આસપાસનાં લોકોને પણ દઝાડી દે! માટે વૃતિઓનું દમન કરી સંયમી હોવાનો દેખાવ ક્યારેય ન કરવો. કારણ કે દમન ક્યારેય સાચી રીતે સંયમ ન લાવી શકે. ભયથી સંયમનો દેખાવ જરૂર ઉત્પન્ન થઈ શકે પણ તે માત્ર દેખાવ જ હોય, દંભ હોય. આપણે લોકોની સાથે સાથે આપણી જાતને પણ છેતરતાં હોઈએ. 

તો પ્રશ્ન એ છે કે સંયમ રાખવો શી રીતે? સંયમ રાખવા માટે મનમાં વાળેલી ગાંઠો ખોલી નાંખવી તે ઉત્તમ ઉપાય છે. મર્કટ સમા આ મનને સમજાવીને કામ લેવું તે સરળ રસ્તો છે. મનમાં કોઈ પણ વસ્તુ ભરીને જીવવું તે યોગ્ય નથી. મનમાં ઉઠતાં સવાલોનું યોગ્ય નિરાકરણ કરીને જ સંયમી બની શકાય. ભીતરમાં પરિવર્તન લાવી ને જ સંયમિત જીવન જીવી શકાય. 

આમ, સંયમ એટલે સ્વયં શિસ્ત એમ આપણે કહી શકીએ.

________________________________________________

અમેરિકા શાખા

૧) નિશા વિક્રમ શાહ

શીર્ષક-સંયમ

શબ્દ સંખ્યા- ૧૬૦ શબ્દ

સંયમ એટલે સાદી ભાષા માં આપણી ઇંદ્રિયો ઉપરનું આપણું નિયંત્રણ. આપણા સમગ્ર લાગણીતંત્ર  ઉપરનું આપણું નિયંત્રણ. પ્રત્યેક વ્યક્તિ એ જીવન માં કદમ કદમ પર સંયમ નું ધ્યાન રાખવાનું હોય છે. જ્યાં વાણી, વર્તન, વ્યવહાર માં સંયમ નું ધ્યાન ન રખાય તો એની ખૂબ મોટી કિંમત વ્યક્તિ એ પોતે તો ખરી જ પણ કુટુંબ, સમાજ કે ક્યારેક રાષ્ટ્ર એ પણ ચૂકવવી પડે છે.

    આપણી મહાભારત કથા માં જો દ્રૌપદી એ” આંધળા ના છોકરા આંધળા” એવું દુર્યોધન ને ન કહ્યું હોત તો સમગ્ર ભારતવર્ષ મહાભારત યુદ્ધ ના વિનાશ થી બચી જાત.

એક વાણી ના અસંયમે કેટલો વિનાશ વેર્યો તે આપણે સૌ જાણીએ છીએ.

    વર્ષા ઋતુ હોય, દાળવડા ની લારી પાસેથી પસાર થતા લીલા મરચાં, ગોટા ની સોડમ નાક માં જતાં ઊભા રહી જઈએ અને જો સંયમ ચૂકી એક ડિશ ને બદલે બે કે ત્રણ ડિશ ઝાપટી નાખીએ તો ઘરે જતાં સુધી માં તો પેટ બરાબર જવાબ આપી દે.

સવાદેન્દ્રિય ઉપર પણ સંયમ તો હોવો જ ઘટે ને?

     બહેનો! આપણે તો જૂની – નવી પેઢી ના સેતુ બરાબર છીએ – સાચું કહેજો – પરણીને સાસરિયે અનુકૂળ થઈ ને રેહવા માટે કેટલી વાર આ ” સંયમ” શબ્દ ને શરણે ગયા હતા? માત્ર સંયમ ની તાકાતે જ મૌન ગ્રહી એમાંથી હેમખેમ બહાર આવ્યા.આજની નવી પેઢી ની જેમ – તડફડ કરી જીવ્યા હોત તો આજે ક્યાં હોત? – ખબર નથી.અત્યારે ચારેય તરફ જોઈએ છીએ, સંયમ ના અભાવે લગ્નવ્યસ્થા તૂટી રહી છે અને સમાજ મૂક બનીને તમાશો જોઈ રહ્યો છે.

તો શું લાગે છે?

    માણસજાત જો સાચા અર્થ માં આ નાનકડા શબ્દ “સંયમ” ને જીવન માં સ્થાન નહિ આપે તો સમાજ ને પતન તરફ ધસી જતા જરા પણ વાર નહિ લાગે.

     માટે જીવન માં સંયમ ની અતિ અગત્યતા છે.

_________________________________

૨) પ્રવિણા કડકિઆ

શબ્દ -૧૪૫

શીર્ષક- સંયમ સ્વ પર

સંયમ એ ત્રણ અક્ષરનો બનેલો શબ્દ છે. તેને કાનો કે માત્રા કોઈની જરૂર નથી માત્ર અનુસ્વાર દ્વારા પોતાની અભિવ્યક્તિ કરે છે, જે સરળ છે પણ આચરણમાં મૂકવો એટલો જ કઠિન છે. સંયમ શબ્દ સાંભળીને સહુ પ્રથમ આપણા દિમાગમાં ઈંદ્રિયોનો વિચાર ઝબકી જાય. હા એ અતિ આવશ્યક છે.

સંયમ માત્ર જિહ્વા પૂરતો સિમિત નથી. જીવનમાં હરપળે તેની આવશ્યકતા જણાય છે. સંયમ સમદૃષ્ટિ કેળવવામાં સહાય રૂપ છે. સંયમ પૂર્વક વર્તનાર વ્યક્તિ આદર અને સન્માનને પાત્ર છે. પછી ભલે તેના પર લક્ષ્મીની કૃપા ન હોય કે ઢગલાબંધ વિશ્વ વિદ્યાલયમૉ ઉપાધિ ન હોય !

વાણી, વર્તન, વિચાર અને આચરણ સંયમના ચતુષ્કોણના ચાર ખૂણા છે. તેના માટે સજાગ રહેવું આવશ્યક છે. સ્થળ, સમય અને સંજોગને અનુરૂપ વર્તન અનિવાર્ય છે. ૨૧મી સદીમાં કદાચ આ શબ્દ મંગળના ગ્રહ પરનો લાગશે. કિંતુ આજની પ્રજા જે પોતાના વિચારોનું અને અભિપ્રાયોના પ્રદર્શનમાં સંયમ ગુમાવે છે તેનું ભાન અવશ્ય થશે.

સંયમ શબ્દ જેટલો સરળ લાગે છે તે આચરવો એટલો જ કઠિન છે. ભલભલાની, સંયમની પાળ ક્યારે ટૂટી જઈ બેફામ બને છે તેનો ખ્યાલ પણ રહેતો નથી. વ્યક્તિ ભલેને ગમે તેટલી મહાન હોય, ધનિક હોય કે પછી સામાન્ય હોય, જીવનમાં સફળ થવાની ચાવી છે, ‘સંયમ” !

વાણી પરનો સંયમ એટલે મૌનનું પાલન. જીહ્વા પરનો સંયમ એટલે વ્યાજબી ભોજન. ચક્ષુ પર સંયમ એટલે શું નિહાળવું શું નહી તેનો વિવેક. કર્ણ પટનો સંયમ એટલે ખોટી વાતો સાંભળવાનો પરિગ્રહ.

ઘણિવાર તે સમજતાં ખૂબ મોડું ન થાય તે જાણવું આવશ્યક છે. જીવન વન મઘમઘતું રાખવા કાજે સંયમનું સિંચન અગત્યનું છે.

__________________________________

૩) રેખા શુક્લ

શીર્ષક-સંયમ

શબ્દ સંખ્યા- ૧૫૦ 

અહેસાસ થયો છે… સમજણ આવી છે.. કારણ જ્યારથી કોરોના ફેલાયું છે જગતમાં માણસ માણસ માંગે સંયમ. અપેક્ષા મોટી નથી અંતર રાખવાની આદત પાડવાની. માસ્ક પહેરવાનું જ પહેલાની જેમ છીંક ઉધરસ ખવાય નહીં. લોકો તમને ટોકશે રોકશે, ના ગમે તો ઘરમાં પૂરશે.  પ્રકૄતિ રોષ છે, ડોક્ટરનો ઓર્ડર છે. સમાજ ને ઘરના સભ્યોની અપેક્ષા છે. સંયમ વગર આદત પડશે નહીં. સાચું કહું તો શક્ય બને પણ નહીં જુઓને નાનું બાળક પણ હવે સમજે છે, અનુભવે છે કે, કોરોના વાયરસ એટલે શું.? સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ માટે પણ સંયમ જોઈએ. દૂરથી નમસ્તે કહેતા આપણે આપણી જ પ્રથાને સંસ્કૄતિ પામી ગયાં. ભારતની પારંગત સભ્ય સંસ્કૄતિથી આજે આખું વિશ્વ ભલે ડધાઈ ગયું હોય પણ સંયમ શીખવે છે યોગ. ડાયટિંગ વખતે પણ બોલ્યું કે માત્ર કહેવાથી નહીં સંયમી બનવાથી ઓછા ભોજનથી અને કસરત કરવાથી વજન ઉતરશે. આમ સંયમતા શીખવે નિયમિતતા, સ્વરછતા, શિસ્તતા જુઓ શીખવે સભ્યતા ને એકબીજાના પૂરક અંતે લાવે શાંતિ સુખ અને સંપૂર્ણતા.

__________________________________

૪) સપના વિજાપુરા 

મેં ઘણા બધા લેખ સંયમ વિષે વાંચ્યા. વાણી, વર્તન અને અને વ્યવહારમાં સંયમ જાળવવાની વાત લગભગ દરેક લેખમાં દર્શાવામાં આવી છે.

જીભ પર સંયમ, ગુસ્સા પર સંયમ, લાગણી પર સંયમ. પણ આ સંયમ ક્યાં સુધી? કેટલો સંયમ? શું તમારા રોજ અપમાન થતા હોય તો પણ જીભ પર સંયમ રાખવો? તમારા પર થતા અત્યાચારને કોઈ ને કહેવા નહીં ? શું અત્યાચાર સહન કરવા એ ગુનો નથી? ગુસ્સા પર સંયમ! હવે ગુસ્સો કરવાનો હક શું ફક્ત એક પક્ષને જ છે? બીજા પક્ષને ગુસ્સો નથી આવતો? અને જો સત્ય વાત પર જીભ ખોલવી પડે કે ગુસ્સો આવે તો એ તો ખૂબ સાહજિક વાત છે. એવા સમયે ચૂપ રહેવું એ ગુનો છે. કોઈનું ખૂન થતા જુઓ અને પોલીસ માં જઈને વિટનેસ બનો તો સત્યનો સાથ આપ્યો ગણાશે, તે સમયે લાગણી પર સંયમ રાખી તમારી સલામતી જુઓ તો પછી એ સંયમ એક ગુનો ગણાશે.

સંયમ એટલે આપણી ઇંન્દ્રિયો પર આપણો કંટ્રોલ.  રોજિંદા જીવનમાં સંયમ સાચવવો ખૂબ જરૂરી છે.પતિપત્ની, ભાઈબહેન, માબાપ, મિત્રો  બધા સાથે વાણી, વર્તન અને વ્યવહારમાં સંયમ રાખી જગ જીતી શકીએ છીએ. ખાસ કરીને જીભ દ્વારા આપણે ઘણા લોકોને દુઃખી કરી દેતા હોઈએ છીએ. જીભ પર સંયમ એટલે અડધી દુનિયા જીતી લીધી કહેવાય. પણ તેમ છતાં જ્યા બોલવા જેવું લાગે ત્યાં બોલવું પણ જરૂરી છે સંયમ ને જાળવવો જોઈએ એ બરાબર છે પણ ચૂપચાપ અબળા નારી થઇ બધા જુલ્મ મૂંગે મોઢે સહન કરવા એ પણ ગુનો છે. જુલ્મ કરનાર અને જુલ્મ સેહનાર બંને સરખા ગુનેગાર છે.

______________________________________________

વડોદરા શાખા

૧) અંજના ગાંધી “મૌનુ”

શીર્ષક- સંયમ

શબ્દ સંખ્યા- લગભગ ૨૨૯

સંયમનો સીધો અને સૌથી જાણીતો માર્ગ “ઈન્દ્રિયો પર કાબુ” એ આપણને સમજાવવામાં આવ્યું છે. સાચું છે પણ એકલો વાસના માટે જ સંયમ શબ્દનો અર્થ કરવો મારા ખ્યાલ મુજબ સાચું નથી. ઘણો વિશાળ અર્થ થાય છે સંયમનો… એ મારે મતે એ કે કોઈ પણ વ્યક્તિ આપણને કાંઈપણ બે ખરાબ શબ્દો સંભળાવી જાય પણ પછી આપણું મન હંમેશા એ જ વિચારોમાં રહે કે” મને પણ જ્યારે મોકો મળશે ત્યારે હું પણ એને બરાબર સંભળાવી દઈશ.” મારા વિચારે આવો વિચાર ન કરતાં આપણે એ વાતને ત્યાં જ ભૂલી બોલનાર વ્યક્તિને માફ કરીએ, એ જ ખરો સંયમ છે! 

     મન પર કાબુ મેળવી શકાય મારા મતે તો એજ શ્રેષ્ઠ સંયમ છે. પતિ જ્યારે પત્નીને કોઈની સામે ઉતારી પાડે, ત્યારે આપણે વિચારીએ કે” હું પણ કોઈવાર સામે કહી દઈશ.” સહન કરી લો.. એમ નથી કહેવું મારું.. પણ જ્યારે પતિ સાથે સહજ વાતો થતી હોય ત્યારે આપણે સમજાવીને કહી શકીએ છીએ! આ મારો વિચાર છે! આનું નામ સંયમ. 

નાની નાની ઘણી ઘટનાઓ જીવનમાં રોજ ઘટે છે અને આપણે સ્થિરતા ગુમાવીએ છીએ, પણ ત્યારે જો સંયમથી કામ લઈએ તો આપણું જીવન ઘણું જ સરળ અને આનંદિત બની રહે છે. થોડું ઘણું જિંદગીમાં ઝૂકી જવું એ કંઈ ખોટું નથી. કોઈક વાર, રોજ નહીં! સાસુએ પણ એક વાત ધ્યાનમાં રાખવી કે વહુને ચાર જણ વચ્ચે ઉતારી પાડતાં કોઈવાર આપણું (સાસુનું) પણ માન ભંગ થવાની શક્યતા રહે છે. તો સંયમ રાખીને વર્તન કરવું એજ મહત્ત્વનું છે.. એજ મારે કહેવું છે! 

    અસ્તુ!

———————————————————

૨) વિભાવરી ઉદય લેલે.

શીર્ષક:-“સંયમ”

શબ્દ સંખ્યા:- ૩૦૯

સંયમ જાળવીને ‘સંયમ’ વિષય પર લખવું એટલે પોતાને જ ચકાસવા સમાન હોય એવું લાગે છે. શું છે આ સંયમ? કેમ જાળવવો જોઈએ? નહીં જાળવીએ તો? લખવા બેસતાં આ પ્રશ્નોને મનમાં ઢંઢોળી લીધાં જેથી લખતાં કલમને અટકવાની બાધ ના આવે.

અમુર્ત મનનો આવિષ્કાર પ્રત્યેક વ્યક્તિ કે મનુષ્યને પ્રાપ્ત થવો એટલે જ ઈશ્વર પ્રાપ્તિ એમ કહી શકાય. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં નીતિ-અનીતિની ઓળખ કરી આપી છે.પ્રત્યેક મનુષ્ય કે વ્યક્તિમાં જે ભાવનાઓ ઉત્પન્ન થાય છે એ ભાવનાઓ પર નિયંત્રણ કેવી રીતે રાખવું એ શ્રીકૃષ્ણ ભગવાને સમજ આપી છે. ડગલે ને પગલે સતત વહેતી ભાવનાઓમાં સારી અને ખરાબ ભાવનાઓ જ્યારે પ્રગટ થાય, તો એમને ઓળખીને ખરાબ પ્રવૃત્તિ પર નિયંત્રણ મેળવીને આપણાં હાથથી સત્કાર્યો કરીને આત્મિક આનંદ મેળવવાનો પ્રયત્ન કરતાં આપણે સફળ થઈશું તો આપણે પોતાની જાત પર સંયમ જાળવ્યો કે પોતાની જાતને સંયમમાં રાખવા આપણે સફળ થયાં છીએ એમ કહી શકાય. જ્યારે આ સંયમ કેળવવામાં આપણે વિજય પ્રાપ્ત કરીશું ને તો સાક્ષાત ભગવાન પણ આપણી સાથે જ રહેશે, કારણ સંયમ કેળવવાથી આત્મિક આનંદ મળે છે. આ આત્મિક આનંદ મેળવવો એટલે જ પ્રભુ પ્રાપ્તિ.

સામાન્ય ભાષામાં આપણે કહેતાં હોઈએ છીએ કે કોઈપણ વાત હદની અંદર જ શોભે.આ હદ એજ સંયમ. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ સંયમનું અપ્રતિમ ઉદાહરણ છે.

પોતાની ઈચ્છાઓને સારી કે ખરાબ છે કે નહીં એ વિચાર્યા વગર પોતાનાં દિલ, દિમાગ-મસ્તિષ્ક કે મન પર હાવી થવા દેવું એટલે પોતાનામાંના “રાવણ”ને જાગૃત કરવા સમાન છે. સંપૂર્ણ આયુષ્ય દરેક બાબતે ખાતાં- પીતાં પણ સંયમી હોઈએ તો જ આપણે સારા લાગીએ, ઊંઘ પણ ખપ પૂરતી લઈએ તો જ પ્રગતિ મળે. આમ દરેક વાત સંયમથી શોભાયમાન છે.પોતાનામાં રહેતાં રાવણને ક્યારેય જાગૃત નહીં થવા દેવાનો તેનું ધ્યાન આપણે સતત સંયમી બનીને રાખીશું તો અને તો જ આપણાં એ અમુર્ત રુપને ઓળખીને પોતાનાં જન્મ અને જીવનને સાર્થક પુરવાર કરીશું, તો જ પરમાત્માનો શાશ્વત પ્રેમ મેળવી શકીશું. આપણાં પુરાણોમાં સંયમી સ્ત્રીઓનાં અનેક ઉદાહરણ છે જેમકે સતી સીતા, ભારતીય ઇતિહાસમાં રાણી પદ્મિની, સતી કન્નગી, સતી જસમા ઓડણ, અહલ્યાબાઈ હોળકર… વગેરે! 

————————————————-

૩) રેખા પટેલ “સખી

શીર્ષક : સંયમ

શબ્દ સંખ્યા : ૮૦૦

 સંયમ જિંદગીમાં ખૂબ જરૂરી છે. જો સંયમ ન હોય તો માનવીનું જીવન પશુ જેવું થઈ જાય છે. બેલગામ જીવનને કારણે પશુથી પણ બદતર જીવન જીવે છે અને સમાજ માટે ઉપાધી કરે છે. સમાજ તેને લાયક ગણતો નથી. ભગવાને માનવને ર્હદય અને મગજ બે સંવેદનશીલ આપ્યાં છે તો તેનો ઉપયોગ કરીને પોતાનું જીવન સંયમી બનાવવું જોઈએ.

         હું સંયમ કરું છું એ કહેવાનો વિષય નથી તેને જીવનમાં ઉતારી અપનાવવાનો વિષય છે. મોઢેથી સહુ કોઈ કહે પણ જીવનમાં સંયમ પાળી બતાવે એ ખરું છે. મન, વચન અને વાણી એ સંયમને જાળવવામાં ઘણો ભાગ ભજવે છે. ક્રોધ પણ સંયમ ભંગનું કારણ બને છે. કહેવાય છે કે “ખૂશ હો તો કોઈને વચન ન આપો અને ગુસ્સે હો તો કોઈ નિર્ણય ન લો.” આ એક જ બાબત એવી છે જે તમને સંયમ રાખવામાં ઘણી મદદ કરે છે.

          ઘણાં ભ્રહ્મચર્ય અને ઈંન્દ્રિયસંયમની વાત કરે છે. એ બરાબર નથી. મનથી કે આંખથી સંયમનું પાલન એમાં થતું નથી. કેટલાય એવા ધૂતારા પોતાની જાતને સાધુ ગણાવે છે અને લોકોએ ભેટ ધરેલાં પૈસાથી વૈભવી મહેલ જેવા મકાનમાં રહી સંયમનો ઉપદેશ ખાલી શિષ્યો માટે રહેવા દઈ એવો પાપાચાર કરે છે કે લખતાં આપણી વેદના હલી જાય પણ એવા લોકોને કંઈ અસર થતી નથી. ઉપર સુધીની ઓળખાણ અને છટકબારી મેળવી સમાજ માટે ભયજનક બને છે. એ આશ્રમમાં કોઈ મહિલા કે ખીલતી કળી જેવી બાળકી સલામત રહેતી નથી. પેપરમાં જગજાહેર થઈ આપણી સંસ્કૃતિના ધજીયા ઉડાવે છે. એ લોકો માટે તો બોલવાનું જૂદુ ને આચરવાનું જૂદુ એમ બેધારી તલવાર જેવું જીવીને સમાજને બગાડે છે.

         જ્યારે આંખથી, મનથી અને વાણીથી અસંયમિત બની જવાય છે તો તેમાંથી બચી શકાતું નથી. આંખોને નિર્મળ રાખો. કુદરતને નિહાળો. કરૂણા રાખો તો તમે આંખથી જરૂર સંયમ રાખી શકશો. સંયમની પાળ તૂટી જાય એવું કશું જુઓ નહીં અને જોવાય જાય તો તેને મન પર હાવી થવા ન દેશો. આંખોને મનની બારી બનાવો. જો મનની બારી ઉઘડે તો ખરાબ વિચારો નહીં આવે.

ચહેરો આપણાં સંયમનું દર્પણ છે. મૃદુ, કરુણ, કઠોર, લજ્જા વગેરે ભાવો દ્વારા તમે તમારા ચહેરાને સંયમનાં દાયરામાં મૂકી શકો છો. અંદરનો ક્રોધ તમે તમારી આંખો અને ચહેરા દ્વારા વ્યક્ત કરી શકો છો. તેને તમે છૂપાવો તો પણ તમારી ખરાબ છબી ઉભી થાય છે. સંયમ એ મનનું દર્પણ છે.

             જીવ આમ તો અલિપ્ત છે પણ સાથે સાથે આપણી દરેક ક્રિયાઓ સાથે જોડાયેલો છે. જે સુખદુઃખ થાય છે તેની અસર આપણાં શરીર પર પડે છે. કોઈ સારા કાર્યથી આપણે ખૂશ થઈએ તો જીવને પણ આનંદ થાય છે. ખરાબ કાર્યથી દુઃખ થાય તો જીવ પણ દુઃખી થાય છે. મન આમાં ઘણો ભાગ ભજવે છે. તર્કવિતર્કો વિચારોને દિલ સાથે આપ-લે કરવી પડે છે તેમાં સંયમ જળવાતો નથી અને માનવ દુઃખી થાય છે.

વાણી શબ્દોની ભાષા છે. એકવાર મુખમાંથી નીકળી જાય પછી પાછી લઈ શકાતી નથી. શબ્દોનાં બાણ અંદર સુધી ઘાયલ કરી જાય છે. ભલે તમે તપ કરીને, સંયમ રાખીને પૂણ્યનું પોટલું બાંધ્યું હોય તો પણ વાણી દ્વારા તેનો નાશ થઈ શકે છે. વાણીનો સંયમ કરવો બહુ અઘરો છે. શું બોલવું, નબોલવું, કેવીરીતે બોલવું એ વાણી વ્યકત કરે છે. “શબ્દોના બાણ કરે ઘાયલ દિલને”. સામસામે બન્ને વચ્ચે સંયમ તૂટી જાય તો અર્થનો અનર્થ થઈ જાય છે પછી સમાજમાં મોઢું પણ દેખાડવાને લાયક રહેતાં નથી એવું તેમનું પતન નિશ્ચિત હોય છે. તેમાંથી ઉગરી શકાતું નથી.

વચન, વરદાન ખૂશ થઈને પાળવા માટે અપાય છે પણ તેનો ઘણો મોટો દૂર ઉપયોગ થાય છે ત્યારે ઘોર લાલસા ઉભી થાય છે અને માનવીને સ્વાર્થી બનાવી દે છે. પુરાણોમાં દાનવો દેવોની ઉપાસના કરતાં. મનગમતું વરદાન મેળવતાં પછી તેનો ઉપયોગ દેવો પર કરતાં. લાલચ ખૂબ ખરાબ વસ્તુ છે. એ મેળવવા માટે પોતાનો સંયમ ગુમાવી બેસે છે. સારા નરસાનું ભાન રહેતું નથી પછી અર્થહીન અને દિશાહીન થઈ ભાવાટવીમાં આમતેમ રખડે છે. તેની મુક્તિ નથી. પાપનો ઘડો જ્યારે ભરાય જાય તો તેનાં પરિણામો તેને ખૂદને ભોગવવાં પડે છે. કોઈ પણ પ્રકારે આપણે આપણી વૃત્તિઓને સંયમમાં રાખવી. જીવન એવું જીવવું કે ભગવાન પણ ફરિયાદ ન કરી શકે. ર્હદયમાં રહેલાં ભગવાનનો આનંદ એ જ આપણો આનંદ છે. અહીંથી કશું લઈ જવાનાં નથી. આપણું મન આપણી સાથે આવશે. એટલે જ મનને પણ આચારથી શુધ્ધ બનાવીએ તો સંયમની સાચી વ્યાખ્યા સમજાશે.

————————————————-

૪) વિશાખા પોટા.  

શીર્ષક: સંયમ.

શબ્દ સંખ્યા: ૧૮૮

સંયમને જો સીધીસાદી ભાષામાં કહેવુ હોય તો એક જાતની લગામ કહી શકાય. આપણે જાણીએ છીયે કે જ્યારે પશુ બેલગામ થઈ જાય ત્યારે એને કાબૂમાં રાખવો પડે છે.

એવી રીતે આપણે સંયમ કયાં કયાં હોવો જોઈએ એ જોઇએ. 

૧..વિચા૨..૨..વાણી..૩..વર્તન..૧..આપણે હંમેશા કહેતાં હોઇએ કે વિચારો સારા કરો. બધાં અનિષ્ઠનું  મૂળ આપણાં વિચારો જ છે. હંમેશા સકારાત્મક વિચારસરણી રાખવી. વગર વિચારેલું દશરથે વચન આપ્યું ને આપણને રામાયણ મળ્યુ.  

૨..વાણી..વાણી ઊપર હંમેશા સંયમ રાખવો જોઈએ. આપણી પાસે તો પુરાણોના દાખલા છે. દ્રૌપદીનો વાણી ઉપરનો સંયમ તૂટ્યો ને મહાભારતનું યુધ્ધ થયું..

૩…વર્તન. 

આપણું વર્તન પણ વિનમ્ર હોવું જોઈએ. આછકલાઈ અને ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરવું એ મર્યાદા તોડી  કહેવાય. 

જીવનમાં સંયમ ખૂબજ અગત્યનો છે. કયાં અટકવું એ સમજણ હોવી જોઈએ. તન અને મન બંનેને સંયમમાં રાખવા જરુરી  છે. યોગ્ય આહાર અને વ્યાયામથી તન સંયમમાં રહે છે. મન માટે કહેવાય છે કે “મન હી દેવતા મન હી ઈશ્વર મન સે બડા ન કોઈ.”

આજના સંદર્ભમાં કહું તો ઇન્દ્રિયો ઉપર સંયમ રુપી લોક રાખશો તો ડાઉન થવાનો વારો નહી આવે. mask મોઢાં ઉપરની સાથે વાણી ઉપર પણ રાખવો જરૂરી છે. જો સંયમ રાખતાં આવડી જાય તો જીવનમાં હર પગલે જીત છે. જીવનમાં સમતોલ રહેવું જરૂરી છે.

————————————————–

૫) મીના વ્યાસ 

વિષય : સંયમ

શબ્દ સંખ્યા : ૩૦૦ 

  સંસ્કૃત શબ્દ છે સમ્યક . સમ્યક એટલે માપસરનું . નહીં વધારે નહીં ઓછું. સંયમ શબ્દનો અર્થ એટલો ગહન છે કે જો આ એક જ શબ્દનું જીવનમાં આચરણ કરીએ તો ચારે વેદ, ઉપનિષદ અને ગીતાનું જ્ઞાન પચાવ્યાં બરાબર છે. જેણે સંયમ શબ્દ ખરા અર્થમાં જીવનમાં ઉતાર્યો છે, એણે જીવન જીવવાની જડીબુટ્ટી હાથવગી કરી લીધી છે એમ કહેવું પડે. સંયમનો સીધો જ અર્થ છે માફકસર ,એક હદમાં ,જે વિવેકબુધ્ધિ પ્રગટ કરે છે.

       મનુષ્ય આ એક જ શબ્દ પર જીવન તરી જાય છે એમ કહું તો જરાય ખોટું નથી. કારણ કે જે સંયમમાં જીવે છે તે લયમાં જીવે છે. માનનીય ગુણવંત શાહ સંયમથી લયનો મહિમા ખૂબ સુંદર રીતે સમજાવે છે. કહે છે કુદરતી તત્વોને જ જોઈ લો, બધા સંયમમાં છે. જેમ કે પવન,વરસાદ,ધરતી નદી,સમુદ્ર ……

              જ્યારે કઈ પણ ઓછું કે વધારે હોય કે થાય ત્યારે સંયમ તૂટે છે. અને જ્યાં સંયમ તૂટે છે ત્યાં વિનાશ સર્જાય છે. આવું જ મનુષ્ય જીવનનું છે. લાગણી,પ્રેમ,ગુસ્સો,નફરત,સુખ,દુખ,એષણા ,સંબંધ કઈ પણ લઈ લો. જ્યારે સંયમ તૂટે છે ત્યારે લે તૂટે છે અને ત્યારથી જ અવસાદના કારણ સર્જાય છે.” અતિ સર્વત્ર વર્જ્યેત્ “ . 

     મનના ઘોડાને સતત સંયમની જરૂર પડે છે. સહેજ કાબૂ બહાર જશે તો ઈચ્છાઓ હણહણે છે.અશ્વ લગામ વગર બેકાબૂ બને છે તેમ ઇંદ્રિયો બેફામ બને છે. માટે જ ગીતામાં શ્રી કૃષ્ણે ઈન્દ્રીયો પર સંયમ રાખવાનું કહ્યું છે.જેણે સંયમ કેળવ્યો  છે તે જ કાચબાની જેમ સ્થિતપ્રજ્ઞ રહી શકે છે. માટે જ જે સંયમ માં જીવે છે તે લયમાં જીવે છે. અસ્તુ.

_________________________________

૬) સ્મિતા શાહ 

વિષય : સંયમ 

શબ્દ સંખ્યા : 450

મનુ દ્વારા માનવ સમાજનું જયારે નિર્માણ થયું ત્યારે સમૂહ કે સમાજમાં કેવી રીતે જીવવું એના માટે કેટલાક માર્ગદર્શક નિયમો બનાવવામાં આવ્યા જેનાથી સુસંકૃત માનવ અને આદિમાનવ વચ્ચેનો  તફાવત સમજાય . 

સમાજમાં રહેતા દરેક વ્યક્તિનું અમુક પ્રકારનું જ વર્તન યોગ્ય ગણાયું . એને  માનવ ધર્મ ગણાયો અને એની રક્ષા માટે 

માટે પાપ – પુણ્યની ધારણા કરવામાં આવી . આ સંરચનામાં યમ, નિયમ, જપ, તપ, અને ધર્મની સાથે સંયમનું સહુથી વધારે મહત્વ છે . સંયમ એટલે  વૃત્તિઓ ને પોતાના કાબુમાં રાખવી. ઉપવાસ પણ સંયમનું એક ઉદાહરણ છે. ઇચ્છાઓની સામે મનોબળને મક્કમ રાખવા માટે વારંવાર આવતા વ્રત, ઉપવાસનું આયોજન થયેલું છે . 

જેવી રીતે કિનારા તોડતી નદી, સીમા લાંઘતો સાગર સ્તુત્ય નથી , રૌદ્ર પ્રકૃતિ, અસંતુલિત પૃથ્વી સ્વીકૃત નથી એવી જ રીતે સંયમ હીન માનવ સ્વીકાર્ય નથી કારણકે અસંયમિત, અમાનવીય વર્તન સમાજની વ્યવસ્થાનું હનન કરે છે .

એનાં કેટલાક ઉદાહરણો આપણી સમક્ષ છે .

કંસ, રાવણ, શૂર્પણખા, મંથરા, કૈકેયી, દુર્યોધન, દુશાશન, શકુની, ધૃતરાષ્ટ્ર , ઋષિમુનિઓ અને એવા તો કેટલા બધાં  લોકો , જે પોતાનાં અસંયમિત વર્તન માટે અપયશ પામ્યા .

અસંયમિત અને અસંસ્કૃતોને આપણે  અસુર કે દાનવ તરીકે જાણીએ છીએ .પુરાણોના ઉલ્લેખ પ્રમાણે એ  લોકો દેવોને કનડતા અને ઋષિઓના યજ્ઞમાં ભંગ પાડતા . માણસોને નુકસાન પહોંચાડતા . એમના વિનાશ માટે દેવ  દાનવના યુદ્ધ અને અવતારોની વાત અજાણી નથી . ત્યારે પણ અને અત્યારે પણ સામાજિક મૂલ્યોને ભૂલી અસંયમિત વર્તન કરવા વાળો વ્યક્તિ દંડને પાત્ર હોય છે . 

જેવી રીતે સ્ત્રી મર્યાદામાં શોભનીય હોય એમ પુરુષ પણ મર્યાદામાં જ પ્રસંશનીય હોય છે . ‘લક્ષમણરેખા’ એનું સચોટ ઉદાહરણ ગણી શકાય . 

સાધુ સ્વરૂપે આવતો દરેક વ્યક્તિ ખરેખર સાધુ જ હોય એ જરૂરી નથી. દરેકે , ખાસ કરીને સ્ત્રીઓએ ધર્મનું પાલન પણ કૌટુંબિક સીમારેખામાં રહીને જ કરવું જોઈએ . સાધુવેશમાં સ્ત્રીઓ, બાળકો, અને ભલાભોળા લોકોનું આર્થિક, માનસિક, શારીરિક શોષણ કરનારા કેટલાયે લોકો બહિષ્કૃત થયા છે, કાયદાકિય સજાને પાત્ર થયા છે .

દરેક સંબંધની આગવી મર્યાદા સામાજિક ધોરણે નક્કી જ છે .

પિતા પુત્ર , પુત્રી , ભાઈ ,બહેન ,માતા, સંતાનો, પતિ , પત્ની, વડિલો  મિત્રો ,પાડોશીઓ, ધંધાર્થીઓ , વગેરે દરેકને પોતપોતાની સીમારેખામાં રહીને જ વર્તવાનું હોય છે . 

એનું એક જવલંત ઉદાહરણ ‘મહાભારત’ છે . મિત્ર, ગુરૂ જનો , ભાઈઓ, ભાઈની પત્ની , વડીલો તરફનો અસંયમ યુદ્ધ અને કૌટુંબિક સર્વનાશ તરફ દોરી ગયો .

કોઈ પણ સમાજમાં નિયમનું ઉલ્લંઘન દંડને પાત્ર ગણાય છે . કાયદો, કૉર્ટ, પોલીસ, જેલોનું નિર્માણ એટલે જ થયું છે જેનાં લીધે મનુષ્ય સામાજિક કાયદા તોડતા રોકાય .

એવી રીતે પ્રકૃતિનાં પણ પોતાના નિયંત્રણના નિયમો હોય છે. સૂર્ય , ચંદ્ર ,હવા ,પાણી ,દિવસ, રાત, ઋતુચક્ર, નક્ષત્રોની ચાલ વગેરે બધું જ . 

એટલેજ આપણી પૃથ્વી સુંદર છે. રહેવા જીવવા લાયક છે . 

એમ જ આપણો સમાજ નિયંત્રિત છે, ત્યાં સુધી સુંદર છે . નિયમ, સંયમ અને નિયંત્રણ વગર સુંદરતા, સાયુજ્ય અને સંવાદિતા શક્ય નથી . એટલેજ સંયમ મહત્વ પૂર્ણ છે .ભગવદ્દ ગીતામાં શ્રી  કૃષ્ણ કહે છે : 

यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन।

कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते।।3.7।।

 ।।3.7।। हे अर्जुन! जो मनुष्य मनसे इन्द्रियोंपर नियन्त्रण करके आसक्तिरहित होकर (निष्काम भावसे) समस्त इन्द्रियोंके द्वारा कर्मयोगका आचरण करता है, वही श्रेष्ठ है। 

——————————————————

૭) ઝંખના વછરાજાની

શીર્ષક-સંયમ

શબ્દ-૧૭૭ લગભગ

વિશ્વ માનવ આપણે તો, મુક્ત, આધુનિક માનવ થઈ રહેવું ગમતું કર્યું છે. આ ગમતુંની વાતે આપણે સગવડિયા પણ ખરા, જે ગમે, ફાવે તે સારું બાકી બધું પડતું મુકીએ. આ જ જીવન જીવાય રહ્યું છે. 

અાચાર,વિચાર, વિહાર, વ્યવહારમાં સંતુલન -સંયમ શું? એ તો ભુલી જ ગયા. 

સંયમ મનથી રાખવો જરુરી, તનથી રાખવો જરુરી. કર્મથી એટલોજ જરુરી. સ્વસ્થ જીવન માટે સંયમ મુખ્ય પરિબળ ગણી શકાય. આ સંયમ સ્વસ્થ સમાજનું ઘડતરનું ઘટક. 

સંયમ વિષે કહીએ ત્યારે આપણે વેદિયામા ખપીએ. 

હાલ જે ઘર કેદ મળી માનવને તે વિશ્વમાં અમે ચઢિયાતા દેખાડવાનું અસંયમિત પરિણામ. વિકૃત ઈચ્છાઓ પર સંયમ રાખવો એ આજની ફરજીયાત જરુરિયાત છે. માનવજાતને ખતરામાં મુકી વૈજ્ઞાનિક રીતે  વિનાશને આમંત્રણ તો ન જ અપાય. વિનાશક વિચાર પર સંયમ રાખવા સામે, દામ, દંડ, ભેદનો અમલ થવો જ જોઈએ. સાથે ઘર આંગણે સંયમથી રહેતા શીખવું જરુરી છે. અતિરેક થાયને નુકશાન થાય પછી જાગવું તેના કરતાં સંયમથી વિવેકપૂર્ણ જીવન ગામ, રાજ્ય, દેશનાં હિતમાં છે. વૈભવી જીવન જીવવામાં પ્રકૃતિને જાળવવાનો સંયમ આપણે ખોઈ બેઠા. તો હવે જાગ્યાં ત્યાંથી સવાર. સંયમથી વિવેકપૂર્ણ જીવન માટે પહેલા કટિબદ્ધ થઈએ. મન, વચન, કર્મથી સંયમથી જીવીએ,સહયોગને, સંગાથે રહીએ.

__________________________________

૮) લતા ડોક્ટર

શીર્ષક-સંયમ

શબ્દ સંખ્યા-૨૬૬

સંયમ રાખી સંયમપૂર્વક વિચારવા બેસું છું ત્યારે સંયમમાં છુપાઈને બેઠેલા ‘યમ‘થી  ફફડું છું. સંયમ-નિયમ, યમ-

નિયમ શબ્દ જોડકામાં સાથે જ બોલાય છે. સારા લાગે છે બંને સાથે. આ ‘નિયમ‘માં પણ ‘યમ ‘ છુપાયેલો પાછો.                           

               સંયમનો નિયમ રાખવો જરૂરી. આ માટે પહેલાં સંયમ શબ્દ સમજવો પડે.સંયમ એટલે સ્વનિયંત્રણ. બીજા દ્વારા લદાયેલું નિયંત્રણ તો બંધન કહેવાય. સ્વનિયંત્રણ એટલે પોતાની જાતે જ સમજી વિચારીને વિવેકપૂર્વક પોતાના પર નાખેલું નિયંત્રણ.આ સ્વનિયંત્રણ-સંયમ જીવનમાં દરેક ક્રિયામાં અત્યંત  જરૂરી.યાદી ન આપતા હુંકહીશ કે બધી જ ક્રિયાઓમાં સંયમ જરૂરી.એટલે સુધી કે ‘સંયમ‘ પણ એક ક્રિયા છે અને એમાં પણ સંયમ જરૂરી.એટલે કે સંયમમાં પણ સંયમ રાખવો જ પડે.હવે સંયમનો એક બીજો ભાવ મનમાં ઉગે છે.સંયમ એટલે સમ્+યમ, એટલે સારી રીતે સમજીને સ્વીકારેલું નિયંત્રણ કે જે પોતાની આસપાસના કોઈને અગવડભર્યું ન લાગે.મારા સંયમના અતિરેકથી મારો પરિવાર, સ્નેહીજનો અગવડમાં  મુકાતાં હોય તેવો સંયમ ઘણીવાર ‘જીદ‘નું નામાભિધાન પામે છે.अति सर्वत्र वर्जयेत् એ ન્યાયે કોઈ પણ ક્રિયામાં અતિરેક ન થાય એ જ સંયમ.જો સરિતા કિનારા(નિયમન )છોડી સંયમ તોડે તો વિનાશ થાય.આપણી ધરતી સંયમ છોડી થોડી પણ ગતિ વધારે શું થાય ??!!!આમ સંયમ પ્રકૃતિ કે આપણા જીવનમાં ખૂબ જરૂરી… જો ન રાખીએ તો એમાં છુપાયેલો ‘યમ‘ ખૂબ તારાજી સર્જી શકે એમ છે. જીવન જ હરે તે યમ..એમ નહીં પણ સપના, પ્રેમ, ઈચ્છા,

પ્રમાણિકતા, સંબંધો હણે તેને પણ યમ જ કહેવાય. જેમકે ધનની અનિયંત્રિત યાત્રા પ્રમાણિકતા હણે છે. અપેક્ષાઓની અસંયમિત વૃત્તિ સંબંધોને સ્વર્ગસ્થ કરી મૂકે છે. શંકાનું અસંયમિત રીતે ફાલતું બીજ વૃક્ષ બની દાંમ્પત્ય જીવનને પાયમાલ કરે છે. અંતે હું માનું છું કે અસંયમિત લંબાણ રસક્ષતિ કરે છે, એ ન્યાયે હું હવે સંયમ રાખી સમાપ્ત કરું છું.

——————————————————

૯) જ્યોતિ આશિષ વસાવડા

શીર્ષક -સંયમ

 મારી સામે  ભજિયા પીરસવામાં આવ્યા હોય, ભજિયા ખુબજ સ્વાદિષ્ટ હોય અને મને ભાવતા પણ હોય છતાં હું ચાર જ ભજિયા ગ્રહણ કરું અને બાકીના આદર સહિત પરત કરું ત્યારે ઍ બનેછે સાચો સંયમ.વસ્તુ ગમે છે અને પ્રાપ્ય પણ છે છતા તેનો ઉપભોગ મન ભરીને નહિ કરવો તેનુ નામ  સંયમ.

    પ્રભુ ઍ આ સૃષ્ટિની રચના કરી. નદી,પર્વત, જંગલ, સુર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર બધું જ ભગવાને રચ્યું છતાંયે  મનુષ્ય ઍ ઇશ્વરની સર્વશ્રેષ્ઠ રચના ગણાય છે. મનુષ્ય પોતાનું જીવન ધોરણ સુધારવા માટે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે તેમાં પ્રભુ પણ રાજી થાય જ છે, પરંતુ મનુષ્ય જ્યારે  સંયમને નેવે મુકી દે છે અને કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ કરવા લાગે છે, પ્રભુની રચેલી સૃષ્ટિનુ સૌંદર્ય છિનવી લેવાનો પ્રયત્ન કરેછે ત્યારે કુદરત રૂઠે છે, પ્રભુ નારાજ થાય છે.

   ભારતીય  સંસ્કૃતિ પ્રકૃતિની પૂજા કરવાનું શીખવાડે છે.પછી ઍ વડ હોય કે પીપળો નદી હોય કે સૂરજ.આપણી સંસ્કૃતિ આપણને  ઉપવાસ કરતા ભુખ્યાં રહેતા શીખવાડે છે. આપણા રૂષિ મુનિઓઍ આપણ ને ઍકાદશી આપી, અનેક વ્રતો આપ્યા જેમાં ભુખ્યા રહીને પ્રભુની નજીક રહીને ભક્તિ કરી સત્સંગ કરવાનો હોયછે. આ સંયમનો ખુબજ મોટો અને મહત્વનો પાથ છે.ઘરમાં અનાજ છે ઘરવાળી રાંધી શકેછે  અને છતાંય નથી જમવાનું,ત્યારે આવી પરિસ્થિતિમાં સંયમના પાઠ શીખાય. અને એમાંય ગુજરાતમાં તો નાની નાની બાળાઓ નાનપણથી જ મોડાકત અલુણા વ્રત કરીને સંયમના પાઠ પાકા કરી લે છે.

    સંસારમાં  જીવવા મટે વાણીનો તથા વ્યવહારનો સંયમ પણ એટલો જ જરૂરી છે.ઘણું બધું બોલતા આવડતું હોય પરંતુ વડીલની આમન્યા જાળવવાના હેતુથી તથા સંબંધો સાચવવાના હેતુથી વ્યક્તિ જ્યારે ચુપ રહેછે ત્યારે તે વાણીનો સંયમ છે.વ્યવહારનો સંયમ ઍ આપણા સંસ્કાર અને શિષ્ટાચાર તરિકે ઓળખાય છે. માતા પિતા અને વડીલો  બેઠા હોય ત્યારે અતિશય ખુશીના સમાચાર જણાવતી વખતે પત્નિ કે પ્રેમિકાની સાથે વિવેક જાળવવો ઍ લાગણીનો સંયમ છે.

ટુંકમાં જેમ વિદ્યા વિનયથી શોભે છે તેમ માણસ  સંયમ અને સંસ્કારથી જ શોભે છે.

_________________________________

૧૦) ઋતંભરા

શીર્ષક-સંયમ

શબ્દ-294

ભગવદ્ગોમંડલમાં સંયમનો  અર્થ આપ્યો છે-“ઇન્દ્રિયો પરનો કાબૂ “અથવા “ઇન્દ્રિય નિગ્રહ.”

આપણું શરીર પાંચ ઇન્દ્રિયો થકી કામ કરે છે.દ્રષ્ટિ,સ્પર્શ,સુગંધ, શ્રવણ અને સ્વાદ આ પાંચ

ઇન્દ્રિયો વડે આપણે જીવનમાં સુખ,દુઃખ,આનંદ,શોક અનુભવીએ છીએ.આ ઇન્દ્રિયોના સર્વ

કાર્યોનું કેન્દ્ર છે,”મન”.આપણું મન એ સર્વ ઇન્દ્રિય તૃપ્તિના ભાવોનું સંગ્રહસ્થાન છે.મન

ખૂબ જ ચંચળ છે એટલે ઇન્દ્રિયો પાસે સતત સારા નરસા કામ કરાવ્યાજ કરે છે.આ ચંચળ

મનના ગુલામ થવાને બદલે તેને આપણાં વશમાં રાખવું હોય તો આપણે સંયમ સ્વીકારીને

શીખવો પડશે.જ્યારે આપણે આચાર,વિચારમાં વિવેક ગુમાવીએ છીએ ત્યારે આપણું વર્તન

આપણી જાતને અને સમાજને નુકશાન પોહચાડે છે.આપણે રોજબરોજની જિંદગીમાં ઈર્ષા,

લાલસા,દ્વેષ વગેરેથી એટલા રંગાયેલા છીએ કે કેટલીકવાર એમાં વિવેક ગુમાવી બેસીએ

છીએ.ત્યારે એવું લાગેછે કે ઈશ્વરે આપેલ શક્તિઓનો યોગ્ય ઉપયોગ આપડે ભૂલી ગયા છીએ.

                         સંયમ,વૃત્તિઓને કાબુમાં રાખતાં શીખવે છે.આ વૃત્તિઓનું માત્ર બાહ્ય રીતે જ

શમન નથી કરવાનું પણ આંતરિક રીતે પણ પરિવર્તન લાવવું જોઈએ.ભીતરનું પરિવર્તન

એ જ સાચો નિગ્રહ,એજ સાચો સંયમ કહેવાય..કોઈપણ ગમતી વસ્તુ જોઈને સ્હેજ પણ મનમાં

લાલસા ન જાગે અનાસક્ત ભાવથી જ મન જ્યારે જોવે ત્યારે સાચો સંયમ છે એમ પુરવાર

થાય.બાકીની અનુભૂતિ”દમન” કહેવાય. આ ચંચળ મનનો આપણી ઉપર ખૂબ પ્રભાવ છે તો

પછી આ મનને સ્થિર કરવા શુ કરવું? તો ગીતામાં કૃષ્ણ ભગવાને યોગ અને ધ્યાનનો

અભ્યાસ કરવાનું કહ્યું છે.યોગ અને ધ્યાનથી નકારાત્મકતા—ઈર્ષા,રાગ,દ્વેષ પર નિયંત્રણ

આવે છે.ગીતામાં છઠ્ઠા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન કહે છે કે”યોગાભ્યાસમાં હંમેશા પરોવાયેલા

રહીને આત્મસંયમી યોગીઓ મલિનતા રહિત થઈ જાય છે.”ઇન્દ્રિયોને આધીન થવાને બદલે આત્માને

આધીન રહેવાથી સંયમ આપોઆપ જળવાશે.આ બધી ક્રિયાઓ અઘરી છે છતાં આત્મબળ મજબૂત

રાખશું તો જરૂર સંયમિત થવાશે.હાલના સંજોગોમાં તો આપણે બધાને કોરોનાની મહામારીથી બચવા

માટે આપણી જીવનશૈલીમાં ખૂબ જ સંયમ કેળવવાની જરૂર છે.રોજ ઘરમાં જ રહીને યોગ,

ધ્યાનનો અભ્યાસ કરતા રહેવાથી તન અને મન બંને પ્રફુલ્લિત રહેશે.નકારાત્મકતા દૂર થશે.

અને આપણને સંયમનું મહત્વ પણ સમજાશે.

_________________________________

૧૧)  પન્ના પાઠક

શીર્ષક :સંયમ 

શબ્દ સંખ્યા :270

સંયમનો અર્થ થાય છે પોતાની જાત પર નિયંત્રણ. જે વ્યક્તિમાં સ્થિતપ્રજ્ઞતા હોય તે વ્યક્તિ સંયમી કહેવાય સંયમ એટલે ખુશીમાં એકદમ છલકાય ન જવું. દુઃખમાં એકદમ નિરાશ ન હોવું ઘણીવાર આપણે પ્રતિજ્ઞા લેતા હોઈએ કે હવેથી હું રોજ સવારે મંદિરે જઈશ. પણ કોઈ દિવસ વાહન બગડી ગયું કે કોઈ દિવસ વહેલું ન ઉઠાયું એ બહાના હેઠળ પ્રતિજ્ઞાને હડસેલીએ છીએ એ સંયમી ન કહેવાય. કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં અણનમ રહીને પોતાના કાર્યમાં આગળ વધતો રહે તે વ્યક્તિ સંયમી છે. 

સંયમ એટલે કામ, ક્રોધ, મદ, લોભનો ત્યાગ. ઘણીવાર સમાજમાં અમુક સાધુઓ આપણે જોઈએ છીએ કે સંસાર છોડી દીધો હોય પણ આ ચાર વસ્તુઓનો ત્યાગ નથી કરી શકતા . 

સંયમનો ગુણ ખીલવવાથી આપણામાં એક આત્મવિશ્વાસ ઉભો થાય છે. ખાવામાં સંયમ રાખવાથી આપણા શરીરમાં કોઈપણ પ્રકારના રોગની સંભાવના રહેતી નથી. સંયમથી આપણે આપણો સમય નિરર્થક ગુમાવતા નથી. કાર્યરત રહીને સમાજને ઉપયોગી જીવન જીવીએ છીએ. 

સંયમ રાખવાથી આપણે લોભ, લાલચને વશમાં રાખી શકીએ છીએ. આ માટે જો આપણે સારુ સાહિત્યનું વાચન કરીએ તો સંયમનો ગુણ કેળવી શકીએ. પૈસા કમાવાની લાલચમાં ઘણી વ્યક્તિ સમાજના કાયદા, નિયમો તોડે છે. નિર્દોષ વ્યક્તિને રંજાડે છે. સત્તાની લાલચમાં વ્યક્તિભાન ભૂલીને ચકનાચૂર થઇ જાય અને રાજકારણમાં અનૈતિકતા લાવે છે. 

સાધુઓજ સંયમ દાખવે છે એવુ નથી. સંસારમાં રહીને પણ તમે સંયમી જીવન જીવી શકો છો. 

સંયમ રાખવાથી એકાગ્રતા કેળવાય છે. બાળકોને નાનપણથી જો આ ગુણ કેળવાય તો અભ્યાસમાં પ્રગતિ કરી શકે. આગળ જતા તેમના વ્યવસાયમાં પણ આગળ વધી શકે. 

કુટુંબમાં દરેક વ્યક્તિ સંયમ થી જીવે તો આપસમાં આત્મીયતા વધે. એકબીજાનું માન સાચવે દરેકની લાગણીને સમજે. એ પ્રતિબિંબ સમાજમાં દેખાય. તો સમાજમાં ચોરી, લૂંટફાટ, બળાત્કાર જેવા કિસ્સા ના બને 

21મી સદીમાં ડિજિટલ યુગમાં સંયમ થી જીવવું બહુ કઠિન છે. ટીવી મોબાઇલ બાળપણથીજ બાળકો પાસે આવી જાય છે તેથી તેમની દુનિયા બહોળી થઇ જાય છે. બાળકોને સારા-નરસા ની સમજ હોતી નથી. માબાપ જો આ બધી વસ્તુઓથી અલિપ્ત રહે અને બાળકોને સારા-નરસાની સમજ શરૂઆતમાં જ આપે તો બાળક મોટું થતા સારી સમજ કેળવી શકે. 

સંયમ માટેનું જીવતુંજાગતું ઉદાહરણ આપણા રાષ્ર્ટપિતા ગાંધીબાપુ છે. તેમણે બ્રહ્મચર્યવ્રત, અપરિગ્રહ, ઉપવાસ, મૌનવ્રત વિગેરે પર કાબુ મેળવેલ હતો. અહિંસક લડાઈથી આપણે અંગ્રેજો સામે સ્વતંત્રતા પ્રાપ્ત કરી શક્યા. 

કેટલાક માણસો બળપૂર્વક મનને ધક્કો લગાવીને સંયમી હોવાનો દેખાવ કરતા હોય છે. વૃત્તિઓને દબાવી રાખવાથી બહારથી બધુ બદલાય છે, પણ ભીતરમાં તેમનુંતેમ રહે છે. આ એક જાતનું દમન છે. લાંબો સમય ટકતું નથી.

સંયમ અને જીત વચ્ચેની પાતળી લીટીની ઓળખ જો થઇ જાય તો સફળતા તમારા કદમોમાં છે. કોઈ વસ્તુ અથવાતો ગમતી વસ્તુ તરફ તમે આકર્ષિત ન થતા હો તો એ તમારી મોટી જીત છે. 

અત્યારે કોરોના વાયરસનો ભય આખા વિશ્વમાં ફેલાયેલો છે. આપણા દેશમાં છેલ્લા 3મહિનાથી લોકડાઉન હતું, હવે ધીમેધીમે બધુ ખુલતું જાય છે. ત્યારે દેશના દરેક નાગરિકે આત્મસંયમથી વર્તવું ખુબ જરૂરી છે. ડર રાખવાની જરૂર નથી પરંતુ આ રોગ આપણને કે બીજાને ન ફેલાય તે માટે સોશ્યિલ ડિસ્ટ્રનસીંગ પાળવું, માસ્ક પહેરવું, દરેક વસ્તુ અને શરીરને સેનિટાઇઝ કરવું ખુબ જરૂરી છે. 

કૃષ્ણ કહે છે એમ ‘આ સમય જતો રહેશે.’ આ વાક્ય વાંચવું ખુબ ગમે, કદાચ એ સમયને જતો રહેવા દેવા દરમિયાન સંયમ રાખવો ખુબ કઠિન હોય છે. જે કોઈક જ કરી શકે. 

આપણા ભારત દેશમાં ભીષ્મ પિતામહ, કૃષ્ણ, રામ, મહાવીર બુદ્ધ વિગેરે અનેક મહાપુરુષો થઇ ગયા છે તેમનું ઉદાહરણ લઈને આપણે સંયમી બની શકીએ

_______________________________

૧૨) આરતી પાઠક 

શીર્ષક :સંયમ 

શબ્દસંખ્યા :૧૯૪

સંયમ એટલે શુ? સંયમ એટલે કાબૂ  કોના ઉપર? આપણા ઉપર, સ્વભાવ ઉપર, આપણી ઇન્દ્રિયો ઉપર કે  પછી આપણા સમગ્ર અસ્તિત્વ ઉપર, સંયમ એટલે પોતાનો જ પોતાની જાત ઉપરનો કાબૂ,  રૉક તેજ સંયમ. 

         હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ જોઇએ તો માનવ સહજ સ્વભાવ જે વર્ષો થી ટેવાયેલો હોવાને કારણે રહેતો હતો , આપણે સૌ જે રીતે રહેતા હતા તેનાથી અલગરીતે આપણી ખાણી પીણી  રહન સહન ની ટેવને સંજોગો મુજબ બદલી રહયા છે તે એક સંયમ જ છે. 

       સામાજિક સંયમ પોતાના થકી વ્યવહારમાં વર્તન સામેવાળાને અનુરૂપ થવું એ સામાજિક સંયમ. 

રાજકીય સંયમ  વિરોધ પક્ષ હોય કે પ્રજાહિત હોય તેના માટે પોતાના ફાયદા કે કુટેવ પર કંટ્રોલ એ રાજકીય સંયમ. 

એનું ઉદાહરણ આપણા લાડીલા પ્રધાનમંત્રી  મોદીજી આપણી સામે છે. હંમેશા તેઓશ્રી પ્રજાના હિત ને જ જોયું છે. 

ધાર્મિક સંયમ  પોતાની ધાર્મિક લાગણી કે આસ્થાને કારણે બીજા ધર્મને નુકસાન ન થાય,  પોતાના ધર્મ પ્રત્યે નો ભાવ બીજા ધર્મ પ્રત્યેનો અભાવ ન દર્શાવે તે ધાર્મિક સંયમ. 

શારીરિક સંયમ  આંખ કાન અને વાણી દૃવારા ઇન્દ્રિયો પર કાબૂ રાખી શકીયે તે પણ સંયમ. 

માનસિક સંયમ   જીવનને હોડમાં પણ મૂકી શકે છે માનસિક અસન્તુલન.  જીવનને વેરણ છેરણ થતું અટકાવવા માનસિક સંયમ બહુ જરુરી છે. 

   આપણું સબકોન્સિયસ માઈન્ડ સંયમનું દોરી સંચાલન છે.


સુરેન્દ્રનગર શાખા

 ૧) નીલમ પ્રતિક વ્યાસ*

શીર્ષક- સંયમ

શબ્દ સંખ્યા- 250 આશરે

સંયમ એટલે?

સાંકળ? પીંજરૂ? ઉંબરો?

કે પછી લગામ?

આમાનું કંઈજ નહી!

સંયમ એટલે આપણી જાત માટે આપણે જ ખેંચેલી લક્ષ્મણ રેખા.

મારી દ્રષ્ટીએ સંયમની ભુમિકા તથા ગતિવિધી  સમય અને પરિસ્થિતીને આધિન હોય છે. 

ક્યારેક ઈચ્છવા છતાંય સંયમ રાખવો દોહ્યલો બની જાય છે…….

જેમકે દ્રૌપદીને જ્યારે પાંચ પતિઓ સાથે વિભાજીત કરવામાં આવી હશે ત્યારે કઈ રીતે સંયમ રાખ્યો હશે એણે પોતાની ઈચ્છા પર?

ક્યારેક અનિચ્છાએ પણ પરાણે સંયમ અવગણવો પડે છે………

જેમકે સીતાની દ્વિઘા, આંગણે આવેલ બ્રાહ્મણ સાધુને ભિક્ષા આપવી કે લક્ષ્મણરેખા નહી ઓળંગવાના વચન પર સંયમ જાળવવો?

તો વળી ક્યારેક સંયમ જાળવવો પ્રકૃતિ વિરૂધ્ધનો પડકાર પણ લાગે છે……

જેમકે સારસ અને સારસીનું જોડુ જ્યારે વિખુટુ પડે ત્યારે  મૃતકના વિરહમાં વિલાપ કરતું બીજુ પાત્ર તેની જીજીવિષા પર સંયમ રાખીને પ્રિતની રીતને ગતિ આપે છે.

આધુનિક યુગમાં માનવ જે રીતે સ્વછંદ અને બેફામ બનતો જાય છે એ જોતા એવો ડર લાગે છે કે શું સંયમ જેવો શબ્દ જ શબ્દકોષમાંથી લુપ્ત થઈ જશે? સૌને ઈચ્છા મુજબ બોલવું, વર્તવું અને જીવવું છે, સંયમ તો એક અદ્રશ્ય આવરણ છે જે પ્રત્યેક તત્વને ચડાવવું જ રહ્યું!

એવું જરૂરી નથી કે માત્ર કુટેવો કે નકારાત્મક બાબતોમાં જ સંયમ રખાતો હોય! જ્યાં કદર કે મહત્વ ન હોય ત્યાં સમય, લાગણી અને સારપને ખર્ચવામાં પણ સંયમ કારગત નીવડે છે.

આજે વિષય મળ્યો જ છે તો લાભાલાભ બન્નેની ચર્ચા કરવી જ જોઈએને! હા ભારોભાર માન્યું કે સંયમ ફાયદાકારક તો છે જ પણ અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં સ્ત્રી જાતને જન્મતા વેંત જ ગળથુથીમાં જ સંયમને લસોટીને પીવડાવી દેવાય છે, એની ઈચ્છાઓ, સપનાઓ, રસ્તાઓ, પસંદગીઓ અને મૂળભૂત હક્કો પર જે પુરૂષપ્રધાન વિચારધારાના અંકુશો લગાડવામાં આવે છેને એને સંયમ જેવું રૂપકડુ નામ આપી એક પ્રકારનો ગુણ અને સંસ્કાર ખપાવી દેવામાં આવે છે. દુઃખની વાત તો એ છે કે નાનપણથી આવા અન્યાયનો ભોગ બનેલી મોટાભાગની સ્ત્રીઓ નહી ઈચ્છવા છતાંય એનો વિરોધ કરવામાં સંયમ જાળવે છે!!!

ચાલો હવે સંયમ જાળવીને કલમને હવે અહીં વિરામ આપું છું, કારણ કે લખાણ મારૂ અંતહીન છે.

__________________________________

૨) કલ્પનાબેન ત્રિવેદી

 સંયમ એક એવો શબ્દ છે કે ઘણું બધું લખી શકાય. સંયમ એટલે કોઇપણ જાતની લાગણીઓ ને વશમાં રાખવી.સંયમ એટલે એક યુદ્ધ,, પોતાની જ વિરુદ્ધ.

જીવનમાં ઘણી બધી બાબતો પર સંયમ રાખવો પડતો હોય છે.

પ્રથમ વાત કરીએ… વાણીના સંયમ ની..જો વાણી પણ ઉશ્કેરાટ માં બોલીએ તો ઘણી વખત પાછળથી પસ્તાવો થાય. એટલે મધુર ને સાચી વાણી બોલવી.કોઈ ગમે એટલું ગુસ્સો આવે એવું વર્તન કરે તો પણ વાણીનો સંયમ રાખવો.કેમકે બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી.હાલનો યુગ ફાસ્ટ ટ્રેક છે… આ કોરોના બિમારી ના કારણે બધાને ઘરમાં જ રહેવાનો વખત આવી ગયો. જયારે સંયુક્ત પરિવાર હોય ત્યારે ઘણી બધી બાબતો નો સંયમ રાખવો પડે છે.

આજની યુવા પેઢી ગુસ્સો control નથી કરી શકતી,, જેના પરિણામ દરેકને ભોગવવા પડે છે. ગુસ્સો આવે ત્યારે ભાવાવેશનો સંયમ ખૂબ જરૂરી છે. અઘરું છે, પણ અશક્ય નથી.જયારે તમે કોઈપણ બાબતે સંયમ રાખશો એ તમારી આદત બની જશે. સ્વાદનો સંયમ, ઈન્દ્રિયો નો સંયમ, વૃતિનો સંયમ, આવી ઘણી બાબતો પ્રત્યે જાગૃત રહી સંયમ કેળવી શકાય.આમ પણ કહેવત છે કે નમે તે સૌને ગમે.

આ નમવું એ એક પ્રકારનો સંયમ જ છે. જો ભાવનાત્મક લાગણીઓ ને નિરંકુશ રહેવા દો..તો એ તમારી ઉપર આજીવન અંકુશ બેસાડી દેશે.આથી જ બાળકોને નાનપણથી જ ગુસ્સો ન કરવા સમજાવાય છે. જે વસ્તુ નિયંત્રણમાં હોય એ બાબતે નિશ્ચિત બની જવાય,,, અને માઠા પરિણામ થી બચી શકાય.

હથિયાર થી વાગેલા ઘા રુઝાઈ જશે.. પણ વાણીના ઘા રુઝાતા નથી.આપણે જ આપણી જાત પર ઉપરના દર્શાવેલ બાબતો ના સંયમ રાખીએ, તો જીવન સહેલાઈથી પસાર થઈ શકે. સંયમ રાખી એક ધ્યેય સાથે આગળ વધીએ.

________________________________________________

રાજકોટ શાખા

૧) વિધિ વણજારા “રાધિ”

શબ્દ સંખ્યા : ૩૩૩

સંયમ એટલે શું? સંયમ એટલે કાબૂ, જાત નિયંત્રણ. પોતાનાં પરનો કાબૂ. આજકાલ સૌ કોઈ નિયંત્રણમાં જીવે છે. બંધનો અને નિયંત્રણ તો હોય જ છે આમ ન કર, તેમ ન કર, આવાં કપડાં ન પહેરાય, આ ખોરાક ન ખવાય, સાડી ન લેવાય, તે ડ્રેસ લેવાય અને કેટકેટલું ફલાણું ને ઢીકણુ.

આપણે સૌ આવાં બાહ્ય નિયંત્રણો અને બંધનોથી કંટાળેલા છીએ. હવે વાત કરીએ તો સંયમ એટલે શું? આવાં અસંખ્ય નિયંત્રણોની જેમ જ એક આંતરિક નિયંત્રણ. પોતાની જ જાત પરનું નિયંત્રણ. આજકાલ બધાંની ઈચ્છા એક જ હોય. પોતાની મરજી પ્રમાણે જીવે, બિન્દાસ હરે ફરે, એનું મન કરે એમ કરે અને કોઈ રોકટોક નહીં. સાચું ને ? ….જો બાહ્ય નિયંત્રણ ન હોત તો શું તમે ક્યારેય એક સારી વ્યક્તિ બની શકતાં? કદાચ નહીં. કારણકે એ નિયંત્રણોએ જ જીવતાં શીખવ્યું, ખાતાં – પીતાં, ઊઠતાં – બેસતાં, જન્મતાં જ બાળકને નથી આવડતું એ પછી જ શીખે છે.

 જ્યારે બાહ્ય નિયંત્રણ આપણને એક વ્યક્તિ બનાવી શકતાં હોય તો આંતરિક નિયંત્રણ શું કરી શકે છે? સંયમ એક આંતરિક નિયંત્રણ જે આપણને શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરવા માટે 

મદદરૂપ બને છે. કોઈ વસ્તુ મેળવવાં માટે ઈચ્છા હોય પણ એ જ્યારે ન મળે તો પણ તમારાં મુખ પર સ્મિત એમ જ હોય તો તમે તમારી ઈચ્છા પર સંયમ ધરાવો છો. તમારી જ સામે કોઈ પોતાની જ વ્યક્તિ તમારી નિંદા કરતી હોય છતાં પણ તમારાં મનમાં એ પ્રિય વ્યક્તિ માટે એક પણ ખરાબ વિચાર કે ગુસ્સો ન આવે તો તમે તમારાં ગુસ્સા પર કાબૂ ધરાવો છો. જ્યારે ગમતીલી વસ્તુ કે વ્યક્તિ મળી જાય તો રાજીના રેડ નથી થતાં અને એ જ વ્યક્તિ કે વસ્તુ જો ન મળે તો હતાશ પણ નથી થતાં એટલે તમારાં વર્તન પરનો સંયમ.

સંયમ માટેનું સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે. જ્યારે જ્યારે જે મળ્યું એ સ્વીકારી લીધું ન કોઈ ફરિયાદ કે ન ખુશી. રાજગાદી મળવાની વાત સાંભળી એ ખુશ નહોતાં થયા એવું પણ નથી અને વનવાસ મળવાથી દુઃખી થયાં એવું પણ નથી.

સંયમ રાખવાથી જીવન શ્રેષ્ઠ બની શકે છે. જીવનમાં જે મળે જેવું મળે તેવું સ્વીકારીને સંયમિત જીવન જીવવાથી એક અલગ જ આનંદ પ્રાપ્ત થઈ શકે.

__________________________________

૨)  હેમાંગી ભોગાયતા ‘પ્રજ્ઞા’

શબ્દસંખ્યા : ૨૩૨

ગુજરાતી ભાષાના અમુક શબ્દો એટલા સરસ છે કે જેનો ઉપયોગ સાહિત્યમાં થાય તો એની અલગ જ ભાત સાથે એ લખાણ બહાર આવે. આ શબ્દ ‘સંયમ’ પણ કંઈક આવો જ છે. પરંતુ તેનો ઉપયોગ શબ્દોના અર્થને સંયમ નથી આપતો પરંતુ એના અર્થને વિસ્તારી દે છે. 

સંયમ એટલે શાબ્દિક રીતે નિગ્રહ. બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ એ જ સંયમ. ગાંધીજી પણ સંયમમાં ખૂબ જ માનતા.યુવાવર્ગને આ વાત સમજાવવા માટે તેઓ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે રોજબરોજના જીવનમાં સંયમથી કામ લઈએ તો ઘણા પ્રશ્નોનું નિરાકરણ કરી શકીએ. આપણા જીવનમાં ઉપજતા ઘણા બધા પ્રશ્નોનું મૂળ જ એ હોય છે કે આપણે આપણી જાત પર સંયમ નથી રાખી શકતા નથી. સંયમ વિના સંતોષનું મહત્વ નથી અને જેને સંતોષ નથી એ વ્યક્તિ ક્યારેય સુખી ન થઈ શકે.

આપણા સામાજિક જીવનમાં પણ સંયમનું ખૂબ મહત્વ છે. અત્યારના સમયમાં વૈશ્વિક મહામારીથી બચવાનો ઉપાય પણ આ જ છે ને…! જો તમે તમારી જાત પર સંયમ રાખી શકો છો, જો તમે તમારા હાથને મોં કે નાકને અડવાથી દૂર રાખી શકો છો તો તમે આ બીમારીથી બચી શકો છો. આ મહામારીથી બચવાનો ઉપાય જ છે સંયમ !

કોઈપણ વસ્તુ વિચારીને સાચી રીતે કરીએ તો જ એનું સાચું પરિણામ આવે. ખોટી રીતે કે ખોટા કારણ માટે ખોટો સંયમ નુકશાન પણ કરી શકે છે. જેમકે ઘણા લોકો વજન ઉતારવા માટે ખોટી રીતે ભૂખ પર સંયમ રાખે, ભૂખ લાગવા છતાં, શરીરને જરૂર હોવા છતાં જમે નહિ એ સંયમ ખોટો! 

જીવનને બનાવવા શાંત અને સુંદર,

ઉપાય બસ સાચી રીતનો સંયમ !

__________________________________

૩) નિમિષા વિજય લુંભાણી  ‘વિનિદી’

શબ્દ સંખ્યા : ૧૭૯

શિષૅક : બાળક અને સંયમ

સંયમ એટલે મન ઉપર અંકુશ રાખવો. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મનને પૂછવાનું, ‘આ ઈચ્છા પૂરી ના થવાથી મારા આનંદમાં શો ફરક પડે છે?’ જો જવાબ ‘કશો જ નહીં’ એવો આવે તો તે ઈચ્છા પૂણૅ કયૉ વગર ચલાવી લેવું તે સંયમ છે. પૂખ્ત થયા પછી સંયમ પર ધીરે ધીરે કાબૂ મેળવી શકાય છે. પરંતુ તેની ટેવ બાળપણથી જ પડે તો તે સાધના બની જાય છે. બાળકની કોઈ વસ્તુ માટે માંગ થાય ત્યારે જ     જે-તે વસ્તુની અગત્યતા સમજાવીને સંયમ રાખતા શીખવી શકાય. 

ક્યારેક જીવનમાં એવો પણ વખત આવે કે ગજવામાં રૂપિયા હોવા છતાં ઈચ્છા પૂરી ના કરી શકાય. ‘ચાલશે, ફાવશે અને ગમશે’ આ કહેવતની બીજી બાજુ એટલે સંયમ.

આજના મહામારીનાં સમયમાં પણ ઘણાં ઘરોમાં અમુક વસ્તુ વગર ચાલે જ નહીં એવી પરિસ્થિતિ હોય છે. જ્યાં ઘરનાં પુરુષ વગૅ કે વડીલ વગૅ જ સંયમ ના રાખી શકતા હોય ત્યાં બાળકોને સંયમનું શીક્ષણ કેવી રીતે આપી શકાય! 

પરિણામે બાળક જીદ્દી બની જાય છે. આવા વખતે દોષારોપણ સીધ્ધુ માતા-પિતા પર કરવામાં આવે છે. બાળક તો ઘરમાં જે જોશે તે જ શીખશે.

ટૂંકમાં બાળકને સંસ્કાર આપવાની જવાબદારી ઘરનાં દરેક સભ્યની છે.

__________________________________

૪) રીટા ભાયાણી

શબ્દ સંખ્યા : ૫૮૯

રામાયણ જીવતા શીખવે છે. મહાભારત રહેતા શીખવાડે છે.ગીતા કમૅ શીખવે છે જયારે ભાગવત મૃત્યુની પરિભાષા આપે છે.

આ દરેક ગ્રંથ અને તેના પાત્રો, એટલે આપણો ખરો વારસો ને આપણે તેના વારસદારો. કેટલું બધું સમાયેલું છે..! અલગ -અલગ મનુષ્ય અવતાર, આયુ અનુસાર વિવિધ આશ્રમો,લાગણીઓ, પ્રેમ, સંવેદના, શાણપણ, સત્ય, નિષ્ઠા, મર્યાદા, ત્યાગ, બલિદાન સંબંધોના તાણાવાણા..

વળી, એ થી વિપરીત; અપેક્ષા, તિરસ્કાર, વેર, કુટનીતિ, અન્યાય,ગુસ્સો, વાદવિવાદ, વાણીનો અતિરેક…  કંઈ કેટલુંય..!

પરંતુ, 

આ બધાંનો અંતે નિષ્કર્ષ શું?

આ બધાં થી અંતે લાભ શું?

આ બધાં ખરેખર પામ્યા શું?

અને,

આ બધામાંથી  આપણે શીખ્યા શું?

નિષ્કર્ષ માત્ર ને માત્ર એટલો જ;

દરેક વખતે એજ સર્વસ્વીકૃત કે જેણે પોતાના મન ઉપર, તેના થકી વિચારો પર ને સંસ્કારોની ઉપર વિજય મેળવેલ. જો મનઃસ્થિતી ઉપર વ્યક્તિનું સંપૂર્ણ અધિપત્ય હશે, તો વિચારો ઉચ્ચ બનશે ને તેને જીતી શકાશે. અતઃ સંસ્કારો તો ખીલી જ ઉઠવાના.

પરંતુ, આ બધા માટે સર્વપ્રથમ જરૂરી છે. મન ઉપર વિજય, મર્યાદામાં મન , એટલે કે 

સંયમ.

 જો મન કાબુમાં તો જીવન ખુશહાલ ને આ પૃથ્વી જ સ્વગૅ.

આ પૂન્જી જો ગાઠે તો કોઈ પણ પરિસ્થિતિ સારી કે ખરાબ, કોઈ પણ સંકટ એ પછી આર્થિક ,સામાજિક, શારીરિક કે માનસિક કેમ ન હોય?

રામાયણમાં ભગવાન શ્રીરામને રાજ્યાભિષેકને બદલે વનવાસ,સ્વયં પિતા દશરથના કહેવા છતાં, માતાની આજ્ઞા ને પિતાના વચન પાલન અર્થે હસતા-હસતા અરણ્ય પ્રયાણ, સીતાજીનું રાવણે કરેલ અપહરણ, યુદ્ધ દરમિયાન લક્ષ્મણનું મુર્છિત થવું,

આ દરેક અન્યાયપૂર્ણ, વિકટ કે અનિચ્છનીય પ્રસંગે અતિશય ધીરજપુર્ણ, સાલસ ને વિવેકી વર્તણૂંક.. મન ઉપર નિયંત્રણના, ને તેના થકી વૈચારિક શક્તિની મજબુતી ને ઉત્કૃષ્ઠ સંસ્કારના દર્શન કરાવે છે. હરેક કઠિન પરિસ્થિતિમાં પણ સંયમિત રહેવું, કયારેય ડરવું નહીં. કોઈ દ્વેષ કે પીડા મનમાં સંઘરી ન રાખી.., ખંખેરીને નવા કાર્યનો આરંભ કરવો. કોઈ પ્રત્યેનું વિષ તેને નુકશાન નથી કરતું, પણ આપણને ચોક્કસ કોરી ખાઈને ખોખલા બનાવી દેશે. મન એટલું નિબૅળ બની જાય છે કે સારાઅસારનું ભાન ભુલાવી દે છે. અરે ..,દેશાગમન સમયે પણ એમણે સવૅપ્રથમ ચરણસ્પર્શ ,માતા કૈકેયી કે જે એમના વનવાસનું કારણ હતા તેના કરેલા..! માટે જ તો એ ‘મર્યાદા પુરુષોત્તમ ‘કહેવાયા. હાર્દ એટલું જ કે ‘જીવનમાં આવેલાં કોઈ પણ ઝંઝાવાતનો ડટકર મુકાબલો કરવો હશે, તો મનની મજબુતી આવશ્યક છે.’ મુશ્કેલ પરિસ્થિતિઓ નિરંતર આવશે જ, માત્ર પ્રકારો કદાચ અલગ હોય.

અહીં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ સાહેબની આત્મકથા ‘અગનપંખ ‘માં વણૅવેલ એમનાં બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. કલામજી અને એના પિતરાઈ ભાઇ બન્ને નાળિયેરીના ઝાડ ઉપર ચડ્યા હોયછે , એકાએક જોરદાર પવન ફૂકાવા માન્ડે છે, જાણેકે વાવાઝોડું! બન્નેના પિતા દોડી આવ્યા. કાકાએ પુત્રને રાડ પાડી: ‘જો જે હો..પડીશ ,ધ્યાન રાખજે.’ ને બાળ કલામજીના પિતાએ સ્વસ્થતા ને મક્કમતાથી કહ્યું: ‘ધીરે ધીરે પકડીને નીચે ઉતારી જા.’ કાકાની એકાએક રાડ , ને પિતરાઇનો હાથ છુટી ગયો. અહીં સર્વપ્રથમ ચૂક કાકાની , જો એ ભયની લાગણીના બદલે શાંતિ રાખી શક્યા હોત તો..? બાળ માનસને જ આત્મવિશ્વાસના પાઠ શિખવવામાં આવે , તો એ ભવિષ્યમાં આવતી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો આસાનીથી ઉપાય શોધી શકે કે એને નિવારી શકે. બાળકોને જો નાનપણમાં જ સુખ-દુઃખ, પાસ-નાપાસ આગળ આવવું કે ક્યારેય પાછળ રહી જવું, એ દરેક વખતે સમતુલા રાખતા નાના-નાના પ્રસંગો દ્વારા શીખવીએ , તો એ ક્યારેય નાસીપાસ ન થાય. બાકી અત્યારે તો પ્રાથમિક શાળામાં પણ માતા- પિતા અને બાળક એક-એક ગુણ માટે રડવા બેસી જાય છે.

અહીં, ફકત મુશ્કેલીઓમાં જ સંયમ કે સમતા આવશ્યક છે એવું જરાયે નથી. આપણે સત્તા, પૈસા, રુપને કારણે છકેલા લોકો પણ અસંખ્ય જોયા જાણ્યા છે. પરંતુ, સત્તાની ખુરશી હંમેશાં મુછમા હસતી હોય છે કે, હે મનુષ્ય.. તારા પહેલાં અહીં અનેકો આવ્યા ને ગયા, કોઈ મને સાથે લઈ જઈ શક્યું નથી! ને.. ખુરશી ગયા પછી ‘સાહેબ’નો કોઈ ભાવ ન્હોતા પુછતાં એ આ સગી આંખો એ જોયું છે! માટે સત્તા ને સંપત્તિ સાથે નથી આવતા. કાયમી તો આપણા વાણી વર્તનની સુવાસ રહે છે. એ કાયમી સોડમ માટે ઉત્તમ સંસ્કાર આવશ્યક છે ને એ માટે સ્થિર મન જરૂરી છે. ‘અતિ હંમેશાં વર્જ્ય ગણાય.’  પછી એ વાણી , વર્તન, લોભ, મોહ,લાલચ, કુડકપટ, સત્તાલોભ,સત્તામદ, સંપત્તિ કે અતિ લાગણી, પ્રેમ, અપેક્ષા ગમે તે હોય.. પણ હાનિકારક છે. નિરંકુશ કંઇ પણ, ભલે એ વપરાશ હોય કે પછી દમન હોય નુકશાન નોતરે છે. સ્પ્રિંગને વધુ પડતી દબાવીએ તો એ છટકે, ને સ્થિતિસ્થપકતા ગુમાવી દે છે. માટે વધુ પડતો મન ઉપર કાબુ પણ વિષમતાઓ નોતરે છે. એટલે જ સમતા, સ્થિરતા, સંયમ અતિ આવશ્યક છે.

સુપ્રસિદ્ધ અમિતાભ બચ્ચનજીનું જીવન એટલે ‘રોલરકોસ્ટર’ની સફર જાણે..! અનેક ફ્લોપ ફિલ્મો, પછી સફળતા ના શિખર ઉપર, ફરી કોઈ કારણે આર્થિક ફટકો, સામાજિક બદનામી, માનસિક પરિતાપ, વળી નવી સફર .. ને અતિ સફળતા અને સમ્માન, છતાં નોંધપાત્ર સાલસતા. પરંતુ , આ બધા પાછળ માત્ર ને માત્ર એક જ કારણ મનની મજબુતી, મનની સ્થિરતા, મન પર કાબૂ અર્થાત ‘સંયમ’.

અતઃ  ‘ઐશ્વર્યનો મિથ્યા અહંકાર ટાળવો કે માથે ગમે તેવા સંકટના વાદળો ઘેરાયેલા હોય ધીરજ ગુમાવવી નહીં.’

__________________________________

૫) ભારતી ભાયાણી

શબ્દ સંખ્યા 235

આપણા ઋષિ મુનિઓ આપણાથી એટલે અલગ હતા કે એમનો પાંચ ઈન્દ્રિયો પર ખૂબ સંયમ હતો.હવે તો એ આપણા ઈતિહાસમાં જ રહી ગયા, પરંતુ હજી પણ કોશિશ  કરવામાં આવે તો થોડા સારા ગુણો વિકસાવી શકાય.કારણ કે ભલે આપણે જંગલમા જઇને તપ કરવાનુ ન હોય પણ આ સમાજમાં રહીને દરેક બદીઓથી બચવાનું તો છે જ.અને એના માટે સંયમની જરુર ડગલે ને પગલે પડવાની જ.

એક ઉદાહરણ લઇએ, બાળક નાનું હોય ત્યારે એ શાળા અને એ સિવાય પણ બહાર જાય,બહાર તો દરેક પ્રકારના વ્યક્તિ રહેવાના એટલે ઘરમાં જ એને એ વાત સમજવી હોય કે કારણ વગર કોઇની નીંદા ન કરવી કે એવી વાતો થતી હોય તો આપણે દૂર રહેવુ.ભલે સાવ સાધુ ન બને પણ ફરક તો પડશે જ…એ સંયમ શીખશે.એવી જ રીતે  કયારેક પેન કે પેન્સિલ જેવી નાની વસ્તુ હોય પણ જો બાળકને શીખવ્યુ હોય કે ન લેવાય તો એ લલચાશે નહી.

બાળકને સંયમ શીખવતા પહેલા માતા પિતાએ સંયમ રાખવો પડે.માત્ર ભૂખ તરસ કે વસ્તુઓની લાલચ ઉપર જ નહી,ગુસ્સા,દુઃખ અને નિરાશા ઉપર પણ.પોતે નાની નાની વાત પર ગુસ્સે થાય તો બાળકને શું સલાહ આપે ?

અત્યારે માણસ વિદેશમાં વસતા લોકો સાથે વાત કરી શકે છે પણ પડોશી કે પછી એક જ ઘરના લોકોને એકબીજા સાથે વાત કરવાનો સમય નથી.એટલે લાગણીઓ પોષાવાની બદલે શોષાઇ રહી છે.માણસ તણાવમા રહે છે અને નાની નાની. વાતમા અમુલ્ય જીવન ટૂંકાવી દે છે.આ સમયે સંયમ રાખવો જરૂરી બની જાય છે. જો એ એક ક્ષણ પણ જળવાઈ જાય તો ઘણા જીવન બચી જાય.

_________________________________

૬) અર્ચના શાહ 

સંયમ એટલે સં + યમ,

અંષ્ટાગ યોગ માં આવતા  આઠ અંગો માં નું પહેલું અંગ “યમ”.

યમ નો સમ(યોગ્ય) રીતે જીવન માં આચરણ કરીયે તો આપણા આત્મા ને ઉન્નતી તરફ લઈ જઈ. શકીએ. 

શાસ્ત્રોમાં, યમ પાંચ પ્રકારના કહ્યા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ,અને અપરિગ્રહ.

સાચો સંયમ આ પાંચેય પર જ્યારે સંયમ રાખીયે ત્યારે જ કહેવાશે સંયમ કોઈ  વસ્તુ , વ્યક્તિ, કે સ્થળ ,એટલે કે કોઇ ભૌતિક વસ્તુઓ માટે જ નથી. 

પરંતુ આપણા વિચારો સાત્વિક હોવા જોઈએ આપણું આચરણ પણ સંયમિત હોવું જોઈએ.

આમ, બધામાં સંયમ હોવો જરૂરી છે .

અહિંસા એટલે કોઈની પણ મનથી કે તનથી હિંસા ન કરવી.ખરાબ ના વિચારવું. તેને ક્ષતિ ના પહોંચાડવી 

અસત્ય ન બોલવું 

ચોરી ન કરવી 

શારીરિક અને માનસિક ખરાબ વિચારો થી બન્ને રીતે બ્રહ્મચર્ય પાળવું.

અપરિગ્રહ એટલે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો.આ જ સંયમ છે.

 આમ જીવનમાં સંયમપૂર્વક જીવવાથી આપણો આત્મા પરમાત્મા તરફ વધારે ને વધારે પ્રયાણ કરે છે સંયમ હે ચારિત્ર્યનુ ઘડતર કરે છે અને વિચારોનો પણ શુદ્ધિકરણ કરે છે.

__________________________________

૭)  રીટા ભાયાણી

શબ્દ સંખ્યા : ૫૮૯

રામાયણ જીવતા શીખવે છે. મહાભારત રહેતા શીખવાડે છે.ગીતા કમૅ શીખવે છે જયારે ભાગવત મૃત્યુની પરિભાષા આપે છે.

આ દરેક ગ્રંથ અને તેના પાત્રો, એટલે આપણો ખરો વારસો ને આપણે તેના વારસદારો. કેટલું બધું સમાયેલું છે..! અલગ -અલગ મનુષ્ય અવતાર, આયુ અનુસાર વિવિધ આશ્રમો,લાગણીઓ, પ્રેમ, સંવેદના, શાણપણ, સત્ય, નિષ્ઠા, મર્યાદા, ત્યાગ, બલિદાન સંબંધોના તાણાવાણા..

વળી, એ થી વિપરીત; અપેક્ષા, તિરસ્કાર, વેર, કુટનીતિ, અન્યાય,ગુસ્સો, વાદવિવાદ, વાણીનો અતિરેક…  કંઈ કેટલુંય..!

પરંતુ, 

આ બધાંનો અંતે નિષ્કર્ષ શું?

આ બધાં થી અંતે લાભ શું?

આ બધાં ખરેખર પામ્યા શું?

અને,

આ બધામાંથી  આપણે શીખ્યા શું?

નિષ્કર્ષ માત્ર ને માત્ર એટલો જ;

દરેક વખતે એજ સર્વસ્વીકૃત કે જેણે પોતાના મન ઉપર, તેના થકી વિચારો પર ને સંસ્કારોની ઉપર વિજય મેળવેલ. જો મનઃસ્થિતી ઉપર વ્યક્તિનું સંપૂર્ણ અધિપત્ય હશે, તો વિચારો ઉચ્ચ બનશે ને તેને જીતી શકાશે. અતઃ સંસ્કારો તો ખીલી જ ઉઠવાના.

પરંતુ, આ બધા માટે સર્વપ્રથમ જરૂરી છે. મન ઉપર વિજય, મર્યાદામાં મન , એટલે કે 

સંયમ.

 જો મન કાબુમાં તો જીવન ખુશહાલ ને આ પૃથ્વી જ સ્વગૅ.

આ પૂન્જી જો ગાઠે તો કોઈ પણ પરિસ્થિતિ સારી કે ખરાબ, કોઈ પણ સંકટ એ પછી આર્થિક ,સામાજિક, શારીરિક કે માનસિક કેમ ન હોય?

રામાયણમાં ભગવાન શ્રીરામને રાજ્યાભિષેકને બદલે વનવાસ,સ્વયં પિતા દશરથના કહેવા છતાં, માતાની આજ્ઞા ને પિતાના વચન પાલન અર્થે હસતા-હસતા અરણ્ય પ્રયાણ, સીતાજીનું રાવણે કરેલ અપહરણ, યુદ્ધ દરમિયાન લક્ષ્મણનું મુર્છિત થવું,

આ દરેક અન્યાયપૂર્ણ, વિકટ કે અનિચ્છનીય પ્રસંગે અતિશય ધીરજપુર્ણ, સાલસ ને વિવેકી વર્તણૂંક.. મન ઉપર નિયંત્રણના, ને તેના થકી વૈચારિક શક્તિની મજબુતી ને ઉત્કૃષ્ઠ સંસ્કારના દર્શન કરાવે છે. હરેક કઠિન પરિસ્થિતિમાં પણ સંયમિત રહેવું, કયારેય ડરવું નહીં. કોઈ દ્વેષ કે પીડા મનમાં સંઘરી ન રાખી.., ખંખેરીને નવા કાર્યનો આરંભ કરવો. કોઈ પ્રત્યેનું વિષ તેને નુકશાન નથી કરતું, પણ આપણને ચોક્કસ કોરી ખાઈને ખોખલા બનાવી દેશે. મન એટલું નિબૅળ બની જાય છે કે સારાઅસારનું ભાન ભુલાવી દે છે. અરે ..,દેશાગમન સમયે પણ એમણે સવૅપ્રથમ ચરણસ્પર્શ ,માતા કૈકેયી કે જે એમના વનવાસનું કારણ હતા તેના કરેલા..! માટે જ તો એ ‘મર્યાદા પુરુષોત્તમ ‘કહેવાયા. હાર્દ એટલું જ કે ‘જીવનમાં આવેલાં કોઈ પણ ઝંઝાવાતનો ડટકર મુકાબલો કરવો હશે, તો મનની મજબુતી આવશ્યક છે.’ મુશ્કેલ પરિસ્થિતિઓ નિરંતર આવશે જ, માત્ર પ્રકારો કદાચ અલગ હોય.

અહીં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ સાહેબની આત્મકથા ‘અગનપંખ ‘માં વણૅવેલ એમનાં બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. કલામજી અને એના પિતરાઈ ભાઇ બન્ને નાળિયેરીના ઝાડ ઉપર ચડ્યા હોયછે , એકાએક જોરદાર પવન ફૂકાવા માન્ડે છે, જાણેકે વાવાઝોડું! બન્નેના પિતા દોડી આવ્યા. કાકાએ પુત્રને રાડ પાડી: ‘જો જે હો..પડીશ ,ધ્યાન રાખજે.’ ને બાળ કલામજીના પિતાએ સ્વસ્થતા ને મક્કમતાથી કહ્યું: ‘ધીરે ધીરે પકડીને નીચે ઉતારી જા.’ કાકાની એકાએક રાડ , ને પિતરાઇનો હાથ છુટી ગયો. અહીં સર્વપ્રથમ ચૂક કાકાની , જો એ ભયની લાગણીના બદલે શાંતિ રાખી શક્યા હોત તો..? બાળ માનસને જ આત્મવિશ્વાસના પાઠ શિખવવામાં આવે , તો એ ભવિષ્યમાં આવતી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો આસાનીથી ઉપાય શોધી શકે કે એને નિવારી શકે. બાળકોને જો નાનપણમાં જ સુખ-દુઃખ, પાસ-નાપાસ આગળ આવવું કે ક્યારેય પાછળ રહી જવું, એ દરેક વખતે સમતુલા રાખતા નાના-નાના પ્રસંગો દ્વારા શીખવીએ , તો એ ક્યારેય નાસીપાસ ન થાય. બાકી અત્યારે તો પ્રાથમિક શાળામાં પણ માતા- પિતા અને બાળક એક-એક ગુણ માટે રડવા બેસી જાય છે.

અહીં, ફકત મુશ્કેલીઓમાં જ સંયમ કે સમતા આવશ્યક છે એવું જરાયે નથી. આપણે સત્તા, પૈસા, રુપને કારણે છકેલા લોકો પણ અસંખ્ય જોયા જાણ્યા છે. પરંતુ, સત્તાની ખુરશી હંમેશાં મુછમા હસતી હોય છે કે, હે મનુષ્ય.. તારા પહેલાં અહીં અનેકો આવ્યા ને ગયા, કોઈ મને સાથે લઈ જઈ શક્યું નથી! ને.. ખુરશી ગયા પછી ‘સાહેબ’નો કોઈ ભાવ ન્હોતા પુછતાં એ આ સગી આંખો એ જોયું છે! માટે સત્તા ને સંપત્તિ સાથે નથી આવતા. કાયમી તો આપણા વાણી વર્તનની સુવાસ રહે છે. એ કાયમી સોડમ માટે ઉત્તમ સંસ્કાર આવશ્યક છે ને એ માટે સ્થિર મન જરૂરી છે. ‘અતિ હંમેશાં વર્જ્ય ગણાય.’  પછી એ વાણી , વર્તન, લોભ, મોહ,લાલચ, કુડકપટ, સત્તાલોભ,સત્તામદ, સંપત્તિ કે અતિ લાગણી, પ્રેમ, અપેક્ષા ગમે તે હોય.. પણ હાનિકારક છે. નિરંકુશ કંઇ પણ, ભલે એ વપરાશ હોય કે પછી દમન હોય નુકશાન નોતરે છે. સ્પ્રિંગને વધુ પડતી દબાવીએ તો એ છટકે, ને સ્થિતિસ્થપકતા ગુમાવી દે છે. માટે વધુ પડતો મન ઉપર કાબુ પણ વિષમતાઓ નોતરે છે. એટલે જ સમતા, સ્થિરતા, સંયમ અતિ આવશ્યક છે.

સુપ્રસિદ્ધ અમિતાભ બચ્ચનજીનું જીવન એટલે ‘રોલરકોસ્ટર’ની સફર જાણે..! અનેક ફ્લોપ ફિલ્મો, પછી સફળતા ના શિખર ઉપર, ફરી કોઈ કારણે આર્થિક ફટકો, સામાજિક બદનામી, માનસિક પરિતાપ, વળી નવી સફર .. ને અતિ સફળતા અને સમ્માન, છતાં નોંધપાત્ર સાલસતા. પરંતુ , આ બધા પાછળ માત્ર ને માત્ર એક જ કારણ મનની મજબુતી, મનની સ્થિરતા, મન પર કાબૂ અર્થાત ‘સંયમ’.

અતઃ  ‘ઐશ્વર્યનો મિથ્યા અહંકાર ટાળવો કે માથે ગમે તેવા સંકટના વાદળો ઘેરાયેલા હોય ધીરજ ગુમાવવી નહીં.’

_________________________________

_૮) શ્રદ્ધા ભટ્ટ

શીર્ષક- લગામ

શબ્દો-૩૮૮

સંયમ. ફક્ત ત્રણ અક્ષરનો શબ્દ. લખાણમાં અને બોલચાલમાં કેટલો સહેલ લાગે છે? પણ જીવનમાં એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો એટલો જ અઘરો છે. ઘણી જગાએ વાંચ્યું હોય, સંયમિત જીવન જીવવું જોઈએ. લોકો પાસેથી સાંભળ્યું હોય, થોડો સંયમ રાખતા શીખો. આ શીખવું, જાત પર સંયમ રાખતા શીખવું એ ખરેખર તો ગજબનું કપરું કામ છે! 

ધર્મના દસ લક્ષણોમાનું  એક છે – ઇન્દ્રિય પર સંયમ. ઇન્દ્રિય નામ પડ્યું છે ઇન્દ્ર પરથી. ઋગ્વેદમાં  ઇન્દ્ર માટે એક સરસ વાક્ય કહેવાયું છે. – इदम् द्रष्टा इति इन्द्र: 

જે જુએ છે તે ઇન્દ્ર. અહી ઇન્દ્રને  કોઈ સ્થૂળ દેહધારી દેવના પ્રતીક તરીકે નથી લેવાયો. ઇન્દ્ર એ છે આપણ બધામાં વસે છે. જે બધે જ છે, જે બધું જ જુએ છે. ઇન્દ્ર પરથી નામ આવ્યું ઇન્દ્રિય. ઇન્દ્રિયોના સ્વામી એટલે ઇન્દ્ર. 

હવે પ્રશ્ન એ થાય કે ઇન્દ્રિય પર સંયમ રાખવો એટલે શું? સ્થૂળ રીતે જોઈએ તો આ વાતનો અર્થ નીકળે માનવ દેહની ઇન્દ્રિયો પર સંયમ કરવો. પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી બનેલો આ દેહ. એની ઇન્દ્રિય પર સંયમ મેળવવાની વાતો ઘણી થાય છે. નિગ્રહ કરો, મન મક્કમ કરો એટલે બધું જ શક્ય છે – ઉપદેશો પણ ઘણા અપાય છે. પણ ખરેખર સંયમ શક્ય છે ખરા? 

કર્મેન્દ્રિય એટલે જેના થકી દૈહિક કર્મ થાય એ. જ્ઞાનેન્દ્રિય એટલે જેના થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બંને મૂળ તો એકમેક સાથે જોડાયેલા છે. આંખથી જોવાનું કર્મ થાય, પણ દ્રષ્ટિ જ્ઞાનથી વિકસે. કાનથી સાંભળીએ પણ જે સાંભળ્યું એની સમજ જ્ઞાનથી મળે.

સંયમ રાખવાનો સ્થૂળ અર્થ થાય – ઇન્દ્રિયો થકી જે દૈહિક સુખ મળે છે એના પર નિયંત્રણ રાખવું. આ અર્થ અને એને પામવા માટેના પ્રયત્નો બધા જ કરે છે, પોતપોતાની આવડત મુજબ. મારે અહીં વાત કરવી છે સંયમમાં સૂક્ષ્મ અર્થની.

ગીતામાં કહ્યું છે કર્મશીલ રહીને ય જે સંયમિત મનથી કર્મ કરે છે એ મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે. 

અહીં કર્મશીલનો અર્થ થાય, કર્મને પ્રાધાન્ય આપી જીવન વ્યતીત કરવું. મનને સંયમિત રાખવું એટલે? 

ઇન્દ્રની વ્યાખ્યા જુઓ. જે જુએ છે તે ઇન્દ્ર. આપણી અંદર જ રહેલી એક એવી પરમ શક્તિ કે બધું જ જુએ છે. આપણા બધા જ કર્મો પરનું નિયંત્રણ મનની અંદર છે. સંયમ નામનું એ તત્વ સીધું મન સાથે જોડાયેલું છે. મન પર કાબૂ કરતા શીખી જવાય તો સંયમ આપોઆપ આવી જાય.

અહીં દૈહિક કર્મોને ત્યાગવાની કે નિયંત્રણ માં રાખવાની વાત નથી. મનની શક્તિથી મનને લગામ કસવાની વાત છે.

આંખને બંધ નથી કરવાની કે આંખ સામેના દ્રશ્યને પરાણે અવગણવાનું નથી. મન થકી દ્રષ્ટિને ફિલ્ટર કરવાની છે. 

*સંયમ સહેલ છે, બસ મનને નાથવાની લગામ પાસે કામ લેતા આવડવું જોઈએ.*

__________________________________

૯) નસીમ વિસાની

શબ્દ સંખ્યા : ૨૭૫

જીવનમાં શાંત રહો, સત્ય પર ચાલો, દઢ રહો, મનમાંથી હિંમતપૂર્વક ડરને મારી હટાવો મન જ રાજા છે

સમાજનો, ધર્મનો કે સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરવા કરતાં હૃદયનો જીર્ણોદ્ધાર કરશો તો બાકીનું બધું આપોઆપ થઈ જશે.

ઘર કેવી રીતે બાંધવું એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ એમાં સુખેથી કેમ રહેવું એ ભાગ્યે જ કોઈ જાણે છે

· જેમ વૃક્ષ પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતર ખેંચીને દઢ, મજબૂત અને સમૃદ્ધ બને છે તેમ દુઃખો સ્વીકારી, સમજીને સહન કરવાથી વ્યક્તિ પણ તાકાતવર થાય છે

· પારકા માટે પગથિયું ન બની શકો તો કંઇ નહિ , પણ ચાલનારના માર્ગમાં ખાડારૂપ તો ન જ બનશો

· બે દુ:ખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે. પણ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઇ જાય છે. આ છે સુખ ભયંકર છે એ વાતની સાબિતી

· જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય શકે છે પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહાન મૂર્ખ હોય છે

· દરરોજ ફક્ત પાંચ મિનિટનું સંકલ્પબળ અને તેની સાધના વ્યકિતનું જીવન બદલી શકે છે

· પાપ અને સાપ વચ્ચેનો મોટો ભેદ સાપ એક વખત મારે છે. જ્યારે પાપ ભવોભવ મારે છે.

· જીભ ને હાડકા હોતા નથી પણ જીભ જ હાડકા ભંગાવે છે

· સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે, તો હ્રદયમાં આવતી પ્રેમની ભરતી સામી વ્યકિતમાં રહેલા દોષોને ખેંચી જાય છે.

· દરેક વ્યકિત જ્યાં આપવાની વાત કરે છે , ત્યાં રામાયણ સર્જાય છે અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે

· અનોખો દાખલો દુનિયાને દઇ જા , અવિચળ જે રહે તે વાત કહી જા ,પછી સમ્રાટનો સમ્રાટ થજે , હે , માનવ!

· પ્રથમ સહુનો થઇ જા બધું જ લૂંટાઇ ગયા પછી પણ ભવિષ્ય તો બાકી બચેલું જ છે

· બધી કળાઓમાં શ્રેષ્ઠ કલા છે , હળીમળીને સાથે રહેવાની કળા.

· ઉધમ , સાહસ , ધીરજ બુદ્ધી,શક્તિ, અને પરાક્રમ આ છ ગુણ જેનામાં હોય છે તેને નસીબના દેવતા હંમેશાં સહાય કરે છે.

________________________________

૧૦)  પંચશીલા હિરાણી ( પંછી )

સ્વથી સાક્ષાત્કાર કરવો  કોને ન ગમે? પણ !!!! શું એ એટલું સરળ છે? બધાને ખબર છે કે ના, એટલું સરળ નથી, તો પછી શું છે જે એમાં બાધક બને છે?

કદાચ આપણું અજ્ઞાન, ધીરજનો અભાવ, માયામાં લોપાય જવુ, ઇન્દ્રિયોની ગુલામી, પરસ્પરના સંબંધોની કટુતા કે પછી ચિત્ત, બુદ્ધિ અને અહંકારના ઈશારે ભટકતાં રહેવુ.

તો ક્યારે પ્રકાશમાન થશે એ માર્ગ ? ક્યારે મળશે એ મંઝિલ ? ક્યારે ઉદય થશે જ્ઞાનરૂપી સૂરજનો ? ક્યારે ખિલશે આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ ? આ બધા જ પ્રશ્નોનો એકમાત્ર જવાબ છે *સંયમ*. જ્યાં સુધી કોઈ વ્યક્તિ સંયમના માર્ગે આગળ વધશે નહીં ત્યાં સુધી જ્ઞાનરુપિ અરુણોદય થવો શક્ય જ નથી. વાણી પરનો આપણો *સંયમ* આપણને સંબંધોની શ્રેષ્ઠતા ના શિખરે પહોંચાડે છે.તો વિચારોનો *સંયમ* આપણી વિધાયક ઊર્જાનો સંચય કરી નવચેતના પ્રદાન કરે છે. ઇન્દ્રિયોનો સંયમ ઉત્તમોતમ ચારિત્ર્યનું નિર્માણ કરી, વ્યક્તિને પતનના માર્ગે થી પાછી વાળી ઉન્નતિના માર્ગે અગ્રેસર રહેવા પ્રેરે છે. પ્રકૃતિ પણ આપણને સંયમથી જીવતા રહેવાની સતત પ્રેરણા આપે છે.

*સંયમ* એ આંતરિક જાગૃત હોવાની નિશાની છે. બાકી યંત્રવત ચાલતા આપણા જીવનમાં જો સંયમરુપી બ્રેક ન હોય તો, આપણું જીવન બરબાદ થતા ક્ષણ પણ લાગતી નથી.  સંયમથી માન મળે, સંયમથી આંતરિક ચેતના આળસ મરડીને નવ પલ્લવિત બને, અને સંયમથી સ્નેહ મળે, *સંયમ* થકી માયાથી પર થઈ પરબ્રહ્મની પ્રાપ્તિ થઇ શકે છે.મનુષ્યનો આંતરિક અને બાહ્ય  વિકાસ *સંયમ* વિના શક્ય જ નથી. ઉત્તમ ચારિત્ર્ય ની ટોચ પર સંયમ પહોંચાડે, અને *સંયમ* થકી વ્યક્તિ આદર્શ જીવન જીવવા તરફની પગદંડી તરફ આગેકૂચ કરે. ઈશ્વરની સમીપ રહેવાનો એક માર્ગ *સંયમ* પણ છે. 

જેમ નાના કુંડામાં કદી કોઈ મોટું વૃક્ષ પાંગરતું નથી તેમ *સંયમ* વિનાના માનવીનું જીવન ઘડતર કદી શક્ય બનતું નથી. જેમ ચંદન છે ત્યાં સુગંધ કાયમ રહે જ છે, તેમ *સંયમ* થકી વ્યક્તિ સતત ને સતત પ્રગતિ તરફ આગળ વધતી જ રહે છે. એક આદર્શ ઉચ્ચ વિચારધારા વાળું જીવન જીવવું જરા પણ અશક્ય નથી જો આપણે આપણી વાણી વર્તન અને ઇન્દ્રિયો પર *સંયમ* મેળવી શકીએ તો.

  સંયમ થકી અણમોલ એવા આ મનુષ્ય જીવનને પુષ્પની માફક 

 શકાય. અને એ વ્યક્તિત્વની સુગંધ ચોમેર પ્રસરાય જેના જીવન માં *સંયમ* છે…

__________________________________

૧૧) મીરા ડી વ્યાસ

શબ્દ સંખ્યા : 599 

તમારા મન અને ઈન્દ્રિયો ૫ર સંયમ રાખો, સદ્ ગુણો અ૫નાવો, આત્માના સાચા સ્વરૂ૫ને જાણવાનો પ્રયત્ન કરો. આત્માનું નિયમિતરૂપે ઘ્યાન કરો. તો જ તમે એ ખૂબ ગંભીર અસીમ આનંદ તથા અમરત્વને પ્રાપ્ત કરી શકો તથા અમર૫દ સુધી ૫હોંચી શકશોઆશરીરને જ આત્મા માની લેવો તે સૌથી મોટું પા૫ છે. એ ભ્રમનો ત્યાગ કરો અને સંયમી બની વાણી, વર્તન અને વ્યવહાર પર કંટ્રોલ કરવો જોઈએ, 

અવિદ્યા અને અજ્ઞાનના ઊંડા કૂવામાંથી બહાર નીકળો અને જ્ઞાનરૂપી સૂર્યની ઝગમગતી જયોતિને અંતરમાં ધારણ કરો. આ જ્ઞાનમાં બીજાઓને ૫ણ સાથી બનાવો.સંયમ અપનાવી  અ૫વિત્ર ઈચ્છાઓ અને કામુક લાલસા તમને બહેકાવી દે છે તેથી તેના પર કંટ્રોલ કરવો જોઈએ , 

ઇન્દ્રિયો દ્વારા મન અને મગજ પર કંટ્રોલ કરી શકાય પરંતુ આપણુ મન 

બહુ ચંચળ છે જો સંપૂર્ણ પણે તમે ઇશ્વરને શરણે થાવ તોજ સંયમ મળેછે, 

તેથી એ ૫ણ ના ભૂલો કે માનવજીવનનો મુખ્ય ઉદ્દેશ અને અંતિમ લક્ષ્ય આત્મસાક્ષાત્કાર કરવો એ જ છે. ખોટા બાહ્ય આડંબરો અને માયાના મિથ્યા પ્રપંચોમાં ના ફસાશો. કલ્પનાનાં મિથ્યા સ્વપ્નોમાંથી જાગો અને હલકાં નિરર્થક પ્રલોભનોની જાળમાં ફસાયા વગર નક્કર અને જીવતી જાગતી અસલિયતને ૫કડો. તમારા આત્માને પ્રેમ કરો કારણ કે આત્મા જ ૫રમાત્મા યા બ્રહ્મ છે. તે જ સજીવ મૂર્તિમાન સત્ય છે. આત્મા શાશ્વત છે તેથી આત્મામાં જ નિરંતર રહો. તમે જ બ્રહ્મ છો. એને ઓળખો. આ જ વાસ્તવિક સંયમ છે, 

શાસ્ત્રમાં વાણીને બ્રહ્મની ઉપમા આપીછે જ્યારે આપણે વાણી બોલીએ છીએ ત્યારે આપણા મન પર નહી સમગ્ર આખા સંવાદ પર પડઘાપડે છે માટે સંયમ રાખી બોલવુ જરૂરી છે કોઈ પણ વ્યક્તિ ને કઠોર વચન કહેવા એ કંઈ સાર નથી, 

શબ્દો કયારેક ઝેર જેવુ કામ કરે છે તો કયારેક અમૃત પણ બની જાયછે માટે જ 

અઠવાડિયે એક વાર મૌન ધારણ કરવુ જોઈએ ધાર્મિક અને આધ્યાત્મિક બની સંયમ રાખવો જરૂરી છે, 

માણસે આ મોહ, માયા, અહમ બધુ ત્યાગીને સંયમ ની રાહ અપનાવવી જોઈએ,

_________________________________૧૧૨) હિના મહેતા

શબ્દ સંખ્યા:-૧૩૦

સ્વ વડે નિયંત્રિત થતાં ભાવનાનો આવેગ એટલે સંયમ.એ બહુરૂપી હોય જેમકે વાણી ઉપર, લાગણીઓ ઉપર, બીજા ઉપર રખાતી અપેક્ષાઓ ઉપર, પ્રસિદ્ધિ ની ચાહના,ધન કમાવવાની આંધળી દોટ ઉપર , ખોરાક ઉપર , બીજા કરતાં હું જ શ્રેષ્ઠ છું એ અહંકાર ઉપર, સંબંધોમાં વગેરે…

સંયમ રાખતા પહેલા વ્યક્તિ ને પોતાના વિકારો વિશે જાણકારી હોવી જોઈએ અને  

ત્યારબાદ એ દોષ થી મુક્ત થવાની ઈચ્છા.જો મનુષ્ય પોતાના દોષો ને ઓળખી એમાંથી બહાર નીકળી એક શિસ્તબદ્ધ જીવન ની શરૂઆત કરે છે તો એ સંયમિત જીવન કહી શકાય.

સામાન્યમાંથી સંયમિત જીવન પ્રણાલી માટે યોગ, ધ્યાન, સદગુરુ નું માગૅદશૅન સંજીવની નું કામ કરે છે.સંયમમા નિયમોનું પાલન કરી માનવ એક દિવ્ય અને અલૌકિક આનંદ ની અનુભૂતિ કરી શકે છે.

પ્રકૃતિનું રૂતુ ચક્ર પણ સંયમિત હોય છે જો એમાં કાંઈ ઉતારચઢાવ આવે તો પ્રલય સજૉય છે.મનુષ્યને જો લયબદ્ધ જીવન જીવવું હોય તો સંયમ એ માત્ર વિકલ્પ છે.

__________________________________

૧૩) મિત્તલ ગાઠાણી.

શીર્ષક-હું અને મારો સંયમ

શબ્દ સંખ્યા: ૪૦૩ 

આમ તો લગભગ આપણે દરેક લોકો સંયમનો અર્થ ખુબ સરસ રીતના સમજતા જ હોઈએ છીએ. સાદી ભાષામાં કહીએ તો સંયમ એટલે બને ત્યાં સુધી મનને કોઈ વસ્તુ કે પરિસ્થિતિમાંથી વાળવાનો પ્રયત્ન કરવો.

સંયમ કેળવવા માટે ઘણી બધી ચર્ચાઓ પહેલેથી થતી જ આવી છે માટે આજે હું એમાં કોઇ વધારો નહીં કરતા લોકડાઉન દરમિયાન મારી જિંદગીમા સંયમ કેળવવા માટે મેં કરેલા અનુભવોનું થોડું અનાવરણ અહીં કરીશ.

સંયમ કેળવવો એટલે કોઈ વસ્તુ વાપરતા કે કોઈ પરિસ્થિતિ માં સરતું રોકવા માટે મનને મારવું એવું નથી.

 સંયમ કેળવવો એટલે જે તે વસ્તુ કે પરિસ્થિતિ વગર પણ રાજીખુશીથી ચાલે છે એવું મનને સમજાવવું. 

કોરોનાના કપરાં કાળ દરમ્યાન આપણે સૌએ એક રીતે તો સંયમના પાઠ જ ભણ્યા છે. આપણે બધાએ જાણ્યું કે બહારનું ખાધા-પીધા વગર, કામવાળાની સેવા લીધા વગર, મોંઘાદાટ કપડાં પહેર્યા વગર માત્ર સાદગીથી જરૂરી વસ્તુઓનાં વપરાશ સાથે પણ આપણે બધા કેટલું સરસ રીતે જીવી શકીએ છીએ. આટલું સાદગીપૂર્વક જીવન આપણે અંદાજે બે મહિના જેટલું જીવ્યાં પરંતુ શું તમે ક્યારે તમારા મનમાં અસંતોષ હોય એવું અનુભવ્યું?

મને ખાતરી છે કે આ પ્રશ્નનો જવાબ ‘ના’માં જ હશે. જ્યારે આપણે જીવનમાં સંયમ કેળવવાના પગથિયા ચડવાની શરૂઆત કરવા માંડીએ છીએ ત્યારે આપણે સમજી શકીએ છીએ કે સંયમ કેળવવા માટે બળજબરીથી મનને મારવું જરૂરી નથી. કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે સંયમિત ત્યારે જ બની શકે જ્યારે તેના મનમાં સંતોષ નામના બીજનું રોપણ થાય. જો તમને મનથી જ કોઈ વસ્તુ કે પરિસ્થિતિ માટે સંતોષ ન હોય છતાં પણ જો તમે તમારા મનને અટકાવો તે વસ્તુ કે પરિસ્થિતિ તરફ જતાં, તો એને મનને મારવું કહેવાય નહીં કે સંયમ માં રાખવું.

જ્યારે મેં પણ સંયમિત જીવન શૈલી જીવવાની શરૂઆત કરી ત્યારે મેં પણ આપણી રોજિંદી દિનચર્યામાં ડગલેને પગલે ઘણી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો કે જ્યારે અમુક ક્ષણોમાં મને થયું કે શા માટે હું આ વસ્તુથી કે પરિસ્થિતિ વિના જીવવાની કોશિશ કરું છું? પરંતુ જેમ-જેમ મારું જીવન સંયમિત થતું ગયું તેમ તેમ મન પણ સંતુષ્ટ થતું ગયું. 

માત્ર અમુક કપડા ન પહેરવા, અમુક વસ્તુઓ ન ખાવી, અમુક વસ્તુઓ ન બોલવી, અમુક વસ્તુઓ ન વાપરવી એ જ સંયમ નથી. સંયમિત જીવનનું પ્રથમ પગથિયું આ બધું હોઈ શકે પરંતુ જ્યારે તમે સંયમિત જીવનની ચરમસીમા પર પહોંચો ત્યારેજ તમે સમજી શકો કે જીવનમાં જ્ઞાનથી વિશેષ કાંઈ જ નથી કોઈપણ ભૌતિક વસ્તુનું સુખ એની તુલનામાં આવી શકતું જ નથી. મારા મતે તો સંયમિત જીવન ઈશ્વરે આપેલી અણમોલ જીંદગી જીવવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. માટે જ હું હરહંમેશ ઈશ્વરને એ જ પ્રાર્થના કરું છું કે-

 હે પ્રભુ! મને જીવનની નિસરણી

સંયમ ના સોપાનથી ચડાવજો.

_________________________________________________

મુંબઈ

૧) મીનાક્ષી વખારિયા 

શીર્ષક : આત્મસંયમ

શબ્દ સંખ્યા : ૨૧૪

‘આત્મસયંમ’

સંયમ એટલે શું? 

પોતાની વૃતિઓનું, ઇચ્છા આકાંક્ષાનું દમન કરવું? આ તો સરાસર અન્યાય છે. બુદ્ધિપૂર્વક, હકારાત્મક વિચાર, મનન કરીને જાત માટે ધીરજપૂર્વકનો સંયમ સાધવો એ જ ખરી સાધના છે. 

આજે કોઈને પણ બંધન ગમતું નથી. તોય સહુને પોતપોતાની ચાદર કેટલી લાંબી છે એ ખબર હોવી જોઈએ અને એ પ્રમાણે જ પગ ફેલાવા જોઈએ, એ વાત તો ગાંઠે બાંધવી જ જોઈએ. સુખમાં છકી નહીં જવાનું કે દુઃખમાં નાસીપાસ નહીં થવાનું. આચાર, વિચાર, વાણીનું સમતોલન સાધી જીવન વ્યવહાર નિભાવતા  રહેવું.

હમણાંનો જ દાખલો લઈએ. આજે આપણે બધાં લગભગ ત્રણેક મહિનાથી લોકડાઉન જેવી સ્થિતિમાં પોતાના જ ઘરમાં નજરકેદ ભોગવી રહ્યાં છીએ. ચાર જોડી કપડામાં આરામથી જીવી રહ્યાં છીએ. મોલમાં ખરીદી કરવા નથી ગયાં. હોટલમાં ખાવા નથી ગયાં તોય આપણે ખુશ છીએ, જીવતાં છીએ. જ્યાફત કે મિજબાનીઓ નથી કરી. ફિલ્મો નથી જોઈ કે સામાજીક કે કૌટુંબિક મેળાવડા પણ નથી કર્યા. આપણું શું બગડી ગયું? કશું જ નહીં. આપણી તબિયત અને પર્યાવરણ સુધર્યા કે નહીં? 

ઉલ્ટાનું ઓછા ખર્ચે પણ, બહુ જ ઓછી જીવન જરૂરિયાતની ચીજોથી પણ મજાથી જીવી શકાય છે કે નહીં? આજે લોકડાઉનને લીધે આપણને આત્મનિર્ભરતા આત્મસંયમનો પાઠ શીખવા મળ્યો છે. જે ખરેખર તો આપણાં સારા માટે જ છે. ભવિષ્યમાં પણ આ રીતે સંયમિત જિંદગી જીવતા રહીશું તો જીવતરનો ખરો આનંદ માણી શકીશું. આવનારી પેઢીને પણ સંયમના પાઠ શીખવાડી શકીશું જે એમને ખૂબ જ ઉપયોગી થશે.

_________________________________

૨)  શિલ્પા શેઠ “શિલ્પ

શીર્ષક -સંયમ 

શબ્દ સંખ્યા -૧૩૨

ક્રોધ પર અંકુશ રાખે એ જ નથી સંયમ, 

ક્રોધને ઓગાળી શકે એ જ ખરો સંયમ. 

વાણીપર પ્રભુત્વ રાખે એ જ નથી સંયમ, 

માનથી જે સમજાવી શકે એ જ ખરો સંયમ. 

“શિલ્પ”

   સંયમ…પોતાની ઇન્દ્રિયો પર મેળવેલો વિજય. અકારણ કે સકારણ બનેલી ઘટનાને સમજી, અર્થઘટન કરી એની અવળી અસર મન,વાણી કે વિચારોમાં ન થવા દેતા એને સકારાત્મક રીતે આત્મસાત કરી જીવનને ઉચ્ચ ધ્યેય તરફ લઈ જવામાં કરવો એ જ સાચો સંયમ. 

ક્રોધ આવે ત્યારે સમજું લોકો મૌન સેવે છે પણ મનમાં એ પરિસ્થિતિ સાથે સમાધાન નથી કરી શકતા અને ઘણીવાર વિનાકારણે પ્રતિશોધમાં લાગી જાય છે. વાણીથી તો સંયમ સેવે છે પણ વર્તનમાં નહીં. ક્રોધ પર સંયમ મેળવવો એટલે ખરેખર બનેલી ઘટના સાથે પોતાની નીતિમત્તાને મૂલવી, સકારત્મક દ્રષ્ટિ કેળવી ઉન્નતિ તરફ પ્રયાણ કરવું. 

     પ્રતિક્ષણ મન અને આત્માને ઉર્ધ્વગતિ તરફ લઈ જતી પ્રક્રિયા એટલે…સંયમ. 

__________________________________

 ૩) જયોતિ ઓઝા

શીર્ષક – સંયમ

શબ્દ સંખ્યા :- ૧૧૦ શબ્દો

                        સંયમ

        સંકલ્પશક્તિનો વિકાસ એટલે જ સંયમ. મનની ઘણી બધી માંગણીઓ હોય છે. પણ અયોગ્ય માંગણીઓનો અસ્વીકાર કરીએ એ જ સંયમ છે. આપણી પાસે ઘણી બધી શક્તિઓનો ખજાનો છે. પણ બહુ જ થોડી શક્તિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. સંયમ એ આપણા શરીરનું મજબૂત મનોબળ દર્શાવતું એક ઉર્જાસ્ત્રોત છે.

        સંયમથી  મનુષ્ય બહારના દબાણોને વશ થતો જ નથી. પ્રભાવિત પણ નથી થતો. સંયમનું સૂત્ર છે  -દરેક કામ સમયસર કરો. નિશ્ચિત સમયે કરો તો તમારી સંયમ શક્તિ પ્રબળ બની જાય છે.

       સંયમ એ એક પ્રકારની પરીક્ષા છે.મન માંગણીઓ કર્યા જ કરે છે. પણ સંયમ થી આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. સંયમ શક્તિનો વિકાસ કરતા રહેવું પડે છે નહી તો આપણું મનોબળ ડગીમગી જાય છે. એટલે એવા કાર્યો કરવા જે તમને સફળતા અપાવે, મનોબળ મજબૂત કરે અને તમને ઉર્જા આપે. એકાગ્રતા ખૂબ જરૂરી છે તે જ તમારા લક્ષ્યને પૂરું કરશે.

      મનનો સંકલ્પ દ્રઢ હોવો જોઈએ. ઘણા બધા કારણોને લીધે આપણા વિચારો બદલાઈ જતા હોય છે. પણ શાંતચિત્તે વિચાર કરી લીધેલા નિર્ણય આપણને જીવનમાં આગળ લઈ જાય છે. સંયમ એટલે વિચારો નું યુદ્ધ મગજ અને મન બંને અલગ-અલગ દિશા સૂચવે છે. પણ જો આપણી મહત્વાકાંક્ષા અને પ્રબળ આત્મવિશ્વાસ હોય તો થોડું જતું કરીને પણ જંગ જીતી શકીએ છીએ.

     સંયમ રાખતા તમે ઘણી બધી જંજાળથી આંટીઘૂંટીમાંથી પણ બચી શકો છો.

__________________________________

૪) બીજલ જગાડ

 શીર્ષક-સંયમ

શબ્દ સંખ્યા – ૧૨૧

*અહમ શૂન્યમ*

*આત્મા પૂર્ણમ*

*સંયમ* એટલે આત્મા – નિયંત્રણની ક્ષમતા – જાત સાથેની મુલાકાત : આત્માના દૃષ્ટિકોણથી કાર્યરત

તમારી જાત પર વિજય મેળવી પોતાને જાગતો, જીવતો and જીતતો કરો એજ સંયમ.

જાત પર નિયંત્રણ છતા એમાં જાત નથી ,ફક્ત ને ફક્ત શુભ ચેતના અને તે શુદ્ધતામાં તમે અસ્તિત્વના સ્વામી છો.

એક ઊર્જા , અને આજ ઊર્જા ના અમર્યાદિત જળાશય ને સ્પર્શી એનો સ્વાદ લઈ , સત્સંગ મા એક પ્રાર્થના ઊઠે છે ત્યારે એકાંતમાં તમારા શુદ્ધ અસ્તિત્વની અનુભૂતિ એટલે *સંયમ પર સ્વયંની આવૃત્તિ* તેથી જ્યારે તમે તમારી જાતને આદર આપો છો એટલે કે અહમથી મુક્ત થાવ છો સાથે સાથે કોઈ પણ ને પ્રભાવિત પણ કરવા માટે  મુક્ત છો અને તે તમારા નમ્ર બનવાનું ઉત્પાદન છે અને બ્રહ્માંડ હંમેશાં એનોજ હાથ ઝીલે છે જે સ્વયમ પ્રેમાળ અને નમ્ર છે.

Leave a comment